May 01, 2013

કેમ્પસ....!!!



કેમ્પસ....!!!

શાળા એટલે શું તેના વિશે આપણે ઘણુંબધું જાણીએ/સમજીએ/વિચારીએ છીએ, પણ શાળાનું પ્રતિબિંબ જેમાં સમાયેલું છે એટલે કે શાળા કેવી હશે તેનો અંદાજ જે-જે વસ્તુઓ પરથી ઉપરથી લગાડવામાં આવે છે તેની યાદીમાં સૌથી ટોચ ઉપર છે શાળા કેમ્પસ ! ચોખ્ખું ઘરનું આંગણું ચોખ્ખો ઘરનો ચોક....” ગવડાવી આપણે બાળકોને  જેમ ઘરની આંતરિક વ્યવસ્થાનો અંદાજ તેના આંગણા/ચોક પરથી લગાડવાનું સમજાવીએ છીએ, તેમ શાળાનો અંદાજ પણ શાળા કેમ્પસ પરથી જ બંધાઈ જાય છે. [આપના વિચારોની દિશા જો  નિરિક્ષકો તરફ જતી હોય તો તેને સીધી કરું કે આ વાત આપણા અગામી વર્ષમાં આવનાર નવા બાળ-મહેમાનોની છે !] કેમ્પસ આકર્ષક હોવું તે બાળકોને આકર્ષિત કરતી સ્કીમોની યાદી તરફી નજર રાખી વિચાર કરીએ તો તે પ્રાથમિકતા હોઈ શકે છે પણ અગ્રીમતા નહિ. [હા, કેટલીક જગ્યાએ "આકર્ષિત કેપમ્સ” એ વાલીઓ માટે પ્રાથમિકતા & અગ્રીમતા બંને હોય છે,પણ તેમનાં જ બાળકોને પૂછો તો કદાચ છેક-છેક સુધી તેનો તે બાળકો ઉલ્લેખ કરશે પણ નહિ] ચાલો કદાચ આપણો વિષય બદલાઈ જશે, અહિં વાત બાળકોની કરી રહ્યા છીએ બાળકોને કેવા કેમ્પસ આકર્ષિત કરી શકે છે ? તમે જો બારીકાઈ પૂર્વક તમારા બાળકોનું નિરિક્ષણ કરશો તો બાળકો ઘરનાં આંગણાની એવી જગ્યા વધુ પસંદ કરશે કે તમારે વારંવાર સુચનાઓ આપવી પડતી હશે કે, “આટલી બધી ખુલ્લી જગ્યા છોડી ત્યાં ક્યાં ખૂણામાં/કચરામાં/માટીમાં જઈને રમે છે.?"
 હવે આપણે કોઈ દિવસ વિચાર કર્યો છે કે આટલી બધી ખુલ્લી સરસ જગ્યા [આપણા મતે] છોડી બાળક ત્યાં રમવા કેમ જાય છે?? શું તે તેની મરજી છે કે મજબૂરી??? સ્વર્ગ વિશેની આપણી મોટી-મોટી ચર્ચાઓના અંતને જો એક વાક્યમાં સમાવવું હોય તો કોઈનું અને કોઈપણ  જાતનું "ડીસ્ટર્બન્સ વિનાનું સ્થળ" એટલે સ્વર્ગ ! આપણી જેમ બાળકો માટે પણ આ સ્વર્ગ એ અગ્રીમતા હોય છે, પણ કદાચ તે માટે સ્વછતાનો ભોગ આપવો પડે તો તેઓ આપી દેતાં હોય છે. જો આપણો વધુ આગ્રહ સ્વછતા હોય તો બાળકો માટે સ્વચ્છ જગ્યા પર "નડવું નહિ" રૂપી અઘોષિત હક તેમને ભોગવવા દઈ "સ્વચ્છ સ્વર્ગ " ઉભું કરવું જ રહ્યું. બીજું કારણ - આપણે આપણા ઘરના કચરાનું વર્ગીકરણ કરી તો તેમાં ફક્ત ધૂળ-માટી જ નથી હોતી ઘરની એવી તમામ નાની-નાની તૂટેલી વસ્તુઓ હોય છે જે આપણા માટે નકામી-ફેકી દેવા જેવી વસ્તુ માત્ર હોય છે.  જેમકે- આપણા માટે ખોવાઈ ગયેલી બોટલનું ઢાંકણ બાળક માટે પોતે બનાવેલ વિમાન કે મોટરકારનું વ્હીલ હોય છે, આપણા માટે ખાલી થઇ ગયેલ માચીસ તેના માટે માટીના બનાવેલ ઘરની તિજોરી પણ હોઈ શકે છે. ટૂંકમાં જેટલેથી કોઈ વસ્તુનું મહત્વ આપણી નજરમાંથી ખતમ થઇ જાય છે ત્યાંથી બાળ-નજરમાં તેના ઉપયોગની શરૂઆત થાય છે. આવો, શાળા કેમ્પસને ફક્ત સ્વચ્છ જ નહિ...બાળકો માટે સ્વર્ગ સમાન બને તેવા ‘અ-નિયમોથી’ સંચાલિત હોવું જોઈએ ! તેથી બાળકોએ શાળામાં સુરક્ષિત કરેલા ખૂણાઓને આપણા નિયમોથી પ્રદુષિત કરવાનું ટાળીએ !


No comments: