June 30, 2021

શાળા -: એક સ્થાન નહીં પણ સ્થિતિ છે !!

શાળા -: એક સ્થાન નહીં પણ સ્થિતિ છે !!

નવા શૈક્ષણિક વર્ષના સૌને અભિનંદન

        ફરીથી શાળાઓ શરૂ થઈ ગઈ છે. પરંતુ મન નથી માનતું કે એવું કહીએ કે શાળા શરૂ થઈ છે.’ કોરોના નામના રાક્ષસે શાળાઓને બાળકો વિનાની સૂમસામ બનાવી દીધી છે. બાળકો વિનાની શાળામાં પ્રવેશીએ ત્યારે શિક્ષક તરીકેના આનંદને બદલે નોકરી માટે નોકરિયાત તરીકે પ્રવેશતાં હોઈએ એવું ફીલ થઈ રહ્યું છે. જેમ ઘરની રોનક એમાં રહેતા બાળકો છે, એવી જ રીતે શાળામાં ભણતાં બાળકો એ શાળાનો જીવ છે. જેને કારણે જ શાળા જીવંત લાગતી હોય છે. આવી રીતે શાળામાં જીવવું એક શિક્ષક માટે દુખના દિવસો ગાળવા સમાન છે.


કાગડા ઊડે એવું અત્યાર સુધી સાંભળ્યું અને બોલ્યા છીએ. પરંતુ અત્યારે શાળામાં અનુભવી રહ્યા છીએ. બાળકો જ્યાં હોય ત્યાં જ શિક્ષકને આંનદ આવે. માટે જ અત્યારે તો વર્ગ એ સ્વર્ગને બદલે આપણા સૌ માટે તો બાળકો સાથે બેસાય એ ગામની શેરી કે કોઈ વાલીનું આંગણું જ સ્વર્ગ સમાન લાગી રહ્યું છે. અને લાગે પણ કેમ નહીં ? બાળદેવો હવે ત્યાં જ તો મળે છે. અને એ મળે ત્યાં જ આપણો તો વર્ગ અને સ્વર્ગ.


એકાંત સ્થાન નહીં સ્થિતિ હૈ !

આવા વાતાવરણમાં શાળામાં શિક્ષકને ન ગમે એ સ્થિતિમાં એક જગ્યાએ વાંચેલું આ હિન્દી સૌને સાચી અને આનંદ આપનારી વાત કહી જાય છે. – હકીકત છે કે બાળકો  વિનાની શાળા એ શાળા નહીં પણ ભવન માત્ર હોય છે. અમારા જેવા ઘણાં તો એવા પણ નાહિંમત શિક્ષકો હશે કે જેઓને શાળા ખૂલ્યાના આટલા સમય ગાળા પછી પણ વર્ગખંડમાં જવાની હિંમત કરવાને બદલે કાર્યાલયમાંથી સાહિત્ય લઈ સીધા શેરીમાં જવા નીકળી જતાં હશે અથવા તો ઓનલાઇન ક્લાસ ધ્વારા બાળકો સાથે ક્યારે વાતે વળગીએ એવો સળવડાટ રહેતો હોય છે. આ વાક્ય  schooling માટે પણ આ લાગુ પડે છે કે શાળા એ સ્થાન નથી પણ સ્થિતિ છે. ભવન, બેન્ચ, બ્લેક બોર્ડ વગેરે વડે બનતું સ્થાન એ શાળા નથી. શિક્ષક અને બાળક મળી જાય એ સ્થિતિ  જ શાળા છે. આ મુજબ જો જોઈએ તો કોરોના આપણા શૈક્ષણિક ભવનને બંધ કરાવવામાં સફળ રહ્યો છે. પરંતુ આપણી શાળાઓને નહીં.

ક્યારે કેમ્પસમાં ભેગાં બેસીશું તે તો હજુ અનિશ્ચિત છે, પરંતુ ત્યાં સુધી આપણા પ્રયત્નો વડે આપણા ગામની શેરીઓમાં અને બાળકોના આંગણમાં શાળાઓનું ગુંજન ચાલતું જ રહેશે. આ ગુંજન આગામી આ નવા શૈક્ષણિક વર્ષમાં આપનાબ સૌમાં નવો જોમ પેદા કરે તેવી શુભકામનાઓ


June 27, 2021

વેક્સિન સેલ્ફી

વેક્સિન સેલ્ફી 

સતત એકની એક રૂટિનની ક્રિયા માણસમાં કંટાળો પેદા કરી દેતી હોય છે. તે તમને ગમતી પ્રક્રિયા હોય તો પણ જો તે સતત ચાલતી રહે તો સમયાંતરે તેમાંથી મળતો આનંદ ઓસરતો જતો હોય છે. કહેવાય છે કે સતત એકધારી જીવનશૈલી વડે માણસને જિંદગી પ્રત્યે નિરસતા ન આવી જાય એવા આશયથી જ માનવ જીવનમાં તહેવારોની ઉજવણીની શરૂઆત થઈ હશે. ધીમે ધીમે વર્તમાન સામાજિક સંદેશાઓ સાથે જોડીને જરૂરિયાત મુજબ ફેરફાર થાય હશે. પરિણામે તહેવારોની ઉજવણી રસિક પણ બની હશે અને ક્રમશઃ જળવાઈ પણ રહી છે.

કોઈપણ કાર્યને વધુ સમય સુધી એટલા જ ઉત્સાહ સાથે કરતાં રહેવા માટે તેમાં સમયાંતરે ફેરફાર જરૂરી છે. વર્ગખંડોમાં પણ રૂટિન ભણવું ભણવું ભણવું એવું જ ચાલ્યા કરે ત્યારે તો ફક્ત બાળકોને ભણવા પ્રત્યેની અરુચિ ન થાય બલ્કે ભણાવનાર આપણને પણ પગારરૂપી વળતર મળતું હોવા છતાં આપણે પણ કંટાળી જઈએ છીએ. આવા માં બાળકો પાસે સતત રસ પૂર્વક ભણે જ એવી અપેક્ષા અસ્થાને છે.

આવામાં શું કરી શકાય ? તેવું કોઈ પૂછે ત્યારે કહેવું કે રોજ કરતાં હોય તેવું ન કરવું ! તેને બદલે એવું કરવું કે જેની બાળકોએ કલ્પના પણ ન કરી હોય. એટલે કે જરા હટકે ! રોજેરોજ લખવાનું , વાંચવાનું હોમવર્ક બાળકોને મોકલાય છે. એટલે બાળકોમાં સ્વાભાવિકપણે ઉત્સાહ ઘટતો જતો દેખાઈ આવતો હોય છે. આવામાં અમારો સતત પ્રયત્ન હોય છે કે હોમવર્કમાં બાળકોને ચેલેન્જ મળી રહે તેવી પ્રવૃત્તિઓ સતત જોડતા રહેવી. બાળકોને હોમવર્ક બાબતે ઘરમાં સંવાદ કરવાનો થાય એવી પ્રવૃત્તિઓ પણ ઉમેરતાં રહેતા હોઈએ છીએ. એનો ઉદેશ્ય એક એ પણ છે કે સમાજ સાથેના સંવાદ થકી ધીમે ધીમે બાળકમાં સામાજીકતા પ્રવેશતી જાય છે. કારણ કે આખરે બાળકોને સમાજની સાથે – સમાજના વચ્ચે – સમૂહિકતા ને અનુસરી જીવવાનું છે ત્યારે તેનામાં આ ઘડતર જરૂરી છે. એટલે શાળાને જ્યાં જ્યાં ચાન્સ મળે તેવી તમામ બાબતોમાં બાળકો ને સમાજ સાથે જ જોડવાની અને સંવાદ ઊભો કરાવવાની એક પણ તક છોડતી નથી. 

     આ વખતે વાત હતી વેક્સિન અંગેની લોક જાગૃત્તિ માટેની. શિક્ષકો ધ્વારા ગામમાં વ્યક્તિગત મુલાકાત વડે ઘણા એવા ગ્રામજનો એ રસીકરણ કરાવ્યું. તે સમયના અનુભવના આધારે જણાયું કે વધુ રસીકરણ માટે વાલીઓ સાથે વધુ સંવાદ જરૂરી છે. એવામાં આ બાબતને હોમવર્કમાં સામેલ કરવા માટેનો આઇડિયા સૂઝ્યો. હોમવર્ક આપ્યું કે તમારા ઘરમાં 18 વર્ષથી વધુ ઉંમર વાળા જેટલા વ્યક્તિ હોય તેમાંથી જેટલા વ્યક્તિઓએ રસી મૂકાવી હોય તેઓની સાથે સેલ્ફી પાડી મોકલવી. બાળકો જ આ અંગે પોતાના પરિવારમાં વેક્સિન અંગે સંવાદ કરે તે અમારા માટે મુખ્ય ઉદેશ હતો. હોમવર્ક મોકલ્યા પછી ઘણાં બાળકોએ પોતાની સેલ્ફી મોકલી. એટલે લાગ્યું કે ચાલો ઘણા અંશે આઇડિયા કામ કરી ગયો છે. પરંતુ તીર નિશાના પર જ લાગ્યું છે એવું ત્યારે સમજાયું જ્યારે એક બાળકનો ફોન આવ્યો કે સાહેબ મારી મમ્મી કહે છે કે તેને થાઇરોડ છે એટલે રસી નથી લીધી. શું ખરેખર રસી ન લઈ શકાય ?  ચાલો જોઈએ બાળકોના ઉત્સાહ સહિતની વેક્સિન સેલ્ફીને !

વેક્સિન સંગ સેલ્ફી 

😌😢 થેલી ભરેલા પૈસાનો ભાર ! 😌😢

😌😢 થેલી ભરેલા પૈસાનો ભાર ! 😌😢

બાળકોને ભણાવવા માટે લોન લેતા, ઘરનું સ્થળ બદલાતા મધ્યમવર્ગને આપણે જાણીએ છીએ. કોરોના  સમયમાં બાળકોના શિક્ષણ પ્રત્યે આવી સંવેદનશીલતા શાળાએ એવા વાલીઓમાં વધુ જોઈ કે જેઓ માટે પોતીકું રહેઠાણ અને ભોજન વગેરેની જ પ્રાથમિકતા હોવી જોઈએ. કેટલાક સંપન્ન વાલીઓ ફોન પર પોતાના સંતાનો શું કરે છે એની વિગત નથી આપી શકતા. એની સામે શાળાની બહાર ઊભા હોઈએ તો બે ત્રણ વાલીઓ તો પૂછે જ સાહેબ ખૂલી ગઈ નેહાર? ના કહીને બાળકો શું કરે એમ પૂછી એટલે કહે જ કે આવા આવા કામ કરે. કોણ કોને શીખવાડે એવું ય કહે. છેલ્લે નિસાસો ય નાખે કે પણ સાહેબ નેહાર એટલે નેહાર જ. પોતાના સંતાનોને ભણાવવા માટે સંવેદનશીલ આવા જ એક વાલી સાંજના સમયે શિક્ષકના ઘરે..

😓 સાહેબ, આ પૈસા.. **** અને ***** ઓનલાઈન ક્લાસ ભરે ને લેશન આવે એવો ફોન લઈ રાખજો.”

😇હમણાં એવી કોઈ ઉતાવળ નથી કરો. કાંતો ૬ થી ૮ તો ખૂલી ય જાય. ને તમને ફોન કરીને રોજ રોજ શું લખવાનું એ તો કહે જ છે. પ્રિન્ટ કાઢી શાળામાંથી આપી જાય છે.”

😓પણ સાહેબ એમ બધા સાથે ના ભણે એટલે કાચું તો રહે. તમે લઈ લેજો ને.”

શિક્ષકને વળી એમ કે આ છૂટક સિઝનલ કામ કરે સાથે મોટો પરિવાર. રહેવાની જગ્યા નવાનદીસર નહીં. પણ એકવાર નજીકમાં ઈંટોનું કામ મળ્યું એ વર્ષે બાળકોને શાળામાં મૂક્યા તે મૂક્યા.. નાનકડું ઝુંપડું ભાડે રાખીને રહીને છોકરા ભણાવે. અત્યારે ય કામની જગ્યા દૂર તો છે જ પણ શાળા નિયમિત તેમના સુધી પહોંચે. આ કુટુંબને ફોનનો ખર્ચ ના કરવા દેવો જોઈએ. એટલે બીજો રસ્તો આપ્યો..

😇જુઓ, આટલામાં તો તમારે આપણે ત્યાં રહેવાની જગ્યા થઈ જશે. એટલે એવું હોય તો એ બનાવી દો. શાળા ખૂલી જાય એટલે તમારે કાયમી શાંતિ.”

😓 “એ સમયે સાહેબ બીજું કઈક કરી લઈશું પણ હમણાં તો આમનું રોજ રોજ ભણવાનું બગડે..”

થેલી લીધા પછી...😢 એ રકમનો જે ભાર લાગ્યો છે ! 😌😢

June 21, 2021

યોગ – બાળકોને જગત ગુરુ બનાવીએ !!


યોગ – બાળકોને જગત ગુરુ બનાવીએ !!! 


જેમને જગત ગુરુનું બિરુદ પ્રાપ્ત થયું છે તેવા શ્રીકૃષ્ણએ યોગને જીવીને જીવંત ઉદાહરણ આપ્યું છે. શ્રીકૃષ્ણ એ યોગને - યોગઃ કર્મશું કૌશલમ્  એટલે કે કાર્યમાં કુશળતા એટલે યોગ એમ સમજાવ્યું છે.

ભારતીય સંસ્કૃતિમાં આદિકાળથી યોગનું ખૂબ મહત્વ રહ્યું છે. યોગને ધર્મ સાથે વધુ ગાઢ સંબધ માનવામાં આવે છે. સામાન્ય માણસ યોગ ને ન અનુસરી શકે એવી માન્યતા દ્રઢ થઈ ગઈ છે . કોઈ કોઈ અઘોરી, યોગી, ઋષિ જ  યોગ કરી શકે છે. યોગ વિદ્યાના જાણકાર  કે માર્ગદર્શક  વગર યોગ    થઈ શકે !  આવી માન્યતા ના કારણે યોગ જેવી સરળ જીવન જીવવાની જડીબુટ્ટીથી સામાન્ય માણસ દૂર રહ્યો. એટલે જ  સંયુક્ત રાષ્ટ્રસંઘ સમક્ષ   યોગ દિવસ જાહેર કરીને યોગને બચાવવા અને જન જન સુધી પહોંચાડવા માટે પ્રસ્તાવ મૂકવો પડ્યો. ભારતે તેની આગેવાની લીધી એ આપણી ભારતીય સંસ્કૃતિ માટે ગૌરવની બાબત ગણાય. આપણે  તેમાં સફળ પણ રહ્યા. સંયુક્ત રાષ્ટ્ર સંઘ સભામાં ૧૭૭ દેશોએ  સ્વીકાર્યું કે - યોગ માનવ જીવનનું  બહેતરીન   ઔષધ છે. આમ ૨૧ જૂન ૨૦૧૪ થી  "૨૧ જૂન વિશ્વ યોગ દિવસ"  તરીકે ઉજવવાનો નિર્ણય લેવાયો. પ્રાચીન સમયથી  વિવિધ ધર્મના  આચાર્યોએ યોગના જુદા જુદા માપદંડો, નિયમો સમજાવતા ગ્રંથો ની રચના કરી છે. તેમાં મહર્ષિ પતંજલિ રચિત અષ્ટાંગયોગ પ્રચલિત છે. આ અષ્ટાંગ યોગ એટલે આઠ પ્રકારના તબક્કા, સોપાન, પગથિયાં છે. ૧.યમ ૨.નિયમ ૩.આસન ૪.પ્રાણાયામ ૫.પ્રત્યાહાર ૬.ધારણા ૭.ધ્યાન અને ૮.સમાધિ

આ મુખ્ય આઠ તબક્કાની સાથેસાથે સત્ય, અહિંસા, અપરિગ્રહ, બ્રહ્મચર્ય, એકાગ્રતા,સંગીત, સૌચ, સ્વચ્છતા, આહાર,  નિંદ્રા  જેવા  પેટા વિભાગમાં વિભાજીત કરી યોગ ને સરળ બનાવ્યો છે પરંતુ તેને જાણકાર સામાન્ય લોકો ને યોગનો અભ્યાસ કઠિન બતાવે છે. તેઓ એવું કહેતા જોવા મળે છે કે યોગના અભ્યાસુ એ ક્યારેય જૂઠું ન બોલવું. હંમેશા સત્ય જ બોલવું. તમસ ગુણો પેદા થાય તેવા આહારનો ત્યાગ કરવો. મનથી - કર્મથી હિંસા ન કરવી વગેરે વગેરે. આટલું વાંચી કે સાંભળી સાંસારિક જીવન ગુજારતી કોઈ પણ વ્યક્તિ યોગથી અળગી રહી જ એમાં કોઈ બેમત નથી ! હા, યોગ કરવા માટે કેટલાક નિયમો પાળવા જરૂરી છે. જેમકે..

ü  યોગ માટે વહેલી  સવારનો સમય પસંદ કરવો.

ü  ખુલ્લી હવાની અવરજવર વાળી જગ્યા હોવી જોઈએ.

ü   ભૂખ્યા પેટે  યોગ કરવા.

ü   શરીર સ્વચ્છ રાખવું.

ü  નિયમિતતા જાળવવી.

ü  જમ્યા પછી તરત યોગ ન કરવા.

આ તો થઈ યોગાભ્યાસ કરી જીવન મરણ ના બંધનથી મુક્ત થવા ઇચ્છતા મુમુક્ષુઓની વાત પરંતુ શાળા કોલેજોમાં યોગ દિવસ ઉજવવાનું આયોજન કેમ કરવામાં આવે છે ? આપણી પ્રાથમિક શાળાઓમાં  પ્રાર્થના સંમેલનમાં યોગાસન, પ્રાણાયામ,મુદ્રા વગેરે કરાવાવનો શું મતલબ છે. તમને એમ પણ થતું જ હશે કે પ્રાર્થના સંમેલન નો સમય ૨૦ મિનિટ નો છે તેમાં બાળકોને આસન બાંધવાનો સમય જ ક્યાંથી મળેતો એક શિક્ષક તરીકે આપણે બાળકોને હળવી કસરત,સરળ આસનો કરાવવાના છે અને આસન બાંધવાની સાચી રીતનો મહાવરો કરાવવાનો. પ્રાણાયામ ની સ્થિતિ સમજાવવાની છે. અહી તેને  શીખવાનું છે. આસન, પ્રયત્ન, યોગ તો વહેલી સવારે પોતાના ઘરે જ નિયમિત કરવાના છે. આપણે  શિક્ષક તરીકે અંગોની હળવી કસરતથી મરોડદાર અક્ષર આવે છે. લેખનમાં ઝડપ આવશે. સંગીત –ચિત્ર વગેરે કળામાં કુશળતા પ્રાપ્ત થાય છે તે સમજાવવાનું છે. ચિત્ત-મનને શાંત અને સ્થિર કરવામાં યોગનું મહત્વ સમજાવવું. જો વર્ગમાં એક ચિત્ત-એકાગ્રતાથી સાંભળો છો તો તમારે વધુ વખત વાંચવું નહિ પડે. અને તે માટે ભ્રામરી પ્રાણાયમની ટેવ વિકસિત કરવી પડે.

પ્રાથમિક શાળામાં શિક્ષણ લેતા બાળકોની વય કિશોરાવસ્થામાં પગરણ મૂકવાની તૈયારીમાં હોય છે એટલે શારીરિક વિકાસનો મહત્વનો તબક્કો ગણાય. શરીરના વિકાસમાં મદદરૂપ બને એવા કેટલાક આસનો છે, જે  બાળકોને  નિયમિત કરવા પ્રેરિત કરવા.જેમકે તાડાસન, વૃક્ષાશન, ધનુરાસન,ચક્રાસન, કોણાસન વગેરે. "સ્વસ્થ શરીરમાં જ સ્વસ્થ મન વસે છે" ઉકિત મુજબ મનના વિકાસ માટે તનને પણ તંદુરસ્ત રાખવું જોઈએ. આજના બાળકો આવતી કાલના દેશના નાગરિકો છે. એટલે પ્રારંભથી જ યોગથી પરિચિત થાય અને પોતાનું ભાવિ ઉચ્ચ કોટિનું બનાવવાં માટે કટિબદ્ધ બને અને પ્રાચીન ભારતના સાંસ્કૃતિક વારસાને જાળવી રાખે તેવા ઉદ્દેશ સાથે બાળકોને યોગથી પરિચિત કરવાના છે.