June 22, 2018

मिले सुर जो मेरा तुम्हारा !



मिले सुर जो मेरा तुम्हारा !
દેશની વિવિધતા એ દેશના પ્રાણ છે.  વિવિધતા સ્વીકારવી પડે“ એવું વિધાન સાંભળવા મળે ત્યારે એમાં છેલ્લે “પડે” શબ્દ ખટકવો જોઈએ. વિવિધતા સ્વીકારવાની એટલે શું ? વિવિધતા હોય જ ! વ્યક્તિ વ્યક્તિ વચ્ચે, અરે એક જ વ્યક્તિમાં જુદા જુદા સમયે જુદાપણું હોય છે. શાળાના બાળકોને પણ આ બાબત સમજાવી જોઈએ. આપણે મોટા ભાગે કોઈક વિશે સાંભળેલું છે, વાંચેલું છે, પહેલાં અનુભવેલું તેના આધાર પર જ તે વ્યક્તિ/સમૂહ ને મળતા હોઈએ છીએ. તે પૂર્વગ્રહને કારણે વ્યક્તિ-વ્યક્તિ અને સમૂહ-સમૂહ વચ્ચેના વિવિધ સૂર મધુરું સંગીતને બદલે વિસંવાદિતા નો બેસૂરો આલાપ છેડી દે છે !
 આપણા બાળકોને આ મધુર સૂરની કેળવણી મળતી રહે છે. એમને જુદા જુદા વિસ્તારના વ્યક્તિઓને મળવાની તક અવારનવાર શાળાની મુલાકાત માટે આવતાં મુલાકાતીઓ દ્વારા મળતી રહે છે. અત્યાર રીતે  શિક્ષણ ક્ષેત્રના અધિકારીશ્રીઓએ અને શિક્ષકોએ શાળાની મુલાકાતો લીધી છે. શિક્ષણક્ષેત્રો  સિવાયના સારંગ પાટીલજી [ મહારાષ્ટ્ર ] અને નરેન્દ્ર મીસ્ત્રીજી [વડોદરા ] જેવા જાગૃત નાગરિકોએ શાળાની મુલાકાત લીધી છે.
        નવાનદીસરના ગ્રામોત્સવ પછી અન્ય ગામને પણ શાળા-ગામ વિશે જાણવાની ઈચ્છા થાય એ સહજ છે. આ તબક્કામાં ગાંધીનગર જિલ્લાના રાજપુર (કે જે પોતે પ્રયોગાત્મક ગામ છે, વર્ષોથી ત્યાં પાર્થેશભાઈ અને બિંદુબા ગામ સાથે કામ કરી રહ્યા છે.) અન્ય ગ્રામજનો, શિક્ષકો, વિદ્યાર્થી પ્રતિનિધિઓએ મુલાકાત લીધી. એ જ દિવસે વડોદરા જિલ્લાના બારિયાના મુવાડા  ગામની શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્યો પણ જોડાયા. શાળા અંગે એક અનૌપચારિક વાતચીત પછી વર્ગખંડોમાં વિદ્યાર્થીઓને ખલેલ ન પહોંચે તેમ મુલાકાત લીધી.
        ગામની અંદર પણ ફર્યા ત્યાં જ્યાં જ્યાં ગયા ત્યાં ગામ લોકો સાથે શાળા, શિક્ષણ અને સામાજિક જીવન અંગેની ચર્ચા કરી. અમને સૌને એક વાત સમજાઈ કે “સૌની  સમસ્યાઓ અને સ્થિતિ સરખી જ છે, તેમાંથી નીકળવાના પ્રયત્નો જુદા-જુદા છે.  અને એ પ્રયત્નોની આપ-લે એ જ અમારું ભાથું બન્યું.
  શાળામાં પરત આવ્યા પછી, રાજપુરથી આવેલ બિંદુબા  અને તેમની ટીમ વડે શાળાના વિદ્યાર્થીઓને એક “વિજ્ઞાનના રમકડાં બનાવવાનો વર્કશોપ” યોજાયો. તેમાં બનાવેલ રમકડાં હવે નવાનદીસરનો એ જ હિસ્સો થઇ જ જવાનો.
પરસ્પર આભાર માનવાનું કોઈ જ કારણ નહોતું, પરંતુ વણબોલાયેલા શબ્દોથી અમે જાણે શાળા વડે રાષ્ટ્રનિર્માણનું “MOU” કરી લીધું.

June 21, 2018

યોગ > क्यों नहीं समजते हम लोग ?



