April 30, 2022

ચિત્ર દોરવાનો સમય કેટલો ?!!!

ચિત્ર દોરવાનો સમય કેટલો ?!!!

એક રાજાએ રાજ્યના મુદ્રાલેખમાં એક મુર્ગાનું ચિત્ર રાખવાનું જાહેર કર્યું. મુદ્રા પરના મુર્ગાનું ચિત્ર ખૂબ આકર્ષક અને જીવંત લાગે તેવું બનાવવા માટે રાજ્યના ચિત્રકારોને આમંત્રિત કર્યા. રાજાએ કહ્યું કે એવું ચિત્ર બનવું જોઈએ કે ચિત્રને જોતાં મોઢામાંથી વાહ નીકળી જાયસૌથી આકર્ષક ચિત્રને રાજ્યની મુદ્રા પર સ્થાન આપવામાં તો આવશે , તે ચિત્ર બનાવનાર ચિત્રકારને મોટું ઈનામ પણ મળશે.

રાજા ધ્વારા ચિત્રના નિર્ણાયક તરીકે રાજ્યના ઉત્તમ  ચિત્રકારની નિયુક્તિ કરવામાં આવી. નિર્ણાયક ચિત્રકાર જે ચિત્રને ઉત્તમ જાહેર કરે તે નિર્ણય આખરી ગણાશે તેવું જાહેર કરાયું. રાજસભામાં સૌની હાજરીમાં સૌ ચિત્રકાર ચિત્ર દોરવા લાગી ગયા. થોડાક કલાકો બાદ જ્યારે સ્પર્ધા પૂર્ણ થઈ ત્યારે રાજાએ નિર્ણાયક ચિત્રકારને બધાં ચિત્રો જોઈ ઉત્તમ ચિત્ર કયુંતેનો નિર્ણય કરવા કહ્યું. નિર્ણાયકે રાજા પાસે એક જીવતો મુર્ગો મંગાવવા વિનંતી કરી. રાજાએ વિનંતી માન્ય રાખી મંગવવાનું કારણ પૂછ્યું. નિર્ણાયકે કહ્યું કે રાજાજી, જીવંત ચિત્ર ત્યારે કહેવાય જ્યારે જીવંત મુર્ગો તે ચિત્રને જોઈ પ્રતિક્રિયા આપે. અને તે ઉત્તમ ચિત્ર જાહેર કરાશે. નિર્ણાયક ચિત્રકાર મુર્ગાને દરેક ચિત્ર સામે મૂકે પણ એકેય ચિત્રની સામે મુર્ગાએ પ્રતિક્રિયા આપી નહીં. નિર્ણાયકે રાજાને જણાવ્યું કે એક પણ ચિત્ર ઉત્તમ નથી. રાજા તો વિચારમાં પડી ગયો. તરત તેને વિચાર આવ્યો. તેણે કહ્યું મહાશય ચિત્રકાર આપ પણ ચિત્રકાર છો. તો તમે એવું ચિત્ર બનાવી બતાવો કે જેને જોઈ મુર્ગો પ્રતિક્રિયા કરે. નિર્ણાયકે કહ્યું કે ચોક્કસ પરંતુ મને ત્રણ વર્ષનો સમય આપો સાથે થોડા મુર્ગા સાથે જંગલમાં રહેવાની વ્યવસ્થા કરી આપો ! રાજાએ તમામ વ્યવસ્થા કરી આપી.

ચિત્રકાર મુર્ગાઓ સાથે જંગલમાં રહેવા લાગ્યો. એક વર્ષ પૂરું થતાં રાજાએ સેનાપતિને મોકલી ચિત્રનું કામ કેટલે આવ્યું તે જાણી લાવવા કહ્યું. સેનાપતિ પોતાના સૈનિકો સાથે જંગલમાં જ્યાં ચિત્રકાર રહેતો હતો ત્યાં ગયા. ત્યાં જઈને જોયું તો ચિત્રકાર મુર્ગાઓની વચ્ચે બેસી મુર્ગાઓના વર્તનને નિહાળ્યા કરતો હતો. ચિત્રકાર પણ મુર્ગાની જેમ બેઠો હતોસેનાપતિને જોઈને તે ઊભો થઈને તેમની પાસે આવી તેઓને આવકાર આપ્યો. પરંતુ પાછો મુર્ગાઓ પાસે જઈ મુર્ગાની જેમ બેસી ગયો. સેનાપતિ પરત જઈ બધી વાત રાજાને કરી.

બીજું વર્ષ પૂરું થતાં ફરી રાજાએ સેનાપતિને મુર્ગાના ચિત્રનું કામ કેટલે આવ્યાની તપાસ કરી લાવવા કહ્યું. સેનાપતિ ફરી સૈનિકો સાથે ચિત્રકારના નિવાસે ગયો. ત્યાં જઈને જોયું તો ચિત્રકાર મુર્ગાઓની વચ્ચે બેઠો હતો પણ હવે તો તેનું વર્તન અને દેખાવ પણ જાણે પોતે મુર્ગો હોય તેવું બનાવી દીધું હતું. તેના મુર્ગા સાથેના વર્તનથી દેખાઈ આવતું હતું કે તે મુર્ગાની ભાષા બોલી અને સમજી શકતો હતો. તેણે સેનાપતિને જોયા પણ તો ઊભો થયો કે તો આવકાર આપ્યો. તેનું વર્તન જોઈ સેનાપતિ સૈનિકોને કહેવા લાગ્યો કે આતો હવે મુર્ગો બની ગયો લાગે છે ! સૈનિકો હસવા લાગ્યા અને સૌએ રાજાને જઈ વિગતે વાત કરી.

ત્રીજું વર્ષ પૂરું થયું. રાજાએ રાજસભામાં ચિત્રકારને તેડાવ્યો. ચિત્રકારને જોઈ રાજા અને સૌ લોકો નવાઈ પામી ગયાં. ચિત્રકાર તો જાણે તે મુર્ગો હોય તેવી તેની વાણી અને તેવું વર્તન ! રાજાએ પૂછ્યું ચિત્ર ક્યાં? ચિત્રકારે કહ્યું મંગાવો પીંછી, રંગો અને સામાન. સામગ્રી આવતાં ચિત્રકારે દસ મિનિટ કરતાં પણ ઓછા સમયમાં સરસ મજાનું મુર્ગાનું ચિત્ર બનાવી દીધું. ચિત્ર ઉત્તમ જીવંત ચિત્ર છે કે નહીં તેની ખાત્રી કરવા સભામાં મુર્ગો મંગાવ્યો. મુર્ગાને ચિત્રની સામે મૂકતાં મુર્ગો ભાગમભાગી કરવા લાગ્યો. રાજા ખુશ થઈ ગયો અને તેણે ચિત્રકારને ઈનામ આપ્યું. ઈનામ આપતાં સમયે રાજાએ પૂછ્યું જે ચિત્ર દસ મિનિટમાં બની જાય તેમ હતું તે ચિત્ર માટે પોતાને ત્રણ વર્ષ રાહ કેમ જોવડાવી? ચિત્રકારે કહ્યું ચિત્ર દસ મિનિટમાં નહીં ત્રણ વર્ષ અને દસ મિનિટમાં બન્યું છે. આટલો સમય મુર્ગાઓ વચ્ચે રહી તેઓના અહેસાસ જાણ્યા ત્યારે હું તેમના ભાવને [ લાગણીઓને ] ચિત્રમાં જીવંત બનાવી શક્યો છું. હું તેમની સાથે મુર્ગો બની જીવ્યો ત્યારે તેઓને જાણી શક્યો છું. જે ત્રણ વર્ષમાં અનુભવ્યું તે દસ મિનિટમાં દોરી શક્યો છું.

આપણે એક વાક્ય ઘણી જગ્યાએ વાંચીએ કે સાંભળીએ છીએ - બાળક સાથે બાળક બનો!” – વાંચ્યું અને સાંભળ્યું તો ઘણીવાર હતું. અમને પણ તે સમજાયું ત્યારે, જ્યારે ઓશોની વાર્તા વાંચી.

બીજો તર્ક પણ થયો કે જ્યારે કાર્ય ખૂબ મહત્વનું હોય ત્યારે આયોજન એનાથી વધુ મહત્વપૂર્ણ હોય છે.