September 26, 2022

" સાહેબ હું ઓકું? "

" સાહેબ હું ઓકું? " 

મુલાકાતીઓ વચ્ચે ચાલુ વર્ગે - વર્ગ છોડી આવેલા એણે કહ્યું ! એની મુશ્કેલીઓ જોઈ છે. એનો પરિવાર શાળામાં દાખલ કરવાની વિરુદ્ધ. કુદરત તેને પ્રાથમિક ખાવા, પીવાની, બોલવાની સામાન્ય સમજ આપવાની વિરુદ્ધ. ફળિયાનાં બાળકો તેની સાથે રમવાનું તો દૂર બેસવા  બોલવાની વિરુદ્ધ. આસપાસના અન્ય લોકો તેને સમજવાની વિરુદ્ધ. પોતે પણ શાળામાં આવવાની વિરુદ્ધ. એને જોઈને બે લાગણીઓ પ્રદર્શિત કરતાં - કાંતો અણગમો કાં તો સહાનુભૂતિ !  

શાળાને જૂના અનુભવો હતા - અમે જોયાં છે આવાં ઘરદીવડા અને ઘરદીવડીઓને ઝળહળ પ્રગટતાં અને પોતાના તેજથી ઝગમગતાં. એના માટે અમે સૌ વિશેષ કરવાના બદલે તેમણે સૌને સહજ લેવાનું શરૂ કરતાં. અન્ય બાળકો સાથે અમારો વ્યવહાર હોય એવો બધાં સાથે. એમાં વધારે ગળચટ્ટી સગવડો પણ નહિ . (એમ કરવામાં ડર પણ લાગતો કે અહીંયાં આટલી બધી સગવડો જોઈ ઘરે શોધવામાં પોતાને વધુ નુકસાન કરશે ) શાળામાં આવ્યાં છીએ તો આપણી કેટલીક જવાબદારીઓ છે અહેસાસ પણ કરાવવાનો . હા, કાર્ય સોંપણીમાં ધ્યાન રાખવાનું કે એનો આત્મવિશ્વાસ હલી જાય કે મારાથી નથી થતું.

👤  "હાજરી પત્રક ક્યાં ગયું?"

  👤 " કાગળ ઓફિસમાં આપી આવને !"

 👤  " રંગ બધા ભેગા થઈ ગયા છે છૂટા પાડી આપને."

 👤  "મારી પેન મળતી નથી, તું પેન લાવ્યો છે ?"

 👤  "શું ખાધું આજે ?  " એમ તને ભાવે? મને ભાવે!"

 👤  "ઓહો, હીરો આજે તો કંઈ જોરદાર ચોટલી બાંધી છે ને કંઈ!"

 👤  " જુઓ રીતે ચોપડી પકડવાની - ઊભો થઈ બધાંને બતાવ તો."

આવાં તો અનેક વાક્યો.. પણ બિચારો ! - અરર.. આવડા છોકરાને બધી મુશ્કેલીઓ વગેરે ક્યારેય નહિ. લખવા અને વાંચવામાં પણ એને બધાંની જેમ કહેવાનું. હા એનું વાંચવાનું કે લખવાનું જુદું આપ્યું હોય પણ એવું કહીને તો નહિ કે બધાંને આપ્યું તને નહિ આવડે. થતું - અમે જોતાં - અમારી નોંધપોથીમાં વાંચન - લેખન - ગણનના શૂન્ય માર્કવાળા ખાનામાં તેનું નામ હંમેશા રહેતું. છેલ્લા બે ત્રણ મહિનામાં તેના માટેની ફરિયાદોમાં બદલાવ આવવા લાગ્યો -

😡  " મારી સાઇકલ ફેરવતો હતો."

  😡"એને મને ગાળ બોલી."

અમે ભલે એને ફરિયાદ તરીકે લઈ, સમજાવતાં કે આવું તો કરાય ને ! એને કેવું લાગે? એવું કહીએ પણ મનમાં એક ચટપટી ખરી કે પૂછ્યા વગર સાઇકલ ફેરવવી ફરિયાદ છે પણ સાઈકલ ફેરવવા માટેની બેલેન્સ મેળવી લીધું છે આનંદ છે. ગાળ બોલી ફરિયાદ છે પણ કોઈક સાથે ગુસ્સે થયો આનંદ છે.  શાળામાં આવવામાં જેને જુદી જુદી બીમારીઓ થતી શાળા છૂટ્યા પછી અમારા સૌની સાથે સાંજે - સાડા વાગ્યે બીજા મિત્રો સાથે ઘરે જતો. આવાં નવાં મિશ્રણો વચ્ચે એક દિવસ ઓફિસમાં આવી પૂછવા લાગ્યો કે..

 😍 "હું ઓંકુ (વાંચું?)"

😘"અરે.. હા..હા. બોલ શું વાંચીશ?"

😍"તડકો કવિતા"

ને તે ચોપડીનું પાનું ખોલી વાંચવા મંડ્યો. હૃદય ધકધક થતું હતું કે ભૂલ પડે તો સારું….અટકી જાય તો સારું ! ને સફળતાપૂર્વક વાંચી ગયો આખી કવિતા. આંખમાં હર્ષના આસું આવું આવું થઈ ગયામુલાકાત માટે આવેલાં સૌની આંખમાં પણ ઝબકારો કળાયો હતો. શાળાના સૌ શિક્ષકોના સમાચાર વહેંચાઈ ગયા.. " એણે વાંચ્યું. " 💝

પછી તો જેમ નવું નવું બોલતાં શીખનાર બાળકને સૌ જુદું જુદું બોલાવવા મથે એમ સૌ નવું નવું વાંચતાં શીખનારને વંચાવવા માંડયાં. એને વાંચતો જોવો જાણે કે આજકાલ શાળામાં રચાતું સુંદર દૃશ્ય છે. જો કે અમને ખબર છે કે હજુ આવા બીજા કેટલાય દીપ પ્રગટાવવા માટે અમારે અટકવાનું નથી.


No comments: