4C+10F = 100 E
પ્રવાસ એટલે વિશેષ ગતિ. પ્ર એટલે વધુ
અને વાસ એટલે રહેવું. આમ, વિશેષ રીતે ગતિમાન
રહેવું તેનું નામ પ્રવાસ. આ ગતિ માત્ર શરીરની નહીં, મનની પણ છે. આપણી શાળાનો આ વખતનો પ્રવાસ મૈત્રી અને આનંદને
છલકાવનારો રહ્યો.
પ્રવાસ ક્યાં જવો તેની ચર્ચા
કેબિનેટમાં થઈ. ચાર સ્થળોમાંથી સાયન્સ સિટી અને પાટણનો વિકલ્પ નકારવામાં આવ્યો, કારણ કે ધોરણ 6 થી 8 ના મોટાભાગના
વિદ્યાર્થીઓ વિવિધ યોજનાઓ હેઠળ આ સ્થળોની મુલાકાત લઈ ચૂક્યા હતા. આ દરમિયાન વડોદરાની કવિ શ્રી દુલા ભાયા કાગ પ્રાથમિક શાળા પીએમશ્રી
- ગુજરાતના બાળકો અને શિક્ષકોએ આપણી 'પીએમશ્રી'
શાળાની મુલાકાત લીધી. આ મુલાકાતે નવો વળાંક આપ્યો
અને અમે 'એક્સપોઝર વિઝિટ' માટે વડોદરા જવાનું
નક્કી કર્યું.
બાળકોનું આયોજન આપણા કરતા પણ
વધુ ચોકસાઈવાળું હોય છે. આ વખતે વિદ્યાર્થીઓએ ટ્રાવેલ્સનો મેપ તૈયાર કર્યો હતો.
ચાર ગ્રુપ માટે ચાર બસ હતી. દરેક બસનો નકશો બનાવ્યો
હતો જેમાં ડ્રાઈવરની સીટ, દરવાજો અને દરેક વિદ્યાર્થી કઈ સીટ
પર બેસશે તેની સ્પષ્ટતા હતી. દરેક સીટની નીચે વિદ્યાર્થીના વાલીનો
મોબાઈલ નંબર લખેલો હતો. આ ઉપરાંત, પ્રવાસમાં
રાખવાની સાવધાની, એકબીજાની મદદ અને સૂચનાઓનું પાલન કોણ કરાવશે
તેનું નાનામાં નાનું આયોજન વિદ્યાર્થીઓએ વહેંચી લીધું હતું. આ
આયોજને પ્રવાસમાં આવનારા શિક્ષકો, વિદ્યાર્થીઓ અને એસએમસી સભ્યોને
એક મંચ પર લાવી દીધા.
સાચો આનંદ બસ ઉપડ્યા પછી શરૂ
થયો. મ્યુઝિક સિસ્ટમ
પર કોનું નિયંત્રણ રહેશે, કયા ગીતો વાગશે અને લીડ ડાન્સર કોણ
બનશે તે બધું ઊગી નીકળ્યું.. ગામ, આર્થિક
સ્તર, જાતિ કે ધર્મના ભેદભાવ તોડીને સૌ સાથે નાચ્યા અને નાસ્તો
વહેંચીને ખાધો. શિક્ષક તરીકે અમને સમજાયું કે આ જ સાચી કેળવણી
છે. આ મૈત્રી જ તેમના જીવનના આનંદને સાચવી રહી છે.
વડોદરામાં બંને શાળાના વિદ્યાર્થીઓ વચ્ચે સંવાદ થયો અને શિક્ષકોએ શૈક્ષણિક ચર્ચાઓ કરી. વડોદરા શિક્ષણ સમિતિના ચેરમેન, વાઈસ ચેરમેન અને અધિકારીઓએ બાળકો સાથે મુલાકાત કરી. . આપણી શાળાની વિદ્યાર્થીની નિર્જલા, જે ઈસરોની મુલાકાતે જઈ આવી છે, તેનું વિશેષ સન્માન કરવામાં આવ્યું. આ ગૌરવપૂર્ણ ક્ષણ હતી.
શાળાની મુલાકાત બાદ સૌ મ્યુઝિયમ
અને પછી પ્રાણીસંગ્રહાલય પહોંચ્યા.મ્યુઝિયમે બાળકોને અઢળક પ્રશ્નો આપ્યા.
આ હોવું જોઈએ કે ન હોવું જોઈએ - આ કેમ પેલું કેમ
- જેવા સવાળોનો આખો ટોપલો.
સિંહના પાંજરા પાસે ટોળે વળેલા બાળકોને જાણવા મળ્યું કે સિંહણનું
કોબ્રાના ડંખથી મૃત્યુ થયું છે. ક્ષણભર માટે બાળકોમાં સન્નાટો
છવાઈ ગયો. જોકે, જીવનની વાસ્તવિકતા સ્વીકારી
સૌ ફરી અન્ય જીવોને જોવામાં અને મસ્તી કરવામાં પરોવાઈ ગયા. વળતી
વખતે સોખડા મંદિર પરિસરમાં ભોજન લીધું અને ત્યાંના સંતો સાથે ભારતીય શિક્ષણ પદ્ધતિ
પર ચર્ચા કરી.
આ સમગ્ર અનુભવે બાળકોમાં ચાર મહત્વના
કૌશલ્યો સાબિત કર્યા:
1. કોલોબરેશન: સહિયારી રીતે
પ્રવાસનું સંચાલન કર્યું.
2. કોમ્યુનિકેશન: બૂમો પાડ્યા
વગર પ્રભાવી સંવાદ કર્યો.
3. ક્રિએટિવિટી: પ્રેઝન્ટેશનમાં
અદભૂત સર્જનાત્મકતા બતાવી.
4. ક્રિટિકલ રિવ્યુ: પ્રવાસ પછી
શું સારું હતું અને શું સુધારી શકાય તેનો રિવ્યુ કર્યો.
શિક્ષક તરીકે મારા માટે આ 4C કરતા પણ વધુ
મહત્વની બાબત એ રહી કે બાળકો વચ્ચે જે મૈત્રી - FRIENDSHIP બંધાઈ
છે, તે તેમને જીવનભર જોડી રાખશે અને એ જ અમારો સંપૂર્ણ આનંદ
!
|
રીડિંગ રીલ્સ : અનુભવાત્મક
સંવેદનાત્મક શિક્ષણ
(Experiential Learning):
પ્રાણીસંગ્રહાલયમાં
સિંહણના મૃત્યુની ઘટનાએ બાળકોને જીવનની વાસ્તવિકતા અને સંવેદનાનો પાઠ ભણાવ્યો. |


No comments:
Post a Comment