શાળા -: એક સ્થાન નહીં પણ સ્થિતિ છે !!
નવા શૈક્ષણિક વર્ષના સૌને અભિનંદન
ફરીથી શાળાઓ શરૂ થઈ ગઈ છે. પરંતુ મન નથી માનતું કે એવું કહીએ
કે ‘શાળા શરૂ થઈ છે.’ કોરોના નામના રાક્ષસે શાળાઓને બાળકો વિનાની સૂમસામ બનાવી
દીધી છે. બાળકો વિનાની શાળામાં પ્રવેશીએ ત્યારે શિક્ષક તરીકેના આનંદને બદલે નોકરી માટે
નોકરિયાત તરીકે પ્રવેશતાં હોઈએ એવું ફીલ થઈ રહ્યું છે. જેમ ઘરની
રોનક એમાં રહેતા બાળકો છે, એવી જ રીતે શાળામાં ભણતાં બાળકો એ
શાળાનો જીવ છે. જેને કારણે જ શાળા જીવંત લાગતી હોય છે. આવી રીતે
શાળામાં જીવવું એક શિક્ષક માટે દુખના દિવસો ગાળવા સમાન છે.
કાગડા ઊડે – એવું અત્યાર સુધી સાંભળ્યું અને
બોલ્યા છીએ. પરંતુ અત્યારે શાળામાં અનુભવી રહ્યા છીએ. બાળકો જ્યાં
હોય ત્યાં જ શિક્ષકને આંનદ આવે. માટે જ અત્યારે તો વર્ગ એ સ્વર્ગને
બદલે આપણા સૌ માટે તો બાળકો સાથે બેસાય એ ગામની શેરી કે કોઈ વાલીનું આંગણું જ
સ્વર્ગ સમાન લાગી રહ્યું છે. અને લાગે પણ કેમ નહીં ? બાળદેવો હવે ત્યાં જ તો મળે છે. અને એ મળે ત્યાં જ આપણો તો વર્ગ
અને સ્વર્ગ.
એકાંત – સ્થાન નહીં સ્થિતિ હૈ !
આવા વાતાવરણમાં શાળામાં શિક્ષકને ન ગમે એ સ્થિતિમાં
એક જગ્યાએ વાંચેલું આ હિન્દી સૌને સાચી અને આનંદ આપનારી વાત કહી જાય છે. – હકીકત છે કે બાળકો વિનાની શાળા એ
શાળા નહીં પણ ભવન માત્ર હોય છે. અમારા જેવા ઘણાં તો એવા પણ નાહિંમત
શિક્ષકો હશે કે જેઓને શાળા ખૂલ્યાના આટલા સમય ગાળા પછી પણ વર્ગખંડમાં જવાની હિંમત
કરવાને બદલે કાર્યાલયમાંથી સાહિત્ય લઈ સીધા શેરીમાં જવા નીકળી જતાં હશે અથવા તો
ઓનલાઇન ક્લાસ ધ્વારા બાળકો સાથે ક્યારે વાતે વળગીએ એવો સળવડાટ રહેતો હોય છે. આ વાક્ય schooling માટે પણ આ
લાગુ પડે છે કે શાળા એ સ્થાન નથી પણ સ્થિતિ છે. ભવન, બેન્ચ, બ્લેક બોર્ડ વગેરે વડે બનતું સ્થાન એ શાળા નથી. શિક્ષક અને
બાળક મળી જાય એ સ્થિતિ જ શાળા છે. આ મુજબ જો જોઈએ તો કોરોના આપણા શૈક્ષણિક ભવનને બંધ કરાવવામાં સફળ રહ્યો છે. પરંતુ આપણી શાળાઓને નહીં.
ક્યારે કેમ્પસમાં ભેગાં બેસીશું તે તો હજુ અનિશ્ચિત છે, પરંતુ ત્યાં સુધી આપણા પ્રયત્નો વડે આપણા ગામની શેરીઓમાં અને બાળકોના આંગણમાં શાળાઓનું ગુંજન ચાલતું જ રહેશે. આ ગુંજન આગામી આ નવા શૈક્ષણિક વર્ષમાં આપનાબ સૌમાં નવો જોમ પેદા કરે તેવી શુભકામનાઓ.
No comments:
Post a Comment