June 21, 2021

યોગ – બાળકોને જગત ગુરુ બનાવીએ !!


યોગ – બાળકોને જગત ગુરુ બનાવીએ !!! 


જેમને જગત ગુરુનું બિરુદ પ્રાપ્ત થયું છે તેવા શ્રીકૃષ્ણએ યોગને જીવીને જીવંત ઉદાહરણ આપ્યું છે. શ્રીકૃષ્ણ એ યોગને - યોગઃ કર્મશું કૌશલમ્  એટલે કે કાર્યમાં કુશળતા એટલે યોગ એમ સમજાવ્યું છે.

ભારતીય સંસ્કૃતિમાં આદિકાળથી યોગનું ખૂબ મહત્વ રહ્યું છે. યોગને ધર્મ સાથે વધુ ગાઢ સંબધ માનવામાં આવે છે. સામાન્ય માણસ યોગ ને ન અનુસરી શકે એવી માન્યતા દ્રઢ થઈ ગઈ છે . કોઈ કોઈ અઘોરી, યોગી, ઋષિ જ  યોગ કરી શકે છે. યોગ વિદ્યાના જાણકાર  કે માર્ગદર્શક  વગર યોગ    થઈ શકે !  આવી માન્યતા ના કારણે યોગ જેવી સરળ જીવન જીવવાની જડીબુટ્ટીથી સામાન્ય માણસ દૂર રહ્યો. એટલે જ  સંયુક્ત રાષ્ટ્રસંઘ સમક્ષ   યોગ દિવસ જાહેર કરીને યોગને બચાવવા અને જન જન સુધી પહોંચાડવા માટે પ્રસ્તાવ મૂકવો પડ્યો. ભારતે તેની આગેવાની લીધી એ આપણી ભારતીય સંસ્કૃતિ માટે ગૌરવની બાબત ગણાય. આપણે  તેમાં સફળ પણ રહ્યા. સંયુક્ત રાષ્ટ્ર સંઘ સભામાં ૧૭૭ દેશોએ  સ્વીકાર્યું કે - યોગ માનવ જીવનનું  બહેતરીન   ઔષધ છે. આમ ૨૧ જૂન ૨૦૧૪ થી  "૨૧ જૂન વિશ્વ યોગ દિવસ"  તરીકે ઉજવવાનો નિર્ણય લેવાયો. પ્રાચીન સમયથી  વિવિધ ધર્મના  આચાર્યોએ યોગના જુદા જુદા માપદંડો, નિયમો સમજાવતા ગ્રંથો ની રચના કરી છે. તેમાં મહર્ષિ પતંજલિ રચિત અષ્ટાંગયોગ પ્રચલિત છે. આ અષ્ટાંગ યોગ એટલે આઠ પ્રકારના તબક્કા, સોપાન, પગથિયાં છે. ૧.યમ ૨.નિયમ ૩.આસન ૪.પ્રાણાયામ ૫.પ્રત્યાહાર ૬.ધારણા ૭.ધ્યાન અને ૮.સમાધિ

આ મુખ્ય આઠ તબક્કાની સાથેસાથે સત્ય, અહિંસા, અપરિગ્રહ, બ્રહ્મચર્ય, એકાગ્રતા,સંગીત, સૌચ, સ્વચ્છતા, આહાર,  નિંદ્રા  જેવા  પેટા વિભાગમાં વિભાજીત કરી યોગ ને સરળ બનાવ્યો છે પરંતુ તેને જાણકાર સામાન્ય લોકો ને યોગનો અભ્યાસ કઠિન બતાવે છે. તેઓ એવું કહેતા જોવા મળે છે કે યોગના અભ્યાસુ એ ક્યારેય જૂઠું ન બોલવું. હંમેશા સત્ય જ બોલવું. તમસ ગુણો પેદા થાય તેવા આહારનો ત્યાગ કરવો. મનથી - કર્મથી હિંસા ન કરવી વગેરે વગેરે. આટલું વાંચી કે સાંભળી સાંસારિક જીવન ગુજારતી કોઈ પણ વ્યક્તિ યોગથી અળગી રહી જ એમાં કોઈ બેમત નથી ! હા, યોગ કરવા માટે કેટલાક નિયમો પાળવા જરૂરી છે. જેમકે..

ü  યોગ માટે વહેલી  સવારનો સમય પસંદ કરવો.

ü  ખુલ્લી હવાની અવરજવર વાળી જગ્યા હોવી જોઈએ.

ü   ભૂખ્યા પેટે  યોગ કરવા.

ü   શરીર સ્વચ્છ રાખવું.

ü  નિયમિતતા જાળવવી.

ü  જમ્યા પછી તરત યોગ ન કરવા.

આ તો થઈ યોગાભ્યાસ કરી જીવન મરણ ના બંધનથી મુક્ત થવા ઇચ્છતા મુમુક્ષુઓની વાત પરંતુ શાળા કોલેજોમાં યોગ દિવસ ઉજવવાનું આયોજન કેમ કરવામાં આવે છે ? આપણી પ્રાથમિક શાળાઓમાં  પ્રાર્થના સંમેલનમાં યોગાસન, પ્રાણાયામ,મુદ્રા વગેરે કરાવાવનો શું મતલબ છે. તમને એમ પણ થતું જ હશે કે પ્રાર્થના સંમેલન નો સમય ૨૦ મિનિટ નો છે તેમાં બાળકોને આસન બાંધવાનો સમય જ ક્યાંથી મળેતો એક શિક્ષક તરીકે આપણે બાળકોને હળવી કસરત,સરળ આસનો કરાવવાના છે અને આસન બાંધવાની સાચી રીતનો મહાવરો કરાવવાનો. પ્રાણાયામ ની સ્થિતિ સમજાવવાની છે. અહી તેને  શીખવાનું છે. આસન, પ્રયત્ન, યોગ તો વહેલી સવારે પોતાના ઘરે જ નિયમિત કરવાના છે. આપણે  શિક્ષક તરીકે અંગોની હળવી કસરતથી મરોડદાર અક્ષર આવે છે. લેખનમાં ઝડપ આવશે. સંગીત –ચિત્ર વગેરે કળામાં કુશળતા પ્રાપ્ત થાય છે તે સમજાવવાનું છે. ચિત્ત-મનને શાંત અને સ્થિર કરવામાં યોગનું મહત્વ સમજાવવું. જો વર્ગમાં એક ચિત્ત-એકાગ્રતાથી સાંભળો છો તો તમારે વધુ વખત વાંચવું નહિ પડે. અને તે માટે ભ્રામરી પ્રાણાયમની ટેવ વિકસિત કરવી પડે.

પ્રાથમિક શાળામાં શિક્ષણ લેતા બાળકોની વય કિશોરાવસ્થામાં પગરણ મૂકવાની તૈયારીમાં હોય છે એટલે શારીરિક વિકાસનો મહત્વનો તબક્કો ગણાય. શરીરના વિકાસમાં મદદરૂપ બને એવા કેટલાક આસનો છે, જે  બાળકોને  નિયમિત કરવા પ્રેરિત કરવા.જેમકે તાડાસન, વૃક્ષાશન, ધનુરાસન,ચક્રાસન, કોણાસન વગેરે. "સ્વસ્થ શરીરમાં જ સ્વસ્થ મન વસે છે" ઉકિત મુજબ મનના વિકાસ માટે તનને પણ તંદુરસ્ત રાખવું જોઈએ. આજના બાળકો આવતી કાલના દેશના નાગરિકો છે. એટલે પ્રારંભથી જ યોગથી પરિચિત થાય અને પોતાનું ભાવિ ઉચ્ચ કોટિનું બનાવવાં માટે કટિબદ્ધ બને અને પ્રાચીન ભારતના સાંસ્કૃતિક વારસાને જાળવી રાખે તેવા ઉદ્દેશ સાથે બાળકોને યોગથી પરિચિત કરવાના છે. 

No comments: