June 28, 2026

જૈસા ફિલ્મો મેં હોતા હૈ !

જૈસા ફિલ્મો મેં હોતા હૈ !

ફિલ્મો એ માત્ર મનોરંજનનું સાધન નથી, પણ શીખવા માટેનું એક અદ્ભુત  માધ્યમ છે. ઘણીવાર આપણે ફિલ્મોને માત્ર ટાઇમપાસ ગણીને બાજુ પર મૂકી દેતા હોઈએ છીએ, પણ વાસ્તવમાં આખા સમાજનું અજાણતા થતું શિક્ષણ મોટેભાગે ફિલ્મો દ્વારા જ થઈ રહ્યું હોય છે.

જરા વિચારી જુઓ, '૩ ઇડિયટ્સ' જોયા પછી કેટલાય એવા વાલીઓ હશે જેમણે પોતાના બાળકને પ્રેમથી પૂછ્યું હશે કે, "બેટા, તારે મોટો થઈને ખરેખર શું કરવું છે?" એવા કેટલાય સંવેદનશીલ માતા-પિતા હશે જેમણે 'તારે ઝમીન પર' જોયા પછી, પોતાનું બાળક બરાબર વાંચી-લખી નથી શકતું તો તેની પાછળ આળસ નહીં પણ 'ડિસ્લેક્સિયા' જેવી કોઈ તકલીફ જવાબદાર છે કે નહીં, તેની ચકાસણી કરાવી હશે!

ફિલ્મો એક ઉત્તમ પુસ્તકની જેમ આપણને વિચારવાની જુદી જુદી દિશાઓ આપે છે. જે અનુભવો આપણે ક્યારેય જીવનમાં કર્યા નથી, અથવા કદાચ ભવિષ્યમાં પણ ક્યારેય કરવાના નથી, તેવી અજાણી પરિસ્થિતિઓમાં મુકાયેલા પાત્રો આપણને આપણા પોતાના મર્યાદિત અનુભવ કરતાં ઘણો જુદો અને વ્યાપક દૃષ્ટિકોણ પૂરા પાડે છે. જ્યારે આપણે અન્યના દૃષ્ટિકોણથી જોતા અને વિચારતા થઈએ છીએ, ત્યારે આપણી વિચારસરણી વિશાળ બને છે. આપણી સામે કોઈ એક પરિસ્થિતિમાં શું શું થઈ શકે, તેના કેવા અવનવા વિકલ્પો સર્જાઈ શકે, તેની સમજણ વિસ્તરે છે. "જો એ પરિસ્થિતિમાં હું હોત, તો શું કરત?" તેવી કલ્પનાઓ પણ માણસ કરતો જાય છે. સૌથી અગત્યની વાત એ છે કે, એક સારી ફિલ્મ આપણને એક તદ્દન જુદા જ ભાવવિશ્વનો જીવંત અહેસાસ કરાવી જાય છે.

આ વર્ષે શાળામાં સામાજિક વિજ્ઞાનનું નવું પુસ્તક આવવાનું હતું, તેથી બ્રિજ કોર્સના ભાગરૂપે બાળકોને એક સરસ ફિલ્મ બતાવવાનો વિચાર આવ્યો. 'હોપર્સ' (Hoppers) નામની એક એનિમેશન ફિલ્મ જે આપણને 'જિયો હોટસ્ટાર' (JioHotstar) પર હિન્દી ભાષામાં પણ મળી જાય છે, તે પસંદ કરી. ફિલ્મ અગાઉ જોયેલી જ હતી, પણ વર્ગખંડમાં બતાવતા પહેલાં ફરીથી એકવાર ઝડપથી જોઈ લીધી, જેથી તેના આધારે બાળકો સાથે કેવા પ્રકારની પ્રવૃત્તિઓ અને ચર્ચાઓ કરી શકાય તેનો ચોક્કસ ખ્યાલ આવી જાય.

આ એક બહુ સાદી, સરળ અને એનિમેશન આધારિત ફિલ્મ છે. પણ તે એટલી બધી રસપ્રદ અને હૃદયસ્પર્શી છે કે જો કોઈ મોટી ઉંમરની વ્યક્તિ પણ તેને જોવાનું શરૂ કરે, તો અધવચ્ચેથી અટકાવી ન શકે! વાર્તા બહુ નાનકડી છે. એક શહેરમાં રહેતી નાની છોકરીની આ વાત છે, જે હવે તેની કિશોરાવસ્થામાં પ્રવેશવાની તૈયારીમાં છે. તેને પશુઓ, પક્ષીઓ અને નાનકડા જીવજંતુઓ પ્રત્યે અપાર પ્રેમ અને સહાનુભૂતિ છે. તે આ મૂંગા જીવોને બચાવવા માટે અને તેમની સાથે મૈત્રી કરવા માટે આખી દુનિયા સામે લડવા પણ તૈયાર થઈ જાય છે. તેના નાની તેને શાંતિથી એક તળાવના કિનારે બેસાડીને, મનુષ્ય સિવાયની પ્રકૃતિની જે સૃષ્ટિ છે, તેના સુંદર અવાજો સાંભળતા અને અંદરથી શાંત થતા શીખવે છે.

ત્યારબાદ વાર્તામાં કેટલાક સંઘર્ષો ઊભા થાય છે અને છેલ્લે એ સંઘર્ષોના અંતે જે સત્ય બહાર આવે છે તે એ છે કે—"આ સુંદર પૃથ્વી માત્ર મનુષ્યો માટે જ નથી બની. બરાબર આપણા કવિ  કવિ ઉમાશંકર જોશીની અમર કાવ્યપંક્તિઓને ચરિતાર્થ થતા જોતા હોય એમ લાગે -

"વિશાળે જગવિસ્તારે નથી એક જ માનવી,

પશુ છે, પંખી છે, પુષ્પો છે, વનોની છે વનસ્પતિ."

વાર્તામાં સતત રમૂજ , સાયન્સ એન્ડ ટેક્નોલોજી અને પર્યાવરણની વાતો વણાયેલી છે. તેની સાથે સાથે આપણા સહઅસ્તિત્વ પાછળનું જે સામાજિક અને માનવીય વિજ્ઞાન છે, તે જાણે કે આપણે જોઈ શકીએ છીએ.

ફિલ્મનો પહેલો ભાગ પૂરો થયા પછી, બાળકો સાથે Reflection માટે કેટલાક પ્રશ્નોત્તરી કરી. આ સંવાદ દ્વારા પ્રશ્નો ઊભા કર્યા કે: આવી પરિસ્થિતિમાં શું કરાય? શું ન કરાય? કેવી રીતે કરાય? હવે આગળ શું થશે? બાળકો રસપૂર્વક પોતાના વિચારો રજૂ કરીને છૂટા પડ્યા. બીજા દિવસે પણ આ જ ચર્ચાને આગળ વધારીને આખી મૂવી પૂરી કરી.

ફિલ્મ પૂર્ણ થયા પછી અમે ફરી એકવાર ચિંતન કરવા બેઠા. આ વખતે અમે એક પ્રયોગ કર્યો, જેને અમે નામ આપ્યું: 'અમારી ખીચડી'.

પૂછ્યું: "જ્યારે આપણે એક કોળિયો ખીચડી ખાઈએ છીએ, ત્યારે આપણે તેના માટે ખરેખર કોનો કોનો આભાર માનવો જોઈએ?"

અમારી સામે 70 થી 75 વિદ્યાર્થીઓનો મોટો સમૂહ એકસાથે બેઠો હતો. અમે આ આભારની સાંકળ શરૂ કરાવી:

      સૌથી પહેલાં બાળકે કહ્યું: "મમ્મીનો, કારણ કે મમ્મીએ ખીચડી બનાવી."

      શિક્ષકે  પ્રશ્ન કર્યો: "પણ મમ્મી ચોખા ક્યાંથી લાવી?"

      બાળકે કહ્યું: "પપ્પા બજારમાંથી ખરીદી લાવ્યા." એટલે પપ્પાનો આભાર!

      પપ્પા ક્યાંથી લાવ્યા? દુકાનદાર પાસેથી. તો દુકાનદારનો આભાર!

      દુકાનદાર કોની પાસેથી લાવ્યો હશે? હોલસેલ વેપારી પાસેથી. તો તેનો આભાર!

      જથ્થાબંધ વેપારી સુધી અનાજ કેવી રીતે પહોંચ્યું? કોઈ ટેમ્પો કે ટ્રક ચાલક તેને લાવ્યો હશે, તો તેનો આભાર!

