પચાસ વર્ષ - જીંદગીનાં !
જો શિક્ષણનો ઉદ્દેશ્ય માત્ર કેટલીક સંકલ્પનાઓ સમજી લેવાનો
અને માહિતી મેળવી તેનો ઉપયોગ કરતા શીખવાનો હોત, તો આજના સમયમાં
ટેકનોલોજીની મદદથી વિદ્યાર્થીઓ પોતે જ પોતાના ટેબલેટ, કમ્પ્યુટર કે ઘરમાં બેસીને આ બધું કરી લેતા. એવા સંજોગોમાં, સમૂહમાં કે શાળામાં મળીને શીખવાનો માહોલ હવે નામશેષ થઈ ગયો
હોત. જો કે જે રીતે આજે શિક્ષણ માત્ર વિષયના મહિમામંડન કરી રહ્યું છે એમાં એ
દિવાસો પણ દુર નથી જ દેખાતા !
આપણે બરાબર વિચારીએ તો સમજાશે કે મનુષ્ય આ વિશ્વમાં બીજા
સજીવો કરતાં વધુ સક્ષમ સાબિત થયો છે, તો તેનું કારણ
તેનામાં રહેલી બુદ્ધિશક્તિ કરતાં પણ એક વિશેષ શક્તિ છે. - કોલાબ્રેશનની શક્તિ !
હાથી જેટલી શારીરિક શક્તિ, ચિત્તા જેટલી ઝડપ, બાજ જેટલી નજર કે પક્ષીઓ જેવી ઉડવાની ક્ષમતા મનુષ્યમાં નથી.
તેમ છતાં, મનુષ્ય આજે બીજા બધા પ્રાણીઓની વચ્ચે પૃથ્વીનો 'ભાગ્યવિધાતા' બનીને ઊભો છે. આવું
બનવાનું કારણ છે – Collaboration. બીજા પ્રાણીઓ સમૂહમાં રહે છે, પરંતુ તેઓ કાર્યનું
આયોજન, જવાબદારી વહેંચણી, કાર્યનું મૂલ્યાંકન
અને સુધારાની પ્રક્રિયા કરી શકતા નથી. મનુષ્ય પાસે આ શક્તિ છે – વિચાર, મૂલ્યાંકન અને નવા પ્રયાસ દ્વારા આગળ વધવાની. એટલે જ સહયોગ
૨૧મી સદીના સૌથી અગત્યના કૌશલ્યોમાંનું એક છે. આના કારણે જ મનુષ્ય આજે આટલો
શક્તિશાળી બન્યો છે.
આથી, જો કોઈ વ્યક્તિ
માત્ર સ્ક્રીન સામે એકલો બેસીને શીખે તો તે સહયોગ નથી. શાળાઓનું મહત્વ એટલું છે કે
ત્યાં બાળકો સાથે મળીને કાર્ય કરે છે, વિચાર કરે છે અને
સમાજજીવન માટે તૈયારી કરે છે. એટલે શાળાઓ સમાજને નવી ઊંચાઈ આપવાનું કાર્ય કરે છે.
આપણી નવા નદીસર પ્રાથમિક શાળાને આ વર્ષે ૧૮મી ઓગસ્ટ, ૨૦૨૫ના રોજ ૫૦ વર્ષ પૂર્ણ થયા. આ ક્ષણ અમારી સૌ માટે ઉત્સવ
સમાન હતી. જુદા જુદા સમયના વિદ્યાર્થીઓએ આ શાળાને અને વિસ્તારને નવા રૂપમાં
ઘડવાનું કામ કર્યું છે, એનો અહેસાસ અમને
વિદ્યાર્થીઓએ કરાવ્યો. તેમણે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના ઇન્ટરવ્યુ લેવાનું નક્કી
કર્યું. જૂના રજિસ્ટર ખોલી નામની યાદી બનાવી. પોતાના ઓળખીતા લોકોના નામ મળી આવ્યા
તો બૂમ પાડી ઉઠ્યા – “આ તો મારા દાદા !”, “આ મારી ફોઈ !”, “આ મારા કાકા !” અને
ધ્રુવીલનું “આ મારી બુન !” ચાલુ જ રહ્યું
! આ રીતે સંપર્ક યાદીઓ તૈયાર થઈ. ઇન્ટરવ્યુ માટે જરૂરી મુદ્દા, પ્રશ્નો, વિડિયોગ્રાફી, પ્રોફાઇલ વગેરેની જવાબદારીઓ નક્કી થઈ.
ડેમો ઇન્ટરવ્યુ કર્યા પછી વિદ્યાર્થીઓ ગામમાં ગયા. શરૂઆતમાં
મોટી ઉંમરના લોકો થોડા ખચકાયા – “અમારી ઇન્ટરવ્યુ શું કામ?” પરંતુ જ્યારે બાળકોએ એ રીતે વાત કરી કે “આપણી શાળાના ૫૦ વર્ષ પૂરા થયા છે અને તમે પણ આ
શાળાના વિદ્યાર્થી રહ્યા છો, અમારે તમારી સાથે
કેટલીક વાતો કરાવી છે” – ત્યારે વાત બેસી ગઈ. ત્યારથી સતત ઇન્ટરવ્યુ થવા લાગ્યા છે ! જે
હજુ પણ ચાલુ છે.
૧૮મી ઓગસ્ટે જેટલા થયા એટલા ઇન્ટરવ્યુઝને એક ટાઈમલાઈન પર
મુકવામાં આવ્યા. ત્યારે અમને સમજાયું કે આ માત્ર શાળાનો ઇતિહાસ નથી, પરંતુ શિક્ષણવ્યવસ્થાના બદલાવનો જીવંત દસ્તાવેજ છે –
અભિગમોમાં ફેરફાર, ઇન્ફ્રાસ્ટ્રક્ચરના
પરિવર્તન, સમાજના યોગદાન – બધું જ તેમાં સમાયેલું છે.
શાળાના “ફ્રેન્ડ્સ
ઓફ નવા નદીસર” તરફથી પણ ઘણી યાદો, વીડિયોઝ અને લખાણ
મળ્યા. (લખાણને તો અમે હજુ વિડીયોમાં વાંચન કરી ઢાળી પણ શક્યા નથી
! ) એક શાળા પ્રત્યેનો આટલો અઢળક પ્રેમ જોઈને અમને લાગ્યું કે સમાજ હંમેશા શાળાની
સાથે ઊભો છે. શિક્ષકો માટે આથી મોટું વળતર બીજું હોઈ જ ન શકે.
સૌથી યાદગાર ક્ષણ એ રહી જ્યારે એક ઇન્ટરવ્યુમાં એક વિદ્યાર્થીનીએ
કહ્યું – “મારું લગ્ન થઈ ગયું છે, મારી દીકરી પણ છે.
હું મારી દીકરીને આ જ શાળામાં ભણાવું છું કારણ કે મેં અહીં જે મજા કરી હતી, એ જ મજા મારી દીકરીને પણ મળે.”
આ સાંભળીને જાણે
શિક્ષક હોવું એટલે પ્રસન્નતા મળતી રહેવાની ગેરંટી
- એ વાતનો અહેસાસ જીવંત થઇ ગયો !
આપણી આ “મસ્તી કી પાઠશાલા” વિશે તમારો અભિપ્રાય પણ અમને જરૂરથી મોકલો. ૫૦ વર્ષની સુવર્ણ જયંતિ નિમિત્તે અમે આ બધી જ યાદોને શણગારી રાખવા આતુર છીએ
રીડિંગ રીલ્સ
લેવ વાયગોત્સ્કી: શીખવા માટે
સમાજનું જોડાણ જરૂરી છે.
જ્યારે બાળકો
ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના ઇન્ટરવ્યુ લેવા માટે સાથે મળીને કામ કરે છે, ત્યારે તેઓ સામાજિક રીતે શીખી રહ્યા હતા.
જોન ડ્યુઇ: 'લર્નિંગ બાય ડુઇંગ' (કરતાં કરતાં શીખવું)
બાળકો જ્યારે
ઇન્ટરવ્યુની જવાબદારીઓ વહેંચીને અને પ્રશ્નો તૈયાર કરવા વિષે, ઈન્ટરવ્યું લેવા વિષે વિચારણા કરેછે, ત્યારે
તેમનું શિક્ષણ માત્ર પુસ્તક પૂરતું સીમિત રહેતું નથી, પરંતુ જીવનનો એક ભાગ બની જાય છે.
VIDEO
No comments:
Post a Comment