June 01, 2021

‘મને અનુકૂળ હોય-મને સગવડભર્યું લાગે તે કરું.’ -:એક વાયરસ



‘મને અનુકૂળ હોય-મને સગવડભર્યું લાગે તે કરું.’ -:એક વાયરસ


એક ગામના કૂવામાં રાત્રે એક પ્રાણી પડ્યું અને તે તેમાં મૃત્યુ પામ્યું. સવારે તો તેમાંથી દુર્ગંધ આવવાની શરૂ થઈ ગઈ. કૂવામાંથી આવતી દુર્ગંધની વાત પણ દુર્ગંધની જેમ આખા ગામમાં ફેલાઈ ગઈ. જેટલા માણસો એટલા મગજ અને જેટલા મગજ એટલી યુક્તિઓ!

આપણા તળાવ કિનારે જે ઘાસ થાય છે એ ઘાસ લાવીને કૂવામાં નાખીએ તો ગંધ જતી રહેશે. બે-ચાર યુવાનો જઈને ઘાસ વાઢી લાવ્યા કૂવામાં નાખ્યું.. રાહ જોઈ.. દુર્ગંધ ઓછી થઇ નહીં. બીજાએ બીજો  ઉપાય સૂચવ્યો. ફલાણા ભાઈની દુકાનેથી જો અત્તર લાવીને નાખીએ તો દુર્ગંધ જતી રહેશે. અત્તર પણ નાખવામાં આવ્યું. દુર્ગંધ ઓછી પણ ના થઇ ને વળી નવો ઉપાય કર્યો, વનસ્પતિના જુદા જુદાપાંદડાં નાખ્યા. બીજા ગામમાંથી ટેન્કરમાં પાણી મંગાવી એ પાણી કૂવામાં ઉમેર્યું.  કૂવામાં સતત કંઈક ઉમેરવાનું ચાલુ રાખ્યું. બધાને દુર્ગંધ ન હટવાની નિરાશા તો હતી પણ સતત મળતા ઉપાયોને જોઈ ઉત્સાહ રહેતો. 

        આવું ત્રણ ચાર દિવસ ચાલ્યું ગામના છોકરાંને તો કૌતુક થયું. ‘આપણા મોટેરાઓ જે રોજ કૂવામાંથી પાણી બહાર કાઢતા હતા એના બદલે કૂવામાં આ બધા પ્રકારની સામગ્રી કેમ નાખતા હશે ?’ છોકરાંનું તોફાની ટોળું  કુવા પાસે પહોંચ્યું. સ્વાભાવિક રીતે જ ત્યાં બેઠેલા મોટેરાઓએ તેમને ધમકાવીને દૂર રહેવા કહ્યું.  એક ટાબારીયાએ સવાલ કર્યો, “કેમ કૂવામાં આ બધું નાખો છો ?” વડીલોએ કહ્યું, “તમને સમજણ ના પડે. આમાં એક પ્રાણી પડ્યું અને તે અંદર જ મૃત્યુ પામ્યું તેથી પાણીમાંથી દુર્ગંધ આવે છે. તે દુર્ગંધને બંધ કરવા.” પેલા ટાબરિયાએ બીજો  સવાલ કર્યો, “કયુ પ્રાણી પડેલું ? બહાર કાઢ્યું? - ને વડીલોને ચમકારો થયો કે આ બધી દવાઓ કરતાં પહેલાં જે મુખ્ય કારણ હતું તે દૂર કરવાનું તો રહી જ ગયું.  આ બધું કરવાનું તો હતું જ પણ એ તો પછી ના ઉપાય હતા ! જે મુખ્ય ઉપાય હતો એ તો આપણે કર્યો જ નહીં ! પછી શું થયું હશે એ તો  આપણે સમજી શકીએ.

આવું જ કંઈક આપણામાં પણ થાય છે ? આપણી ભીતર દુર્ગંધ ફેલાવનાર ગુણ  (કે અવગુણ?)

‘મને અનુકૂળ હોય- મને સગવડભર્યું લાગે તે કરું.’

        આ વાત આપણા શિક્ષકના વ્યવસાયમાં પણ લાગુ પડે છે. દરેક શિક્ષકને પોતાના વર્ગખંડનાં બાળકોની સતત ચિંતા થતી રહેતી હોય છે. ન શીખી શકનાર બાળકો માટે આપણે સતત નવી પધ્ધતિઓ કે પ્રવૃત્તિઓ વિશે વિચારતાં રહેતા હોઈએ છીએ અને તેના વડે મથતાં રહેતા હોઈએ છીએ. છતાં પરિણામ નથી મળતું તેવું જ લાગ્યા કરે. તે માટે સૌથી વધુ જવાબદાર આપણામાં રહેલો “મારી અનુકૂળતાવાળો” વાયરસ છે જે હમેશાં બાળકો માટે મથવાની પધ્ધતિઓ અને પ્રવૃત્તિઓમાં બાળકોનીને શીખવા સમજવાની અનુકૂળતાની જગ્યાએ વાયરસ પોતે પોતાની અનુકૂળતા અને પોતાની સગવડને પ્રાધાન્ય આપતો હોય છે. આથી જ પેલા વાયરસને બહાર નહીં કાઢી મૂકીએ ત્યાં સુધી તે આપણા આયોજનોને સંક્રમિત કરી નિષ્ફળતાઓ આપ્યા જ કરશે અને આપણે ટેમ્પરરી ઑક્સિજન સપોર્ટ રૂપે નવાનવા પ્રયત્નો કર્યા જ કરીશું.

શું કહો છો આપણે પણ પહેલુ કામકયું કરવું જોઈએ ? બીજા ઉપાયો તો તેના પછીના પગથિયા પર આવે. તમે જ વિચારો કે તમને તાવ, શરદી, ઊલટી, દુખાવો બધુ એક સાથે થયું હોય તો ડૉક્ટર પહેલાં ઊલટી બંધ કરવાની જ ગોળી આપશે. કેમ ? 

હવે આ વિશે વધુ તમે જ વિચારજો અને અમને કહેજો પણ ખરા !


No comments: