May 04, 2013

રમકડાં.............



રમકડાં – શું તમારી TLMની યાદીમાં સમાવિષ્ઠ છે?

                           “રમવું એ અમારો જન્મસિદ્ધ અધિકાર છે.” આવું કોઈ બાળકે ક્યારેય કહેવું પડ્યું નથી. આપણા સમાજે પણ બાળકોને આ હક માટે કહેવું પડે તેવું આચરણ રાખ્યું નથી. “બાળક છે એટલે રમવું તો પડે જ ને !” - તેવું માનનારા આપણે જયારે શિક્ષકની ભૂમિકામાં પધારીએ છીએ ત્યારે આપણું ‘માનવું’ અથવા તો ‘વર્તન’ આ બાબતમાં બદલાઈ જાય છે. બાળકે શાળાના પહેલા ધોરણમાં પ્રવેશ મેળવ્યો એટલે તેને “શિક્ષણનો અધિકાર” મળ્યો, પરંતુ તેને મળેલ આ મોટા અધિકારને કારણે  રમવું  – તોફાન કરવું  – જીદ કરવી – પોતાની મરજી મુજબનું કામ કરવું જેવા નાના-નાના અધિકારો પર આપણે કાતરકામ  કરીએ છીએ. પ્રથમ તેનો ભોગ બને છે બાળકોના એ રમકડાં કે જે તેની નજર સામેથી સીધા દેશીહિસાબ/ચોપડીઓમાં જતાં રહે છે. જેને ચોપડીમાં બતાવી-બતાવીને આપણે ભણાવતાં હોઈએ 
ત્યારે તેને જોઇ-જોઈને બાળક મનમાં રમતાં હોય છે.
 એટલે કે આપણે મોટરકાર બતાવીને “મ” શીખવતાં વર્ગખંડમાં હોઈએ ત્યારે બાળક તો કદાચ તે મોટરકારમાં બેસી વર્ગખંડની બહાર કાલ્પનિક સફરે નીકળી પણ ગયો હશે !!!  ક્યારેક ક્યારેક પ્રશ્ન થાય છે કે બાળકને તેના વર્તન/સ્વભાવને અનુકૂળ વર્ગખંડ બનાવવો??? કે પછી આપણા વર્ગખંડને મેચ થઇ જાય તેવો બાળકનો સ્વભાવ બનાવવા પ્રયત્ન કરવો?? બાળકને સમજવા માટે તેના રમકડાં પણ આપણને ખૂબ ઉપયોગી સાબિત થઇ શકે છે. વર્ષની શરૂઆતમાં જ કંઈક એવું આયોજન કરીએ કે બાળકોના પોતાના ઘરે રમતાં તૂટેલાં-ફૂટેલાં તમામ રમકડાં લાવે. વ્યક્તિગત બાળકની અને તેને લાવેલ રમકડાંની યાદી કરીએ. જેનાથી બાળકોને એકબીજાના રમકડાં રમવા મળશે. રમકડાંની આપ-લે એકબીજાને નજીક લાવવા અને એકબીજા સાથે સંવાદ કરવા મજબૂર કરશે. સાથે-સાથે બનાવેલ યાદી આપને ભવિષ્યમાં TLM તરીકે કોઈ રમકડાંની જરૂર પડશે ત્યારે સરળતાથી મળી પણ રહેશે... 






આ બધી વાતોનું જો PM કરશો વાતની શરૂઆત ભલે બાળકના લાભની કરીએ પરંતુ છલ્લે ફાયદો તો આપણા ભાગે પણ આવે તો છે જ ને... ??  

અભ્યર્થના સહ શુભેચ્છાઓ



 અભ્યર્થના સહ શુભેચ્છાઓ....

                           શાળા પરિવારનું એક અંગ કે, જેની હાજરી આઠ-આઠ વર્ષ સુધી પોતાના કલરવથી શાળાકીય પર્યાવરણને ગુંજતું રાખતું હતું,પોતાની કુતુહલતાથી ઉભા થતા પ્રશ્નો વડે વર્ગખંડોને હર્યાભર્યા બનાવી દેતું હતું, હું આઉટ હોતી સાહેબ,તમે તો પક્ષપાત કરો છો અથવા તો “તમે તો અંચાયડા છો,મારે નથી રમવું” જેવા પ્રેમાળ આરોપો વડે મેદાનને કોર્ટ બનાવી દેતું હતું. આજે તે અંગ શાળામાંથી વિદાય લઇ રહ્યું  છે,ત્યારે અગામી દિવસોમાં તેમની ગેરહાજરી શાળાને ચોક્કસ વ્યથિત કરશે. Every child  has something special ! દરેક બાળકમાં સ્વભાવગત કંઈકને કંઈક ખાસ હોય છે. જેમ કે અમારા બિલદાર પ્રકાશના વર્તનમાં કામ સમયની ગંભીરતા હોય કે પરમાર સેજલનું વાચાળ વર્તન  અથવા તો મહેરા પીન્ટુની પ્રશ્નો રૂપી કુતુહલતા... આ બધી વસ્તુઓ જ આપણને બાળકની સાથે લાગણીઓથી બાંધી દે છે. એવું નથી કે બાળકો ફક્ત શાળામાંથી શીખીને જ જાય છે, દરેક બાળક શાળાને પણ કંઈકને કંઈક શીખવતો જાય છે ! તેના કારણે જ તો આપણે સૌ વગર ડીગ્રીના “બાળ-મનોચિકિત્સકો” બની શકીએ છીએ. જેનો ફાયદો આપણને અગામી વર્ષોમાં બાળકના વર્તનને સમજવામાં મળી રહે છે. માટે અમે એમ પણ કહી શકીએ કે આ ફક્ત બાળકો જ નહિ પરંતુ પોતાના વર્તનથી શીખવનાર શિક્ષકો પણ વિદાય લઇ રહ્યા છે. એક દીકરીના કન્યાદાન કર્યા પછીના પિતાનું દુઃખ જો તમે જાણ્યું/જોયું હોય તો આ તો એક સાથે ૨૮ દીકરા-દીકરીઓની વિદાય એક પરિવારે સહેવાની પળ છે; ત્યારે શાળા પરિવાર માટે આ પળ ખૂબ પીડાદાયક બની રહી છે. પરંતુ અમારા માટે મન મનાવવાની બીજી બાજુ એ પણ છે કે આ દીકરા-દીકરીઓ શૈક્ષણિક પ્રગતિ-રૂપે પોતાની ઉજ્વળ કારકિર્દીમાં આગળ ધપવા માટે અમને છોડી રહ્યા છે, ત્યારે શાળા પરિવાર આ તમામ બાળકોને અગામી કારકિર્દીમાં પ્રગતિ માટેની શુભેચ્છાઓ પાઠવે છે, તેમજ જ્યાં જ્યાં અમારી જરૂર પડેશે ત્યાં પૂરેપૂરી મદદે રહેવાની ખાત્રી પણ આપે છે. બાળકોના વાલીઓને અમે અભ્યર્થનાપત્ર ધ્વારા વિનંતિ કરીએ છીએ કે બાળકને અગામી વર્ષોમાં તેની શૈક્ષણિક કારકિર્દી માટે અનુકૂળ વાતાવરણ પૂરૂં પાડશો, જેથી શાળા અને સમાજની આઠ વર્ષની મહેનત વડે ખીલેલા આ છોડ કરમાઈ ન જાય....                 
ગતવર્ષનું આયોજન જોવા માટે ક્લિક કરો >>>>> અભ્યર્થના

May 02, 2013

વિદ્યાર્થીઓની કાંધે “વિદ્યા”ની અર્થી....



વિદ્યાર્થીઓની કાંધે “વિદ્યા”ની અર્થી....


વિદ્યાર્થી પક્ષે પરીક્ષા પૂરી થાય અને શિક્ષકોની પરીક્ષા શરૂ થઇ જાય છે.
  Ø કોઈકે તૈયાર કરેલા પ્રશ્નોપત્રોમાં મારા વિદ્યાર્થીઓ શું સમજ્યા છે તે ચકાસવું? 
કે પછી..
 Ø મેં આપેલા અધ્યયન અનુભવો બરાબર હતા કે સુધારાની જરૂર છે તે ચકાસવું ?
                         એવી અવઢવ વચ્ચે જ પરિણામપત્રક બની જાય છે – અને વિદ્યાર્થીને લેબલ લાગી જાય છે. ખરેખર તો આપણે નિદાન કરવાની ક્રિયાને ઉપચાર સમજી બેઠા છીએ.એક પરિસ્થિતિને આધારે આ બાબતને સમજવાનો પ્રયત્ન કરીએ.                તમે ડોકટર પાસે જાઓ છો. તે તમારી સાથે વાતચીત કરે છે. સ્ટેથોસ્કોપ અને થર્મોમીટર વગેરે વડે તમારા શરીરને ચકાસે છે. બ્લડ ટેસ્ટ કરાવે છે....પછી તમને કહે છે, “જુઓ તમને ડેન્ગ્યું થયો છે, જે ગંભીર છે.” અને પછી કોઈ દવા સૂચવ્યા વગર કહે છે, “ચાલો, ત્યારે આવજો !!” શું આવું બને છે ? કોઈ ડોકટર તમને તમારી બીમારી માત્રનું નામ કહી તમને આવજો કહી દે તો તમે શું કરો ?
                             આપણે આપણી પરીક્ષાઓ વડે કૈક આવું જ કરી રહ્યા છીએ. આપણે ભૂલી જઈએ છીએ કે પ્રાથમિક શાળામાં લીધેલી કસોટી એ વિદ્યાર્થીની સિદ્ધિ ચકાસવાની કસોટી નથી. આપણે કયો વિદ્યાર્થી સારો -કયો નબળો - એ ચકાસવાનું કામ નથી કરવાનું ! આપણા માટે તો વિદ્યાર્થીએ આપેલ આ  ટેસ્ટ એ નિદાનના તારણ સુધી પહોચાવાનું સાધન છે. હવે, જયારે સમજાય કે ક્યા વિદ્યાર્થીને કયા પ્રકારની મુશ્કેલી છે – પછી તેમને તે મુશ્કેલીનું લેબલ ચિપકાવી બીજા પાસે મોકલી દેવા એ એક બાબત છે અને તેની વિગતોને નોધી અને અન્ય શિક્ષકને રીફર (!) કરવા એ બીજી !
                 ઉત્તમ રસ્તો તો એ છે કે જેમ ડોકટર આપણી શારીરિક મુશ્કેલીને અનુરૂપ ઈલાજ કરે છે તેમ આપણે પણ વર્ગની – વિદ્યાર્થીઓની સમસ્યાઓને અનુરૂપ ઈલાજ શોધીએ !નહીતર વિદ્યાર્થીઓને કાંધે જ વિદ્યાની અર્થી ઉઠી જશે !
મુલ્યાંકન પ્રક્રિયા અંગેના તમારા અનુભવો અમારી સાથે વહેચશો તો ગમશે.


May 01, 2013

કેમ્પસ....!!!



કેમ્પસ....!!!

શાળા એટલે શું તેના વિશે આપણે ઘણુંબધું જાણીએ/સમજીએ/વિચારીએ છીએ, પણ શાળાનું પ્રતિબિંબ જેમાં સમાયેલું છે એટલે કે શાળા કેવી હશે તેનો અંદાજ જે-જે વસ્તુઓ પરથી ઉપરથી લગાડવામાં આવે છે તેની યાદીમાં સૌથી ટોચ ઉપર છે શાળા કેમ્પસ ! ચોખ્ખું ઘરનું આંગણું ચોખ્ખો ઘરનો ચોક....” ગવડાવી આપણે બાળકોને  જેમ ઘરની આંતરિક વ્યવસ્થાનો અંદાજ તેના આંગણા/ચોક પરથી લગાડવાનું સમજાવીએ છીએ, તેમ શાળાનો અંદાજ પણ શાળા કેમ્પસ પરથી જ બંધાઈ જાય છે. [આપના વિચારોની દિશા જો  નિરિક્ષકો તરફ જતી હોય તો તેને સીધી કરું કે આ વાત આપણા અગામી વર્ષમાં આવનાર નવા બાળ-મહેમાનોની છે !] કેમ્પસ આકર્ષક હોવું તે બાળકોને આકર્ષિત કરતી સ્કીમોની યાદી તરફી નજર રાખી વિચાર કરીએ તો તે પ્રાથમિકતા હોઈ શકે છે પણ અગ્રીમતા નહિ. [હા, કેટલીક જગ્યાએ "આકર્ષિત કેપમ્સ” એ વાલીઓ માટે પ્રાથમિકતા & અગ્રીમતા બંને હોય છે,પણ તેમનાં જ બાળકોને પૂછો તો કદાચ છેક-છેક સુધી તેનો તે બાળકો ઉલ્લેખ કરશે પણ નહિ] ચાલો કદાચ આપણો વિષય બદલાઈ જશે, અહિં વાત બાળકોની કરી રહ્યા છીએ બાળકોને કેવા કેમ્પસ આકર્ષિત કરી શકે છે ? તમે જો બારીકાઈ પૂર્વક તમારા બાળકોનું નિરિક્ષણ કરશો તો બાળકો ઘરનાં આંગણાની એવી જગ્યા વધુ પસંદ કરશે કે તમારે વારંવાર સુચનાઓ આપવી પડતી હશે કે, “આટલી બધી ખુલ્લી જગ્યા છોડી ત્યાં ક્યાં ખૂણામાં/કચરામાં/માટીમાં જઈને રમે છે.?"
 હવે આપણે કોઈ દિવસ વિચાર કર્યો છે કે આટલી બધી ખુલ્લી સરસ જગ્યા [આપણા મતે] છોડી બાળક ત્યાં રમવા કેમ જાય છે?? શું તે તેની મરજી છે કે મજબૂરી??? સ્વર્ગ વિશેની આપણી મોટી-મોટી ચર્ચાઓના અંતને જો એક વાક્યમાં સમાવવું હોય તો કોઈનું અને કોઈપણ  જાતનું "ડીસ્ટર્બન્સ વિનાનું સ્થળ" એટલે સ્વર્ગ ! આપણી જેમ બાળકો માટે પણ આ સ્વર્ગ એ અગ્રીમતા હોય છે, પણ કદાચ તે માટે સ્વછતાનો ભોગ આપવો પડે તો તેઓ આપી દેતાં હોય છે. જો આપણો વધુ આગ્રહ સ્વછતા હોય તો બાળકો માટે સ્વચ્છ જગ્યા પર "નડવું નહિ" રૂપી અઘોષિત હક તેમને ભોગવવા દઈ "સ્વચ્છ સ્વર્ગ " ઉભું કરવું જ રહ્યું. બીજું કારણ - આપણે આપણા ઘરના કચરાનું વર્ગીકરણ કરી તો તેમાં ફક્ત ધૂળ-માટી જ નથી હોતી ઘરની એવી તમામ નાની-નાની તૂટેલી વસ્તુઓ હોય છે જે આપણા માટે નકામી-ફેકી દેવા જેવી વસ્તુ માત્ર હોય છે.  જેમકે- આપણા માટે ખોવાઈ ગયેલી બોટલનું ઢાંકણ બાળક માટે પોતે બનાવેલ વિમાન કે મોટરકારનું વ્હીલ હોય છે, આપણા માટે ખાલી થઇ ગયેલ માચીસ તેના માટે માટીના બનાવેલ ઘરની તિજોરી પણ હોઈ શકે છે. ટૂંકમાં જેટલેથી કોઈ વસ્તુનું મહત્વ આપણી નજરમાંથી ખતમ થઇ જાય છે ત્યાંથી બાળ-નજરમાં તેના ઉપયોગની શરૂઆત થાય છે. આવો, શાળા કેમ્પસને ફક્ત સ્વચ્છ જ નહિ...બાળકો માટે સ્વર્ગ સમાન બને તેવા ‘અ-નિયમોથી’ સંચાલિત હોવું જોઈએ ! તેથી બાળકોએ શાળામાં સુરક્ષિત કરેલા ખૂણાઓને આપણા નિયમોથી પ્રદુષિત કરવાનું ટાળીએ !