August 27, 2022

આપણો ખોવાયેલો આનંદ 😍

આપણો ખોવાયેલો આનંદ 😍


આપણે સૌને તહેવારને ઉલ્લાસ પૂર્વક ઊજવવો ગમે છે અને એ જ આપણો મૂળ સ્વભાવ હોય છે.  સમયાંતરે જેમ જેમ વય વધતી જાય, તેમ તેમ ઉજવણીઓના ઉલ્લાસમાં ઉત્સાહ ઘટતો જતો હોવાની ફરિયાદો આપણે સાંભળતાં/બોલતાં  હોઈએ છીએ. એ માટે ઉંમરની સાથે વધતી જતી કાર્ય વ્યસ્તતા એ ઘણાં કારણ પૈકીનું એક કારણ હોઇ શકે છે. કારણ ગમે તે હોય, મોટેરાંઓમાં પણ ઉજવણીઓ પ્રત્યેનો ઉલ્લાસ વધે તે સમાજની  સુખાકારી અને સામાજિક સ્વસ્થતા માટે ફાયદાકારક છે. અને તો જ એ  પ્રદેશ કે સંસ્કૃતિ પ્રગતિ કરી શકે છે.  હળીમળીને આગળ વધવા માટે જે તે પ્રદેશ કે સંસ્કૃતિ અથવા તો સમાજમાં એકબીજા સાથે સંવાદ થાય તે જરૂરી છે. સામૂહિક ઉજવાતા તહેવારો સૌને સાથે મળવાનો તેમજ સંવાદનો માહોલ ઊભો કરે છે.

જીવનશૈલી મુજબ સમયાંતરે જવાબદારીઓ વધવી એ સ્વાભાવિક છે. જ્યારે જવાબદારીઓ વધે ત્યારે વ્યસ્તતા પણ વધશે. આપણે (મોટેરાં) બાળક હતાં ત્યારે ઉલ્લાસ અને ઉમંગથી તરબોળ હતાં - મોટાં થયાં એટલે સમયના અભાવે ઉજવણીઓમાંથી આપણી ભાગીદારી ઘટાડતાં ગયાં અને સમયાંતરે નિરસતા આવી ગઈ. છતાં પણ ઘણીવાર એવું બોલીએ તો છીએ જ  કે "અરે યાર, હવે પહેલા જેવા તહેવારો રહ્યા નથી, પહેલાં તો અમે આવું કરતાં, આમ ફરતાં - મેળામાં જતાં વગેરે વગેરે.." વાત પણ સાચી.

પરંતુ એના કરતાં પણ વધારે સાચું એ છે કે તહેવારો તો એ જ છે, આપણે બદલાઈ ગયાં છીએ. ભૂતકાળને વાગોળતાં વાત કરીએ તો, આપણે સૌ નાનાં હતાં ત્યારે આપણે મજાથી તહેવારો માણી શકતાં હતાં. તેમાં આપણા ઉત્સાહની સાથે સાથે આપણા વાલીઓ, વડીલોની ઉજવણીઓમાં [ બોલે તો ફૂલ ટાઈમ ] ભાગીદારી સામેલ હતી. જ્યારે આપણે મોટાં થયાં ત્યારે વાલીની કે વડીલની સાથે "વ્યસ્ત વાલી કે વ્યસ્ત વડીલ" બનતાં ગયાં. સમયાંતરે બદલાતી જીવનશૈલી મુજબજેટલી વધુ પ્રગતિ તેટલી વધુ વ્યસ્તતાએ નિયમ મુજબ વ્યસ્ત હોવું તે કારણ નથી. વ્યસ્તતા વચ્ચે પોતાને જીવંત ન રાખવું એ મોટું કારણ છે કે જેનાથી આપણી સૌની આનંદિતા ઓછી થઈ ગઈ છે. પછી ફરીને પેલો ડાયલોગ બોલીએ કે પહેલાં જેવી મજા રહી નથી. ત્યારે ડાયલોગ પણ આપણને કહેતો હોય છે કે – “ તમે પણ ક્યાં પહેલાં જેવાં રહ્યાં છો?”

ભૂત, વર્તમાન કે ભવિષ્ય ઉજવણીઓના આનંદ માણવાની બાબતમાં બાળકો તો પહેલાં હતાં તેવાં જ અત્યારે પણ છે અને ભવિષ્યમાં પણ એવાં જ રહેવાનાં. બાળકોને પહેલાં જેવી જ મજા આપવા માટે તો આપણે સૌએ આપણાં વાલીઓ જેવાં હતાં તેવા બનવું પડશે. તો જ બાળપણમાં આપણે મેળવી શક્યાં તેવો આનંદ આપણાં બાળકોને પણ કરાવી શકીશું.

શાળા સમાજનું ઘરેણું કહીએ છીએ ત્યારે સમાજ પ્રત્યે શાળાની જવાબદારી વધારે હોય તે સ્વાભાવિક છે. અને જવાબદારી વધુ તેમ વ્યસ્તતા વધુ એ અનિવાર્ય સ્થિતિ છે. આવી વ્યસ્તતામાં પણ "બાળકોનો આનંદ એ જ શિક્ષણની પહેલી શરત" મુજબ શાળા ઉજવણીઓની કોઈ તક છોડતી નથી. ઉજવણીઓની તકને ન છોડવાનું એક કારણ એ પણ છે કે આવી ઉજવણીઓ જ બાળકોને [અને સાથે સાથે શિક્ષકોને પણ ] સાથે કામ કરવાની અને એકબીજા સાથે લાગણીઓથી  જોડવાનું કામ કરે છે. સમૂહમાં જીવતાં શીખવે છે.

હાલની શાળાકીય વ્યસ્તતા વચ્ચે પત્ર મળ્યો કે "ત્રણ દિવસ પછી કલા મહાકુંભ છે. સૌ ભાગ લઈ શકો છો." બાળકો માટે આ તક કેમ જવા દેવાય ? દોડાદોડી તો થશે જ - તૈયારીઓ પૂરી થશે કે નહીં બાળકો ટૂંકા રિહર્સલ આધારે પર્ફોમ કરી શકશે કે નહીં આવી બધી અનિશ્ચિતતાઓને બાજુએ મૂકી સૌએ જે કર્યું તે ફોટોગ્રાફ્સ અને વિડિયો વડે જોઈ શકો છો! આ બધાં બાળકો માટે તો આ જ જીવન સંભારણુ બનશે કે જે તેઓ તેમનાં બાળકોને સંભળાવશે અને તેમનાં બાળકોને પણ આવા મોકા આપવાનુ ચૂકશે નહિ... 










August 15, 2022

76 સ્વાતંત્રદિનની ઉજવણી !


J

75મા સ્વાતંત્રદિનની ઉજવણી આખાય દેશમાં ખૂબ ઉલ્લાસભેર કરી. વખતે વધુમાં વધુ લોકો ઉજવણી સાથે જોડવાનું એક મોટું કારણ તિરંગા યાત્રા અને પોતાના નિવાસસ્થાને ધ્વજ ફરકાવવા મળ્યાનું ગૌરવ હતું. રાષ્ટ્રીય તહેવારો હવે સરકારી કર્મચારીઓ અને સરકારી સંસ્થાઓ પૂરતા સિમિત બની ગયા છે. – એવું વખતે અનુભવાયું નહિ.

દર વર્ષની જેમ ધ્વજવંદન કાર્યક્રમ પછી શાળામાં વાલીઓ સાથે બેસી વાતો કરવાનું આયોજન પહેલેથી નક્કી હતું. શાળાએ વાલીઓ સાથે સતત સંપર્કમાં રહેવા માટે સોશ્યલ મીડિયાનો ભરપૂર ઉપયોગ કર્યો છે. વાલી સહિત ગામનાં વતની એવાં સૌ ગામનાં વ્યક્તિઓ સાથે સતત જોડાયેલાં રહેવાનું તો અમે ઘણાં વર્ષોથી શરૂ કર્યું છે. પરંતુ કોરોના કાળ ભૂલી જવા લાયક બાબત વચ્ચે તેની સદાય યાદ રાખવા જેવી બાબત છે કે એણે અમને વાલીઓ સાથે વ્યક્તિગત અને સતત સંપર્કમાં રહેવાનું શીખવી ગયો. કોરોના કાળથી દરેક ધોરણ મુજબ વાલીઓના વોટ્સેપ ગ્રુપ કે જેમાં રોજેરોજ અમે તેમને આજે શું ભણાવ્યું અને શું ઘરકામ આપ્યું તેની વિગતો મોકલીએ છીએ. એકમ કસોટીની બાબત હોય, બાળકોના વ્યક્તિગત સ્વભાવ અથવા તો શાળા કેમ્પસ પ્રવૃત્તિઓની વાત હોય. વાલીઓ સાથે તેમનાં બાળકો અંગેનો વ્યક્તિગત સંવાદ સતત ચાલતો રહેતો હોય છે. પરંતુ બધા વ્યક્તિગત સંવાદમાંથી ઉપસી આવતી થોડીક ચિંતાજનક બાબત દેખાઈ આવી. તે અંગે ચર્ચા કરવા માટેની તક હતી વાલી સંમેલન.

શાળાને બે પ્રકારના વાલીઓ વધુ પ્રમાણમાં રૂબરૂ થતા હોય છે એક જે બાળકોના શિક્ષણ પ્રત્યે વધુ બેફિકર હોય અને બીજા બાળકોના અભ્યાસ પ્રત્યે  વધુ ગંભીર હોય. બંને પ્રકારના સ્વભાવ બાળકોના અભ્યાસને અજાણતાં નુકશાન પહોંચાડતા હોય છે તે સમજાવવું વખતના વાલી સંમેલનનો મુખ્ય ઉદેશ્ય હતો. કારણ કે બધામાં ચિંતા અમને બાળકની હતી. બેફિકર બની એકમ કસોટીમાં સહી કરી આપનાર વાલીઓ બાળકનો અભ્યાસ પ્રત્યેનો ઉત્સાહ ઘટાડી રહ્યા હતાં તો અભ્યાસ ને બદલે માર્કસ પ્રત્યે ગંભીરતા રાખનાર વાલીઓ બાળક સામે ડરામણું વાતાવરણ પેદા કરી રહ્યા હતાં. બધામાં બાળક સૌથી વધુ પીડાતું હતુંએટલે હવે અમે પણ અમારા મૂળ રોલમાં આવી એટલે કે બાળકના વાલી બનીને વાલીઓ સાથે વાર્તાલાપ કર્યો. ઉદેશ્ય હતો -  

        “બાળકના અભ્યાસ પ્રત્યે આનંદ થાય તો બાળક સાથે શેર કરવો અને તેના અભ્યાસ અંગે ચિંતા થાય તો તેની સાથે નહીં અમારી સાથે શેર કરો."

75મા સ્વાતંત્ર્યદિને સંમેલન વડે - વાલીઓનેઅમેવાલીબનીવાલી બનવાનોઅહેસાસ કરાવ્યો છે. ભવિષ્યમાં પરિણામ મળશેની આશા સાથે સૌને સ્વતંત્રદિનની શુભેચ્છાઓ !  

ધ્વજ વંદન સમારોહ 










વાલી સાથે વાલી તરીકે ચર્ચા -:  વાલી સંમેલન 












શાળા પ્રત્યે વાલીઓની લાગણીઓ 

વિક્રમસિંહ [ જગદંબા સ્ટોર, નદીસર ] તરફથી સૌને વેફર પેકેટ 

સૂર્યપાલના પરિવાર તરફથી સૌને ચણાપુલાવ 

લો સાહેબ, આ ચોકલેટ.. અન આંપરી શાળા માટ છોડ લાયો સુ, ઓના પર દિવડા જેવાં એવાં ફૂલ લાગ સ, ક આપરી શાળા દીપી ઉઠશે 💗 
સ્વતંત્રતાદિનની ભીખાભાઈ તરફથી શાળાને મળેલ મોટી સોગાદ 💖