Showing posts with label વાલી સંમેલન. Show all posts
Showing posts with label વાલી સંમેલન. Show all posts

August 15, 2026

ફ્રી બ્રેઇન્સ બિલ્ડ્સ ફ્રી નેશન!

ફ્રી બ્રેઇન્સ બિલ્ડ્સ ફ્રી નેશન!

આઝાદી કે સ્વતંત્રતાનો અર્થ 'મને જે ગમે તે હું કરું' એવો ક્યારેય નથી થતો. સ્વતંત્રતાનો સાચો અર્થ એ છે કે દરેક વ્યક્તિ પોતાના જીવનનું તંત્ર 'ક્રિટિકલ થિંકિંગ' કરીને પોતે જ ઘડે. એક સમાજ કે રાષ્ટ્ર તરીકે વૈજ્ઞાનિક અભિગમ કેળવવાની શરૂઆત તેના ભવિષ્યના નાગરિકોથી જ કરવી ફરજિયાત બને છે. ભારતીય દર્શનમાં પ્રશ્નો પૂછવા, જૂના જ્ઞાનને પડકારવું અને કેવળ 'પહેલેથી ચાલ્યું આવે છે' માટે જ સ્વીકારી લેવાને બદલે; તે સમયે શા માટે નક્કી કરાયું હતું અને અત્યારે પણ તે સર્વહિતાય છે કે નહીં. તેની ચકાસણી કરીને જ અમલમાં મૂકવાની વિચારણા કરવા માટે 'યંગ માઇન્ડ્સ'ને તૈયાર કરવા જરૂરી છે. કારણ કે આવાં સ્વતંત્ર થયેલાં મગજો જ એક સ્વતંત્ર રાષ્ટ્રનું નિર્માણ કરી શકે છે.

યુવાવસ્થા એ રાષ્ટ્રની સંસ્કૃતિને આકાર આપવાની અવસ્થા છે. જ્યારે યુવાનોને પોતાની આસપાસ જે ચાલતું હોય તે બરાબર ન લાગે અને તેમનો શારીરિક તથા માનસિક જુસ્સો તે બધાની સામે અવાજ ઉઠાવવા ઉશ્કેરતો હોય, તેવામાં જે મથામણો થાય, જે ધમાચકડી કે અસમંજસ ઊભી થાય. તે મંથનમાંથી જ નવનીત મળે છે. જો તેમને એ મંથન ન કરવા દેવાય કે તેમના એ નૈસર્ગિક જુસ્સાને પ્રગટ થતાં અટકાવવામાં આવે, તો તે કોઈપણ રાષ્ટ્ર માટે અત્યંત જોખમી બાબત છે.

આપણી 'નવા નદીસર પ્રાથમિક શાળા પીએમશ્રી - ગુજરાત 'નો અભિગમ આપ સૌના સૂચનો અને શુભેચ્છાઓને કારણે એવો રહ્યો છે કે શાળાનો કોઈપણ પ્રસંગ વિદ્યાર્થીઓ પોતે જ આયોજિત કરે છે અને તેનો અમલ પણ તેઓ જ કરે છે. મોટેરાઓની ભૂમિકા માત્ર તેમના આયોજન મુજબ મદદનીશ તરીકેની જ રહે છે. આ વર્ષે ૧૫મી ઓગસ્ટની ઉજવણીની જગ્યા બદલવી કે નહીં, વરસાદને કારણે નવા મેદાનમાં વિદ્યાર્થીઓને ઊભા રાખવા કે ન રાખવા – એવી મથામણ ચાલતી હતી. એવામાં વિદ્યાર્થીઓએ વાંચેલા તિરંગા યાત્રાના સમાચાર પરથી પોતે પણ 'આપણે તિરંગા યાત્રા કાઢીશું' તેવું નક્કી કર્યું.

નવા નદીસર ગામનો મિજાજ પણ એ જ રહ્યો છે કે બાળકોના ઉત્સાહમાં ઉમેરો કરવો અને તેમની સાથે રહેવું. ગામમાંથી તિરંગાઓની વ્યવસ્થા તો થઈ જ ગઈ, સાથે નજીકની કોલેજના યુવાનોએ યોજેલી તિરંગા યાત્રામાં ત્રણ રંગનો લાંબો પટ્ટો વપરાયો હતો, તે પણ આપણી શાળાના બાળકો માટે આવી પહોંચ્યો.  પહેલેથી બધું જ આયોજિત ન હોય, પણ જેમ જેમ સૂઝ પડે તેમ કરતા જવાનો આ અભિગમ અમને આનંદની અનેક ક્ષણો આપી ગયો.

