July 04, 2010

“પ્રયોગપોથી” નહી પણ “સ્વાનુભવપોથી” હોવી જોઇએ ??


પ્રયોગપોથી” નહી પણ “સ્વાનુભવપોથી” હોવી જોઇએ ??

                           બાળકોને પ્રાયોગિક શિક્ષણ આપવા માટે ખાસ આવશ્યકતા હોય છે પ્રયોગશાળાની. અને તે પણ સંપૂર્ણપણે સાધનસંપન્ન હોય તેવી !! કારણ કે પ્રયોગ માટેના અપૂરતાં સાધનો ધરાવતી શાળાને કારણે વિષય શિક્ષકશ્રી મૌખિક પ્રયોગ કરે છે અને બાળકોની પણ ઉદારતા કે મજબુરી પણ જે ગણીએ તે પણ  તે પ્રયોગને કાલ્પનિક અનુભવી પણ લે છે !!! અને પછી સૌ સાથે મળી પ્રયોગપોથી પણ ભરી દે છે. તમે તમારી પ્રયોગશાળા કે પછી  તમારા નજીકની કોઇ પ્રાથમિક શાળાની પ્રયોગશાળાનું નિરીક્ષણ કરશો તો મોટાભાગની શાળાઓ આ બાબતમાં ગરીબાઇ અને ત્યાંના બાળકો વિજ્ઞાનના પ્રયોગોનો અસંતોષ અનુભવતા હશે, તેનું એક કારણ શાળા પ્રયોગ સાધન-સામગ્રીનો અભાવ હોય છે, અને કેટલીક જગ્યાએ જ્યાં સાધન પુરતા હોય છે ત્યાં સાધ્યના પ્રયત્નોનો અભાવ જોવા મળતો હોય છે. ટૂંક્માં કારણ ગમે તે હોય મોટાભાગની શાળાઓના બાળકોને પ્રયોગશાળાનો  પુરેપુરો લાભ નથી મળતો. મિત્રો, સાધ્યના પ્રયત્નોના અભાવે ગરીબ બનેલી પ્રયોગશાળાઓ માટે અમારી પાસે કોઈ ઉપાય નથી. પરંતુ જો સાધનોના અભાવે પ્રયોગશાળા ગરીબાઈ વેઠતી હોય તો તે માટેનો એક ઉપાય પણ છે. ક્યારેક કોઈ એક પ્રયોગ માટે જરૂરી સાધનોમાંના એક નાના સાધનના અભાવે જ બાળકો પ્રયોગના પ્રત્યક્ષ અનુભવથી વંચિત રહી જતાં હોય છે. અને હા , જરૂરી થોડા આગોતરા આયોજનથી આવા વિઘ્નોને દૂર કરી શકાય છે. જેમ કે સત્રની શરૂઆતમાં જ તે સત્રમાં આવતાં પ્રયોગોમાં જરૂરી સાધનોની ચકાસણી કરી જે સાધનો ન હોય તેની ખરીદી કરી લેવી જોઈએ . હા, કેટલીકવાર અપૂરતાં શાળાફંડ કે પછી જરૂરિયાત કરતાં ઓછી જમા ગણિત-વિજ્ઞાન ગ્રાંટને કારણે પૂરતાં સાધનો લાવી શકાતાં નથી, અને પરિણામે બધા જ સાધનો હોવા છતાં એક નાના સાધનના ન હોવાને કારણે આપણી આખી પ્રયોગશાળા નકામી સાબિત થઇ જાય છે. પરંતુ જો આવી પરિસ્થિતિમાં જો શિક્ષકશ્રી પોતાની આપસુજ ધ્વારા આચાર્યશ્રીની સાથે મળી વર્ગખંડના બાળકોના વાલીઓની બેઠક બોલાવી આવા પ્રશ્નોની રજૂઆત કરે તો ચોક્કસપણે વાલીઓ પોતાના બાળકોના હિતને ધ્યાનમાં રાખી તેનો સકારાત્મક ઉકેલ લાવશે જ !! ફક્ત જરૂરી છે આપણા તરફથી આવા એક “સકારાત્મક પ્રયત્નરૂપી”  પ્રયોગની કરવાની !!! [ બીજું એ કે શ્રાવણ માસમાં બાળકોને તિથી ભોજન જમાડીએ કે પછી કોઇપણ માસ હોય...., સ્વખર્ચે બાળકો માટે પ્રયોગશાળામાં ખૂટતા સાધનો વસાવીએ –  બંનેમાં પુણ્ય સરખું જ મળશે એ અમારી ગેરંટી ]
                                હવે આવીએ એવી પ્રયોગ શાળાઓ પર કે જ્યાં ખરેખર પ્રયત્નો થાય છે ત્યાં બાળકોને પ્રયોગ બતાવવામાં આવે છે અને ત્યારબાદ પ્રયોગપોથીમાં તેની નોંધ કરવાનું કહેવામાં આવે છે. પરંતુ અમે ફક્ત પ્રયોગ બતાવવા પૂરતાં જ નહિ બાળકો જાતે પ્રયોગ કરે એટલે કે પ્રયોગશાળા ને બદલે “વિજ્ઞાન સ્વાનુભવ-શાળા”ના અને પ્રયોગપોથી નહી પણ ‘પ્રયોગ-સ્વાનુભવપોથી’ ના આગ્રહી રહ્યા છીએ, બાળકો પ્રયોગ જોવે અને તેની નોંધ કરે, તેમ નહી પણ બાળકો પોતે પ્રયોગ અનુભવે અને જાતે તેની નોંધ કરે તેવો અમારો આગ્રહ રહેલો છે. હા કેટલાક પ્રયોગો જોખમી હોય છે પરંતુ થોડીક વધારે આપણી સાવચેતી અને બાળકની જિજ્ઞાસા-બળથી તે પ્રયોગને પણ સરળ બનાવી શકાય છે.કહેવત છે ને કે....
" ઠેસ વાગવાની બીકે ચાલવાનું  બંધ ન  કરી દેવાય, હા, ચાલતાં સમયે થોડી વધારે સાવચેતી જરૂરી છે, પણ ચાલવું તો પડશે જ ને ! "










