January 26, 2020

વાલીઓને વર્ગખંડમાં વધાવીએ – વાલી સંમેલન !



વાલીઓને વર્ગખંડમાં વધાવીએ – વાલી સંમેલન !

શાળા એ ગામનું ઘરેણું છે. મોટા ભાગના લેખમાં અમે આ વાક્યનો ઉપયોગ કરીએ છીએ. કારણ કે આ વાંચીને અથવા તો આ બોલીને આપણને અનેરો આનંદ મળે છે. તેનું એક કારણ એ પણ છે કે ગામ માટે શાળા એ અત્યંત કીમતી સ્થળ છે. હવે જ્યારે ગામ ની જેમ શાળાની વાત આવે ત્યારે એવું કહી શકાય કે વર્ગખંડો એ શાળાનું ઘરેણું છે. એ વાત પણ સાચી છે અને તેમાં જો શિક્ષણ ને સારો ઓપ અને ઢાળ આપી સારી રીતે બાળકોને પહેરાવાય તો એ વિદ્યાર્થીને શ્રેષ્ઠ નાગરિક બનાવી શકે છે.
આપણે સૌ આપણી શાળામાં ખૂબ જ મહેનત કરીએ છીએ. બાળકોની કાળજી લેવી - બાળકોને નવું નવું શીખવવું, બાળકો સાથે લાગણીસભર વર્તવું અને બાળકોએ કરેલ પ્રોજેક્ટને બિરદાવવાથી લઇ બાળકો માટે જરૂરીયાત છે તે બધું જ માસ્તર સુધીનું કામ આપણે સૌ કરતાં હોઈએ છીએ. ક્યારેય કોઈ શિક્ષકના મનમાં  સિનીયોરીટી કે બેઝિક પગાર ધોરણના તફાવત આધારે હું શાળામાં બાળકોને વહાલ કરીશ એવો વિચાર આવ્યો હોય તે ન કલ્પી શકાય તેવી બાબત છે અને આ જ આપણા શિક્ષકત્વ ની સાબિતી આપે છે. આપણા બાળકો સાથે આપણે વર્ગખંડમાં નાચીએ, ગાઈએ, રમીએ, વાતો કરી તેમની શિક્ષણ માટેની તમામ જરૂરીયાત નું ધ્યાન રાખી તેને પૂરી કરવા માટેનો સતત પ્રયત્ન કરીએ. પુરા ઉત્સાહથી કામ કર્યા પછી પણ આપણા સૌની એક ફરિયાદ સતત રહેતી હોય છે કે આ બધું જેના માટે કરીએ છીએ તે બાળકના વાલીને ન તો તેના બાળકની ચિંતા છે ન આપણે કરેલા કામની કદર !
ત્યારે પહેલો પ્રશ્ન થાય કે શું આપણે તે વાલીના બાળક માટે વર્ગખંડમાં આખો દિવસ મથામણ કરીએ છીએ તે તેના વાલીને જાણ છે ખરી ? મોટાભાગના બાળકો માટેનો આપણો જવાબ ના હશે કારણ સંવાદનો અભાવ હોઈ શકે તો એ જ રીતે વાલીને બાળકની ફિકર નથી તેવો આપણો અંદાજ કદાચ વહેમ પણ હોય શકે. બની શકે કે મોટાભાગના વાલીઓ પોતાના બાળક માટે સમય ન ફાળવી શકતા હોય પરંતુ ક્યારેય શાળા અથવા તો તે બાળકના શિક્ષક તરીકે બાળકે વાલી સાથે સંવાદ કરવો પડે તેવી અથવા તો વાલીનો શિક્ષક સાથે સંવાદ પ્રસ્થાપિત થાય તેવું કોઈ આયોજન કર્યું છે ખરું ? બની શકે કે જેમ કોઈ બાળક પાછળ આપણી મહેનતની વાલીને ખબર નથી તેમ વાલીની બાળક પ્રત્યેની ચિંતા ની કદાચ આપણા સુધી ન પહોંચી હોય ?
આવી રીતે થતું કાર્ય ને જો કાલ્પનિક રીતે વિચારવામાં આવે તો બાળક વિષુવવૃત્ત છે; વાલી ઉત્તર ધ્રુવ અને શિક્ષક દક્ષિણ ધ્રુવ બની મહેનત અને ચિંતા કરી રહ્યા છે.
પ્રશ્ન એ પણ છે કે વાલી સાથે સંવાદ સાધવાથી શું ? આપણે તો વર્ગખંડમાં કરવાનું છે તે કર્યા કરવાનું ! વાલી સાથે વાત કરી શું ફાયદો ?
ત્યારે ખાનગી શાળાઓની પદ્ધતિને ધ્યાને લેવા જેવી છે. 😚
ઉદાહરણ તરીકે ખાનગી શાળાના શિક્ષક વાલી મીટીંગમાં જે તે બાળકના વાલીને તે બાળકે વર્ગખંડમાં કરેલી પ્રવૃત્તિઓ બતાવે છે. [ જે આપણે સૌ પણ કરતાં હોઈએ છીએ પરંતુ તેનું પ્રદર્શન વર્ગખંડ પુરતું સીમિત બની જાય છે ] સ્વાભાવિકપણે વાલી પોતાના બાળકની પ્રવૃત્તિઓથી આનંદિત થાય જ. સાથે સાથે તે શિક્ષક તેમના બાળકના માટે ધ્યાન રાખવા જેવી બાબતોની સૂચનાઓ પણ કરશે લખવામાં ઉતાવળ કરે છે- અક્ષર સારા કાઢતો નથી વાંચવાનું તૈયાર કરવાનું કહીએ તો કરી લાવતો નથી વગેરે વગેરે હવે વિચારો કે આમાં શાળાએ શું કર્યું બાળક માટે પોતે કરેલા પ્રયત્નોને વાલી સામે મુક્યા વાલીનો શાળા શિક્ષક અને બાળક સામે નો આદરભાવ વધ્યો શાળાએ વાલીને એવી બાબતો સોંપી કે જે દરેક વાલી કરી શકે. તમને થશે કે અમે પણ સુચના કરીએ છીએ પણ વાલી સાંભળતા જ નથી તેનું કારણ આપણે પહેલું પગથીયું છોડી બીજા પગથિયાં થી શરુ કર્યું એટલે કે બાળકે અને તમે કરેલ વર્ગખંડની મહેનત વાલી સામે પ્રસ્તુત કરવાથી જ તે વાલીને પોતાના બાળકના અભ્યાસમાં રસરૂચી કેળવાય છે. ત્યારબાદ જ ખરેખર શિક્ષક તરીકે આપણા કામ હતાં તે વાલી પણ ઉપાડી લે છે જેમકે ઘરે અક્ષરો સુધારવા માટેના પ્રયત્નો વાંચી તૈયાર કરવા માટેની કાળજી હોમવર્ક વગેરે. અને ધીમે ધીમે આપણે ઈચ્છીએ છીએ તેવી ભાગીદારી બનાવી શકીએ છીએ પરંતુ પહેલાં પણ કહ્યું તેમ સંવાદ જ એકમાત્ર ઉપાય છે...
સંવાદ માટે શું કરી શકાય એવો પ્રશ્ન હોય તો તેનો પહેલો સરળ અને હાથવગો ઉપાય છે આજનું સોશિયલ મીડિયા. જેના થકી આપણા વર્ગખંડના પ્રયત્નો તેમના સુધી પહોંચાડી શકીએ.
બીજો ઉપાય છે આપણી શાળામાં રાષ્ટ્રીય તહેવારોની ઉજવણી વખતે જ્યારે ગામ શાળામાં મહેમાન બનીને આવે છે ત્યારે શાળામાં આવેલા વાલીઓ ફક્ત ધ્વજવંદન કરી કાર્યાલય અને કેમ્પસમાંથી પરત ફરતા હોય છે, અને બીજી બાજુ જોઈએ તો તે સમયમાં આપણે બાળકો માટે કરેલી મહેનત ના ડોક્યુમેન્ટ વર્ગખંડોમાં બંધ પડ્યા હોય છે. જેથી વાલીઓ શાળામાં આવીને તો જાય છે પરંતુ તેના બાળકે કરેલી પ્રવૃતિઓ અથવા તો તેના બાળકની સારી બાબતો જાણ્યા વિના પાછા વળી જાય છે. હવે આવી પળોનો લાભ લઇ આપણે તેમના બાળક માટે કરેલી મહેનતને જો તેમની સામે પ્રદર્શિત કરીએ તો તે ક્યારેય પણ આપણી મહેનત અને તેનાં બાળકોની કાબેલિયતને જાણી શકવાના નથી, અને તે માટે આપણે જવાબદાર કહેવાઈશું. તેની સાથે તેના બાળક વિશેનો સંવાદથી મહેમાન બનીને આવેલા વાલીને આપણી શૈક્ષણિક પ્રક્રિયાના  સહભાગીદાર  બનાવી શકાશે. આવી તક શોધતાં રહેવું અને તક મળે ત્યારે કહેતાં રહેવું સહભાગીદારી વિકસાવવાની પ્રક્રિયા છેજે ખરેખર આપણા વર્ગકાર્યને  સરળ બનાવવામાં પણ ખૂબ કામ લાગશે
વાલી મુલાકાતને આવકારવા વર્ગખંડોની તૈયારીઓની ક્લિક્સ   


  
   


 વાલીઓ સાથે ચર્ચા VIDEO

 વાલીઓ સાથે વર્ગખંડની મુલાકાત VIDEO

અમે કેવીરીતે ભણીએ છીએ? મુલાકાતી વાલીઓ સામે બાળકોનું પ્રેઝન્ટેશન  


No comments: