April 30, 2022

ટીકા સાંભળવાની ટેવ !!!!!

ટીકા સાંભળવાની ટેવ !!!!!


બાળકોનું ભણતર અને ઘડતર શાળામાં થતું હોય છે. ઘણીવાર બધાં કહેતાં હોય છે કે બાળક સમાજમાંથી શીખે છે. તેના આસપાસના પર્યાવરણમાંથી જાણે છે; છતાં તે બાળક કેવો બનશે તે તેની શાળાના ઘડતર પર આધારિત છે. બાળકોને શીખવાનું બધે મળતું રહેતું હોય છે. શાળાએથી ઘરે જાય અને બીજા દિવસે પાછો શાળાએ આવે ત્યાં સુધીમાં તો જોઈ, સાંભળી અને અનુભવીને તેનામાં ગઈકાલ કરતાં નવું અપડેશન આવી ગયું હોય છે.

ઘણીવાર એવું બનતું પણ હોય છે કે શિક્ષકે વર્ગખંડમાં કહેલું શાળાએથી પરત જતાં તેનાથી જુદું અનુભવાયું પણ હોય. એવામાં સમાજમાં દેખાતી અને અનુભવાતી ઘટનાઓમાંથી તે શું શીખે છે તેનો આધાર આપણે તેને આપેલ સમજ પર  છે. એટલે શાળા બાળકોના ઘડતર માટે જવાબદાર છે તેવું વર્ષોથી કહેવામાં આવ્યું છે. ઘણીવાર સાંભળ્યું હશે આવતીકાલનો દેશ કેવો હશે તે આજના વર્ગખંડો પરથી જાણી શકાય છે. માટે ભલે બાળક સમાજ કરતાં શાળામાં  ઓછો સમય રહેતો હશે પરંતું દિવસ રાત દરમ્યાન સમાજમાંથી શિખેલ બાબતોને તો તે શાળાએ આપેલ દૃષ્ટિકોણથી જોતો હોય છે અને શિક્ષકે આપેલ સમજ થી સમજતો હોય છે.

પ્રાથમિક કક્ષાથી   બાળકો વધુ સમજણ સાથે સમાજને જોતાં થાય એટલા માટે  શાળામાં શરૂ થયેલ નાગરિક ઘડતર પ્રવૃતિ પરોક્ષ રૂપે પરિણામ આપતી રહી છે. શિક્ષક તરીકે આપણે જ્યારે શાળામાં કે વર્ગખંડમાં કાર્ય કરતા હોઈએ છીએ અને આપણા કામ બાબતે કોઈ ભૂલ નિર્દેશ કરે અથવા સહકર્મી સમૂહમાં ટિપ્પણી કરે ત્યારે આપણા હાવભાવ બદલાઈ જતાં હોય છે. આવામાં ટિપ્પણી કે ટીકાઓથી શીખવા માટેની આપણી ક્ષમતા ખતમ થતી હોય છે. તેનું કારણ છે કે નાનપણથી આપણા કામમાં ભૂલ શોધનાર સાથે આપણે ગ્રુપ વર્ક કર્યુ નથીશાળામાં  જૂથકાર્ય, કામગીરીની ચર્ચા, તેની સમિક્ષા વગેરેથી ઘણાં બધાં ફાયદાઓ પૈકી એક મોટો ફાયદો પણ છે કે બાળકો મિત્રોને પણ ભૂલ બતાવી શકે છે અને સાથે રહી સુધારવાનું શીખી પણ શકે છે.

એટલે તો ધોરણ પહેલાનો દિક્ષિત જમ્યા પછી ડીસ પોતાના કપડે ઘસી સાફ કરવાની સલાહ આપી શકે છે અને ત્રીજામાં ભણતી ભારતી બધી છોકરીઓએ ટોયલેટ બહાર નીકળતાં રાખવાની કાળજી વિશે સૂચના કરે છે. મહંમદ શાળાના ઉપ પ્રમુખની ભૂલની સાબિતી આપી તેના માર્કસ માઇનસ કરવાની અરજી કરે છે.

વ્યક્તિત્વ વિકાસ અંતર્ગતનું વાર્ષિક મૂલ્યાંકન વખતે જૂથ ભેગું થઈ વર્ષ દરમ્યાન સાથે કામ કર્યા પછી પણ પોતાના સાથીઓનું મૂલ્યાંકનમાં એકબીજા ની ભૂલો બતાવી તેના માર્કસ ઓછા કર્યાની બૂમો સંભળાય છે, તો કયાંક અલ્યા એને મારા ભાગમાં આવેલ ડેસ્ક ગોઠવવાના કામમાં મદદ કરી હતી, એના 2 માર્ક વધારો વાળી વિનંતીઓ પણ સંભળાય છે. પાછા ફરી સૌ સાથે મળી પખવાડીયાના શ્રેષ્ઠ ગ્રુપ તરીકે પોતાના ગૃપને વિજેતા બનાવવા કા મે લાગી જાય છે. ભવિષ્યના નાગરિક તરીકેના આવા ગુણ વડે થયેલું ઘડતર દેશને મદદરૂપ બનશે અને નાગરિક તરીકે જીવવામાં લોકશાહીનો સાચો આનંદ પણ આપશે.

ચાલો નાનકડા નાગરિક દીક્ષિતની ફરિયાદ સાંભળીએ !  >  કપડે ઘસી સાફ કરવાની સલાહ


No comments: