ફ્રી બ્રેઇન્સ બિલ્ડ્સ ફ્રી નેશન!
આઝાદી કે સ્વતંત્રતાનો અર્થ 'મને જે ગમે તે
હું કરું' એવો ક્યારેય નથી થતો. સ્વતંત્રતાનો
સાચો અર્થ એ છે કે દરેક વ્યક્તિ પોતાના જીવનનું તંત્ર 'ક્રિટિકલ
થિંકિંગ' કરીને પોતે જ ઘડે. એક સમાજ કે રાષ્ટ્ર
તરીકે વૈજ્ઞાનિક અભિગમ કેળવવાની શરૂઆત તેના ભવિષ્યના નાગરિકોથી જ કરવી ફરજિયાત બને
છે. ભારતીય દર્શનમાં પ્રશ્નો પૂછવા, જૂના જ્ઞાનને પડકારવું અને કેવળ 'પહેલેથી
ચાલ્યું આવે છે' માટે જ સ્વીકારી લેવાને બદલે; તે સમયે શા
માટે નક્કી કરાયું હતું અને અત્યારે પણ તે સર્વહિતાય છે કે નહીં. તેની ચકાસણી
કરીને જ અમલમાં મૂકવાની વિચારણા કરવા માટે 'યંગ માઇન્ડ્સ'ને તૈયાર કરવા
જરૂરી છે. કારણ કે આવાં સ્વતંત્ર થયેલાં મગજો જ એક સ્વતંત્ર રાષ્ટ્રનું નિર્માણ
કરી શકે છે.
યુવાવસ્થા એ રાષ્ટ્રની સંસ્કૃતિને
આકાર આપવાની અવસ્થા છે. જ્યારે યુવાનોને પોતાની આસપાસ જે ચાલતું હોય તે બરાબર ન
લાગે અને તેમનો શારીરિક તથા માનસિક જુસ્સો તે બધાની સામે અવાજ ઉઠાવવા ઉશ્કેરતો હોય, તેવામાં જે
મથામણો થાય, જે ધમાચકડી કે અસમંજસ ઊભી થાય. તે
મંથનમાંથી જ નવનીત મળે છે. જો તેમને એ મંથન ન કરવા દેવાય કે તેમના એ નૈસર્ગિક
જુસ્સાને પ્રગટ થતાં અટકાવવામાં આવે, તો તે કોઈપણ રાષ્ટ્ર માટે અત્યંત
જોખમી બાબત છે.
આપણી 'નવા નદીસર પ્રાથમિક
શાળા પીએમશ્રી - ગુજરાત 'નો અભિગમ આપ સૌના સૂચનો અને
શુભેચ્છાઓને કારણે એવો રહ્યો છે કે શાળાનો કોઈપણ પ્રસંગ વિદ્યાર્થીઓ પોતે જ આયોજિત
કરે છે અને તેનો અમલ પણ તેઓ જ કરે છે. મોટેરાઓની ભૂમિકા માત્ર તેમના આયોજન મુજબ
મદદનીશ તરીકેની જ રહે છે. આ વર્ષે ૧૫મી ઓગસ્ટની ઉજવણીની જગ્યા બદલવી કે નહીં, વરસાદને કારણે
નવા મેદાનમાં વિદ્યાર્થીઓને ઊભા રાખવા કે ન રાખવા – એવી મથામણ ચાલતી હતી. એવામાં
વિદ્યાર્થીઓએ વાંચેલા તિરંગા યાત્રાના સમાચાર પરથી પોતે પણ 'આપણે તિરંગા
યાત્રા કાઢીશું' તેવું નક્કી કર્યું.
નવા નદીસર ગામનો મિજાજ પણ એ જ રહ્યો
છે કે બાળકોના ઉત્સાહમાં ઉમેરો કરવો અને તેમની સાથે રહેવું. ગામમાંથી તિરંગાઓની
વ્યવસ્થા તો થઈ જ ગઈ, સાથે નજીકની કોલેજના યુવાનોએ યોજેલી
તિરંગા યાત્રામાં ત્રણ રંગનો લાંબો પટ્ટો વપરાયો હતો, તે પણ આપણી
શાળાના બાળકો માટે આવી પહોંચ્યો. પહેલેથી
બધું જ આયોજિત ન હોય, પણ જેમ જેમ સૂઝ પડે તેમ કરતા જવાનો આ
અભિગમ અમને આનંદની અનેક ક્ષણો આપી ગયો.
યાત્રા શરૂ થવાની જ હતી ત્યાં ગામના યુવાનોને વિચાર આવ્યો કે ડ્રોન વ્યુ લઈએ તો શાળા, ગામ અને તિરંગો – ત્રણેયની એક સુંદર સ્મૃતિ કંડારી શકાશે. યાત્રા દરમિયાન બેન્ડમાં શું વગાડીશું, કેવી રીતે વગાડીશું અને કોણ વગાડશે? તે બધું તો પ્રમુખ અને ઉપપ્રમુખ તથા સચિવોની ટીમે જ નક્કી કરી લીધું હતું.
સ્વાભાવિક છે કે બેન્ડ વાગતું જાય
એટલે ગામના લોકો ઘરોમાંથી બહાર નીકળે. કેટલાકે હાથથી તો કેટલાકે મનોમન તિરંગાને
સલામી આપી. અમારા સૌ માટે ભાવનાત્મક ક્ષણ એ હતી કે, એક ઘર પાસેથી
પસાર થતી વખતે, જેમ કોઈ માતાજી કે ભગવાનનો વરઘોડો
નીકળે ત્યારે તેમને ચોખાથી વધાવવામાં આવે, તેમ જ તેમણે તિરંગાને પણ ચોખાથી
વધાવ્યો! સૌ શાળાના કેમ્પસમાં પાછા ભેગા થયા, આનંદપૂર્વક તિરંગા સાથે ફોટોગ્રાફી
કરી અને તિરંગો લહેરાવ્યો. સૌ શાળાના બિલ્ડિંગમાં છત સુધી પહોંચી અવનવી વાતો કરીને
છૂટા પડ્યા.
બીજા દિવસે પણ આ જ જુસ્સા સાથે જ્યારે
ભાષાભવનના આંગણે આપણા તિરંગાને સલામી આપવા ભેગા થયા, ત્યારે
સંભળાયેલા 'વંદે માતરમ્'ના નાદથી શાળા
કેમ્પસ બહાર દૂર પોતાના વાડામાં કામ કરતા વડીલો પણ બાળપણ યાદ કરીને આ ગીતને માન
આપવા માટે સાવધાનની સ્થિતિમાં ઊભા રહી ગયા! આ દ્રશ્ય જોઈને લાગ્યું કે આપણી શાળાની
ભૌતિક સીમાઓ હોઈ શકે, પણ તેની ભાવાત્મક બાબતોની કોઈ જ સીમા
નથી.
દૂર-દૂરથી આવેલા વાલીઓ સાથે વાલી
મિટિંગ દરમિયાન તેમના પ્રશ્નો, બાળકોના ભવિષ્ય અંગેની ચર્ચાઓ અને
તેમનો આનંદ સચવાય તથા સારું શિક્ષણ મળે તે માટેની મથામણો, આ બધું જ અમને
અહેસાસ કરાવી ગયું કે સમાજ આજે પણ બાળકોને લઈને કેટલો જીવંત છે. અમને લાગ્યું કે આ
જ રીતે આગળ વધતા રહીશું તો શાળાનો મંત્ર 'સર્વે ભવન્તુ સુખીનઃ' એ આપણા
રાષ્ટ્રનો પણ મંત્ર બનીને આ જગતને એક વધુ સારું જીવન જીવવાની દિશા આપશે. > તીરંગા યાત્રાને ડ્રોનની આંખે નિહાળવા ફોટો પર ક્લિક કરો









No comments:
Post a Comment