Showing posts with label અમારા ધ્વારેથી.... Show all posts
Showing posts with label અમારા ધ્વારેથી.... Show all posts

July 31, 2025

તૂટી જતો સૈયારા કે અચળ ધ્રુવ !

તૂટી જતો સૈયારા કે અચળ ધ્રુવ !

જ્યારે આપણે આનંદ વગર જીવન જીવતા હોઈએ, ત્યારે આસપાસની તમામ વસ્તુઓ – સુવિધાઓ, સગવડો અને સ્નેહીજનો – પણ જાણે કે બોજરૂપ લાગતા હોય છે. મજા ન આવે તેવું કામ કરવામાં પણ જાણે શરીર આખો દિવસ થાક અનુભવતું હોય છે, અને એના લીધે જ તો થાક વર્તાતો હોય. એટલે જ તો આપણા પૂર્વજો કહી ગયા હતા કે, સંપત્તિ થોડી ઓછી હોય તો ચાલે, પરંતુ આનંદ ભરપૂર હોવો જોઈએ. અને આવા આનંદ સાથે જીવન જીવવું એ જ જીવન જીવવાનો સાચો આનંદ છે, એમ શાસ્ત્રોમાં કહ્યું છે. (કયા શાસ્ત્રોમાં એ અમને પૂછવું નહીં, હોં! 😅)

જન્મથી મૃત્યુ સુધી, અથવા તો કોઈપણ ઉંમરે વ્યક્તિ કંઈ પણ કામ કરે, પરંતુ તે દરેકમાં પોતે આનંદ શોધતો હોય છે. એટલે જ તો વ્યવસાય શોખ ન હોય ત્યારે શોખ પૂરા કરવા પણ તેના માટે સમય કાઢતો હોય છે, કારણ કે તેમાંથી તેને આનંદ આવતો હોય છે. અને એ જ આનંદ એનર્જી તરીકે તેને વધુ કામ કરવાની પ્રેરણા આપતો હોય છે. સરવાળે જોઈએ તો, આનંદ એ જ જીવન સંચાલનની ચાવી છે, એવું સાબિત થાય છે.

અગાઉના અંકોમાં આ વાત ઉપર આપણે ચર્ચા કરી છે કે, શીખવાની આટલી સરસ પ્રક્રિયા ક્યારે ભણવાની બોરિંગ પ્રક્રિયા બની ગઈ અને તેના જવાબો શોધવા માટે પણ ઘણા પ્રયત્નો થયા છે. છતાં પણ આજ દિન સુધી ‘શીખવું’ એ 'ભણવું' થી અલગ જ બની રહ્યું છે. અને 'ભણવું' એવો શબ્દ જ્યારે વાપરીએ છીએ, ત્યારે તરત જ બાળકોના કપાળે કંટાળા રૂપી કરચલીઓ પડતી હોય છે. ત્યારે એવું સમજાય છે કે વર્ગખંડોમાંથી જ્યારે આનંદ ઉડી જાય છે, ત્યારે વર્ગખંડમાં થતી તમામ પ્રક્રિયાઓ બાળક માટે કંટાળાજનક એટલે કે બોજારૂપ બનતી હોય છે. અને એના લીધે જ એને એવું લાગવા માંડે છે કે વર્ગખંડ એટલે ભણવા માટેના છે, શીખવા માટેના નથી.

તમને થશે કે ભણવું અને શીખવું આ બંને અલગ અલગ કેવી રીતે છે? ત્યારે શીખવું એટલે બાળકે જાતે કરવું, સાંભળવું, સમજવું, પોતે વર્તવું - આ બધી પ્રક્રિયાઓ આવતી હોય છે. અને ભણવું શબ્દનો અર્થ એવો બની ગયો છે કે શિક્ષક બોલે, શિક્ષક કહે, શિક્ષક કરે - તેવું જ કરવું અને સાંભળવું. આવી એકાંકી પ્રક્રિયા બાળકના મનમાં ભણવાના નામે શીખવા માટેનો રસ ઉડાડી મૂકે છે, એટલે જ તો ભણવાના નામથી બાળકો દૂર ભાગી રહ્યા છે.

જ્યારે આવા વાતાવરણમાં બાળકોનું પોતાનું મન એટલે કે મગજ શીખવા તૈયાર નથી, ત્યારે તે બાળકને આપણે જે કહીએ છીએ, બોલીએ છીએ, લખાવીએ છીએ, વંચાવીએ છીએ - આ બધી પ્રક્રિયાઓ નિરર્થક સાબિત થતી હોય છે. એટલે કે, એક પ્રકારની મજૂરી આપણે કરતા હોઈએ તેવું લાગે છે, અને તેમાં જોઈએ તેટલું વળતર આપણને મળતું નથી. અને તેનું એક કારણ છે કે આ બધી પ્રક્રિયાઓમાંથી એક જ વસ્તુ બહાર નીકળી ગઈ છે, અને તે છે તેના અંદરનો આનંદ અને બાળકના ચહેરા પરની સ્માઈલ! જો આ એક વસ્તુ ઉમેરાઈ જાય, તો વર્ગખંડોને આપણે જે વર્ગખંડો કહીએ છીએ તે ખરેખર કેવા બની જતા હોય છે! કારણ કે બાળકને આનંદ આવવો એ આપણા માટે શીખવવાની પહેલી ફરજ છે, અને બાળક તરફથી જોઈએ તો શીખવા માટેનું પહેલું પગથિયું પણ છે.

જરા વિચારો, આપણને મજા ન આવતી હોય તેવી મૂવીઝ આપણને ફ્રીમાં જોવા મળે તો પણ નથી જોતા હોતા, અથવા તો આપણને મજા ન આવે તેવું કામ પણ આપણને વળતર મળતું હોવા છતાં પણ નથી કરતા હોતા, અથવા તો તેમાં એટલો ઉત્સાહ નથી બતાવતા હોતા. તેવામાં કોઈપણ જાતનું વળતર ન મળતું હોય અને બોરિંગ પ્રક્રિયા હોય, તેમાં તો બાળકો કેવી રીતે ભાગીદાર બને? તે તો હવે વિચારવું જ રહ્યું!

માટે જ ફરી કહીએ છીએ કે, શિક્ષણ બાળક માટે છે, પરંતુ તેના ચહેરા પરના આનંદના ભોગે તો નહીં! કારણ કે આપણે તેને વિવિધ વિષમ સ્થિતિમાં સ્થિર રહે તેવો ધ્રુવનો તારો બનાવવાનો છે,

નહીં કે તૂટી જતો 'સૈયારા’!







June 29, 2025

જનરેશન ગૅપ: ઉંમર નહીં, બદલાવની સ્વીકૃતિ!

જનરેશન ગૅપ: ઉંમર નહીં, બદલાવની સ્વીકૃતિ!

જનરેશન ગૅપ - આ શબ્દ આપણે બહુ સાંભળીએ છીએ. પિતા-પુત્ર કે માતા-પુત્રી વચ્ચે હોય, અથવા તો બજારમાં કોઈ મોટા વ્યક્તિને ટીનએજર સાથે મતભેદ થાય, કે તરત આ શબ્દ સંભળાય: "જનરેશન ગૅપ!" પેલા 'થ્રી ઈડિયટ્સ'ના લાઇબ્રેરિયનની જેમ – "પરમેનન્ટ હું સર!!"

જોકે, આ ગૅપની વાત અમુક અંશે સાચી હોઈ શકે. વીસમી સદીના અંતથી એકવીસમી સદીમાં આવતાં જ ટેકનોલોજીમાં મોટી ક્રાંતિ આવી. આ ક્રાંતિએ આપણી રહેણીકરણીમાં મોટા ફેરફારો લાવ્યા. ઉંમરની વાત છોડો, જે લોકોએ ટેકનોલોજીને જાણવામાં, શીખવામાં કે સમજવામાં ધ્યાન ન આપ્યું, તેઓ "જનરેશન ગૅપ"ની પેલે પાર દેખાવા લાગ્યા. વ્યક્તિઓ જ નહીં, સંસ્થાઓ પણ જો ટેકનો-ફ્રેન્ડલી ન બની, તો ધીમે ધીમે અદૃશ્ય થવા લાગી. એટલે હવે જનરેશન ગૅપ શબ્દનો અર્થ ઉંમરને બદલે ટેકનોલોજીને કેટલી સ્વીકારી છે તેના આધારે થવા લાગ્યો. ટૂંકમાં, જો તમે નવીનતાને જાણો છો, તો ગૅપની આ પાર અને તેનાથી દૂર રહો છો, તો પેલે પાર!

ટેકનોલોજીની અસર ફક્ત વ્યક્તિઓ પર નહીં, તેમના કામધંધા પર પણ થઈ. જેઓ અપડેટ થતા ગયા, તેઓ આગળ વધ્યા. પણ જેઓ પોતાની જૂની રીતો જ વળગી રહ્યા, તેઓ આઉટડેટેડ થઈ ગયા. તમને યાદ હશે, કેટલાય એવા વ્યવસાય હતા જેને ટેકનોલોજીએ ખતમ કરી દીધા. જેઓ મોટા હતા, પણ નવી ચેલેન્જ સ્વીકારવા તૈયાર નહોતા, તેઓ ડાયનાસોર જેવા લુપ્ત થઈ ગયા.

સામે પક્ષે, ટેકનોલોજીએ નવી તકો પણ ઊભી કરી. જેણે આ તક ઝડપી, તેની ઝડપથી પ્રગતિ થઈ! છેલ્લાં થોડાં વર્ષોમાં આ ટેકનોલોજીનો પ્રવાહ એટલો તેજ બન્યો કે તેને રોકવો અશક્ય અને વાળવો મુશ્કેલ હતો. માટે, તેના તાલથી તાલ મિલાવીને આગળ વધવું એ જ એકમાત્ર રસ્તો હતો. જેમણે આ પ્રવાહમાં તરવાની અનુકૂળતા કેળવી લીધી, તેમને તેનો પૂરો ફાયદો થયો. ઉદાહરણ માટે, આપણી શાળાનો બ્લોગ, યુટ્યુબ ચેનલ કે સોશિયલ મીડિયા અકાઉન્ટ્સ જુઓ – શાળા જે રીતે તમારા સૌ સુધી પહોંચી છે, એ જ એક મોટું ઉદાહરણ છે.

એક સમય હતો જ્યારે સાંભળીને નવાઈ લાગતી કે એક વિકસિત દેશ એવો છે જ્યાં વસ્તી કરતાં સિમકાર્ડની સંખ્યા વધારે છે! જે વાત પહેલાં માની ન શકાય તેવી લાગતી, તે આજે આપણી આસપાસ સ્પષ્ટપણે દેખાય છે અને અનુભવાય છે. જેમ જેમ ઘરમાં અને સમાજમાં મોબાઇલ નામના મેજિક બોક્સમાં ટેકનોલોજીનો ખજાનો વધતો જાય છે, તેમ તેમ આજે જે નવું છે, તે કાલે જૂનું થઈ જાય છે. આવા સમયમાં અસ્તિત્વ ટકાવી રાખવાના પડકારો પગલે પગલે જોવા મળે છે.

શાળા જેવી સંસ્થાઓ કે શિક્ષક તરીકેના વ્યવસાયની વાત કરીએ તો, ટેકનોલોજીએ આપણને જેટલી મદદ કરી છે, તેના કરતાં અનેકગણા પડકારો પણ ઊભા કર્યા છે. અહીં આપણે વ્યવસાયના અસ્તિત્વના પડકારોની વાત નથી કરતા, પણ વાત છે ક્લાસરૂમમાં આવતા પડકારોની. આપણી સામે આવતા બાળકરૂપી પડકારોની!

આજે તમે બાળકને જે નવું શીખવવાના છો, તે તો તેના ઘરે ઉપલબ્ધ ટેકનોલોજીએ કદાચ કહી પણ દીધું હશે. અને જો તેના ઘરમાં કોઈ ટેકનોસેવી વ્યક્તિ હશે, તો તેણે તેને શીખવી દે તેવી લિન્ક પણ બતાવી દીધી હશે. તમે વર્ગખંડમાં જે વિષયવસ્તુ માટે આજે મહેનત કરવાના છો, તે કદાચ ઘણાં બાળકો માટે આઉટડેટેડ હશે. આવા સમયે, જો આપણી પાસે બાળકોને વર્ગખંડમાં રોકી રાખવા માટે અપડેટ માહિતી અને તેને પીરસવાની આગવી રીત નહીં હોય, તો વર્ગખંડમાં આપણું અસ્તિત્વ ટકાવી રાખવું મુશ્કેલ બનશે.

