August 24, 2025

શાળાનું ઘરેણું - શાળા વ્યવસ્થાપન સમિતિ !

શાળાનું ઘરેણું - શાળા વ્યવસ્થાપન સમિતિ !

વાત વર્ષ 1947 પછીની - દેશ આઝાદ થયો - પરંતુ આઝાદીના આનંદ સાથે દેશ સામે ચેલેન્જ પણ એટલી હતી ! દેશનું પોતાનું લોકતંત્ર લાગુ પડે તે માટે સૌનો પ્રયાસ હતો -ભારતના સંવિધાનમાં બતાવ્યા મુજબનું ભારત નિર્માણ માટે સૌથી વધારે જો કોઈએ મથામણ કરવાની ચેલેન્જ હતી તો તે શિક્ષણ વિભાગની હતી ! સંવિધાનમાં ભારતના નાગરિકો અંગે થયેલ સંકલ્પના વાળા નાગરિક ઘડતરનું મોટું કામ સામે દેખાતું હતું. શિક્ષણ સાથે લોકોને જોડવા માટે પ્રથમ તો શિક્ષણ પ્રત્યે લોકોમાં શ્રધ્ધા પેદા થાય તે માટે કામ કરવું પડે તેમ હતું. જો આ કામ જેટલું સફળ રહે મીઠી મુશ્કેલી એટલી જ સામે દેખાતી હતી. જેમ વધુ લોકો શિક્ષણ માટે જોડાતા ગયાં તેમ તેમ દેશમાં સંશાધનો ઊભા કરવા માટેની જરૂરિયાત ઊભી થઈ ! તેવામાં આ દેશમાં ગામડે ગામડે શૈક્ષણિક મંડળો ઊભા થયાં. મંડળો ધ્વારા શૈક્ષણિક સંસ્થાઓ ઊભી કરાઇ અને શિક્ષણનો વ્યાપ વધારવા - સંવિધાન મુજબના કૌશલ્યો ધરાવતાં નાગરિકોનું ઘડતર કરવાના શ્રેષ્ઠ કાર્યમાં સૌ લાગી ગયાં. ધીમેધીમે સરકરશ્રીઓ અને સંસ્થાઓ એટલે કે સમાજના સહકારથી  શિક્ષણનો વ્યાપ ગામે ગામ પહોંચાડવામાં સફળ રહયા. જેનું પરિણામ રૂપે જ ભવિષ્યની પેઢીઓનું ઘડતર કરતી સંસ્થાઓ “નિશાળ” નામે અત્યારે બધે જ કાર્યવંતીત છે. 

શરૂઆતની સ્થિતિ માં જે મુખ્ય ઉદેશ્ય આર્થિક મુશ્કેલી પણ હતો જે હવે ન બરાબર રહ્યો છે. સરકારશ્રી ધ્વારા હવે આ જવાબદારીઓ ઉપાડી લેવામાં આવી છે એટલે હવે ગામ એટલી નિશાળ બની ગઈ છે. આ નિશાળ એટલે જ સમાજ ધ્વારા ઊભી થયેલી આ વ્યવસ્થાઓમાં જે શૈક્ષણિક પ્રક્રિયાઓ થઈ રહી છે તે શિક્ષણની પ્રક્રિયાના ત્રણ છેડા - બાળક - શિક્ષક - માતાપિતા ! ત્રણેય ભેગાં મળીને જ્યાં ગઠબંધન થાય છે તેનું નામ છે નિશાળ ! બાળકોના સર્વાંગી વિકાસ માટે ફક્ત શાળા મથામણ કરે ત્યારે સફળતા મળવાના ચાન્સ ખૂબ ઓછા હોય છે ! તેનું વ્યાજબી કારણ પણ છે કે બાળક જેટલો સમય શાળામાં રહે છે તેના કરતાં પણ વધુ સમય તે પોતાના સમાજની સાથે રહેતો હોય છે. માટે જ શીખવા-શિખવવાની પ્રક્રિયામાં તે પોતાના સમાજ સાથેના અનુભવો પણ જોડતો હોય છે. એટલા માટે જ શાળાનું જેટલું વધુ બોંડિંગ સમાજ સાથે હશે તે શાળા જલ્દીથી પોતાની બાળકો સાથેની પ્રક્રિયાઓને અસરકારક બનાવી શકશે. બાળકોનો સર્વાંગી વિકાસ ઇચ્છતી સંસ્થાઓએ સમાજની ભાગીદારી વધારવી - એવા ઉદેશ્યથી સમયાંતરે અલગ અલગ નામે અને પ્રકારે શાળા અને સમાજનું જોડાણ વધારવાના પ્રયાસો થયા. એમટીએ - પીટીએ થી શરૂ થઈ શાળા વ્યવસ્થાપન સમિતિઓ સુધી થયેલા પ્રયાસોમાં શાળા સમાજનું ઘરેણું બને અને સમાજની ભાગીદારી વડે બાળકોના વિકાસમાટેની તકો વધે તેવો રહ્યો છે. એમાંય અસરકારક સમિતિ એ તો શાળાનું ઘરેણું સાબિત થતી હોય છે. અહીં અસરકારક સમિતિ એટલે કેવી ? -એવો પ્રશ્નનો જવાબ છે..

તેના બધા સભ્યોને શાળાની પ્રક્રિયાથી વાકેફ કરેલા હોય.

શાળા બાળ કેબિનેટ સાથે સંકલન કરેલ હોય.

શાળા સમિતિ અંગેની જવાબદારીઓ સાથે સત્તાઓ અંગેનો યોગ્ય ઉપયોગ જાણતાં હોય. 

સમિતિની રચના માટેના કેટલાંક બિંદુઓ પણ શાળાને સંચાલનમાં  મદદરૂપ થાય તે દ્રષ્ટિએ સમાવેશ કરેલ છે જેમકે ..

è શાળા વ્યવસ્થાપન સમિતિમાં સૌ સમાજના પ્રતિનિધિઓનો સમાવેશ હશે.

        જેનો ઉદેશ્ય શાળાનાં બાળકો પૈકી કોઈ શિક્ષણ પ્રત્યે ઉદાસીન વાલીઓ ધ્યાને આવે ત્યારે તે સમાજના પ્રતિનિધિ તરીકે સ્થાપિત સભ્ય શાળાની મદદે આવી વાલી અને શાળા વચ્ચે સંકલન કરી બાળકના શિક્ષણ માટે જરૂરી પ્રયત્ન કરી શકે.

è વાલી સભ્ય પૈકી 50% કરતાં વધુ સભ્યો  મહિલા સભ્યો હશે.

ગામમાં કન્યા કેળવણી તો ખરી જ પણ દીકરીઓને શિક્ષણ કાર્ય અને ઘર વચ્ચે સંકલન કરવામાં વધુ સભાગીદારીતા મુખ્ય ઉદેશ્ય રહેલો છે.

è શિક્ષણવિદ તરીકે સૌથી વધુ ભણેલ નાગરિક !

શાળાની શૈક્ષણિક પ્રક્રિયાઓ અને બાળકની સમજ વચ્ચે જ્યારે વાલીઓ ધ્વારા ધ્યાને આવતી બાબતોમાં વાલી અને શાળા વચ્ચે સાંકળ સમાન કાર્ય કરી શકે છે.

માટે ફરી કહીએ કે શાળા ગામનું ઘરેણું છે , તો અસરકારક વ્યવસ્થાપન સમિતિ એ શાળાનું ઘરેણું છે, જે શાળાના મોટાભાગના પ્રશ્નો - હાજરી હોય કે હોમવર્ક - તેમાં વધુ અસરકારક રીતે ઉકેલ સમિતિ લાવી શકે છે. તેવા ઉદેશ્યથી આ માસમાં શાળાની માસિક બેઠક મળી જેનો આ માસનો ઉદેશ્ય હતો કેમ્પસનું બેઝલાઇન એસેસમેન્ટ કરી શાળામાં સુવિધાઓ વધારવા માટેનું આયોજન કરવું. આપણી ફેસબુક પર જોઈ શકશો  કેટલાક ફોટોગ્રાફ્સ આપણી શાળાની છેલ્લી વ્યવસ્થાપન સમિતિની બેઠકના ! 



































રીડિંગ રીલ્સ : 

સમાજ અને શાળાનું જોડાણ: બાળકોના સર્વાંગી વિકાસ માટે શાળા અને સમાજનું મજબૂત જોડાણ અનિવાર્ય છે. આનાથી જ મોટા પડકારો પાર કરી શકાય છે.

 

No comments: