Showing posts with label સર્વાંગી શિક્ષણ. Show all posts
Showing posts with label સર્વાંગી શિક્ષણ. Show all posts

November 23, 2025

પાકા ઘડે કાંઠલો ચઢે !?

પાકા ઘડે કાંઠલો ચઢે !



એક કહેવત સૌએ સાંભળી છે: "પાકા ઘડે કાંઠલો ન ચડે!" તેનો અર્થ એ છે કે જે ઉંમરમાં જે શીખવાનું છે, તે જો ન શીખાય, તો પછીના સમયમાં શીખી શકાતું નથી. અને શીખીએ તો પણ, તેમાં પૂરતું કૌશલ્ય મેળવી શકાતું નથી. એના માટે બીજી એક કહેવત પણ છે: "સોળે શાન અને વીસે વાન." આ બધી કહેવતો મૂળભૂત રીતે સમયનું મહત્ત્વ દર્શાવવા ઘડાયેલી છે. એવું નથી કે તે અક્ષરશઃ સાચી છે. કેટલાક નરબંકાઓએ તેને ખોટી પણ પાડી છે. કે. કા. શાસ્ત્રીજીએ ૯૫ વર્ષની ઉંમરે કમ્પ્યુટર શીખવાનું શરૂ કર્યું ત્યારે સૌને નવાઈ લાગી હતી.

સમયે સમયે શીખતાં રહેવું એ જ આમ તો જીવનનો ઉદ્દેશ્ય હોવો જોઈએ. કારણ કે આપણા સૌની આંતરિક માનસિક પ્રક્રિયા આવા જ આયોજન મુજબની બનેલી છે. એવો અંદાજ છે કે વ્યક્તિની ઉંમર વધતાં તેનામાં એવા બદલાવ આવતા હશે, જેનાથી કેટલાંક એવા સેલ્સ નાશ પામતા હોય જે તેને કેટલીક બાબતો શીખવામાં મદદગાર બનતા હોય. પરિણામે, આપણા પૂર્વજોના અનુભવે આ કહેવત કહી હશે: પાકા ઘડે કાંઠલા ન ચડે!

·       રીડિંગ રીલ્સ

·       પ્રયોગાત્મક અધ્યાપન તાલીમ (Experiential Teacher Training): ભવિષ્યના શિક્ષકો માટે પુસ્તકિયા જ્ઞાનને બદલે બાળકોના વર્તનનો અભ્યાસ કરવો અને સકારાત્મક અનુભવો મેળવવા મહત્ત્વપૂર્ણ છે.





શાળા ફક્ત બાળકો માટે જ શીખવાની જગ્યા નથી. તે શિક્ષકો અને તેનાથી આગળ વધીને કહીએ તો કેમ્પસમાં પધારતા સૌ કોઈ માટે શીખવાની જગ્યા છે.

      બાળકો બાળકો પાસેથી શીખે છે.

      બાળકો શિક્ષકો પાસેથી શીખે છે.

      શિક્ષકો બાળકો પાસેથી શીખે છે કે કેવી રીતે શીખવવું.

શાળાને સૌથી વધુ શીખવતી જગ્યા એટલા માટે કહી, કારણ કે ગામમાં સૌથી વધારે આદાનપ્રદાનની પ્રક્રિયા થતી હોય છે અને તે પણ મોટા સમૂહમાં. પહેલાં એવું મનાતું કે ઘરનાં બાળકો સાથેના વર્તન વડે આપણે શીખીએ છીએ કે વર્ગખંડમાં કેવી રીતે વર્તવું જોઈએ. પરંતુ હવે શિક્ષક તરીકેના વર્ષો પછી એ શીખાયું છે કે ઘર હોય કે શાળા, આપણે "બાળક" સાથે કેવી રીતે વર્તવું જોઈએ. અને આ શીખવા માટેનું સ્થળ પણ શાળા જ બની છે.

શિક્ષક તરીકેના વ્યવસાયનું પ્રવેશદ્વાર એટલે બુનિયાદી અધ્યાપન. તેમાં પ્રવેશતાં જ પહેલું કામ બાળકોના વર્તનને જાણવું હોય છે. તેથી જ તાલીમાર્થીઓ માટે બાળકો સાથેની પ્રક્રિયાઓ માટેના પ્રસંગો ઊભા થાય, તે હેતુસર સતત શિક્ષણ, જેને અત્યારે ઇન્ટર્નશિપ કહીએ છીએ, તે સમયાંતરે યોજાય છે.

      તેમાં ભવિષ્યના નવા શિક્ષકોએ બાળકોને અભ્યાસ કરાવવા કરતાં પણ બાળકોનો અભ્યાસ કરવો એ તેમનો મુખ્ય ઉદ્દેશ્ય હોવો તે મહત્ત્વનું છે.

      જો આ સમયમાં જ તેઓને સકારાત્મક અનુભવો ન મળે, તો પછીનો સમય તેમના માટે મુશ્કેલ બનશે.

અને પેલી કહેવતની જેમ જ, પછી બે વર્ષના અંતે પાકા થઈ ગયેલા તાલીમાર્થીઓ રૂપી ઘડા પર શિક્ષક રૂપી કાંઠલો બેસાડવો અસંભવ છે.

હાલ, શાળાના ભૂતપૂર્વ પાંચ વિદ્યાર્થીઓ ભવિષ્યના શિક્ષક તરીકે અભ્યાસ કરી રહ્યા છે. ઇન્ટર્નશિપ દરમિયાન તેઓએ જે શાળામાં ભણ્યા હતા, તે જ શાળાને શીખવા માટેનું સ્થળ બનાવવા પસંદ કરતાં આપણી શાળામાં પહેલીવાર ઇન્ટર્નશિપનું આયોજન થયું. એમ કહીએ તો પણ વધારે નથી કે "મોસાળમાં જમણવાર હતું અને મા પીરસનાર હતી!"

      શાળાના પ્રયત્નો હતા કે ભણવા-ભણાવવાનું તો પછી પણ થશે, પરંતુ તેઓ પોતે બાળકો સાથેના વર્તનમાં જરૂરી બદલાવ લાવે, જેથી ભવિષ્યમાં તેઓને વ્યવસાય પ્રત્યેનો આનંદ જળવાઈ રહે.

      તેમની સાથે વર્ગખંડમાં કામ કરતાં બાળકોમાં પણ શીખવા પ્રત્યેની મોજ અને આત્મવિશ્વાસ જળવાઈ રહે.

તેઓ શું શીખ્યાં તે તો આવનારા સમયમાં ખબર પડશે, પરંતુ અમને પાકી ખાતરી છે કે અહીંયાંના અનુભવોએ તેમનામાં બાળકોના પ્રિય અને કાર્યશીલ શિક્ષક બનવાનું બીજારોપણ કરી દીધું હશે. ચાલો, માણીએ તેઓ દ્વારા આયોજિત છેલ્લા દિવસને.

રીડિંગ રીલ્સ

સતત વ્યાવસાયિક વિકાસ (Continuous Professional Development): શીખવાની પ્રક્રિયા માત્ર બાળકો કે તાલીમાર્થીઓ પૂરતી સીમિત નથી, પરંતુ શિક્ષકો અને સમગ્ર શાળા પરિવાર માટે સતત ચાલતી પ્રક્રિયા છે.



તાલીમાર્થી મિત્રો ધ્વારા કરાવેલ સાંસ્કૃતિક કાર્યક્રમ જોવા માટે ફોટો પર ક્લિક કરો > ઇન્ટરશીપ



પેપ્સીની એક જાહેરાત છે/ હતી : "યે દિલ માંગે ઔર".

પેપ્સીની એક જાહેરાત છે/ હતી : "યે દિલ માંગે ઔર".

નવાનદીસર ગામ  જ્યારે નવો આકાર લઈ રહ્યું હતું, તે વર્ષોમાં કોઈ વિદ્યાર્થી ધોરણ ૧૦ પાસ કરીને શાળામાં મળવા આવતો, ત્યારે તે જાણે કલેક્ટર બનીને મળવા આવ્યો હોય, તેવો અનુભવ થતો. નાના નાના ધક્કાઓ લાગતા રહ્યા. શિક્ષણ હવે ધોરણ ૧૨ આર્ટ્સ સુધી પહોંચ્યું. પીટીસી સુધી પહોંચાયું. મહેનત કરી. પછી શિક્ષકની નોકરી લાગી. વળી, કોઈ વિદ્યાર્થી ૧૨ સાયન્સ કે કોમર્સ કરે તો લાગતું કે, હા, હવે આ બરાબર છે. એન્જિનિયર બનીને પણ કંપનીમાં નોકરીને બદલે પોતાના કોન્ટ્રાક્ટ પર ભરોસો રાખનારા વિદ્યાર્થીઓને જોઈ થતું કે, વાહ, આ કેળવણી યોગ્ય છે.મોટાભાગે તમામ  વિદ્યાર્થીઓએ પરંપરાગત રસ્તા છોડી સાહસ અને ગણતરી વડે નવા સીમાચિહ્નો સ્થાપ્યા. પછી તે પોતાના બેન્ડ અને સાઉન્ડના વ્યવસાયમાં હોય, કે ડેરી અને પશુપાલનમાં. આ વિદ્યાર્થીઓ પરંપરાગત માર્ગથી અલગ થયા. તેમણે સાહસ અને ગણતરીનો ઉપયોગ કર્યો, નવા સીમાચિહ્નો સ્થાપ્યા.

આ કાર્યમાં તમે સૌ ફ્રેન્ડ્સ ઑફ નવા નદીસરનો ફાળો અમૂલ્ય છે ! તમારા જેવા મિત્રોના ના કારણે શાળાને નવી નવી તક મળતી રહે છે.  એવા વ્યક્તિઓના સંપર્કમાં અમે રહીએ છીએ. જેથી બાળકોના શિક્ષણને લગતું કંઈક નવું થતું હોય, તો તે અમારા સુધી પહોંચે. આ વ્યક્તિઓ આવું કંઈક નવું જુએ, તો તરત જ તેમને આપણી નવા નદીસર પ્રાથમિક શાળા (અને હવે નવા નદીસર પ્રાથમિક શાળા,પીએમશ્રી - ગુજરાત) યાદ આવ્યા વગર રહે નહીં.

આવી જ એક તક ગોધરા લોક વિજ્ઞાન કેન્દ્રના ગ્રુપમાંથી મળી. રાજ્યના કેટલાક વિદ્યાર્થીઓને ૯ દિવસ ઇસરો, સાયન્સ સિટી વગેરે જગ્યાએ જવાનો અને જુદા જુદા વૈજ્ઞાનિકો અને એક્સપર્ટ પાસે શીખવાનો મોકો મળે છે. દિવાળી વેકેશનનો સમય હતો. જોઈતી વિગતો ડિજિટલ સામગ્રીને કારણે મળી આવી. શાળાના ૨૦-૨૨ વિદ્યાર્થીઓ એવા નીકળ્યા, જે તેમાં મંગાતી 'રિક્વાયરમેન્ટ' પૂરી કરતા હતા.

એક કોલ આવ્યો (વાલીમાં શિક્ષકનો મોબાઈલ નંબર હતો.) "આપની  દીકરી નિર્જલા નવ દિવસો માટે  ઈસરો- અમદાવાદ આવવા તૈયાર છે?" એના મમ્મીએ કે પપ્પાએ પૂછ્યા વગર હા કહી દીધું. ને પછી શરૂ થઈ નવી કશ્મકશ:

      નિર્જલા ક્યારેય એકલી ક્યાંય રહી નથી.

      શાળામાંથી બીજું કોઈ પસંદ થયું નહોતું.

      ના પાડી દે તો શું કરવું?

      બીજું, તે હા પાડે અને એના મમ્મી કે પપ્પા ના પાડી દે કે આટલા બધા દિવસ એકલી છોકરીને મોકલવી નથી, તો શું થાય?

શાળાએ કમાયેલી મોટી મૂડી એ વિશ્વાસ છે. એના મમ્મી-પપ્પા સાથે વાત કરી. તેઓએ કહ્યું કે, "તમને લાગતું હોય કે જવું જોઈએ, તો મોકલવાની જ હોય." (નિર્જલાને  એમ ખરું કે "હારાઓ, મને શું કામ મોકલો છો?") અમદાવાદમાં રિદ્ધિ (ફ્રેન્ડ્સ ઑફ નવા નદીસર) હાજર રહી. નિર્જલાને એ અહેસાસ કરાવ્યો કે, "અહીંયા તું એકલી નથી. હું થોડેક જ દૂર આઈ.આઈ.એમ.માં રહું છું."

રીડિંગ રીલ્સ :

બાળકોને પરંપરાગત માર્ગથી અલગ, પડકારજનક અને સાહસિક તકો આપવાથી તેમનો શીખવાનો વિસ્તાર વધે છે.

બીજા દિવસથી એનું રોલર કોસ્ટર ચાલુ થયું. રાજ્યમાંથી બીજા બધા વિદ્યાર્થીઓ ધોરણ ૧૧-૧૨ સાયન્સ કરતા - અંગ્રેજી મીડિયમના હતા. અને આ ૮મા ધોરણની ગુજરાતી મીડિયમની વિદ્યાર્થીની!  જુદા જુદા બેકગ્રાઉન્ડના વૈજ્ઞાનિકો આવે. આના માટે વિષયો નવા હતા. ભાષાની ટર્મિનોલૉજી પણ નવી હતી. અંગ્રેજી આવડે, પણ ઝડપથી બોલાય, તો ટપ્પો ચૂકી જાય.

પ્રથમ દિવસના ફોનમાં અવાજ થોડો તૂટેલો સંભળાતો હતો. "એક તો રાત્રે ઊંઘ નહોતી આવી. ને પહેલી લાઇનમાં બેસાડી. એ બોલે ને મને તો આંખો ભારે ભારે લાગે. આંખો ખેંચી ખેંચીને જાગીને સાંભળવાનો પ્રયત્ન કર્યો કે શું કહે છે. માંડ માંડ થોડું સમજાયું."

જો કે, બીજા દિવસના વર્કશોપ પછી એણે સ્પીડ પકડી લીધી. પછી ગ્રુપમાં લીડરશિપ હોય કે નવા મિત્રો બનાવવાના હોય. બીજા દિવસનો ફોન કોલ ઉત્સાહથી ભરપૂર હતો. "તમને ખબર છે? આવું આવું હોય ઇસરોમાં..." વગેરે.

એ જે જગ્યાએ જઈને આવી, ત્યાં જવાનું કેટલા બધાનું સપનું હોય છે. એણે મારેલો આ ધક્કો હવે કેટલીય દીકરીઓને પાંખો આપશે કે, "હા, જો એ જઈ શકે, તો આપણે જઈ શકીએ." જે નવાનદીસરમાં કેટલાક વર્ષો પહેલા કોઈને ફિઝિક્સ શું હોય, એ ખબર નહોતી, ત્યાં એક ૧૪ વર્ષની છોકરી છે, જેને ક્વોન્ટમ ફિઝિક્સ અને તેના વડે દુનિયાભરના વૈજ્ઞાનિકો શું કામ કરી રહ્યા છે, એની ખબર છે.

જે ગામે રોકેટને માત્ર આકાશમાં જોયેલું, તે પણ ધુમાડા કાઢતું વિમાન છે એમ માનીને - એણે ત્યાં રોકેટ બનાવ્યું અને ઉડાવ્યું પણ ખરું. જેમના માટે રોબોટ્સ એ કાર્ટૂન ટાઇપ કાલ્પનિક વાત હતી, એના માટે હવે રોબોટ્સ બનાવી જોવા અને તે માટે કોડિંગ કેવી રીતે કરવું, એ પણ અનુભવમાં છે. એજ જો એક આખો સમાજ શીખવા વિશે એક થાય, તો જાદુ આજે પણ થાય. કોઈપણ જગ્યાએથી ઉડવા આકાશ મળી જ રહે.

રીડિંગ રીલ્સ : નવા અને મુશ્કેલ વાતાવરણમાં મૂકવાથી બાળક શરૂઆતની ગભરામણ પછી ઝડપથી અનુકૂલન સાધીને નેતૃત્વ અને કૌશલ્યનો વિકાસ કરે છે.


October 12, 2025

ગણિતનું જીવનદર્શન !

ગણિત શીખવવાની પ્રક્રિયાને વધુ અસરકારક બનાવવા માટે, અમે કેટલીક પેટર્ન પહેલેથી ઊભી કરેલી છે… જેમ કે  તાસની શરૂઆતમાં 'રી-કનેક્ટ' અને 'આજનો એજન્ડા' વિશે ચર્ચા તો થતી જ. પરંતુ, નવી સંકલ્પનાઓ માટે અમે બે મુખ્ય પદ્ધતિઓ અપનાવી:

👉મેરી આવાજ સુનો (M.A.S.): આ વિભાગમાં શિક્ષક તરફથી કોઈ સંકલ્પના વિશે ચર્ચા શરૂ કરવામાં આવે.

👉હમ સાથ સાથ હૈ (H.S.S.H.): આ વિભાગમાં બાળકો જૂથમાં બેસીને ચર્ચા કરી મુદ્દાનો ઉકેલ લાવે.

આ રીતે કામ કરતાં કરતાં એક નવી અને પૂર્વ-નિર્ધારિત ન હોય તેવી વસ્તુ ઉમેરાતી ગઈ. બાળકોએ રિફ્લેક્ટિવ ડાયરી બનાવવાનું શરૂ કર્યું, જેમાં તેઓ આજે શું શીખ્યા અને શું મુશ્કેલી પડી તે નોંધતા હતા. આમાંથી કેટલાક વિદ્યાર્થીઓ એ  ગણિતના કોઈ મુદ્દાને પોતાના જીવન સાથે જોડીને કહેતા, "હા, હા, ગણિતમાં જ નહીં, જીવનમાં પણ આવું જ થાય છે."

આ વિચારો ત્યારે વધુ સ્પષ્ટ થયા જ્યારે એકવાર શાળા સમય પછી શિક્ષક અને વિદ્યાર્થીઓ વચ્ચે તક અને સંભાવના વિશે ચર્ચા શરૂ થઈ. જો તમે કોઈ સિક્કો ઓછી વાર ઉછાળો, તો દરેક વખતે છાપ જ આવે તેવું બની શકે છે. પરંતુ જો તમે પ્રયત્નોની સંખ્યા વધારશો, તો પછી કાંટો પણ આવશે જ. આ જ વાતને જીવન સાથે જોડીને ચર્ચા થઈ કે જો થોડા પ્રયત્નો પછી આપણને ઇચ્છિત પરિણામ ન મળે, તો નિરાશ થવાની જરૂર નથી. જો તમે પ્રયત્નો વધારશો, તો સિક્કાની જેમ આમાં પણ પરિણામ બદલાશે જ.

આ પછી તો ગણિતનો તાસ જાણે ભગવદ્ ગીતાનો તાસ હોય તેમ, ખાસ કરીને ધોરણ ૮માં, ફિલસૂફીનું પ્રમાણ વધવા માંડ્યું. ગણિતના મુદ્દા, બાળકોએ શોધેલી ફિલસૂફી અને તેને લગતા ગીતામાંથી શ્લોક શોધ્યા. વિજ્ઞાન મેળામાં ક્લસ્ટર સ્તરે અમે અમારી વાતને સમજાવી ન શક્યા. પણ સંતોષ એ વાતનો છે કે બાળકોએ ગણિતને જોવાની એક જુદી દૃષ્ટિ મેળવી. હવે

તેઓ ગણિતની પ્રક્રિયાને જીવનની પ્રક્રિયા સાથે સાંકળીને જોતા થયા છે. આમાંથી ગણિત પાકું થયું છે કે જીવન એ તો તેઓ જ જાણે !

 

ગણિત અને જીવનનું ગણિત :

        જીવનની સમસ્યાઓનો ઉકેલ લાવવા માટે આપણે ગણિતના સિદ્ધાંતોનો ઉપયોગ કરી શકીએ છીએ. ગણિતમાં, કોઈ પણ દાખલો ઉકેલવા માટે આપણે તેના પરિણામ પર નહીં, પરંતુ તેની ગણતરીની પ્રક્રિયા પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ. આ જ રીતે, જીવનમાં જ્યારે કોઈ મુશ્કેલી આવે, ત્યારે આપણે તેના અંતિમ પરિણામની ચિંતા કરવાને બદલે, તેને હલ કરવાની પ્રક્રિયા પર ધ્યાન આપવું જોઈએ. કારણ કે, જો પ્રક્રિયા યોગ્ય અને સુવ્યવસ્થિત હશે, તો પરિણામ આપોઆપ જ સફળતા લાવશે.

 સમસ્યામાં જ સમાધાન :

ગણિતમાં, જ્યારે આપણે કોઈ માહિતીની સરાસરી (average) કાઢીએ છીએ, ત્યારે આપણે માહિતીની કુલ સંખ્યાને તેના મૂલ્યોના સરવાળા વડે ભાગીએ છીએ. આ પ્રક્રિયા દર્શાવે છે કે ઉકેલ માહિતીની અંદર જ છુપાયેલો છે. તેવી જ રીતે, જીવનમાં આવતી મુશ્કેલીઓનો ઉકેલ પણ તે સમસ્યાઓની અંદર જ રહેલો હોય છે. આપણે માત્ર તે સમસ્યાઓને ઊંડાણપૂર્વક સમજવાની અને તેનું પૃથક્કરણ કરવાની જરૂર છે, જેથી સાચો ઉકેલ શોધી શકાય.

 અનુભવ એ જ સૂત્ર :

વર્તુળની ત્રિજ્યા (radius) કે વ્યાસ (diameter) શોધવા માટે આપણે ચોક્કસ ગણિતના સૂત્રોનો ઉપયોગ કરીએ છીએ. તેવી જ રીતે, જીવનમાં આવતી અટપટી પરિસ્થિતિઓનો સામનો કરવા માટે આપણે આપણા અનુભવો અને તેમાંથી શીખેલા પાઠનો ઉપયોગ કરવો જોઈએ. આ અનુભવો એ જ આપણા જીવનના સૂત્રો છે. આ સૂત્રોનો યોગ્ય રીતે ઉપયોગ કરવાથી આપણે જીવનની દરેક સમસ્યાનો ઉકેલ લાવી શકીએ છીએ.

 શૂન્યતા અને પ્રસન્નતા

ગણિતમાં, જ્યારે આપણે બે વિરોધી સંખ્યાઓ (જેમ કે +5 અને -5) નો સરવાળો કરીએ છીએ, ત્યારે તેનો જવાબ શૂન્ય (0) આવે છે. શૂન્ય એક એવી અવસ્થા છે જેનો કોઈ વિરોધી હોતો નથી. આ સિદ્ધાંત જીવનમાં પણ લાગુ પડે છે. જ્યારે આપણે સુખ અને દુઃખ જેવી બે વિરોધી ભાવનાઓને સમાનતાથી જોવાનું શરૂ કરીએ છીએ, ત્યારે આપણે તે બંનેથી પર બની જઈએ છીએ. આ અવસ્થામાં, આપણે કોઈ પણ એક ભાવનાને પસંદ કરતા નથી, પરંતુ માત્ર જીવનની પ્રક્રિયામાં જ ભાગ લઈએ છીએ. આ રીતે, આપણે શૂન્ય એટલે કે સંપૂર્ણ પ્રસન્નતા અને શાંતિની અવસ્થા પ્રાપ્ત કરી શકીએ છીએ. આ શૂન્યતા જ આત્મિક શાંતિનું પ્રતીક છે.

આપણી ભગવદગીતામાં પણ કહેવાયું છે કે :

સુખદુઃખે સમે કૃત્વા લાભાલાભો જયાજયૌ । તતો યુદ્ધાય યુજ્યસ્વ નૈવં પાપમવાપ્સ્યસિ ॥

ગણિત અને ગીતા: જીવનના સિદ્ધાંતોનો ચાર્ટ 

ચાર્ટ વાંચવામાં મુશ્કેલી પડે તો - અહીં ક્લિક કરી ચાર્ટ ડાઉનલોડ કરી શકો છો >  ગણિત અને જીવનનું ગણિત ચાર્ટ 

ગણિતનો મુદ્દો

ગણિતની ક્રિયા અને સમજ

ગીતાનો સિદ્ધાંત અને સમજ

શ્લોક અને અનુવાદ

જીવનનું ઉદાહરણ

સંભાવના (Probability)

જેટલા વધુ પ્રયોગો, તેટલું પરિણામ વાસ્તવિક સંભાવનાની નજીક આવે છે.

કર્મનો સિદ્ધાંત: ફળની ચિંતા કર્યા વિના સતત કર્મ કરવાથી પરિણામ સુધરે છે.

કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન। મા કર્મફલહેતુર્ભૂર્મા તે સંગોઽસ્ત્વકર્મણિ॥

(અધ્યાય ૨, શ્લોક ૪૭)

અનુવાદ: તમારો અધિકાર ફક્ત કર્મ કરવાનો છે, તેના ફળ પર ક્યારેય નહીં.

પરીક્ષામાં સારા માર્ક્સ માટે માત્ર નસીબ પર આધાર રાખવાને બદલે, નિયમિત અને સતત અભ્યાસ કરવો.

બાદબાકી (Subtraction)

જ્યારે કોઈ અંક પૂરતો ન હોય, ત્યારે બાજુના અંક પાસેથી ધારી લઈએ છીએ.

સહકાર: એકબીજાની મદદથી જીવન સરળ બને છે અને પ્રગતિ થાય છે.

ભોક્તારં યજ્ઞતપસાં સર્વલોકમહેશ્વરમ્। સુહૃદં સર્વભૂતાનાં જ્ઞાત્વા માં શાન્તિમૃચ્છતિ॥

(અધ્યાય ૫, શ્લોક ૨૯)

અનુવાદ: હું બધા યજ્ઞો અને તપસ્યાઓનો ભોક્તા, બધા લોકોનો મહેશ્વર અને બધા જીવોનો સુહૃદ છું. આ જાણીને શાંતિ મળે છે.

કોઈ પ્રોજેક્ટ પૂરો કરવા માટે એક સભ્ય પાસે ચોક્કસ કૌશલ્ય ન હોય, તો તે ટીમના અન્ય સભ્યની મદદ લે છે.

સરવાળો (Addition)

અનેક નાની સંખ્યાઓને જોડીને મોટું પરિણામ મેળવીએ છીએ.

 

ધીરજ અને ક્રમિક વિકાસ: નાના પ્રયત્નો ભેગા કરીને મોટી સફળતા મેળવી શકાય છે.

 

એક એક આત્મા જોડાતા જાય તો એ પરમાત્મા જેવડી શક્તિ બની શકે.

શનૈઃ શનૈરુપરમેદ્ બુદ્ધ્યા ધૃતિગૃહીતયા। આત્મસંસ્થં મનઃ કૃત્વા ન કિંચિદપિ ચિંતયેત્॥

(અધ્યાય ૬, શ્લોક ૨૫)

અનુવાદ: ધીમે ધીમે ધીરજપૂર્વક મનને પરમાત્મામાં સ્થિર કરવું જોઈએ.

દરરોજ પાંચ મિનિટનું ધ્યાન કરવાથી ધીમે ધીમે મન શાંત થતું જાય છે અને માનસિક શાંતિ મળે છે.

ગુણાકાર (Multiplication)

એક જ વસ્તુને વારંવાર જોડવાથી પરિણામ ઝડપથી વધે છે.

.

સતત પ્રયાસ અને વૃદ્ધિ: નાના સત્કર્મોનું ફળ અનેકગણું થાય છે.

 

આપણે જીવનને ગુણાત્મક બનાવવું હોય તો એક એક ગુણને નિયમિત રીતે જોડતા રહેવું જોઈએ

નેહાભિક્રમનાશોઽસ્તિ પ્રત્યવાયો ન વિદ્યતે। સ્વલ્પમપ્યસ્ય ધર્મસ્ય ત્રાયતે મહતો ભયાત્॥

(અધ્યાય ૨, શ્લોક ૪૦)

અનુવાદ: આ માર્ગમાં આરંભનો નાશ થતો નથી અને થોડું પણ પાલન મોટા ભયથી રક્ષણ કરે છે.

નાનું રોકાણ નિયમિત રીતે કરવાથી સમય જતાં વ્યાજ પર વ્યાજ મળતા રોકાણ ખૂબ જ મોટું બની જાય છે.

ભાગાકાર (Division)

કોઈ વસ્તુને સમાન ભાગોમાં વહેંચીએ છીએ.

સમાન દ્રષ્ટિ: બધા જીવોમાં અને સંસાધનોમાં સમાનતા જાળવવી.

આપણામાં રહેલા દુર્ગુણોને નિયમિત રીતે સતત બાદ કરતા જવાથી આપનું વિશુદ્ધ સ્વરૂપ આપણને જડી આવે છે.

વિદ્યાવિનયસંપન્ને બ્રાહ્મણે ગવિ હસ્તિનિ। શુનિ ચૈવ શ્વપાકે ચ પંડિતાઃ સમદર્શિનઃ॥

(અધ્યાય ૫, શ્લોક ૧૮)

અનુવાદ: જ્ઞાનીઓ વિદ્વાન બ્રાહ્મણ, ગાય, હાથી, કૂતરા અને ચાંડાળમાં પણ સમાન ભાવ રાખે છે.

કુટુંબમાં ઘરકામની જવાબદારીઓ બધા સભ્યો વચ્ચે સરખી રીતે વહેંચી દેવાથી કોઈ એક વ્યક્તિ પર બોજ નથી આવતો.

સમીકરણ (Equation)

સમીકરણમાં બંને બાજુઓને સમાન બનાવવી જરૂરી છે.

સંતુલન (Balance): જીવનના વિવિધ પાસાઓ વચ્ચે સંતુલન જાળવવું.

આપણે જેને જાણીએ છીએ તેના આધારેઅજ્ઞાતને શોધી શકીએ છીએ. જો આપણે જ્ઞાત બાબતોને બરાબર સમજી શકીએ તો અજ્ઞાતના દર્શન આપણે પામી શકીએ.

યુક્તાહારવિહારસ્ય યુક્તચેષ્ટસ્ય કર્મસુ। યુક્તસ્વપ્નાવબોધસ્ય યોગો ભવતિ દુઃખહા॥

(અધ્યાય ૬, શ્લોક ૧૭)

 

અનુવાદ: યોગ્ય આહાર-વિહાર અને કર્મો કરવાથી યોગ દુઃખોનો નાશ કરે છે.

વિદ્યાર્થી માટે ભણતર અને રમત-ગમત વચ્ચે યોગ્ય સંતુલન જાળવવું જેથી શારીરિક અને માનસિક બંને વિકાસ થાય.

અપૂર્ણાંક (Fraction)

કોઈ પૂર્ણ વસ્તુને ભાગોમાં વહેંચીએ છીએ.

અંશાત્મકતા: આપણે પૂર્ણતાના એક અંશ છીએ અને અપૂર્ણતા સ્વીકારીને આગળ વધવું.

મમૈવાંશો જીવલોકે જીવભૂતઃ સનાતનઃ। મનઃષષ્ઠાનીન્દ્રિયાણિ પ્રકૃતિસ્થાનિ કર્ષતિ॥

(અધ્યાય ૧૫, શ્લોક ૭)

અનુવાદ: આ સંસારમાં મારો જ સનાતન અંશ જીવ બનીને રહે છે.

એક વિશાળ કાર્યને એક જ દિવસમાં પૂરો કરવુંશક્ય નથી. તેને નાના ભાગોમાં વહેંચીને કામ કરવાથી પૂર્ણ થાય છે.

ઘાત (Exponent)

નાની સંખ્યાને ઘાતમાં લેવાથી તે ઝડપથી વધે છે.

વાયરલ વૃદ્ધિ: નાની શરૂઆતો સમય જતાં મોટી અને શક્તિશાળી બની શકે છે.

સ્વલ્પમપ્યસ્ય ધર્મસ્ય ત્રાયતે મહતો ભયાત્॥

(અધ્યાય ૨, શ્લોક ૪૦)

અનુવાદ: આ ધર્મ (યોગ)નું થોડું પણ પાલન મોટા ભયથી રક્ષણ કરે છે.

કોઈ વ્યવસાયની શરૂઆત એક નાની ટીમથી થાય છે. તેનું કામ ઉત્તમ હોય તો ગ્રાહકોની સંખ્યા ઘાતાંકીય રીતે વધે છે.


રીડિંગ રીલ્સ

Piaget/Vygotsky નો સંરચનાવાદ: બાળકો જૂથ ચર્ચા ('હમ સાથ સાથ હૈ') દ્વારા પોતાનું જ્ઞાન જાતે રચે છે, નહીં કે માત્ર શિક્ષક પાસેથી મેળવે.

પ્રતિબિંબિત શિક્ષણ: શીખેલા મુદ્દાઓનું ચિંતન કરવું અને તેને જીવન સાથે જોડવું.