હાલમાં જ નવું શૈક્ષણિક સત્ર શરૂ થયું છે. બાલવાટિકાનાં ભૂલકાંને આપણે સૌએ પ્રવેશોત્સવ દ્વારા આવકાર્યા છે. હવે આ આપણાં ભૂલકાંને સામે રાખીને વર્ગખંડમાં એક સર્વે કરીએ તો ખ્યાલ આવશે કે એમણે પાંચ વર્ષની ઉંમરમાં એ બધું જ શીખી લીધું છે / જોઈ લીધું છે / સમજી લીધું છે – જેને સમજવા આપણને શાળામાં પ્રવેશ્યા પછી પણ વર્ષો લાગતાં હતાં. રીલ્સ મેડમ, યુટ્યુબ ટીચર – બધાં ઉપર આંગળીઓ ફેરવીને આખી દુનિયાના મીમ્સ સમજી જનાર બાળક માટે આપણે કેવાં ટુચકા કે કેવી કેવી બાળવાર્તાઓ સાથે તૈયાર થવું પડશે! આપણે પણ મોઢામાં આંગળા નાખી જઈએ તેવા ડાન્સ અને અભિનયના વિડીયો જોઈને પાંચ વર્ષનો થનાર આ ભૂલકાને આપણા અભિનયમાં રસ લેતો કરવા કેવું પીરસણ તૈયાર કરવું પડશે, તે ખરેખર વિચારવા જેવી વાત છે.

આ બધું વિચારવા અમને જેણે મજબૂર કર્યા છે તે દીકરી કાવ્યાને આ લિન્ક દ્વારા સાંભળશો તો તમે પણ તમારા વર્ગખંડનાં બાળકોને ભૂલકાં કહેતાં ખચકાશો! કારણ કે તેઓ હવે ભૂલ કરનાર કે ભૂલી જનાર નથી રહ્યાં – જો તેમને શાંતિથી સાંભળવામાં આવે તો તો એ રોજે રોજ આપણને નવું જણાવી જનારા માર્ગદર્શકો હોઈ શકે. ચાલો, માણીએ આવાં બાળકોને! તમારા વર્ગખંડની પણ આવી કાવ્યાના વિડીયો અમને મોકલશો તો સૌની સાથે શેર કરીશું.

દીકરી કાવ્યાની વાતો -:  

ભાગ ૧ 


ભાગ ૨ 




May 31, 2025

“મારું બીજું ઘર..!”

મારું બીજું ઘર..!”

શાળા એ બાળકનું બીજું ઘર છે! - આવા સુવિચારો આપણે સૌએ સાંભળ્યા, બોલ્યા અને માણ્યા પણ છે. પરંતુ એ બીજું ઘર બનાવવા માટે શાળાઓએ શું શું કરવું જોઈએ? તે કેવી રીતે કરી શકાય?

“બીજું ઘર” - એટલે શું? તે માટે આપણે સૌએ પાછા આપણા અથવા તો બાળકના પહેલા ઘર તરફ ડોકિયું કરવું પડે! બાળક શાળાને પોતાનું ઘર માને તેવું શાળાનું પર્યાવરણ - વાતાવરણ બનાવવું હોય તો તેના ઘર તરફની આ નજર ખૂબ જરૂરી છે.

બાળક સાથે તેના ઘરમાં થઈ રહેલા વર્તનને યાદ કરીએ - તમે જો શિક્ષક તરીકે કામ કરતાં હશો તો તમને અનુભવ હશે કે વર્ગકાર્ય દરમિયાન કેટલાંક બાળકોનો અવાજ એટલો ધીમોધીમો હોય છે કે આપણને એમ થાય કે અરેરે.. આ કેટલું ધીરું બોલે છે. તેના મિત્રો તેની વાત સાંભળતાં પણ કેવી રીતે હશે? આટલા ધીમા અવાજે સંભળાયેલી વાત સમજાતી કેવી રીતે હશે! પરંતુ આ બાળકો જેવાં વર્ગખંડની બહાર નીકળે એટલે કે શિક્ષક તેની સામેથી ખસે અથવા તો મિત્રો વચ્ચે ઘેરાય કે તરત જ તેનો કંઠ કિલ્લોલ કરતો જોવા મળે [એટલે કે સાંભળવા મળે] આ બાળકોના ઘરે જઈએ ત્યારે તેમના પરિવારની ફરિયાદ સાંભળવા મળે કે અરે! આખો દિવસ ઘરે આ જપતાં જ નથી! બૂમો પાડ્યા કરે, રમ્યા કરે અને તોફાન - મસ્તી કર્યા કરે છે! ત્યારે નવાઈ લાગે કે અલ્યા મારી સામે તો કંઈ બોલતું જ નથી, બહુ પૂછું ત્યારે ધીરોધીરો જવાબ મળે! એવું તે શું થતું હશે?

વિચારીએ કે બાળક આપણી સામે આવે ત્યારે તેના વર્તનમાં ફેરફાર આવવો - તે માટે તે જવાબદાર હોય છે કે આપણે? મિત્રો સામે કે પરિવાર સામે મોટેથી અને ખૂલીને વર્તનાર બાળક આપણી સામે બંધન અનુભવે ત્યારે શિક્ષક તરીકે આપણે આપણા વર્તનમાં કેવા કેવા ફેરફાર લાવવા જોઈએ? જેમકે..


      બાળક સામે મળે ત્યારે આપણે તેના મિત્રની જેમ તેને મળીએ છીએ?

      તેને આવેલા આનંદ અથવા તો ગુસ્સા અંગે તેની સાથે ક્યારેય વાત કરીએ છીએ?

      ભણવા/ભણાવવાની વાત સિવાયની હસીમજાક કરીએ છીએ?

      તેની અંગત કહેવાતી વાતો આપણી સાથે શેર કરી શકે તેટલી નિકટતા કેળવીએ છીએ?

      તેના પરિવારના સભ્યોની જેમ તેને ટકોર કરે તે પછીની હુંફ આપવાની પ્રક્રિયા કરીએ છીએ?

જો એક શિક્ષક તરીકે આપણે આ બધું નથી કરતાં ત્યારે બાળક સાથે નિકટતા કેળવાય - બાળક આપણને પોતાનો મિત્ર - માર્ગદર્શક માને - પોતાના પરિવારની જેમ સમજી તેની મુશ્કેલીઓ આપણને કહે - મિત્રની સામે ખૂલે તેટલો આપણી સામે મોટેથી - મજાથી સંવાદ કરે - આવું બધું નથી થવાનું.

એટલે ફરી યાદ કરાવીએ કે જ્યારે શાળા એ બાળકનું બીજું ઘરે કહીએ ત્યારે શાળા ભવનની વાત નથી. તેમાં કાર્યશીલ આપણે સૌએ બાળકને તેના પરિવારના સભ્ય હોવાનો અહેસાસ કરાવવો પડે - ત્યારે જ શાળા જતા બાળકને કોઈ પૂછે કે ક્યાં જાય છે? - ત્યારે તે બાળકનો જવાબના શબ્દો અલગ અલગ હોઈ શકે, પરંતુ ભાવ તો આ જ હશે કે –

 મારા બીજા ઘરે!

March 30, 2025

“મેં તુજે તોડુંગા, ફિર ફોડુંગા, તોડ-મરોડ કે ફિર જોડુંગા, બાદ મેં ફિર તોડુંગા!”

મેં તુજે તોડુંગા, ફિર ફોડુંગા, તોડ-મરોડ કે ફિર જોડુંગા, બાદ મેં ફિર તોડુંગા!”

આપણે આજની શરૂઆત એ વાક્યથી કરીશું જે આપણા લેખોમાં વારંવાર ઉલ્લેખાય છે: “બાળક ચંચળ હોય છે!” આ ચંચળતાનાં લક્ષણો શું ? જો કોઈ આવું પૂછે તો તેને કહી શકાય કે, “એક આખો દિવસ લઈને તમારી આસપાસનાં બાળકોની પ્રવૃત્તિઓનું બારીકાઈથી અવલોકન કરો, તો તરત જ સમજાઈ જશે કે ચંચળતા એટલે સતત સક્રિય રહેવું! કંઈકને કંઈક રીતે મથામણ કરતાં રહેવું!” એક ફિલ્મનો સંવાદ કંઈક આવો છે: “મેં તુજે તોડુંગા, ફિર ફોડુંગા, તોડ-મરોડ કે ફિર જોડુંગા, બાદ મેં ફિર તોડુંગા!” બાળકોની ચંચળતાને સંતોષતી પ્રવૃત્તિઓ પણ કંઈક આવી જ હોય છે. રમકડાં હોય કે રમત-ગમતની કોઈ પણ વસ્તુ, તેની સાથે બાળકોનું વર્તન આ સંવાદને અનુરૂપ જ હોય છે. આનાથી આપણને કંટાળો આવે છે અને આપણે કહીએ છીએ, “આને તો લોખંડની વસ્તુ આપો તો પણ બે મિનિટ બહુ થઈ!”

આખો દિવસ સતત કંઈકને કંઈક કામ શોધવામાં અને શોધેલા કામમાં મથામણ કરવામાં ટેવાયેલા બાળકને આનંદની શરૂઆત ત્યાંથી થાય છે, જે કામ કરવાની તો દૂર, જોઈને જ આપણને કંટાળો આવે. બાળકો અને આપણા આ સ્વભાવનો તફાવત જ વર્ગખંડોમાં મુશ્કેલીઓનું મૂળ છે. આજની ચર્ચા બાળકોની આ ચંચળતાને સમજવા માટેની જ છે.

ભણવા-ભણાવવાની યુક્તિઓની વાત આવે ત્યારે વર્ગખંડમાં આપણો સ્વભાવ બાળકની આ ચંચળતાને તોફાન તરીકે સમજે છે. બાળકોને શાંત બેસાડવાની આપણી સૌની મથામણ વર્ગખંડમાં વધુ અશાંતિ ઊભી કરે છે. “શાંતિથી બેસો” જેવો સંવાદ આપણા સંતોષ માટે બોલાય છે, પણ તેનાથી બાળકો ખરેખર શાંત બેસે એવી ખાતરી આપણને પણ નથી હોતી. કેટલીક વાર આપણી અકળામણ અને ઉગ્ર સૂચનાઓથી વર્ગખંડમાં શાંતિ છવાઈ જાય છે, પરંતુ તે અસ્થાયી અને અજંપાથી ભરેલી હોય છે, એ આપણે બધા જાણીએ છીએ. એવામાં આપણે ઈચ્છીએ એવું વર્ગખંડ ત્યારે જ શક્ય છે જ્યારે આપણે બાળકોની ચંચળતાને સંતોષી શકે તેવા આઇડિયા શોધીએ.

બાળકોનું મગજ સતત પ્રવૃત્ત રહેવા માટે મથે છે. લખવા, વાંચવા કે સાંભળવાની તો વાત જ જુદી છે, પણ જો તેને ફક્ત બે જ વિકલ્પ આપવામાં આવે કે “એનું એ રમવું છે કે કંઈક નવું કરવું છે?” તો પણ અમારો અનુભવ કહે છે કે મોટા ભાગનાં બાળકો નવી  પ્રવૃત્તિ જ પસંદ કરશે! અને હા, આ નિર્ણય તેમનો નહીં, પણ તેમના ચંચળ મનનો હોય છે, જે હંમેશાં પ્રવૃત્ત રહેવા માગે છે. એટલે જો કોઈ કહે કે “મારો વર્ગખંડ શાંત નથી,” તો સમજવું કે બાળકની ચંચળતાને પોષી શકે તેટલી પ્રવૃત્તિઓ વર્ગખંડમાં નથી.

બાકી તો ફરી યાદ કરી લઈએ કે વર્ગખંડમાંથી બહાર સંભળાતા “ચૂપ રહો, શાંત રહો, શાંતિથી લખો, શાંતિથી વાંચો” જેવા સંવાદો આપણા સંતોષ માટે હોય છે અને તેનું પરિણામ પણ ક્ષણિક હોય છે. આ ક્ષણે ક્ષણે મથવાને બદલે બાળકો સતત મથામણ કરતાં રહે તેવી પ્રવૃત્તિઓ જ આનો સચોટ ઉપાય છે. ચાલો, આ મહિનામાં બાલવાટિકાનાં બાળકોએ કરેલી કેટલીક પ્રવૃત્તિઓને માણીએ!