June 27, 2021

વેક્સિન સેલ્ફી

વેક્સિન સેલ્ફી 

સતત એકની એક રૂટિનની ક્રિયા માણસમાં કંટાળો પેદા કરી દેતી હોય છે. તે તમને ગમતી પ્રક્રિયા હોય તો પણ જો તે સતત ચાલતી રહે તો સમયાંતરે તેમાંથી મળતો આનંદ ઓસરતો જતો હોય છે. કહેવાય છે કે સતત એકધારી જીવનશૈલી વડે માણસને જિંદગી પ્રત્યે નિરસતા ન આવી જાય એવા આશયથી જ માનવ જીવનમાં તહેવારોની ઉજવણીની શરૂઆત થઈ હશે. ધીમે ધીમે વર્તમાન સામાજિક સંદેશાઓ સાથે જોડીને જરૂરિયાત મુજબ ફેરફાર થાય હશે. પરિણામે તહેવારોની ઉજવણી રસિક પણ બની હશે અને ક્રમશઃ જળવાઈ પણ રહી છે.

કોઈપણ કાર્યને વધુ સમય સુધી એટલા જ ઉત્સાહ સાથે કરતાં રહેવા માટે તેમાં સમયાંતરે ફેરફાર જરૂરી છે. વર્ગખંડોમાં પણ રૂટિન ભણવું ભણવું ભણવું એવું જ ચાલ્યા કરે ત્યારે તો ફક્ત બાળકોને ભણવા પ્રત્યેની અરુચિ ન થાય બલ્કે ભણાવનાર આપણને પણ પગારરૂપી વળતર મળતું હોવા છતાં આપણે પણ કંટાળી જઈએ છીએ. આવા માં બાળકો પાસે સતત રસ પૂર્વક ભણે જ એવી અપેક્ષા અસ્થાને છે.

આવામાં શું કરી શકાય ? તેવું કોઈ પૂછે ત્યારે કહેવું કે રોજ કરતાં હોય તેવું ન કરવું ! તેને બદલે એવું કરવું કે જેની બાળકોએ કલ્પના પણ ન કરી હોય. એટલે કે જરા હટકે ! રોજેરોજ લખવાનું , વાંચવાનું હોમવર્ક બાળકોને મોકલાય છે. એટલે બાળકોમાં સ્વાભાવિકપણે ઉત્સાહ ઘટતો જતો દેખાઈ આવતો હોય છે. આવામાં અમારો સતત પ્રયત્ન હોય છે કે હોમવર્કમાં બાળકોને ચેલેન્જ મળી રહે તેવી પ્રવૃત્તિઓ સતત જોડતા રહેવી. બાળકોને હોમવર્ક બાબતે ઘરમાં સંવાદ કરવાનો થાય એવી પ્રવૃત્તિઓ પણ ઉમેરતાં રહેતા હોઈએ છીએ. એનો ઉદેશ્ય એક એ પણ છે કે સમાજ સાથેના સંવાદ થકી ધીમે ધીમે બાળકમાં સામાજીકતા પ્રવેશતી જાય છે. કારણ કે આખરે બાળકોને સમાજની સાથે – સમાજના વચ્ચે – સમૂહિકતા ને અનુસરી જીવવાનું છે ત્યારે તેનામાં આ ઘડતર જરૂરી છે. એટલે શાળાને જ્યાં જ્યાં ચાન્સ મળે તેવી તમામ બાબતોમાં બાળકો ને સમાજ સાથે જ જોડવાની અને સંવાદ ઊભો કરાવવાની એક પણ તક છોડતી નથી. 

     આ વખતે વાત હતી વેક્સિન અંગેની લોક જાગૃત્તિ માટેની. શિક્ષકો ધ્વારા ગામમાં વ્યક્તિગત મુલાકાત વડે ઘણા એવા ગ્રામજનો એ રસીકરણ કરાવ્યું. તે સમયના અનુભવના આધારે જણાયું કે વધુ રસીકરણ માટે વાલીઓ સાથે વધુ સંવાદ જરૂરી છે. એવામાં આ બાબતને હોમવર્કમાં સામેલ કરવા માટેનો આઇડિયા સૂઝ્યો. હોમવર્ક આપ્યું કે તમારા ઘરમાં 18 વર્ષથી વધુ ઉંમર વાળા જેટલા વ્યક્તિ હોય તેમાંથી જેટલા વ્યક્તિઓએ રસી મૂકાવી હોય તેઓની સાથે સેલ્ફી પાડી મોકલવી. બાળકો જ આ અંગે પોતાના પરિવારમાં વેક્સિન અંગે સંવાદ કરે તે અમારા માટે મુખ્ય ઉદેશ હતો. હોમવર્ક મોકલ્યા પછી ઘણાં બાળકોએ પોતાની સેલ્ફી મોકલી. એટલે લાગ્યું કે ચાલો ઘણા અંશે આઇડિયા કામ કરી ગયો છે. પરંતુ તીર નિશાના પર જ લાગ્યું છે એવું ત્યારે સમજાયું જ્યારે એક બાળકનો ફોન આવ્યો કે સાહેબ મારી મમ્મી કહે છે કે તેને થાઇરોડ છે એટલે રસી નથી લીધી. શું ખરેખર રસી ન લઈ શકાય ?  ચાલો જોઈએ બાળકોના ઉત્સાહ સહિતની વેક્સિન સેલ્ફીને !

વેક્સિન સંગ સેલ્ફી 

No comments: