આપણો ખોવાયેલો આનંદ 😍
આપણે સૌને તહેવારને ઉલ્લાસ પૂર્વક ઊજવવો ગમે છે અને એ જ આપણો મૂળ સ્વભાવ હોય
છે. સમયાંતરે
જેમ જેમ વય વધતી જાય, તેમ તેમ ઉજવણીઓના ઉલ્લાસમાં ઉત્સાહ ઘટતો જતો
હોવાની ફરિયાદો આપણે સાંભળતાં/બોલતાં હોઈએ છીએ. એ માટે ઉંમરની સાથે વધતી જતી કાર્ય
વ્યસ્તતા એ ઘણાં કારણ પૈકીનું એક કારણ હોઇ શકે છે. કારણ ગમે તે હોય, મોટેરાંઓમાં પણ ઉજવણીઓ પ્રત્યેનો ઉલ્લાસ વધે તે
સમાજની સુખાકારી
અને સામાજિક સ્વસ્થતા માટે ફાયદાકારક છે. અને તો જ એ પ્રદેશ
કે સંસ્કૃતિ પ્રગતિ કરી શકે છે. હળીમળીને આગળ વધવા માટે જે તે પ્રદેશ કે
સંસ્કૃતિ અથવા તો સમાજમાં એકબીજા સાથે સંવાદ થાય તે જરૂરી છે. સામૂહિક ઉજવાતા
તહેવારો સૌને સાથે મળવાનો તેમજ સંવાદનો માહોલ ઊભો કરે છે.
જીવનશૈલી મુજબ સમયાંતરે જવાબદારીઓ વધવી એ
સ્વાભાવિક છે. જ્યારે જવાબદારીઓ વધે ત્યારે વ્યસ્તતા પણ વધશે. આપણે (મોટેરાં) બાળક
હતાં ત્યારે ઉલ્લાસ અને ઉમંગથી તરબોળ હતાં - મોટાં થયાં એટલે સમયના અભાવે
ઉજવણીઓમાંથી આપણી ભાગીદારી ઘટાડતાં ગયાં અને સમયાંતરે નિરસતા આવી ગઈ. – છતાં પણ
ઘણીવાર એવું બોલીએ તો છીએ જ કે "અરે યાર, હવે પહેલા જેવા તહેવારો રહ્યા નથી, પહેલાં તો
અમે આવું કરતાં, આમ ફરતાં - મેળામાં જતાં વગેરે વગેરે.." વાત પણ
સાચી.
પરંતુ એના કરતાં પણ વધારે સાચું એ છે કે તહેવારો તો એ જ છે, આપણે બદલાઈ ગયાં છીએ. ભૂતકાળને વાગોળતાં વાત કરીએ તો, આપણે સૌ નાનાં હતાં ત્યારે આપણે મજાથી તહેવારો માણી શકતાં હતાં. તેમાં આપણા ઉત્સાહની સાથે સાથે આપણા વાલીઓ, વડીલોની ઉજવણીઓમાં [ બોલે તો ફૂલ ટાઈમ ] ભાગીદારી સામેલ હતી. જ્યારે આપણે મોટાં થયાં ત્યારે વાલીની કે વડીલની સાથે "વ્યસ્ત વાલી કે વ્યસ્ત વડીલ" બનતાં ગયાં. સમયાંતરે બદલાતી જીવનશૈલી મુજબ “જેટલી વધુ પ્રગતિ તેટલી વધુ વ્યસ્તતા” એ નિયમ મુજબ વ્યસ્ત હોવું તે કારણ નથી. વ્યસ્તતા વચ્ચે પોતાને જીવંત ન રાખવું એ મોટું કારણ છે કે જેનાથી આપણી સૌની આનંદિતા ઓછી થઈ ગઈ છે. પછી ફરીને પેલો ડાયલોગ બોલીએ કે પહેલાં જેવી મજા રહી નથી. ત્યારે ડાયલોગ પણ આપણને કહેતો હોય છે કે – “ તમે પણ ક્યાં પહેલાં જેવાં રહ્યાં છો?”
ભૂત, વર્તમાન કે ભવિષ્ય – ઉજવણીઓના આનંદ માણવાની બાબતમાં બાળકો તો પહેલાં હતાં તેવાં જ અત્યારે પણ છે અને ભવિષ્યમાં પણ એવાં જ રહેવાનાં. બાળકોને પહેલાં જેવી જ મજા આપવા માટે તો આપણે સૌએ આપણાં વાલીઓ જેવાં હતાં તેવા બનવું પડશે. તો જ બાળપણમાં આપણે મેળવી શક્યાં તેવો આનંદ આપણાં બાળકોને પણ કરાવી શકીશું.
શાળા સમાજનું ઘરેણું કહીએ છીએ ત્યારે સમાજ પ્રત્યે શાળાની જવાબદારી વધારે હોય તે સ્વાભાવિક છે. અને જવાબદારી વધુ તેમ વ્યસ્તતા વધુ એ અનિવાર્ય સ્થિતિ છે. આવી વ્યસ્તતામાં પણ "બાળકોનો આનંદ એ જ શિક્ષણની પહેલી શરત" મુજબ શાળા ઉજવણીઓની કોઈ તક છોડતી નથી. ઉજવણીઓની તકને ન છોડવાનું એક કારણ એ પણ છે કે આવી ઉજવણીઓ જ બાળકોને [અને સાથે સાથે શિક્ષકોને પણ ] સાથે કામ કરવાની અને એકબીજા સાથે લાગણીઓથી જોડવાનું કામ કરે છે. સમૂહમાં જીવતાં શીખવે છે.
હાલની શાળાકીય વ્યસ્તતા વચ્ચે પત્ર મળ્યો કે "ત્રણ દિવસ પછી કલા મહાકુંભ છે. સૌ ભાગ લઈ શકો છો." બાળકો માટે આ તક કેમ જવા દેવાય ? દોડાદોડી તો થશે જ - તૈયારીઓ પૂરી થશે કે નહીં – બાળકો ટૂંકા રિહર્સલ આધારે પર્ફોમ કરી શકશે કે નહીં – આવી બધી અનિશ્ચિતતાઓને બાજુએ મૂકી સૌએ જે કર્યું તે ફોટોગ્રાફ્સ અને વિડિયો વડે જોઈ શકો છો! આ બધાં બાળકો માટે તો આ જ જીવન સંભારણુ બનશે કે જે તેઓ તેમનાં બાળકોને
સંભળાવશે અને તેમનાં બાળકોને પણ આવા મોકા આપવાનુ ચૂકશે નહિ...
No comments:
Post a Comment