July 02, 2010

શાળા પ્રવેશોત્સવ..રડતાં બાળ, જય ગોપાળ

      આમ તો આ બાળકો તેમના ભવિષ્યની સાથે-સાથે આપણા ભવિષ્ય માટેના આગંતુક છે, બદલાતા વાતાવરણની સાથે-સાથે પેલી અંગ્રેજી કહેવત” change is painfull[બદલાવ સારો હોય કે ખરાબ, હમેશાં  પીડાદાયક હોય છે] ની જેમ બાળકોને પણ આ શાળાના વાતાવરણના અનુકૂલન મુજબ થતા હજુ વાર લાગશે. ત્યાં સુધી તો આપણે જ તેમના  અનુકૂલન મુજબનું  શાળાનું વાતાવરણ ઉભું કરવું પડશે તે ચોક્કસ છે. પ્રવેશ મેળવ્યો એટલે તેની ઉંમર ભણવાની થઇ જ ગઇ છે તેવું માની ધોરણ પહેલાના અભ્યાસ ક્રમનું મેનુ આપી દેવાની કોઇ જરૂર નથી. ધોરણ પહેલાના શિક્ષકો માટે અમારું તો એવું કહેવું છે કે જ્યાં સુધી બાળકો તમને તેમના ઘરની/આસપાસની  અથવા તો તેની સાથે બનેલી ઘટનાઓની વાતો કોઇ પણ જાતના સંકોચ વિના કરતા ન થાય[એટલે કે તમારી સાથે વિના સંકોચે વાત કરતા ન થાય] ત્યાં સુધી પહેલા ધોરણની કોઇ ક્ષમતાઓ બાળકોમાં વિકસાવવાની શરૂઆત કરી દેવાની જરૂર નથી. કેમકે તે સમજવા માટે કદાચ બાળક માનસીક રૂપે તૈયાર ન પણ હોય્. ધોરણ પહેલાના માટે જરૂર તો હોય છે ફક્ત થોડી ધીરજની- ઘણા જ  પ્રેમની અને  પ્રવ્રુત્તિ યુક્ત-શિક્ષણની !

જોઈએ અમારા પ્રવેશોત્સવની એક ઝલક-

હવે ટુંકા સમયમાં જ સૌની સાથે હળી મળી ગયેલી કૃપાલી તે દિવસે!

સૌ વિદ્યાર્થીઓનું કાગળ અને રંગો થી સ્વાગત કરતા શ્રી નરેન્દ્રભાઈ અને મહેમાનો..

શાળાની પરંપરા મુજબ આ વર્ષે એચ.એસ.સી.ની પરિક્ષામાં ૮૨% સાથે પાસ થનાર અમારા વિદ્યાર્થીનું જાહેર અભિવાદન!

અમારી આગામી આઠ વર્ષ માટેની ટીમ-તેમના પ્રથમ ટીમ લીડર શ્રીમતી નીલોત્તમાબેન સાથે!