“મેં તુજે તોડુંગા, ફિર ફોડુંગા, તોડ-મરોડ કે
ફિર જોડુંગા, બાદ મેં ફિર તોડુંગા!”
આપણે આજની શરૂઆત એ વાક્યથી કરીશું જે આપણા
લેખોમાં વારંવાર ઉલ્લેખાય છે: “બાળક ચંચળ હોય છે!” આ ચંચળતાનાં લક્ષણો શું ? જો કોઈ આવું પૂછે તો તેને કહી શકાય કે, “એક આખો દિવસ લઈને તમારી આસપાસનાં બાળકોની પ્રવૃત્તિઓનું
બારીકાઈથી અવલોકન કરો, તો તરત જ સમજાઈ જશે
કે ચંચળતા એટલે સતત સક્રિય રહેવું! કંઈકને કંઈક રીતે મથામણ કરતાં રહેવું!” એક
ફિલ્મનો સંવાદ કંઈક આવો છે: “મેં તુજે તોડુંગા, ફિર ફોડુંગા, તોડ-મરોડ કે ફિર જોડુંગા, બાદ મેં ફિર તોડુંગા!” બાળકોની ચંચળતાને સંતોષતી પ્રવૃત્તિઓ
પણ કંઈક આવી જ હોય છે. રમકડાં હોય કે રમત-ગમતની કોઈ પણ વસ્તુ, તેની સાથે બાળકોનું વર્તન આ સંવાદને અનુરૂપ જ હોય છે. આનાથી
આપણને કંટાળો આવે છે અને આપણે કહીએ છીએ, “આને તો લોખંડની વસ્તુ આપો તો પણ બે મિનિટ બહુ થઈ!”
આખો દિવસ સતત કંઈકને કંઈક કામ શોધવામાં અને શોધેલા કામમાં મથામણ કરવામાં ટેવાયેલા બાળકને આનંદની શરૂઆત ત્યાંથી થાય છે, જે કામ કરવાની તો દૂર, જોઈને જ આપણને કંટાળો આવે. બાળકો અને આપણા આ સ્વભાવનો તફાવત જ વર્ગખંડોમાં મુશ્કેલીઓનું મૂળ છે. આજની ચર્ચા બાળકોની આ ચંચળતાને સમજવા માટેની જ છે.
ભણવા-ભણાવવાની યુક્તિઓની વાત આવે ત્યારે વર્ગખંડમાં
આપણો સ્વભાવ બાળકની આ ચંચળતાને તોફાન તરીકે સમજે છે. બાળકોને શાંત બેસાડવાની આપણી
સૌની મથામણ વર્ગખંડમાં વધુ અશાંતિ ઊભી કરે છે. “શાંતિથી બેસો” જેવો સંવાદ આપણા
સંતોષ માટે બોલાય છે, પણ તેનાથી બાળકો
ખરેખર શાંત બેસે એવી ખાતરી આપણને પણ નથી હોતી. કેટલીક વાર આપણી અકળામણ અને ઉગ્ર
સૂચનાઓથી વર્ગખંડમાં શાંતિ છવાઈ જાય છે, પરંતુ તે અસ્થાયી અને અજંપાથી ભરેલી હોય છે, એ આપણે બધા જાણીએ છીએ. એવામાં આપણે ઈચ્છીએ એવું વર્ગખંડ
ત્યારે જ શક્ય છે જ્યારે આપણે બાળકોની ચંચળતાને સંતોષી શકે તેવા આઇડિયા શોધીએ.
બાળકોનું મગજ સતત પ્રવૃત્ત રહેવા માટે મથે
છે. લખવા, વાંચવા કે સાંભળવાની
તો વાત જ જુદી છે, પણ જો તેને ફક્ત બે
જ વિકલ્પ આપવામાં આવે કે “એનું એ રમવું છે કે કંઈક નવું કરવું છે?” તો પણ અમારો અનુભવ કહે છે કે મોટા ભાગનાં બાળકો નવી પ્રવૃત્તિ જ પસંદ કરશે! અને હા, આ નિર્ણય તેમનો નહીં, પણ તેમના ચંચળ મનનો હોય છે, જે હંમેશાં પ્રવૃત્ત રહેવા માગે છે. એટલે જો કોઈ કહે કે
“મારો વર્ગખંડ શાંત નથી,” તો સમજવું કે બાળકની
ચંચળતાને પોષી શકે તેટલી પ્રવૃત્તિઓ વર્ગખંડમાં નથી.
બાકી તો ફરી યાદ કરી લઈએ કે વર્ગખંડમાંથી
બહાર સંભળાતા “ચૂપ રહો, શાંત રહો, શાંતિથી લખો, શાંતિથી વાંચો” જેવા સંવાદો આપણા સંતોષ માટે હોય છે અને
તેનું પરિણામ પણ ક્ષણિક હોય છે. આ ક્ષણે ક્ષણે મથવાને બદલે બાળકો સતત મથામણ કરતાં
રહે તેવી પ્રવૃત્તિઓ જ આનો સચોટ ઉપાય છે. ચાલો, આ મહિનામાં બાલવાટિકાનાં બાળકોએ કરેલી કેટલીક પ્રવૃત્તિઓને
માણીએ!
No comments:
Post a Comment