 યોગ > क्यों नहीं समजते हम लोग ? 😕
                વર્ષોથી કેટલીક બાબતોનું મહત્વ આજે પણ એવું ને એવું જ રહ્યું છે. જેમાં  સુવર્ણ અને યોગ નો નિર્વિવાદ સમાવેશ થાય છે. સમાજ હંમેશા યોગનું મહત્વ સમજાવતો રહ્યો છે. સાથે જ કેટલાકને એવો ભ્રમ છે કે પાછલી (!!) ઉંમરમાં શરીરને સ્વસ્થ રાખવાની પ્રક્રિયા એટલે યોગ ! અને એટલે જ યોગ વિશે જાણવું, સમજવું અને અનુસરવું એ જાણે કે  પિસ્તાળીસ કે પચાસ પાર કરેલા વ્યક્તિઓના જીવનશૈલીની વાત હોય તેવો માહોલ ઉભો કરે છે. ખાત્રી કરવી હોય તો યાદ કરો કે તમે ક્યારેય તમારા બાળકો કે યુવાઓ સાથે યોગ વિશેની ચર્ચાનો મુદ્દો છેડ્યો છે ખરો ? એ છોડો, તમને તમારા બાળકોએ યોગનું મહત્વ સમજે તે માટેની ચર્ચા કરવાનો વિચાર આવ્યો છે ખરો ? મોટાભાગનાનો જવાબ ના હશે ! આ જ બધું બતાવે છે કે આપણે યોગને જીવન શૈલી સાથે નહિ ઉમ્રવારી સાથે જોડ્યો છે. તેનું એક કારણ એ પણ છે કે યૌગિક ક્રિયાઓને આપણે શારીરિક ફાયદા અને કેટલાક રોગની સારવાર સાથે જ જોડ્યો છે. 
   એટલે કે શારીરિક નુકશાનીને સુધારવા માટે અથવા અટકાવવા માટેનું હથિયાર ગણ્યું છે ! ખરેખર ઉમ્ર_ઉપરાંત આવતી અક્ષમતાને ફક્ત સુધારવા કે અટકાવવાની દ્રષ્ટીએ યોગને જોવાનું છોડી આપણી બૌધિક અને માનસિક સમજને  વધારવાની દ્રષ્ટિએ જોવાનું  જયારે  કેળવી શકશું ત્યારે જ આપણે યોગનો સાચો ભોગ મેળવી શકીશું. આપણે સૌ વિચારીએ કે આપણે પ્રાથમિક શાળામાં યોગ કરાવવા એ સરકારી પત્રનું પરિણામ છે કે આપણા બાળકોના સર્વાંગી વિકાસ માટેની આપણી નિષ્ઠાનું પરિણામ ! જો એ આપણી નિષ્ઠા હોય તો એ માટે સતત વિચારીએ. યોગને બાળકોની સમજ મુજબની સૂચનાઓ વડે તેમના સુધી લઇ જઈએ. ચાલો માણીએ > શાળામાં ઉજવાયેલ વિશ્વ યોગ દિવસ ને ! 

તેની સાથે જ નાના બાળકો સરળતાથી યોગ શીખી શકે તે માટે અમારા બાળકો વડે નિદર્શન કરાયેલા અને ક્રમબદ્ધ સૂચનાઓ સાથેના આ વિડિયોઝ પણ જુઓ. : યોગ અને શાળા !













📺ચાલો માણીએ > શાળામાં ઉજવાયેલ વિશ્વ યોગ દિવસ ને ! live video 

June 15, 2018

વાવીશું ફોરમ અમે ફૂલડે ફૂલડે.. !



વાવીશું ફોરમ અમે ફૂલડે ફૂલડે..


    વૅકેશન સામાન્ય રીતે શાળા માટે એક સ્ટેશનની જેમ “આરામ” ની સ્થિતિમાં હોય પણ ટેકનોલોજી અને ગામ – શાળાની એકરૂપતા દરરોજ નવા નવા સમાચાર આપતી રહેતી. એમાં ય જીલ્લાના કલેક્ટર સર વડે થયેલા કુમાર મનીષના ટ્વીટના રીટ્વીટ પછી શાળા અને ખાસ કરીને ગામ વડે લેવાયેલી શાળા બાગની કાળજીના સમાચાર. દિવ્યભાસ્કરમાં છપાયેલ આર્ટીકલ ! બધું જ પ્રેરણા દાયક હતું.
        આ બધાની વચ્ચે અમારા કારીગરો વડે ઘરે બનાવાતી નવી નવી વસ્તુઓ અને તેમાં તેમને ઉપયોગમાં લીધેલ કૌશલ્ય જોવા મળતા એ દિવસ જાણે ચા વગર સ્ફૂર્તિદાયક થઇ જતો. જીગરના ડી.જે. ને જોઈ વિચાર આવ્યો કે આ વખત બાળમેળાનો એક સ્ટોર આવો જ હોવો જોઈએ – એમના આઈડિયા કલેક્ટ કરીએ અને સાથે જ એમને આવી ભાંગફોડીયા પ્રવૃતિઓ કરવા માટેની સામગ્રી આપીએ.
      આયોજન થઇ ગયું, બાળમેળાની મસ્તી સાથે અમે અમારા નવા તોફાનીઓને આવકારવા તૈયાર હતા. પ્રવેશોત્સવમાં એકાદ ગીત રજુ કરીએ ની સામે “ગ્રામોત્સવમાં” હીટ સાબિત થયેલું “લહેરી લાલા” વન્સ મોર થયું. શાળાનો હિસ્સો બનેલ યોગ તો હોય જ. ગયા વર્ષે ખેલ મહાકુંભમાં રાજ્ય સુધી પહોંચેલ દીકરીથી લઇ NMMS માં મેરીટમાં સ્થાન પ્રાપ્ત કરનાર, ઈન્સ્પાયર એવોર્ડ મેળવનાર, નેશનલ ક્રિએટીવીટી વર્કશોપ ફોર ચિલ્ડ્રનમાં શાળાનું પ્રતિનિધિત્વ કરનાર અને શાળાનું સંચાલન જેમણે સફળતાપૂર્વક કર્યું એવા બાળ પ્રમુખ અને ઉપ પ્રમુખ બધાનું સન્માન કરવાનું પણ નક્કી થયું.
        હંમેશાની જેમ અમારા માટે પ્રવેશોત્સવ એ ગામને જોડવાનો જ ઉત્સવ બની રહ્યો. સાથે જ બાળમેળા અને લાઈફ સ્કીલ મેળાની પ્રવૃતિઓ – ક્યાંક અનાજ વીણતા, તો ક્યાંક ફ્યૂઝ બાંધતા, ક્યાંક જૂની વસ્તુઓમાંથી નવું કૈક સર્જવામાં અને પાણીમાં કાગળ બોળી તે વડે કાગળ પર ચિત્ર દોરવામાં સૌ વ્યસ્ત થયા. જ્ઞાનકુંજ વર્ગને અમે ફેરવ્યો થીયેટર માં – થ્રી ડી મૂવી મેજિક ! અને એક વર્ગ બન્યો અમારો આઈડિયા ફેકટરી ! જ્યાં વારાફરતી બાળકો આવે એમને પહેલા સ્ટોર લીડર વડે કેવા કેવા આઇડિયા હોઈ શકે તેની સમજ અને ઉદાહરણ અપાય, અને ઉદાહરણ આપ્યા બાદ અપાય કાગળ ! કેટલાક આઇડિયા ભેગા થયા અને તે થયો અમારો પાયો કે આ વર્ષે “ઈન્સ્પાયર એવોર્ડમાં કોનું કોનું નૉમિનેશન કરવું ! (હા, એ ખરું કે અનુભવે અમને સમજાયું કે આ પ્રકાર માટે એક સ્ટોરને બદલે બધા બાળકોને એક આખો દિવસનું ઓરીએન્ટેશન કરવામાં આવે તો તેમની સર્જનશીલતા અને કલ્પના શક્તિ પર આપણે સૌ મોટેરાઓની જેવા અનુભવના ડાઘ પડેલા હોતા નથી. આ બધાની વચ્ચે અમારા નાનકડા કારીગરોએ જુના સ્પીકર, સોલાર પ્લેટ, નાનકડી ટોર્ચ, તૂટેલી એલ.ઈ.ડી.,  સંચામાં ફીટ કરેલો નાનકડો ફોકસ વગેરે બનાવેલા બે ડી.જે. આઈડિયા ફેકટરી ગજાવતા હતા.
       પ્રવેશોત્સવમાં આવેલ મહેમાનો સાથે વધુ સંખ્યામાં હાજર રહેલ ગ્રામજનો અને તેમાય વધુ સંખ્યામાં હાજર રહેલ બહેનો ! થયું કે જો આજે હજારી ધ્વજ ફરકાવવાનો હોત તો બહેનોનો ધ્વજ ફરકાવી દેવાત ! શાળાના અભૂતપૂર્વ (શાળા માટે એકવાર શાળામાં આવેલ ક્યારેય ભૂતપૂર્વ હોય જ નહિ અને આ લાગણી બંને પક્ષે છે !) વિદ્યાર્થીઓ વળી તેમના બાળપણના દિવસો યાદ કરવા પંગત પાડી મધ્યાહન ભોજન જમ્યા !
     સૌએ મળી અમારા ફૂલડાંની સુવાસ સચવાઈને રહે તેવા શુભાશિષ પાઠવ્યા..શાળા પરિવારના શુભેચ્છક તરીકે તમારા આશીર્વાદ અમારા બાળકોને મળતા રહે તેવી અભિલાષા....
Ø ચાલો નિહાળો  É પ્રવેશોત્સવ અને  બાળમેળાÊ ને !!

આ વિડીયો ધ્વારા મળો,  અમારા નવા મહેમાનો ને !
live પ્રવેશોત્સવ નિહાળો !