June 01, 2018

ગત વર્ષના આપણા સંકલ્પો યાદ છે તમને ?



ચાલો, ગત વર્ષના આપણા સંકલ્પો યાદ કરી લઈએ !
માનવ સહજ સ્વભાવ છે આગ લાગે ત્યારે કુવો ખોદવા કાં તો શોધવા બેસે ! અને તે જ સમયે પાછો સંકલ્પ કરે કે આ શું હવે તો આ આગ હોલવાઈ જાય અને નવરો પડું કે તરત જ આપણો પોતાનો કુવો જ ખોદી તૈયાર કરી રાખવો, જેથી મુસીબત સમયે હાંફળા-ફાંફળા થવાની સ્થિતિ જ ન ઉભી થાય ! મજાની વાત એ છે કે આવા સંકલ્પો આપણે વર્ષમાં ત્રણ ચાર વાર લઈએ છીએ ! ક્યારે કયારે ખબર છે ? – ગુણોત્સવ જાહેર થયો ત્યારે બાળકોના વાંચન – લેખન –તરફ ધ્યાન ગયું – ખબર પડી કે વાંચન તો બરાબર પણ લેખન – ગણન માં મુશ્કેલી છે – પાછા આપણે લાગી પડ્યા – સમય ઓછો ને કામ વધારે – ત્યારે આપણું સંકલ્પ વાળું ફોલ્ડર ખુલે – કે આવતા વર્ષથી તો રોજેરોજ ૧૦ થી ૧૫ મિનીટ ફરજિયાતપણે આજ કરાવીશ ! મોનીટરીંગ ટીમ આવવાની છે – સત્ર દરમ્યાન કરાવવાના થતાં પ્રોજેક્ટના ડોક્યુમેન્ટ ? – ફરીથી હાંફળા-ફાંફળા બની લાગી પડીએ – પ્રોજેક્ટ કરવાના જે ટોપિકને ટોક અને ચોકથી પતાવ્યું હોય તેનું બાળકને પ્રોજેક્ટની રીતે લખવા આપીએ ! બાળકો પણ મનમાં વિચારે કે ચોકસાઈ અને કામમાં નિયમિતતાની વાત કરનાર અમારા સાહેબને આજે અચાનક થયું છે શું ?- ફરી પાછું મગજમાં આપણું સંકલ્પ વાળું ફોલ્ડર ખુલે – હવે પછીના તમામ એકમમાં જ્યાં જ્યાં પ્રોજેક્ટ આવતા હશે, તે બધા જ કરાવીશ અને તેના ડોક્યુમેન્ટ પણ નિભાવીશ – જેથી આવી ચિંતા ઉભી ન થાય – [ મોટાભાગે હજુ પણ એ ઉદેશ્ય તો નહિ જ કે આ ટોપિકનો પ્રોજેક્ટ કરાવ્યો હોત તો બાળકો વધુ સારી રીતે શીખી શક્યા હોત ! ઉદેશ્ય તો એ જ છે કે કોઈ આવે તો બતાવવા માટે પ્રોજેક્ટના ડોક્યુમેન્ટ કામ લાગે ] પણ જેવી વિકટ સ્થિતિ વાદળની જેમ વિખેરાઈ જાય કે તરત જ આપણે સૌ એ જ સ્વાભાવિક ઘરેડમાં લાગી જઈએ છીએ. કારણ ? મુખ્ય કારણ તો “આપણે હજુય આયોજન પૂર્વક કરેલા કામનું મહત્વ સમજી શક્યા નથી !” – તેનું કારણ ? “આપણે કરેલા કામની ગુણવત્તા અંગે આપણે સજાગ નથી.” – આપણી મહેનતનું પરિણામ ન મળે તો આપણે ચિંતા જ કરીએ છીએ- ફક્ત ચિંતા જ કરીએ છીએ- ખરેખર તો કરવું જોઈએ આત્મચિંતન ! – અને પાછું  ચિંતનની દિશા પણ બાળકોની અનિયમિતતા અને વાલીની અજાગૃતિ કે પછી શાળા કે વર્ગખંડોમાંનું કોઈ સ્થાનિક કારણ [ બહાનું ] તરફી હોય છે ! – ત્યારે એ દિશા તરફ પણ નથી વિચારતા કે આપણા આ ટોપિક દરમ્યાન ૧૦૦% હાજર બાળકોમાં પણ આપણે કેટલું રિજલ્ટ મેળવી શક્યા છીએ ? – પ્રવૃત્તિ ને બદલે પ્રવચન માં બાળકોને નહિ આપણેય કંટાળી જઈએ – અને પછી આપણી ફરિયાદ રહે કે આટલું બધું ભણાવ્યું – પણ આ તો કશું સમજ્યા કે શીખ્યા જ નહિ ? – આવી જ રીતે આખું વર્ષ અને કહીએ તો આખાને આખા વર્ષો નીકળી જવાનું મોટું કારણ છે – આયોજનનો અભાવ – અને તેને કારણે જ વર્ગખંડમાં પહોંચ્યા પછી ખબર પડે કે આ તો પ્રોજેક્ટ છે – અને વૃત્તિ હોવા છતાં આપણી અસજ્જતા આપણને એ મુદ્દો ટોક અને ચોકથી પતાવવા માટે દબાણ કરે છે – માટે નવા વર્ષથી આપણે સૌ બાળકોની નજરમાં નિયમિતતા – ચોકસાઈ ધરાવતાં – આયોજનકારી શિક્ષક તરીકે રજુ થઇએ અને ગતવર્ષે આવી પડેલી મુશ્કેલી સમય જે જે સંકલ્પો ધારણ કર્યા હતા તેને યાદ કરી લઇ વર્ષની શરૂઆતથી જ તે માટે લાગી પડીએ ! 


બાળકો માટે વર્ગખંડમાં - થાય તેટલું  નહિ, પણ જરૂરી હોય તે બધું જ કરીએ !!!


No comments: