તૂટી જતો સૈયારા કે અચળ ધ્રુવ !
જ્યારે આપણે આનંદ વગર જીવન જીવતા હોઈએ, ત્યારે આસપાસની તમામ વસ્તુઓ – સુવિધાઓ, સગવડો અને સ્નેહીજનો – પણ જાણે કે બોજરૂપ લાગતા હોય છે. મજા
ન આવે તેવું કામ કરવામાં પણ જાણે શરીર આખો દિવસ થાક અનુભવતું હોય છે, અને એના લીધે જ તો થાક વર્તાતો હોય. એટલે જ તો આપણા પૂર્વજો
કહી ગયા હતા કે, સંપત્તિ થોડી ઓછી
હોય તો ચાલે, પરંતુ આનંદ ભરપૂર
હોવો જોઈએ. અને આવા આનંદ સાથે જીવન જીવવું એ જ જીવન જીવવાનો સાચો આનંદ છે, એમ શાસ્ત્રોમાં કહ્યું છે. (કયા શાસ્ત્રોમાં એ અમને પૂછવું
નહીં, હોં! 😅)
જન્મથી મૃત્યુ સુધી, અથવા તો કોઈપણ ઉંમરે વ્યક્તિ કંઈ પણ કામ કરે, પરંતુ તે દરેકમાં પોતે આનંદ શોધતો હોય છે. એટલે જ તો
વ્યવસાય શોખ ન હોય ત્યારે શોખ પૂરા કરવા પણ તેના માટે સમય કાઢતો હોય છે, કારણ કે તેમાંથી તેને આનંદ આવતો હોય છે. અને એ જ આનંદ
એનર્જી તરીકે તેને વધુ કામ કરવાની પ્રેરણા આપતો હોય છે. સરવાળે જોઈએ તો, આનંદ એ જ જીવન સંચાલનની ચાવી છે, એવું સાબિત થાય છે.
અગાઉના અંકોમાં આ વાત ઉપર આપણે ચર્ચા કરી છે
કે, શીખવાની આટલી સરસ
પ્રક્રિયા ક્યારે ભણવાની બોરિંગ પ્રક્રિયા બની ગઈ અને તેના જવાબો શોધવા માટે પણ
ઘણા પ્રયત્નો થયા છે. છતાં પણ આજ દિન સુધી ‘શીખવું’ એ 'ભણવું' થી અલગ જ બની રહ્યું
છે. અને 'ભણવું' એવો શબ્દ જ્યારે વાપરીએ છીએ, ત્યારે તરત જ બાળકોના કપાળે કંટાળા રૂપી કરચલીઓ પડતી હોય
છે. ત્યારે એવું સમજાય છે કે વર્ગખંડોમાંથી જ્યારે આનંદ ઉડી જાય છે, ત્યારે વર્ગખંડમાં થતી તમામ પ્રક્રિયાઓ બાળક માટે કંટાળાજનક
એટલે કે બોજારૂપ બનતી હોય છે. અને એના લીધે જ એને એવું લાગવા માંડે છે કે વર્ગખંડ
એટલે ભણવા માટેના છે, શીખવા માટેના નથી.
તમને થશે કે ભણવું અને શીખવું આ બંને અલગ અલગ
કેવી રીતે છે? ત્યારે શીખવું એટલે
બાળકે જાતે કરવું, સાંભળવું, સમજવું, પોતે વર્તવું - આ
બધી પ્રક્રિયાઓ આવતી હોય છે. અને ભણવું શબ્દનો અર્થ એવો બની ગયો છે કે શિક્ષક બોલે, શિક્ષક કહે, શિક્ષક કરે - તેવું જ કરવું અને સાંભળવું. આવી એકાંકી
પ્રક્રિયા બાળકના મનમાં ભણવાના નામે શીખવા માટેનો રસ ઉડાડી મૂકે છે, એટલે જ તો ભણવાના નામથી બાળકો દૂર ભાગી રહ્યા છે.
જ્યારે આવા વાતાવરણમાં બાળકોનું પોતાનું મન
એટલે કે મગજ શીખવા તૈયાર નથી, ત્યારે તે બાળકને
આપણે જે કહીએ છીએ, બોલીએ છીએ, લખાવીએ છીએ, વંચાવીએ છીએ - આ બધી પ્રક્રિયાઓ નિરર્થક સાબિત થતી હોય છે.
એટલે કે, એક પ્રકારની મજૂરી
આપણે કરતા હોઈએ તેવું લાગે છે, અને તેમાં જોઈએ
તેટલું વળતર આપણને મળતું નથી. અને તેનું એક કારણ છે કે આ બધી પ્રક્રિયાઓમાંથી એક જ
વસ્તુ બહાર નીકળી ગઈ છે, અને તે છે તેના
અંદરનો આનંદ અને બાળકના ચહેરા પરની સ્માઈલ! જો આ એક વસ્તુ ઉમેરાઈ જાય, તો વર્ગખંડોને આપણે જે વર્ગખંડો કહીએ છીએ તે ખરેખર કેવા બની
જતા હોય છે! કારણ કે બાળકને આનંદ આવવો એ આપણા માટે શીખવવાની પહેલી ફરજ છે, અને બાળક તરફથી જોઈએ તો શીખવા માટેનું પહેલું પગથિયું પણ
છે.
જરા વિચારો, આપણને મજા ન આવતી હોય તેવી મૂવીઝ આપણને ફ્રીમાં જોવા મળે તો
પણ નથી જોતા હોતા, અથવા તો આપણને મજા ન
આવે તેવું કામ પણ આપણને વળતર મળતું હોવા છતાં પણ નથી કરતા હોતા, અથવા તો તેમાં એટલો ઉત્સાહ નથી બતાવતા હોતા. તેવામાં કોઈપણ
જાતનું વળતર ન મળતું હોય અને બોરિંગ પ્રક્રિયા હોય, તેમાં તો બાળકો કેવી રીતે ભાગીદાર બને? તે તો હવે વિચારવું જ રહ્યું!
માટે જ ફરી કહીએ છીએ કે, શિક્ષણ
બાળક માટે છે, પરંતુ તેના ચહેરા પરના આનંદના ભોગે તો નહીં!
કારણ કે આપણે તેને વિવિધ વિષમ સ્થિતિમાં સ્થિર રહે તેવો ધ્રુવનો તારો બનાવવાનો છે,
નહીં કે તૂટી જતો 'સૈયારા’!
No comments:
Post a Comment