કેળવણીની ખેતી !
શાળાએ જવાનો ઉદ્દેશ્ય શું? જ્યારે આપણે આ પ્રશ્ન પૂછીએ છીએ ત્યારે તેના જવાબો આપણે કોને પૂછ્યો છે તેના આધારે જુદા જુદા મળતા હોય છે. કારણ એક જ છે કે બાળકોની જેમ જ બધાનો ઉદ્દેશ્ય એક સરખો નથી હોતો. ભલે સંસ્થા તરીકે આપણા સૌનો ઉદ્દેશ્ય સરખો હોય - અને તે એ છે કે બાળકો ફક્ત શિક્ષિત ન બને, તેઓ કેળવાય પણ ખરાં!
કેળવણીનો અર્થ પણ ભલે અલગ-અલગ સ્વરૂપે હોય, પરંતુ અમારા માટે કેળવણી એટલે બાળક સામાજિક જીવનમાં જીવવા માટે યોગ્યતા કેળવે અને પોતાની પાસે રહેલા કોઈ એક કૌશલ્યને આજીવિકા સ્વરૂપે વિકસિત કરે! શાળા બાળકોના સર્વાંગી વિકાસ માટે કટિબદ્ધ હોય છે. બાળકનો આ વિકાસ એક લાંબી પ્રક્રિયા હોવાથી 'આજે કરીએ અને કાલે દેખાય' તે અશક્ય છે. માટે જ, એક સંસ્થા તરીકે આપણે સૌએ બાળકોમાં સર્વાંગી ગુણો ખીલવવા માટે પ્રયત્નો કરવા આવશ્યક છે.
તેવા જ એક પ્રયત્નના ભાગરૂપે શાળામાં **'પ્રાકૃતિક ખેતી'**ની શરૂઆત કરી છે. જેઓ બાળકોની સાથે રહીને આ માટે પ્રયત્નો કરી રહ્યા છે, તે ગિરીશભાઈ નવાનદીસરના શબ્દોમાં જ સમજીએ: “પ્રાકૃતિક ખેતી શા માટે, કેવી રીતે શરૂ કરી અને તેનો અનુભવ કેવો રહ્યો?”
પ્રાકૃતિક ખેતી એટલે શું?
પર્યાવરણના નિયમોના આધારે, દેશી છાણીયું ખાતર અને પાકની વૃદ્ધિ માટે જોઈતી સામગ્રી બહારથી ન લેવી પડે અને જાતે જ નકામા પ્રાકૃતિક કચરામાંથી ખાતર બનાવી જમીનની ફળદ્રુપતા વધારવી એટલે પ્રાકૃતિક ખેતી.
મારા મતે કહું તો:
“ગમે તેવી માટી, છાણીયું ખાતર અને રેતી, એ જ ખરી પ્રાકૃતિક ખેતી.
ઓછો ખર્ચ અને મબલક પાકની ખેતી, રસાયણમુક્ત એ જ પ્રાકૃતિક ખેતી.”
બાળકો સાથેનો અનુભવ:
સૌ પ્રથમ બાળકો સાથે એક બેઠક કરી પ્રાકૃતિક ખેતી વિશે ચર્ચા કરી. ઘણાખરા બાળકો ખેડૂત પરિવારમાંથી જ આવતા હોય છે, એટલે મને તો એવું લાગ્યું કે મારા કરતાં પણ બાળકો વધારે જાણે છે! બાળકોએ જ ઉત્સાહ બતાવ્યો કે - "આપણે અહીંયાથી ખાતર લાવીશું... અહીંયા જ રીંગણ, ટામેટા, મરચાં, લસણ, ડુંગળી વગેરેની ખેતી કરીએ." પણ પ્રશ્ન એ હતો કે તેના માટે છોડ અને રોપા ક્યાંથી લાવીશું? આખરે તેનો પણ રસ્તો મળી ગયો. શાળાના જ એક શિક્ષકમિત્રએ કાકણપુરથી રોપા લાવી આપવાની ખાતરી આપી. બસ, હવે અમારું કામ હતું કે જમીન ક્યાંથી લાવીશું? આખરે ગામના સહકારથી જમીન પણ મળી ગઈ. હવે અમારે બસ પ્રયત્ન જ કરવાનો હતો.
અમારા પ્રયત્નો:
●
સૌ પ્રથમ જમીનમાંથી નાના વૃક્ષો, બોરડી અને બાવળ જેવી કાંટાળી વનસ્પતિ દૂર કરી.
●
ત્યારબાદ જેસીબી (JCB) દ્વારા જમીનને સમતળ કરાવી.
●
ટ્રેક્ટરની ખેડ દ્વારા જમીનને ખેતીલાયક બનાવી.
●
ગામમાં જઈ છાણીયા ખાતરની વ્યવસ્થા કરી.
●
જમીનમાં વિવિધ ક્યારા બનાવી ખેતીનો શુભારંભ કર્યો.
મુખ્ય ઉદ્દેશ્ય:
●
માત્ર ને માત્ર કુદરતી ખાતરથી જ ખેતી કરવી અને જમીનની ફળદ્રુપતા વધારવી.
●
પર્યાવરણ અને સ્વાસ્થ્યને ફાયદો થાય તેવી ખેતી કરવી.
●
ગામના લોકો આ ખેતી જોઈને પ્રેરિત થાય અને તેઓ પણ પ્રાકૃતિક ખેતી અપનાવે.
●
રસાયણમુક્ત ખેતી દ્વારા પાકના વધુ ભાવ મળે.
●
ખેતીનો ખર્ચ ઓછો થાય અને જમીનમાં ભેજ સંગ્રહવાની ક્ષમતા વધે.
આશા છે કે સંસ્થા તરીકે બાળકના સર્વાંગી વિકાસનો આ ઉદ્દેશ્ય વાલીઓ માટે વધુ ઉપયોગી થશે. આખરે પોતાના વ્યવસાયને સમજતાં બાળકો દરેક વાલીને પ્રિય હોય છે, પછી તે વ્યવસાય કોઈ પણ હોય! માણીએ બાળકોએ કરેલા આ સુંદર પ્રયત્નોને આ વીડિયો દ્વારા!
> નીચે
ફોટો પર ક્લિક કરો અને માણો વિડીયો
રીડિંગ રિલસ
જ્યારે બાળક પ્રકૃતિને પોતાની નજરે જોશે અને પોતાના હાથે ધરતી ખેડશે, ત્યારે જ તે સાચા અર્થમાં 'કેળવાયેલું' ગણાશે. આ પ્રયત્નો બાળકોને સંવેદનશીલ, જવાબદાર અને આત્મનિર્ભર નાગરિક બનાવવામાં મદદરૂપ થશે.

No comments:
Post a Comment