August 01, 2022

સ્વચ્છતા – સ્થિતિ નહીં સ્વભાવ બનાવીએ!

સ્વચ્છતા – સ્થિતિ નહીં સ્વભાવ બનાવીએ!

સ્વચ્છતા સ્થિતિ નહીં સ્વભાવ હોય છે. સ્વચ્છ રહેવું કોને ગમે ? બધા જીવોને સ્વચ્છતા ગમતી હોય છે. પરંતુ સ્થિતિ આધારિત સ્વચ્છતા સાથે આપણે સૌ સમાધાન કરી લેતાં હોઈએ છીએ. હાથ ધોઈને ખાવાની ટેવ એકવાર પડે પછી તે આપણો સ્વભાવ બની જતી હોય છે. બાળકોમાં સ્વચ્છતા સ્વભાવ બને   માટે ટેવ બનાવવી ફરજિયાત બને છે.

શાળામાં બાળકોની સ્વચ્છતા અંગે આપણે ઘણીવાર પૂર્વગ્રહી બની જતાં હોઈએ છીએ. રોજ કોણ હાથ ધોવડાવે ? રોજ કોણ સાબુ માટે કહે ? બાળકો તો આઠ વર્ષ સુધી શાળામાં રહેવાનાં છે, એટલા વર્ષ સુધી કોણ ધ્યાન રાખે કે હાથ ધોયા કે નહીં ? સાબુ વડે ધોયા કે નહીં ? અહીં શાળામાં સાબુ છે, પણ કદાચ ઘરે સાબુ નહીં હોય તો તે ઘરે ક્યાં સાબુ વાપરવાનો છે? આવા કેટલાય માનવસહજ સવાલો આપણને થયા કરે. શિક્ષક તરીકે આપણા સૌની ઈચ્છા હોય છે કે આપણી શાળામાં આવતું દરેક બાળક સ્વચ્છ દેખાય - તો દીપી ઊઠે! પરંતુ રોજેરોજ બાળકોનું ધ્યાન રહેશે નહીં તેવા પૂર્વાનુભવને આધારે આપણે બાળકોની સ્વચ્છતાં અંગે ક્યારેક છૂટછાટ લઈ લઈએ છીએ.

અગાઉના અંકમાં પણ જ્યારે સ્વચ્છતાં અંગે વાત નીકળી ત્યારે અમે કહેલું કે બાળકમાં સ્વચ્છતા ક્રિયા નહીં ટેવ બનાવવી પડે. ટેવ બનાવવા માટે આપણે તેને આઠ વર્ષના બદલે શાળાકીય જીવનની શરૂઆતના વર્ષના આઠ માસ અંગેની કાળજી રૂપે રોજેરોજ ટકોર કરતાં રહીએ, જરૂરી સંસાધનો પૂરા પાડીશું તો નવમા માસથી સ્વચ્છ રહેવું પ્રક્રિયાને બદલે તેનો સ્વભાવ બની જતો હોય છે. આપણા સૌની વાત કરીએ તો નાહવું , બ્રશ કરવું શરૂઆતી પ્રક્રિયા હતીબાળપણમાં નાહવા કે બ્રશ નહીં કરવા માટે આપણે પણ ધમપછાડા કર્યા હતા ! પરંતુ આપણા વાલીઓએ સતત આપણને તે પ્રક્રિયા માટે પ્રયત્નો - આપણી ટેવ   બની ત્યાં સુધી કર્યા કર્યા ! પરિણામે આપણને યાદ પણ નથી કે આપણે જાતે નાહતાં કે જાતે બ્રશ કરતાં ક્યારથી થઈ ગયાં ? હા આપણો સ્વભાવ બન્યો એટલે આપણા વડીલો આપોઆપ બહાર થઈ ગયાં. અને આજે પણ કોઈ દિવસે આપણે સંજોગોવશાત બ્રશ કરવાનું કે નાહવાનું  બાકી રહી જાય તો જાણે આખો દિવસ કઇંક રહી ગયાનું થયા કરતું હોય છે. એટલે કહીએ છીએ અને સતત કરીએ છીએ કે પહેલા ધોરણમાં ભણતાં બાળકોમાં આવી ટેવો વિકસી જાય અને તે સ્વભાવ બની જાય. પછી વાત જમતાં પહેલાં હાથ ધોવાની હોય કે પછી સતત સ્વચ્છ રહેવાની અને તેને જાળવવાની હોય, નખ કાપેલા અને વાળ ગોઠવાયેલા રાખવાની હોય !   

No comments: