September 05, 2022

શિક્ષકદિન નહીં વર્ગખંડની મુશ્કેલીઓનો સ્વાનુભવદિન !

શિક્ષકદિન નહીં વર્ગખંડની મુશ્કેલીઓનો સ્વાનુભવદિન !!

આપણે નાનાં હતાં ત્યારનું તમને કઈ કઈ વાતો યાદ છે ? – એવા પ્રશ્ન જવાબમાં સૌથી વધુ વાતો પ્રાથમિક શાળાની જ હશે. તેમાંય જો એકપણ વાર શિક્ષકદિને શિક્ષક બન્યાં હશો તો જવાબની શરૂઆત જ તેનાથી થશે. બચપણમાં મોટાભાગનાં  બાળકોની ઈચ્છા પૂછવામાં આવે તો તેને શિક્ષક બનવું હોય છે. તેનું એકમાત્ર કારણ આપણે સૌ - તેનાં શિક્ષકો છીએ. આ દુનિયામાં કોનું ચાલે? એવું જો તેને પૂછવામાં આવે તો તેનો જવાબમાં પણ તેના શિક્ષકનું નામ હશે. જિદે ચડેલાં એ બાળહઠધારીઓને પૂછવામાં આવે કે કોનું માનીશ? – એના જવાબમાં પણ નામ તો શિક્ષકનું જ આવશે. એનું કારણ છે કે તેના માટે શિક્ષક સર્વેસર્વા છે. બાળકોની નજરમાં આપણને સૌ શિક્ષકોને સર્વેસર્વા બનાવવાનું કામ સમાજે કર્યું છે. ઘરમાં બાળક કઇંક પૂછે અને ઉકેલ ન મળે તો જવાબ હોય કે તારા સાહેબને/બેનને પૂછજે !  આવા ડાયલોગ જ બાળકની નજરમાં આપણું સ્થાન અનેરું બનાવી દેતા હોય છે. વર્ગખંડમાં શિક્ષકની ગેરહાજરીમાં ચોક વડે બોર્ડમાં લખવું, સાહેબની ખુરશીમાં બેસવું. આવું બધું દરેક શાળામાં થતું હોય છે. બાળકમાં પડેલ શિક્ષકત્વના આ સ્વભાવને કારણે જ મોટાભાગની શાળાઓમાં શિક્ષકદિનના દિવસે મોટી મૂંઝવણ એ પેદા થાય છે. જેમાં તાસ ઓછા અને શિક્ષક બનનાર બાળકોની સંખ્યા વધી જતી હોય છે. આવી આફતને અવસરમાં બદલવા માટે શાળાના  પ્રમુખ અને તેની ટીમ કામે લાગ્યાં. – નક્કી કર્યું કે જે બાળકે જે ધોરણમાં જે વિષય ભણાવવો હોય તેની કસોટી આપવાની રહેશે. – શિક્ષકની નોંધ જોઈ તે મુજબની અધ્યયન નિષ્પત્તિ આધારિત આયોજન નોંધ લખવાની રહેશે. આવા બૅરિયર ઊભા કરવા છતાં શિક્ષક બનવા માટેનાં બાળકોની સંખ્યા એટલી ઘટી નહીં જેટલી એમણે ધારી હતી. પરંતુ અમે ન ધારેલું તેવું બાળકોમાં જોવા મળ્યું. બાળકો પોતાને બનવું હતું તે વિષયના શિક્ષકને મળ્યા અને શું ચાલવાનું છે, અધ્યયન નિષ્પત્તિ કઈ? કેવી રીતે? ગૃહકાર્ય શું આપી શકાય ? એમની સાથે થયેલી વાતો પરથી અમને એટલો ખ્યાલ તો આવ્યો કે તેઓ જાણી ગયાં છે કે વર્ગખંડમાં આવીને ભણાવવા લાગી જવું એટલું સહેલું નથી, ભણવા માટે જેટલી તૈયારીઓ કરવી પડે એટલી જ તૈયારીઓ આમાં પણ છે ! રેકોર્ડ ધોરણ ૫માં ભણતી નિર્જળાએ તોડ્યોતેણે આઠમા ધોરણમાં હિન્દી ભણાવ્યું ! LoL

અમને ખ્યાલ નહોતો એવી મજા તો હવે આવવાની હતી. સવારે બાળકો સાથે તેઓએ કેવી તૈયારીઓ કરી વર્ગખંડમાં જવાનાં છો ? તેનો વાર્તાલાપ ગોઠવ્યો હતો, તો સાંજે છૂટતી વખતે શિક્ષક બનેલા દરેક બાળકે પોતાના શૈક્ષણિક કાર્ય દરમિયાનના અનુભવો કહેશે. જેવા કહેવા ઊભાં થયાં પહેલો ડાયલોગ હતોઅલ્યા, આપણને ભણાવવા આ સાહેબો માટે ખૂબ અઘરું હોં ! આપણે તો મોટાં થઈ શિક્ષક નહીં બનવું હોં ! તરત જ અમને ખ્યાલ આવી ગયો કે હા, હવે બરોબર આપણી મૂંઝવણ એમના મોઢે સાંભળી અમને રાહત થતી હતી. એટલે આ ગરમ લોઢા પર હથોડો મારતાં જ અમે પણ તેમને ટાસ્ક આપી કે બોલો હવે અમે ભણાવતાં હોઈએ ત્યારે તમારે શું શું ધ્યાન રાખવું તેની યાદી કરો !!! અંતે જ્યારે હિસાબ કર્યો ત્યારે આનંદ એ વાતનો હતો કે આજે શિક્ષકદિનની સાથે બાળકોને પોતાના વર્ગકાર્ય માટે જરૂરી વર્તન માટેનો સ્વાનુભવદિન પણ બન્યો !  



























વિડીયો - વર્ગખંડમાં જતાં પહેલાં શૈક્ષણિક કાર્યની તૈયારીઓ અંગેની ચર્ચા !


વિડીયો - વર્ગખંડમાંના પોતાના અનુભવોની ચર્ચા !


No comments: