November 25, 2018

ભાષાની ભુલભુલામણી !


ભાષાની ભુલભુલામણી !

ભાષા પણ અદભુત રસાયણ છે ! એવા પ્રયોગો એના વડે થાય કે રોજ એમાંથી કૈક નવું નવું મળ્યા જ કરે !
ધોરણ સાતમાં ગણિતના તાસમાં પ્રાકૃતિક સંખ્યા વિષે વાત ચાલતી ત્યાં જ –
“આ પ્રાકૃતિક કેમ કહેવાય ?
 શિક્ષકે પોતાનો તર્ક આપ્યો, “પ્રકૃતિ પરથી શબ્દ આવ્યો હોય પ્રાકૃતિક અને પ્રકૃતિમાં ઓછામાં ઓછું એક તો હોય જ એટલે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા એક છે.”
“તો પૂર્ણ શું કામ ? “
“હમમમ... એમાં એવું થયું હોય કે પછી બધા વ્યવહાર કરતા થયા હોય અને “મારું તારું” એમ કહેતા થયા... ..હવે પ્રકૃતિમાં એક હોય – પણ મારી પાસે એક પેન્સિલ હોય અને તું લઇ લઉં તો મારી પાસે કેટલી પેન્સિલ કહેવાય ? એ વિષે પ્રાકૃતિક સંખ્યાઓ ચૂપ હતી – અધુરી..હતી....એ સ્થિતિ દર્શાવવા... એ સંખ્યાઓ ગાતી હતી ... “હમારી અધુરી કહાની...” તો ત્યાં આવ્યો એક “હીરો” એનું નામ “ઝીરો” ! એણે કહ્યું હું આવી ગયો ! અને સંખ્યાઓ પૂરી થઇ એટલે પૂર્ણ થઇ !
“પણ ૧ ને “એક” કેમ કહેવાય ?”
“હવે એ તો પહેલેથી કહેવાય એટલે આપણે એને “એક” કહીએ, અંગ્રેજીમાં “વન” અને સંસ્કૃતમાં “એકમ” – એવું તો હોય ! એમાં આપણું કઈ ના ચાલે.. જો તારું નામ રીટા કેમ છે ? (હસાહસ) “હે ! એ તો હોય ને વળી, જે પડ્યું એ પડ્યું.. !” “તો આ સંખ્યાઓ અને બધાના નામ વિષે પણ એવું જ છે !”
પાંચમા ધોરણમાં :
“અરે ! મારી કલીના કમલા, નામનો પહેલો અક્ષર કેપિટલ કરને યાર ! પાંચમું ધોરણ અડધું થયું હજુ ય ભૂલી જવાય છે ?
“હાળું, આ કેપિટલ શું કામ કરવાનો ?”
“એ તો અંગ્રેજીમાં એમ લખાય એટલે એમ લખીએ !”
“કોણે નક્કી કર્યું ?”
“જા, અંગ્રેજોને મળીને પૂછી લે જે !”
“હે ! હજુ અંગ્રેજો છે ? ક્યાં છે ? એ તો જતા રહ્યા ને ?”
“અરે, એમ નહિ પણ અંગ્રેજી બોલે એ અંગ્રેજો એમ કહું છું.. !”
“પણ આ કેપિટલવાળું શું કામ નક્કી કર્યું ?”
“મને સાચે જ ખબર નથી ! ખબર પડશે એટલે કહીશ !”
(આ કેપિટલ વિષે કોઈક તર્ક હોય તો અમને મોકલજો !)
ધોરણ : ૮ માં
“આજે શું ગણિત કે અંગ્રેજી ?”
“અંગ્રેજી !”
“તમે અંગ્રેજીમાં શીખવવાના ?”
“હા, અંગ્રેજીને અંગ્રેજીમાં શીખવીશ !”
સાહેબ, તમને કોઈએ સીધું બોલતા શીખવ્યું જ નથી?”
“મેં શું ઊલટું કહ્યું ?”
“અંગ્રેજી અંગ્રેજીમાં કેવી રીતે?
“જેમ તરવાનું પાણીમાં એમ અંગ્રેજી અંગ્રેજીમાં !”
“સીધું સીધું કહો નહિંતર નથી વાત કરવી !”
“તમે તમારી દ્વિતીય સત્રની ચોપડી ખોલો અને તેના શિક્ષક અને વાલી માટે આપેલા ચાર પેજીઝ વાંચી જાઓ !”
“હંકઅ... અમે શું કરવા વાંચીએ ?”
“એટલે અમે તમને ખોટી રીતે શીખવીએ તો તમને ખબર પાડી જાય કે આ રીતે નહીં આ રીતે શીખવવાનું હોય !”
“અરે યાર ! પણ તરવાનું અને અંગ્રેજી શીખવાનું એ તો કઈ રીતે એ તો કહો !”
“એનો જવાબ એ ચાર પેજીઝમાં છે !”
એ વાંચવા માંડ્યા અને શિક્ષકની નજર “ભાષા સંગમ” કાર્યક્રમ માટે બોર્ડ પર લખેલા વાક્યો પર ઠરી !

November 09, 2018

💥💥દીપાવલી બની દિલવાલી ! 💥💥



💥💥દીપાવલી બની દિલવાલી ! 💥💥
તમે બેઠા હો, ઘરે નાના કોડિયામાંથી ફેલાતા અજવાળાને જોતા, અને ત્યાં જ તમને તમારું આખું કર્મ ઝળહળતું જોવા મળે તો આંખોમાં વર્ષો સુધી જોયેલી “રાહ” હવે એક નવી રાહ ચીંધતી દેખાય !
શાળાની પ્રથા રહી છે કે ગામમાં ઉજવાતા વિવિધ તહેવારોને શાળામાં ઉજવવા અને તે કેમ ઉજવાય તેની પાછળના કારણોની ચર્ચા કરવી. શાળામાં ઉજવાતા થયા પછી ગામમાં એ તહેવારો ઉજવવાની રીતભાત પણ બદલાઈ હોય એવા ય ઉદાહરણો છે. પોતાના બાળકોનો જન્મ એમના માટે નગણ્ય હતો, ત્યારે અમે શાળામાં તેમના જન્મદિવસ ઉજવવાનું શરૂ કર્યું. તો હવે તેઓ અમારા (શિક્ષકોના) જન્મદિવસ ને ય ભવ્ય રીતે ઉજવે છે. જે વાલીથી જે શક્ય બને તેવી મીઠાઈ વડે અમારું મો મીઠું કરાવે છે. અરે ! જેની સાથે ખાસ લેવા દેવા નથી એવા વ્યક્તિઓ પણ પરસ્પર એકબીજાને જન્મ દિવસે “હેપ્પી બર્થ ડે” વિશ કરે છે ! અમારા “આપણું નવા નદીસર” વોટ્સેપ ગ્રુપમાં નાના બાળકો ની સાથે મોટેરાઓના જન્મ ને ય ખુશીથી વધાવી લેવાય છે.

     આ દિવાળી વિકેશન ટૂંકું હતું અને અમારી ઘરના કામમાં વ્યસ્તતા પણ વધુ હતી એટલે શાળાના પ્રાંગણ સુધી જવાનું નહીવત બન્યું, પરતું ગામ આખું શાળા બાગની દેખરેખ રાખતું હોય ત્યારે હવે એ વિષે વધુ ચિંતા રહેતી નથી. પણ આ શાળા અમારા સુધી ગામના યુવાનો વડે રોજ પહોચતી જ રહી.  ખુશીથી નાચવાનું મન ટતો ત્યારે થયું જયારે તેમના તરફથી આ દિવાળીએ ગીફ્ટ આપવાની શરૂ થઇ. વાઘ બારસે સરસ્વતીના મંદિરમાં એક કોડિયું પ્રગટાવ્યું એ ય અમારા દિલને અડકી ગયું... પણ આંખોમાં હજુ ય ઝગમગે છે અમાસની એ રાતને અજવાળી કરી દેનારું દ્રશ્ય !
ગામે નક્કી કર્યું કે આ વખતે આખા ગામમાં કોડિયા મુકાય અને ત્યાં અજવાળું હોય તો શાળાની ઈમારતમાં અંધારું ના ચાલે ! હવે તહેવારનો મિજાજ હોય અને આવું નક્કી થાય એટલે એમણે નાનો નાનો ફાળો કર્યો અને ખરીધ્યા મીણબત્તીના પેકેટ... રાત્રે બધા બાળકો, યુવાનો શાળામાં આવી ત્રીજા માળથી લઇ બધા વર્ગખંડ આગળ અને છેક છતની કિનારી કિનારીએ અજવાળા પ્રગટાવ્યા ! અહિયાં, આનંદ એક શાળાને ઝળહળતી જોવાનો નહિ પણ એ ઉજાસ કરવા મથનાર હાથોમાંથી નીતરતા તેજને જોવાનો હતો.
આ દિવાળીએ અમને આ નવું તેજ આપ્યું છે અને તે જ તેજ લઇ અમે ઉપડ્યા છીએ નવા સત્રની સફરે !