યાત્રા શરૂ થવાની જ હતી ત્યાં ગામના યુવાનોને વિચાર આવ્યો કે ડ્રોન વ્યુ લઈએ તો શાળા, ગામ અને તિરંગો – ત્રણેયની એક સુંદર સ્મૃતિ કંડારી શકાશે. યાત્રા દરમિયાન બેન્ડમાં શું વગાડીશું, કેવી રીતે વગાડીશું અને કોણ વગાડશે?  તે બધું તો પ્રમુખ અને ઉપપ્રમુખ તથા સચિવોની ટીમે જ નક્કી કરી લીધું હતું.

સ્વાભાવિક છે કે બેન્ડ વાગતું જાય એટલે ગામના લોકો ઘરોમાંથી બહાર નીકળે. કેટલાકે હાથથી તો કેટલાકે મનોમન તિરંગાને સલામી આપી. અમારા સૌ માટે ભાવનાત્મક ક્ષણ એ હતી કે, એક ઘર પાસેથી પસાર થતી વખતે, જેમ કોઈ માતાજી કે ભગવાનનો વરઘોડો નીકળે ત્યારે તેમને ચોખાથી વધાવવામાં આવે, તેમ જ તેમણે તિરંગાને પણ ચોખાથી વધાવ્યો! સૌ શાળાના કેમ્પસમાં પાછા ભેગા થયા, આનંદપૂર્વક તિરંગા સાથે ફોટોગ્રાફી કરી અને તિરંગો લહેરાવ્યો. સૌ શાળાના બિલ્ડિંગમાં છત સુધી પહોંચી અવનવી વાતો કરીને છૂટા પડ્યા.

બીજા દિવસે પણ આ જ જુસ્સા સાથે જ્યારે ભાષાભવનના આંગણે આપણા તિરંગાને સલામી આપવા ભેગા થયા, ત્યારે સંભળાયેલા 'વંદે માતરમ્'ના નાદથી શાળા કેમ્પસ બહાર દૂર પોતાના વાડામાં કામ કરતા વડીલો પણ બાળપણ યાદ કરીને આ ગીતને માન આપવા માટે સાવધાનની સ્થિતિમાં ઊભા રહી ગયા! આ દ્રશ્ય જોઈને લાગ્યું કે આપણી શાળાની ભૌતિક સીમાઓ હોઈ શકે, પણ તેની ભાવાત્મક બાબતોની કોઈ જ સીમા નથી.

દૂર-દૂરથી આવેલા વાલીઓ સાથે વાલી મિટિંગ દરમિયાન તેમના પ્રશ્નો, બાળકોના ભવિષ્ય અંગેની ચર્ચાઓ અને તેમનો આનંદ સચવાય તથા સારું શિક્ષણ મળે તે માટેની મથામણો, આ બધું જ અમને અહેસાસ કરાવી ગયું કે સમાજ આજે પણ બાળકોને લઈને કેટલો જીવંત છે. અમને લાગ્યું કે આ જ રીતે આગળ વધતા રહીશું તો શાળાનો મંત્ર 'સર્વે ભવન્તુ સુખીનઃ' એ આપણા રાષ્ટ્રનો પણ મંત્ર બનીને આ જગતને એક વધુ સારું જીવન જીવવાની દિશા આપશે. > તીરંગા યાત્રાને ડ્રોનની આંખે નિહાળવા ફોટો પર ક્લિક કરો

















February 21, 2026

વિદ્યા સંગમ – હમ સાથ સાથ હૈ!

વિદ્યા સંગમ – હમ સાથ સાથ હૈ!



માનવીનું જીવન એકલા જીવવાથી પૂરું થતું નથી. માણસ ભેગો થાય ત્યારે જ જીવનમાં રંગ આવે છે. ભેગા થઈએ ત્યારે જ સમજણ ઊંડાઈ પામે છે. અને કદાચ એ જ કારણ છે કે શાળા, ગામ કે સમાજ; જ્યાં પણ લોકો ભેગા થાય છે ત્યાં જીવન જીવતું થઈ જાય છે.

શાળા પણ એવી જ એક જગ્યા છે જ્યાં બાળકો રોજ ભેગા થાય છે, શીખે છે, રમે છે અને ધીમે ધીમે જીવન સમજતા જાય છે. પરંતુ વાલીઓ માટે શાળા ઘણીવાર બહારથી જ જોવાતી રહે છે. બાળકો અહીં શું અનુભવે છે તે પૂરેપૂરું સમજવું સહેલું નથી. આ અંતરને થોડું ઓછું કરવા માટે અમે વિદ્યા સંગમનો વિચાર કર્યો.

આ દિવસે વાલીઓ મહેમાન બનીને આવ્યા નહોતા. તેઓ વિદ્યાર્થીઓ બનીને આવ્યા હતા. અગાઉથી જ એક ફોર્મ બનાવી મોકલી અપાયું હતું

તેમ કરવા પાછળ બે કારણ હતા: એક તો શાળામાં આયોજન કરવા માટે જરૂરી માહિતી મળી રહે અને બીજું બાળકોને તેમના માતા-પિતા સાથે વાતો કરવાનો મોકો મળે.

ફોર્મમાં ભરવા માટે બાળકે મા-બાપ સાથે વાત કરવાની હતી – તેઓ પ્રાર્થના કે ભજન ગવડાવશે? શું તેઓ કોઈ રમતમાં ભાગ લેશે? ભમરડો ફેરવતા પોતાની મમ્મીને પણ આવડે છે – એ કેટલા બાળકોને ખબર હોય! અને જો મમ્મી કહે કે હું લખોટી રમીશ, તો એ બાળકને તેના મમ્મીના જીવનના એ હિસ્સા વિશે પહેલી વાર ખબર પડે! આવા ઈરાદાઓ સાથે અગાઉથી ફોર્મ મોકલ્યું.

અમારી પણ બેચેની બાળકો કરતાં ઓછી નહોતી – કે વાલીઓ જ્યારે વિદ્યાર્થી બનીને શાળાએ આવે ત્યારે તેમને કેવી રીતે પ્રતિસાદ આપવો! પણ વાલીઓ અને શાળા સૌ એક જેવા નીકળ્યા – આવ્યા અને મંડ્યા બાળકો રોજ આવે છે એમ શાળા ગોઠવવા, સફાઈ વગેરેના કામમાં. કોઈ ખેતી વિભાગમાં જઈ નીંદણ વગેરેમાં જોડાયું, તો વળી કોઈ બોર્ડ સાફ કરવા કે પટ્ટા પાથરવામાં લાગી ગયું.

વિમાસણ શરૂ થઈ જ્યારે સૌ બાળકો ગ્રીન હોલમાં ભેગા થઈ ગયા – કે હવે જોઈએ કે સ્ટેજ પર બેઠેલા વાલીઓ તેમને શું ગવડાવશે! અને તેમના આનંદ અને આશ્ચર્ય વચ્ચે વારાફરતી એકથી એક નવા ગીતો અને ભજનોની રમઝટ જામી. આ દૃશ્યમાં એક અલગ જ આનંદ હતો. ક્યાંક હળવું હાસ્ય, ક્યાંક સંકોચ અને ક્યાંક ઉત્સુકતા. ધીમે ધીમે વાતાવરણ એવું બન્યું કે કોણ વાલી અને કોણ બાળક તેનો ભેદ જ રહ્યો નહીં.

પણ દિવસની સાચી મોજ મેદાનમાં આવી. રમતોત્સવ શરૂ થયો અને બધા છૂટા પડી ગયા. બાળકો પોતાના મમ્મી અને પપ્પાને ચીયર અપ કરી રહ્યા હતા. ક્યાંક કોઈનું મોઢું પડી જતું, જ્યારે તેની મમ્મી સંગીત ખુરશીમાં રહી ગઈ. એવા દૃશ્યો પણ જોયા કે મમ્મી આઉટ થયા પછી દીકરી જઈ મમ્મીને ભેટી પડી: જાણે કહેતી હોય કે થાય, આવું તો થાય જ!

પપ્પાએ અને મમ્મીઓએ ભમરડો ફેરવી બતાવ્યો, કેટલાકે ભમરડો નાખી સીધો હાથમાં કેવી રીતે ફેરવાય તે કરી બતાવ્યું. તો વળી બીજાઓને શીખવ્યો પણ ખરો. કોથળા દોડમાં શિક્ષકો અને વાલીઓને જોઈ બાળકો ખૂબ હસ્યા. લીંબુ-ચમચી હોય કે પછી લખોટીઓ! લખોટીમાં તો મોટેરાઓ જાણે નાના બની ગયા હોય એમ બૂમાબૂમ અને “ચીટિંગ” જેવી વાતોમાં એવા ખોવાઈ ગયા કે તેઓ જ ભૂલી ગયા કે તેમના દીકરા કે દીકરીઓ તેમને જોઈ રહ્યા છે.

ખરી મજા તો રસ્સાખેંચમાં આવી. એક વાર ભાઈઓ-ભાઈઓ વચ્ચે, બીજી વાર બહેનો-બહેનો વચ્ચે અને છેલ્લી ખેંચ ભાઈઓ અને બહેનો વચ્ચે! એ વખતે શાળાનું આખું મેદાન અવાજો અને ચિચિયારીઓથી ગુંજી રહ્યું હતું!

શું લાગે છે? કોણ જીત્યું હશે? વિડિયોમાં તમે જોઈ શકશો. આ રહ્યા એ વિડિયોઝ – ક્લિક  રમતોત્સવ પછી તેમની પરીક્ષા વિશેની ચર્ચાઓ તદ્દન સહજતા અને સ્વાભાવિક વાતાવરણમાં થઈ ગઈ. અને અનોખી વાલી મીટિંગ થઈ કે જેમાં વાલીઓ અને શિક્ષકો કોઈ ચોક્કસ જગ્યાએ નહીં પણ ફરતા-ફરતા કે રમતા-રમતા તેના વિશે વાતો કરી હોય!

મધ્યાહન ભોજન આજે વધુ મીઠું બન્યું હતું, કારણ કે આ વખતે મોસાળમાં નહીં પણ શાળામાં મા પીરસનાર હતાં! બાળકોએ પણ વાલીઓને જમાડ્યા. શાળા પૂરી થયા પછી પણ ત્રણ-ચાર કલાક સૌ વાતો કરતાં-કરતાં છૂટા પડ્યા.

આજે વાલીઓને સમજાયું કે બાળકો શાળામાં કેમ આવવા ઉત્સુક રહે છે. વિદ્યા સંગમ પૂરો થયો પછી પણ લાગતું હતું કે જાણે કંઈક ચાલુ જ છે. વાલીઓના ચહેરા પર સંતોષ હતો. બાળકોમાં ઉત્સાહ હતો. શિક્ષકોમાં શાંતિ હતી. એવું લાગતું હતું કે આપણે થોડું વધુ નજીક આવ્યા છીએ.











































January 26, 2026

હમ મિલેંગે તો જાદુ તો હોગા હી !

હમ મિલેંગે તો જાદુ તો હોગા હી !



આ પ્રજાસત્તાક દિવસ શાળા માટે ખાસ હતો ! અહી ખાસ શબ્દનો અર્થ થાય છે અનોખો હતો. એક તો શાળા પીએમશ્રી તરીકે સ્વીકારાઈ માટે હવે બાળકોના સર્વાંગી વિકાસ માટે ઈચ્છીએ તેટલું સારું કરી શકવા સક્ષમ બન્યા. તો બીજી બાજુ ગામમાંથી વધુ બીજો એક યુવાન આપણા કાર્યક્ષેત્રમાં જોડાયો. તો ત્રીજી બાજુ એક સાથે ચાર યુવાનોએ પોતાને રાજ્ય વાહન વ્યહવાર નિગમમાં નોકરી મેળવી પોતાને સાબિત કર્યા. એકે GSET ક્વોલિફાઈ નું સર્ટીફિકેટ શાળા સામે ધરી કહી બતાવ્યું કે હવે હું પ્રોફેસર બનવા માટે પ્રયત્ન કરીશ.

આવી વાતોનો આનંદ શાળા - ગામ ના ગ્રૂપમાં એકબીજા સાથે વહેંચાતો હોય છે પરંતુ સૌ સાથે એકઠા મળીને તેને માણવો એ અલગ જ આનંદ આપી જતો હોય છે. એટલે જ એ આનંદ વહેંચવાની તારીખ કહો તો તારીખ અને તિથી કહો તો તિથિ - પ્રજાસત્તાક દિવસની અમે રાખી.

આવી સફળતાઓના આનંદમાં યુવાનોના પગ જમીનથી અધ્ધર થઈ જે ગામ અને સમાજમાં ઉછર્યા છે. જે ગામે તેમને ઉછેર્યા છે. તેની સાથે જોડાયેલા રહે તેનું મહત્વ અનુભવે તે માટેનો હતો. જેમાં આપણી સામાજિક સંસ્કૃતિને યાદ અપાવે તેવી વસ્તુઓની ઓળખ કરાવવા ગામમાંથી વસ્તુઓ એકઠી કરી તેનું પ્રદર્શન ગોઠવવાનું આયોજન હતું. વિસરાઈ રહેલી વાતોને વગોળવાનો દિવસ એટલે આ વખતનો અમારો પ્રજાસત્તાક દિવસ હતો.

        ત્રીજું કારણ હતું અત્યારે અભ્યાસ કરી રહેલા બાળકો ધ્વારા પોતાને સાબિત કરવા માટેનું તે દિવસે પ્લેટફોર્મ ઊભું કર્યું હતું - જેમાં તેઓ પોતાના વિસ્મય પમાડતા પ્રયોગો વડે પોતાના જ માતા - પિતા - વાલી -સમાજ - શાળાને સાબિતી આપવાના હતા કે ओ भाया , हम भी किसी से कम नहीं ! બાલવાટિકા થી માંડી બધાં જ બાળકો વિજ્ઞાનના કોઈ એક સિદ્ધાંતને સાબિત કરવાના હતા.

        તો ચોથો આનંદ હતો અમારી  દિકરીઓ માટેનો ! આર્ટ એન્ડ ક્રાફ્ટ વર્કશોપ દરમ્યાન તેમને બનાવેલ તોરણ - ઝુમ્મર - બ્રેશલેટ વગેરે એટલા આકર્ષિત હતા કે તે જાતે જ જાણે દીકરીઓ વતી બોલતાં ન હોય કે “ અમારા ભવિષ્યની ચિંતા ના કરશો , અમે અમારું ફોડી લઈશું. દીકરીઓ પોતાની આ પ્રોડક્ટને પ્રજાસત્તાકના દિવસે એક સ્ટોલમાં વેચાણ કરવાની હતી. હા , તમે બરોબર વાંચ્યું - કે વેચાણ કરવા માટેનો તે સ્ટોર ઊભો કરવાનો હતો. પોતાની બનાવેલી વસ્તુઓનું આટલું આકર્ષણ અને ઉપજ હોય શકે તેનો અહેસાસ તેઓને તે દિવસે એટલે કે આપણી પ્રજાસત્તાક તિથિને દિવસે થવાનો હતો.

સાથે સાથે સૌથી મોટો આનંદ તો એ પણ હતો કે પીટીસી પૂર્ણ કરી શિક્ષક બનવા તરફ આગળ વધી રહેલી દીકરી નાજુને હાથે આપણા સૌની શાન એવો આપણો તિરંગો લહેરાવવાનો હતો.

આવ્યો એ અનોખી ઉજવણીનો દિવસ !

ધોરણ પહેલામાં ભણતો આયુષ આવતા જ બોલ્યો - આજે હું લોહચુંબક બનાવવાનો છું. તેના હાથમાં રહેલ કાંસકો અને બીજા હાથમાંના કાગળના ટુકડા અમને ઉછળી ઉછળી જાણે  કહેતા જ હતા કે “કેશાકર્ષણ .. કેશાકર્ષણ .. ! પરંતુ અમે પણ કંટ્રોલ ઉદય કંટ્રોલ કરી નવાઈ લાગી હોય તેમ પૂછી જ લીધું - હેં - કેવી રીતે ? મજાની વાત એ હતી કે તેણે કહ્યું આ કાંસકો વાળ પર ઘસો અને કાગળ જોડે લઈ જાઓ તો ચુંબક બની જાય -  અમે  કહ્યું બતાવ - આયુષ - પણ તેના માટે કોરા વાળ જોઈએ - મારે તો મમ્મીએ ભૂલથી તેલ નાંખી દીધું એટલે મેં આને [ કોરા વાળ વાળાને ] પ્રયોગમાં પાર્ટનર બનાવી દીધો છે ! આયુષે કરી તો બતાવ્યું પણ કોને શિખવાડ્યું ? - તેનો જવાબ અમારો આનંદ બેવડો કરનારો હતો. મજાની વાત એ હતી કે આ પ્રયોગનો આઇડિયા તેના પપ્પા રમણભાઈએ આપ્યો હતો. અને ઘરના - ફળિયાના બધાં પર અજમાવ્યો પણ હતો.. આયુષ નાનપણ થી જ આટલું વિજ્ઞાન શીખ્યો તેવો એક શિક્ષક તરીકે આનંદ તો થાય જ પરંતુ , આયુષ અને તેના ઘરના સભ્યો વચ્ચે આ પ્રયોગ કરવા - તેઓની વચ્ચે થયેલ સંવાદ - ચર્ચા - મથામણ - આ બધું વધારે આનંદ આપનાર બને છે.

એક દ્રશ્ય એ પણ હતું કે એક દીકરી મુલાકાતી તરીકે આવેલ પોતાના જ પરિવાર એટલે કે મમ્મી-મોટી બહેન - કાકી - આસપાસના પાડોશી બધાને ચાર્ટના ઉપયોગ વડે સમજાવી રહી હતી કે x - x અને x - y  શું છે ? - તેનું આખાય પ્રેઝન્ટેશન પછીનું છેલ્લું આફરીન પોકારી જવાય તેવું હતું - જ્યારે તે અંતમાં તેની મમ્મી ને પૂછતી કે હવે સમજાયુને કે દીકરો કે દીકરી એ માટે સ્ત્રી નહીં પુરુષ જવાબદાર છે ! એમાં આપણે સૌએ સ્ત્રીનો વાંક ના કાઢવો જોઈએ !

એક તરફ બાળકો પોતાના જ વાલીઓના ઇંટરવ્યૂ લઈ રહ્યાં હતાં. તો એક તરફ વાલીઓ પોતાના જ બાળકો એ બનાવેલ આપણી જ બ્રાન્ડ એવા ગર્વ સાથે આર્ટ એન્ડ ક્રાફ્ટમાં ખરીદી કરી રહ્યાં હતાં. પોતાના બાળકોને પોતાનાથી પણ વિશેષ હોવાનો ગદગદ આનંદ દરેકના ચહેરા પર તરી આવતો હતો.

એક નવાઈની વાત કહીએ તો..  શાળાએ ફક્ત એટલી જ જાહેરાત કરી હતી કે પ્રજાસત્તાક દિવસે વિજ્ઞાન વિસ્મય પ્રદર્શનમાં તમે તમારો કોઈપણ પ્રયોગ ઘરેથી તૈયાર કરી રજૂ કરી શકો છો. માટે આ પ્રયોગ જએ તે બાળકના ઘરનાં સભ્યોએ ઘરે તો વારંવાર જોયેલો હતો. છતાં આજે એ જ વાલી તેને જે કુતૂહલ નજરે નિહાળતો હતો ત્યારે થયું કે આપણ સૌને શિક્ષક મટી આવા વાલી બનતાં ક્યારે આવડશે કે બાળકના આનંદને - ઉત્સાહને જીવંત રાખે ! અને હા આખાય કેમ્પસમાં એ દિવસના  સૌથી ઉત્સાહિત ચહેરાઓની યાદી કરીએ તો ..

·         જતીનનો  ચહેરો બાળકોના કુતૂહલને જોઈને ચમકી રહ્યો હતો

·         સમાજ સંસ્કૃતિ સ્ટોર ની મુલાકાતે આવનારને વસ્તુઓ જોવા કરતાં પણ તેના વિશે કહેવાનો ઉત્સાહ વાળા બે ચહેરા શાંતા અને નિલાને સાંભળવામાં આનંદ આવતો..

·         તો આર્ટ એન્ડ ક્રાફ્ટ માં વાલીઓ જેમ જેમ બનેલ  સામગ્રીને બારીકાઈથી જોઈ દિકરીઓના વખાણ અને ખરીદી થતી દર્શનાબેનનો ચહેરો આનંદથી ખીલેલો  દેખાતો..

·         બાલવાટિકાના બાળકો માટે લાવેલા રમકડાં વાલીઓને બતાવતાં બતાવતાં એટલો આનંદ અનુભવી રહ્યા હતા કે જાણે આજે તો તે પોતે જ જાણે બાળક ન હોય ?

        બાળક હોય કે વાલી - યુવાનો કે ગ્રામજનો - બધાને આનંદ અને ગર્વનો અનુભવ કરાવનાર આ દિવસ ની અનોખી ઉજવણીનું ઉદ્ઘાટન એ આઠ હાથે થયું જે ચાર યુવાનો એ થોડા સમય પહેલાં જ પોતાને સાબિત કરી ગામ આખાના યુવાનોમાં નવાં સપનાં રોપવાનું કામ કર્યું હતું ચાલો માણીએ આ અનોખી ઉજવણીને !  

રીડિંગ રીલ્સ

સફળ શિક્ષણ માટે શાળા, વાલી અને સમાજનું એક યુનિટ બની, પોતાની સંસ્કૃતિના મૂળ સાથે જોડાઈને રહેવું, સામાજિક સ્થિતિઓમાં વિજ્ઞાન જોવું તેમજ પોતાનું કામ પોતે શોધી લેવાનું વલણ જરૂરી છે.