April 23, 2026

ટ્રિગો ટ્રેઇલ્સ { MATHS PARK }

ટ્રિગો ટ્રેઇલ્સ { MATHS PARK }   


    નવાનદીસર પ્રાથમિક શાળા પીએમશ્રી - ગુજરાતમાં મેથ્સ પાર્ક ઊભો કર્યો છે. ગત વર્ષે નિર્માણ પામેલા ક્રિકેટ બોક્સની ત્રણ બાજુ પર ગણિતની રમત રમતા શીખી શકાય તે પ્રકારે વિવિધ આકારોના 3D મોડલ્સ ગોઠવ્યા છે. તેને મુખ્યત્વે ત્રણ ભાગમાં જોઈ શકાય છે:

     એંગલ મેન: અહીં વિદ્યાર્થીઓ જુદા જુદા ખૂણાઓ, ખૂણાઓના પ્રકાર અને ખૂણાઓની જોડના પ્રકારો ક્રિયાત્મક રીતે શીખી શકશે. અહીં પાયથાગોરસ થિયરમનું વર્કિંગ મોડલ પણ છે, જેની મદદથી કાટકોણ ત્રિકોણના સિદ્ધાંતો સરળતાથી સમજી શકાય છે.


     શેપ મેન: અહીં વિવિધ આકારો, તેમના ઘનફળ, ક્ષેત્રફળ અને તેના ભાગો સમજી શકાય તેવા 3D મોડલ્સ છે. પૂર્ણાંક સંખ્યાઓની સીડી અને અપૂર્ણાંક સમજવા માટેની પટ્ટીઓ સાથે એક મોટી મણકા ઘોડી (Abacus) પણ મૂકેલી છે, જેની મદદથી બાળકો સ્થાનકિંમત અને પાયાની ગણતરીઓ શીખી શકે. સાથે જ ગણિતના ચિહ્નો ઉપસાવેલા છે જેથી સંખ્યારેખા પર નાના-મોટા હોવાની સમજ મળે.

     આલેખ અને પેટર્ન: ત્રીજી બાજુ પર એક આલેખ છે, જ્યાં રોજ દરેક ધોરણમાં કેટલા વિદ્યાર્થીઓ હાજર છે તેનો સ્તંભ આલેખ દોરવામાં આવશે. બીજી બાજુ રેખિક આલેખ છે, જેના વડે શાળાની વિવિધ જગ્યાઓ વચ્ચેનું અંતર જોઈ શકાશે. ત્યાં જ એક મોટું પેટર્ન ચક્ર પણ છે. જ્યાં રોએજરોજ નવી પેટર્ન ઊભી કરાશે.

     આ ઉપરાંત, ક્રિકેટ બોક્સ (જેનું નામ 'સ્પોર્ટિકા' રાખ્યું છે) ની બાજુમાં એક સ્કોરબોર્ડ છે. તેમાં બાળકો રન ગણવા માટે આવૃત્તિ ચિહ્નો, સરવાળા, બાદબાકી અને સરેરાશની ગણતરી કરશે. એ જે રીતે બધા જ મોડેલ્સ પર એવી રીતે રંગ કરાશે કે જેથી બાળકો તેના વડે વિવિધ ગણતરીઓ કરી શકશે. આખી ટ્રેઇલમાં ભોંય તળિયે પણ પેટર્ન્સ બનાવવામાં આવશે.

    સમગ્ર મેથ્સ પાર્ક, જેને અમે 'ટ્રિગો ટ્રેઇલ્સ' ના નામે ઓળખીએ છીએ, તેનો હેતુ એટલો જ છે કે બાળકો એવી સ્થિતિમાં મુકાય જ્યાં તેમને ગણિત નજરે દેખાય, ગણતરી સમજે અને તેનો વાસ્તવિક ઉપયોગ કરતા શીખે. માત્ર શિક્ષકે કહ્યું એટલે ગણવાનું છે એવું ન રહેતા, તેઓ પોતે ગણિત અનુભવે તેવો અમારો પ્રયાસ છે.

  'ટ્રિગો ટ્રેઇલ્સ’ વિશે વધુ ફોટોગ્રાફ્સ 

























No comments: