June 15, 2018

વાવીશું ફોરમ અમે ફૂલડે ફૂલડે.. !



વાવીશું ફોરમ અમે ફૂલડે ફૂલડે..


    વૅકેશન સામાન્ય રીતે શાળા માટે એક સ્ટેશનની જેમ “આરામ” ની સ્થિતિમાં હોય પણ ટેકનોલોજી અને ગામ – શાળાની એકરૂપતા દરરોજ નવા નવા સમાચાર આપતી રહેતી. એમાં ય જીલ્લાના કલેક્ટર સર વડે થયેલા કુમાર મનીષના ટ્વીટના રીટ્વીટ પછી શાળા અને ખાસ કરીને ગામ વડે લેવાયેલી શાળા બાગની કાળજીના સમાચાર. દિવ્યભાસ્કરમાં છપાયેલ આર્ટીકલ ! બધું જ પ્રેરણા દાયક હતું.
        આ બધાની વચ્ચે અમારા કારીગરો વડે ઘરે બનાવાતી નવી નવી વસ્તુઓ અને તેમાં તેમને ઉપયોગમાં લીધેલ કૌશલ્ય જોવા મળતા એ દિવસ જાણે ચા વગર સ્ફૂર્તિદાયક થઇ જતો. જીગરના ડી.જે. ને જોઈ વિચાર આવ્યો કે આ વખત બાળમેળાનો એક સ્ટોર આવો જ હોવો જોઈએ – એમના આઈડિયા કલેક્ટ કરીએ અને સાથે જ એમને આવી ભાંગફોડીયા પ્રવૃતિઓ કરવા માટેની સામગ્રી આપીએ.
      આયોજન થઇ ગયું, બાળમેળાની મસ્તી સાથે અમે અમારા નવા તોફાનીઓને આવકારવા તૈયાર હતા. પ્રવેશોત્સવમાં એકાદ ગીત રજુ કરીએ ની સામે “ગ્રામોત્સવમાં” હીટ સાબિત થયેલું “લહેરી લાલા” વન્સ મોર થયું. શાળાનો હિસ્સો બનેલ યોગ તો હોય જ. ગયા વર્ષે ખેલ મહાકુંભમાં રાજ્ય સુધી પહોંચેલ દીકરીથી લઇ NMMS માં મેરીટમાં સ્થાન પ્રાપ્ત કરનાર, ઈન્સ્પાયર એવોર્ડ મેળવનાર, નેશનલ ક્રિએટીવીટી વર્કશોપ ફોર ચિલ્ડ્રનમાં શાળાનું પ્રતિનિધિત્વ કરનાર અને શાળાનું સંચાલન જેમણે સફળતાપૂર્વક કર્યું એવા બાળ પ્રમુખ અને ઉપ પ્રમુખ બધાનું સન્માન કરવાનું પણ નક્કી થયું.
        હંમેશાની જેમ અમારા માટે પ્રવેશોત્સવ એ ગામને જોડવાનો જ ઉત્સવ બની રહ્યો. સાથે જ બાળમેળા અને લાઈફ સ્કીલ મેળાની પ્રવૃતિઓ – ક્યાંક અનાજ વીણતા, તો ક્યાંક ફ્યૂઝ બાંધતા, ક્યાંક જૂની વસ્તુઓમાંથી નવું કૈક સર્જવામાં અને પાણીમાં કાગળ બોળી તે વડે કાગળ પર ચિત્ર દોરવામાં સૌ વ્યસ્ત થયા. જ્ઞાનકુંજ વર્ગને અમે ફેરવ્યો થીયેટર માં – થ્રી ડી મૂવી મેજિક ! અને એક વર્ગ બન્યો અમારો આઈડિયા ફેકટરી ! જ્યાં વારાફરતી બાળકો આવે એમને પહેલા સ્ટોર લીડર વડે કેવા કેવા આઇડિયા હોઈ શકે તેની સમજ અને ઉદાહરણ અપાય, અને ઉદાહરણ આપ્યા બાદ અપાય કાગળ ! કેટલાક આઇડિયા ભેગા થયા અને તે થયો અમારો પાયો કે આ વર્ષે “ઈન્સ્પાયર એવોર્ડમાં કોનું કોનું નૉમિનેશન કરવું ! (હા, એ ખરું કે અનુભવે અમને સમજાયું કે આ પ્રકાર માટે એક સ્ટોરને બદલે બધા બાળકોને એક આખો દિવસનું ઓરીએન્ટેશન કરવામાં આવે તો તેમની સર્જનશીલતા અને કલ્પના શક્તિ પર આપણે સૌ મોટેરાઓની જેવા અનુભવના ડાઘ પડેલા હોતા નથી. આ બધાની વચ્ચે અમારા નાનકડા કારીગરોએ જુના સ્પીકર, સોલાર પ્લેટ, નાનકડી ટોર્ચ, તૂટેલી એલ.ઈ.ડી.,  સંચામાં ફીટ કરેલો નાનકડો ફોકસ વગેરે બનાવેલા બે ડી.જે. આઈડિયા ફેકટરી ગજાવતા હતા.
       પ્રવેશોત્સવમાં આવેલ મહેમાનો સાથે વધુ સંખ્યામાં હાજર રહેલ ગ્રામજનો અને તેમાય વધુ સંખ્યામાં હાજર રહેલ બહેનો ! થયું કે જો આજે હજારી ધ્વજ ફરકાવવાનો હોત તો બહેનોનો ધ્વજ ફરકાવી દેવાત ! શાળાના અભૂતપૂર્વ (શાળા માટે એકવાર શાળામાં આવેલ ક્યારેય ભૂતપૂર્વ હોય જ નહિ અને આ લાગણી બંને પક્ષે છે !) વિદ્યાર્થીઓ વળી તેમના બાળપણના દિવસો યાદ કરવા પંગત પાડી મધ્યાહન ભોજન જમ્યા !
     સૌએ મળી અમારા ફૂલડાંની સુવાસ સચવાઈને રહે તેવા શુભાશિષ પાઠવ્યા..શાળા પરિવારના શુભેચ્છક તરીકે તમારા આશીર્વાદ અમારા બાળકોને મળતા રહે તેવી અભિલાષા....
Ø ચાલો નિહાળો  É પ્રવેશોત્સવ અને  બાળમેળાÊ ને !!

આ વિડીયો ધ્વારા મળો,  અમારા નવા મહેમાનો ને !
live પ્રવેશોત્સવ નિહાળો !