મૂલવીએ આપણા મૂલ્યાંકનને !!
બાળકોના મૂલ્યાંકન અંગે શિક્ષણના જાણકાર એવા
સર્વે વ્યક્તિઓના હંમેશાં મતમતાંતર રહ્યા છે! બાળકોનું મૂલ્યાંકન કેવી રીતે? એવું પૂછતાં જ
મોટાભાગનાં વ્યક્તિઓનો મત વિવિધતાસભરનો સાંભળવા મળતો હોય છે. જે મત તર્કસંગતનો
હોય એટલે તેને નકારી ન શકાય. અને એટલે જ
આજદિન સુધી મૂલ્યાંકન અંગેની કોઈ એક પદ્ધતિ (લેખિત સિવાયની) અમલમાં આવી નથી.
પાછલાં કેટલાંય વર્ષોના લેખાંજોખાં જોશો તો સમજાશે કે જેમ જેમ જ્યાં જ્યાં જરૂર
જણાઈ તેમાં ફેરફારો થતા રહ્યા છે.
મૂલ્યાંકન કરવાનું થાય એટલે હંમેશાં આપણે
બાળકો ધ્યાને લેતા હોઈએ છીએ! અને તેમાંય સ્પર્ધાત્મક વાતાવરણ : પોતાને બીજાથી વધુ
સારું કરવાનું છે - તેવું પર્યાવરણ બનાવતું હોય છે - પરિણામે - પોતે વધુ સારું
કરવું છે - તેના કરતાં પેલાં કરતાં વધુ સારું કરવું છે - તે બાળકોમાં એ તમામ દૂષણો
પેદા કરનાર બને છે જેને આપણે સૌ ઈર્ષા, અદેખાઈ, હતાશા વગેરે કહીએ છીએ.
મૂલ્યાંકન! - શું કરવું જોઈએ? કેવી રીતે કરવું
જોઈએ? “મૂલ્યાંકન” ને જોવાની દૃષ્ટિ અથવા તો કહીએ કે એક જગ્યાએ ઊભા
રહીને જોવાની જગ્યાએ તેને 360 ડિગ્રીએ ફરીને જોઈએ - તો આનો જવાબ સમજવામાં સરળતા
રહેશે..! એપ્રિલ માસ એટલે પરીક્ષાઓનો મહિનો - પરીક્ષા એટલે જ મૂલ્યાંકન -
મૂલ્યાંકન એટલે જ પરીક્ષા! - એવી બનેલી માન્યતાને ધ્યાનમાં લઈએ તો એપ્રિલ એટલે
મૂલ્યાંકનનો મહિનો! - હકીકતમાં લેખિત કસોટી એટલે જ સંપૂર્ણ મૂલ્યાંકન - ની જગ્યાએ
સમજવું જરૂરી છે કે મૂલ્યાંકનનો એક ભાગ એટલે લેખિત પરીક્ષા! એટલે હવે આપણે સૌએ આ
પરીક્ષાને જોવાની જગ્યા અને સમજવાની સમજણ 360 ડિગ્રી કરવી પડશે!
આપણે હંમેશાં બાળકોને એક આખા પરિણામમાં
બાંધતા હોઈએ છીએ! પરંતુ બાળકોના પેપર ચકાસણીનો અનુભવ ધરાવતાં મૂલ્યાંકનકારના અનુભવ
જાણીશું તો સમજાશે કે મોટાભાગનાં બાળકોનું પર્ફોર્મન્સ ચઢ-ઉતર વાળા આલેખ જેવું હોય
છે. એટલે કે એક પ્રશ્નમાં ખૂબ સારું તો કદાચ પછીના પ્રશ્નમાં એકદમ ઓછું - તો પછીના
પ્રશ્નમાં મધ્યમ - આવા પર્ફોર્મન્સને આપણે સૌ એક દોરામાં પરોવી પ્રશ્નની જગ્યાએ
પ્રશ્નપત્રનો ગ્રેડ બનાવી દેતા હોઈએ છીએ! પરિણામે આપણે સૌ ફરીથી ગોથું ખાઈ જઈએ છીએ
કે આપણે સમગ્ર વિષયને ધ્યાને લઈ લઈએ છીએ. પરંતુ આપણું કામ પ્રશ્નપત્રનું મૂલ્યાંકન
કરવાનું નહોતું, આપણો મુખ્ય ધ્યેય પ્રશ્ન મુજબનું મૂલ્યાંકન કરવાનું હતું.
હવે તમને ફરી પ્રશ્ન થશે કે અરે! બંનેમાં ફરક શું છે? પ્રશ્નો ભેગા થઈને
બને તો પ્રશ્નપત્ર જ ને? બને તો પ્રશ્નપત્ર જ પણ મૂલ્યાંકન તો કરવાનું પ્રશ્ન મુજબ જ
છે - તો જ્યારે પ્રશ્નને અલગ અલગ જોવાની જગ્યાએ સમગ્ર પ્રશ્નપત્ર તરીકે જોવાની
શરૂઆત કરી છીએ, ત્યારે આપણે સૌ બાળકમાં રહેલા વિવિધ કૌશલ્યોને બારીકાઈથી
જોઈ તેને મૂલવવાની તક ચૂકી જઈએ છીએ. પરિણામે જે આપણે મૂલ્યાંકનના મુખ્ય હાર્દને
ચૂકી જઈએ છીએ!
આપણા ત્યાં જ્યારે જ્યારે મૂલ્યાંકન અંગેની
વાત આવે ત્યારે બધાં જ બાળકોને એક જ ચેકલિસ્ટમાં ન મૂલવવા જોઈએ - આવો સંદેશો આપતું
એક ચિત્ર ખૂબ શેર કરાય છે - જેમાં મૂલ્યાંકનકારની સામે બધાં પ્રાણીઓ ઊભાં છે, અને મૂલ્યાંકનકાર
તેમને એક એક સ્કિલ અંગે ટાસ્ક આપી કસોટી લે છે! અને હાથીને માછલી સાથે તરવાની
સ્પર્ધામાં ન ઉતારવો જોઈએ! એવો મેસેજ આપવાની વાત કરાતી હોય છે. જોકે આ વાતને આપણે ક્લાસરૂમ કે આપણી શિક્ષણ
મૂલ્યાંકન પ્રક્રિયા સાથે સરખાવી ન શકાય - કારણ કે આપણા સૌનું એટલે કે શૈક્ષણિક
સંસ્થાનોનું કાર્ય જ છે કે જે બાળકો હાથી જેટલું તરી શકે છે તેઓનામાં માછલીઓ વાળું
કૌશલ્ય વિકસાવવું - કાચબા જેટલું દોડી શકે છે તેનામાં હરણ વાળું કૌશલ્ય વિકસાવવું.
બાળકની મર્યાદા તેની ઓળખ ન બને તે માટે પણ તેનામાં કૌશલ્યો વિકસાવવા જરૂરી છે -
અને તે તમે એક શૈક્ષણિક સંસ્થા તરીકે કેટલી ઝડપે કરી શકો છો? - તેનો આધાર તમારી મૂલ્યાંકન પદ્ધતિ પર અને તેને મૂલવવા માટેની તમારી નજર પર
રહેલો છે! બાકી આ એક એવી પ્રક્રિયા છે જેમાં સતત બદલાવ આવતા રહેશે.
જોવાનું એ છે કે આપણે આપણા
મૂલ્યાંકનને કેવી રીતે મૂલવીએ છીએ!
No comments:
Post a Comment