      એ ટેમ્પો કે ટ્રક જે કંપનીએ બનાવ્યો, તેની ડિઝાઇન તૈયાર કરનાર એન્જિનિયર અને ફેક્ટરીના મજૂરોનો આભાર!

      સૌથી અગત્યનું, એ વાહનમાં વપરાયેલું પેટ્રોલ કે ડીઝલ ક્યાંથી આવ્યું? તો વાત પહોંચી ઈરાન, અમેરિકા કે ઈઝરાયેલ જેવા દેશોની વૈશ્વિક અર્થવ્યવસ્થા અને ક્રૂડ ઓઈલ સુધી!

      ખેતરમાંથી અનાજ લાવવા માટે ટ્રેક્ટરનો ઉપયોગ થયો, તો ટ્રેક્ટર ચાલકનો આભાર!

      ટ્રેક્ટરના ટાયર કોઈકે તો બનાવ્યા હશે ને? ટાયર માટે જંગલમાંથી રબર ભેગું કરનાર અજાણ્યા શ્રમિકનો આભાર!

આમ કરતાં કરતાં અમે એક-એક વ્યક્તિનું કામ ગણાવતા ગયા અને એ ભૂમિકા ભજવનાર બાળક વર્ગમાં ઊભો થતો ગયો. અંતે, 70-75 બાળકોની સંખ્યા પણ ઓછી પડી! આ પ્રયોગથી તમામ બાળકોને એક અહેસાસ થયો કે: "આપણે જ્યારે માત્ર એક કોળિયો ખીચડી મોઢામાં મૂકીએ છીએ, ત્યારે તેની પાછળ આખી દુનિયાના લાખો લોકોનું પ્રત્યક્ષ કે પરોક્ષ યોગદાન રહેલું હોય છે!"

આ સ્થિતિમાં જો કોઈ મનુષ્ય એવું વિચારે કે, "આ માત્ર મારી જ દુનિયા છે અને બીજા કોઈ મારા કામના નથી", તો તે કેટલી મોટી મૂર્ખતા છે! 'હોપર્સ' મૂવીમાં જે પર્યાવરણીય અને સહઅસ્તિત્વની વાત કરવામાં આવી હતી, તેનો વાસ્તવિક અહેસાસ અમે આ 'ખીચડી પ્રયોગ' દ્વારા પ્રસ્થાપિત કર્યો.

સૌએ સાથે મળી કન્કલ્યુઝન કર્યું કે  જો આપણે બધા પૃથ્વી પર સાથે જીવીશું, તો મતભેદો પણ થશે અને સંઘર્ષો પણ થશે. પરંતુ જો આપણે એકબીજા સાથે સંવાદ કરીશું અને તાર્કિક દૃષ્ટિકોણથી વિચારતા થઈશું, તો આજે જે રીતે જીવીએ છીએ તેના કરતાં ઘણું બહેતર જીવન જીવી શકીશું.

'હોપર્સ' ફિલ્મે અમને એક એવી 'હોપ' આપી કે જેનાથી અમારી શાળાનો જે મુખ્ય મંત્ર છે : "સર્વે ભવન્તુ સુખિનઃ" (સૌ સુખી થાઓ) તેને અમે બાળકોના હૃદયમાં ઉગતો જોઈ શક્યા.

તમે પણ તમારા સ્તરે આ પ્રયોગ ચોક્કસ કરી જોજો. . જો બાળકોને આ 'હોપર્સ' મૂવી બતાવી શકો તો ઘણું જ સારું. અને જો કોઈ કારણસર ફિલ્મ બતાવવી શક્ય ન હોય, તો એટલીસ્ટ આપણે પોતે આ ફિલ્મ જોઈને તેની વાર્તા બાળકોને કહીએ અને તેના આધારે આવી ચર્ચા ચગાવીએ.. અહીં મહત્વ ફિલ્મનું નથી, મહત્વ ફિલ્મ જોયા પછી થતી વૈચારિક મંથનની પ્રક્રિયાનું છે. જ્યારે આપણે આવી ચર્ચાઓ ચગાવીશું, ત્યારે બાળકો આજે જેવા છે તેના કરતાં અંદરથી થોડાક વધુ સંવેદનશીલ અને બદલાયેલા જરૂર બનશે. આવી અમને પૂરી શ્રદ્ધા છે!



No comments: