U પ્રોત્સાહનની પ્રક્રિયા !!
શાળાનું પટાંગણ બાળકોની કિલકિલાટીથી હંમેશાં ગુંજતું રહે
છે. આખો દિવસ દોડાદોડ અને બૂમાબૂમ! - આવા અવાજો તમને જ્યાં સંભળાય, સમજી લેજો કે નજીકમાં જ ક્યાંક શાળા કેમ્પસ છે. બાળક ચંચળ
હોય છે - બાળક ચિંતનશીલ પણ હોય છે. ક્યાંય નવરા બેસવું જેમ તેને નથી ગમતું તેવું જ
તેના વિચારોમાં પણ છે! તેને જે દેખાય છે
તેને સમજવા અને જે સમજાઈ ગઈ છે તે વાતને અલગ રીતે રજૂ કરવા
મથામણ કરતો રહે છે! એટલે જ તમે જોજો કે આપણા દ્વારા નવું લાવેલું રમકડું તેના
હાથમાં પહોંચ્યા પછી તરત જ તેના શું હાલ થાય છે? તેની સામે
દેખાતી-સંભળાતી બાબતો તેના માટે સતત ચિંતનનો વિષય બની રહેતી હોય છે. એટલે તો તેને
નવરા બેઠેલા જોઈએ, તો તેનો મતલબ છે કે
તુફાન આને વાલા હૈ!
સામા પક્ષે, આવાં બાળકો માટે
બનેલા શાળા પર્યાવરણની વાત કરીએ તો તેમાં મુખ્ય બે પ્રક્રિયાઓ વધુ ભાગ ભજવે છે!
જેને શાળાના કાર્યનાં બે અભિન્ન અંગો પણ ગણી શકાય છે: સ્પર્ધા અને પ્રોત્સાહન.
બાળકો માટે "શાળા" હંમેશાં ફક્ત શીખવા માટેની જગ્યા નથી હોતી. બાળક માટે
શાળા એક એવું સ્થળ પણ છે જ્યાં તે રોજ તેના મિત્રો સાથે જીવતાં હોય છે. ફક્ત
જીવતાં જ નહીં, આનંદ પણ કરતાં હોય છે. બાળકો માટે મિત્રતાનો
સંબંધ આપણે માનીએ છીએ તેવો સીધો અને સરળ નથી હોતો. જેવું આપણું સામાજિક જીવન છે, તેવું જ બાળકોનું શાળાકીય જીવન હોય છે. તેના કારણે જ પોતાની
સાથે અને સામે હોય તેમના કરતાં વધુ સારું કરી બતાવવું એ જાણે કે માનવ સ્વભાવ
અંતર્ગત 'By Default' હોય છે. જેને સામાજિક ભાષામાં આપણે સૌ 'પોતાના સાથે સ્પર્ધા' કહીએ છીએ.
શાળામાં સ્પર્ધા ન હોવી જોઈએ - આવો મુદ્દો કેટલીકવાર
ચર્ચામાં રહેલો છે. તેના માટેના કારણોમાં - સ્પર્ધા વિજેતાને આનંદ તો હારેલાને
હતાશા આપે છે એવું કહેવામાં આવે છે. પરંતુ ફરી ઉપરના ફકરાને યાદ કરીએ તો શાળામાં
બાળક કે શાળા બહાર સમાજ સ્પર્ધા વિના રહી શકતો નથી. એટલે તેના આ મૂળભૂત સ્વભાવને
કારણે શાળામાં કોઈપણ પ્રવૃત્તિ કે પ્રક્રિયા શરૂ થશે કે તરત જ સ્પર્ધાત્મક
પર્યાવરણ નિર્માણ થશે જ !
રીડિંગ રીલ્સ પ્રોત્સાહનનું કેન્દ્ર: વ્યક્તિને બદલે તેની પ્રક્રિયાને પ્રોત્સાહિત કરવી. |
શિક્ષણનું મૂળ કામ બાળકોને પડકાર (Challenge) આપવાનું પણ છે. બાળકો તે પડકારને પાર પાડવા જે મથામણ કરે છે
અને તેના આધારે જે નવા અનુભવો મેળવે છે, તેમાંથી તેમની જે
સમજ કેળવાય છે - આ પ્રક્રિયા જ શિક્ષણ છે. શૈક્ષણિક સંસ્થાઓએ એટલે કે આપણે સૌ
જ્યારે બાળકોને આવી પ્રક્રિયામાંથી પસાર કરતાં હોઈએ ત્યારે તેમાં બાળકોએ તે કરવા
કરેલ મથામણ અને અંતે મળેલ નિષ્ફળતા - બાળકોમાં હતાશા લાવશે એવું માનવામાં આવે છે!
તેવામાં શૈક્ષણિક સંસ્થાઓએ પ્રક્રિયાના પોતાના બીજા નંબરના અંગ ઉપર કામ કરવું જોઈએ
- અને તે છે પ્રોત્સાહન.
આપણા સૌનો અનુભવ રહ્યો છે કે કાર્યક્ષેત્રમાં કે આપણા
વર્ગખંડમાં કોઈ વ્યક્તિ સરેરાશ કરતાં વધુ સારું કરે ત્યારે આપણે સૌની સામે તેને
શાબ્દિક-અશાબ્દિક રીતે પ્રોત્સાહિત કરતાં હોઈએ છીએ. બારીકાઈથી જોઈશું તો ધ્યાને
આવશે કે આ પ્રક્રિયામાં પણ આપણા સૌનો ધ્યેય તો વર્ગખંડમાં કોઈ એકે કરેલું ઘણું
સારું કાર્ય બાકીની ટીમ કે વર્ગખંડના સભ્યો પણ કરી બતાવે તે હોય છે! પરંતુ આપણા
સૌનો અનુભવ રહ્યો છે કે આવું બનતું નથી! ઊલટાનું કેટલીકવાર તો આપણી પ્રોત્સાહન
માટેના વખાણની પ્રક્રિયા ખૂબ સરસ કરનાર વ્યક્તિને નુકસાન કરનાર એટલે કે
ઈર્ષ્યાપાત્ર બની જતી જોવા મળે છે! તેવામાં આપણો અને સારું કામ કરનાર ટીમ સભ્યનો
ઘાટ - "કરવા જઈએ કંસાર અને થઈ જાય થૂલું" - એવો પણ બની જાય છે! પરિણામે
ટીમ કે બાળકો પ્રોત્સાહિત થવાને બદલે આડઅસરો ઊભી થતી જોવા મળે છે. આમાં જો આપણે સૌ
પ્રોત્સાહિત કરવાની પ્રક્રિયામાં થોડો ફેરફાર કરીએ તો તેમાં સારા પરિણામો મેળવી
શકીએ છીએ.
જેમ કે આપણા વર્ગખંડમાં ચિત્ર સ્પર્ધાનું આયોજન કર્યું છે
અને તેમાં મહેશે ખૂબ સારું ચિત્ર દોર્યું છે. હવે આપણો ઉદ્દેશ્ય પ્રથમ નંબર
મેળવનાર મહેશ જેવું ચિત્ર સૌ બનાવે તેવો છે. તેના માટે આપણી પ્રક્રિયા શું હશે?
>> પ્રક્રિયા ૧ આપણે મહેશને ઊભો કરીશું - બધાંને કહીશું કે આ મહેશનું ચિત્ર
જુઓ, કેટલું
સરસ દોર્યું છે. મહેશ ખૂબ સરસ ચિત્રકાર છે. આપણા સૌમાં મહેશને જ સારું ચિત્ર
દોરતાં આવડે છે. આપણે સૌએ મહેશ પાસેથી ચિત્ર દોરતાં શીખવું જોઈએ.
>> પ્રક્રિયા
૨ આપણે મહેશનું ચિત્ર બતાવીશું. ચિત્ર કેવું લાગે છે? તેવું ચિત્ર બનાવવા શું શું ધ્યાન રખાયું છે? તેની વિગતે વાત કરીશું - જેમ કે જુઓ, તેણે ચિત્રમાં આ કલર પસંદગી કરી, તેનાથી આ ભાવ બરાબર ઉત્પન્ન થયો છે. તેણે ચિત્ર
અને કાગળની સાઇઝનું પ્રમાણ માપ જાળવ્યું છે. તેના ચિત્રમાં બોર્ડર એકદમ આકર્ષક બની
છે. વગેરે વગેરે..
સામાન્ય અને અંશતઃ સરખી લાગતી બંને પ્રક્રિયાઓ ખરેખર સરખી નથી. એકમાં વ્યક્તિ દેખાય છે તો બીજામાં કાર્યની પ્રક્રિયા દેખાય છે. આપણા પ્રોત્સાહિત કરવાનો ઉદ્દેશ્ય હવે ફરી યાદ કરો - આપણો ઉદ્દેશ્ય તેના જેવું કાર્ય અન્ય સભ્યો કરતાં થાય તે જ હતોને! હવે જો આપણે સૌના ધ્યાનમાં વ્યક્તિની સાથે સાથે પ્રક્રિયાઓ લાવીએ છીએ, ત્યારે અન્ય વ્યક્તિઓ તેવું કરવા પ્રોત્સાહિત બને છે! આપના અનુભવો જુદા હોઈ શકે છે!
રીડિંગ રીલ્સ * સ્પર્ધાનું સંતુલન: બાળકોના સ્વભાવમાં સ્પર્ધા સહજ છે. તેને ટાળવાને બદલે
પડકારો આપીને યોગ્ય દિશામાં વાળી શકાય છે. |
No comments:
Post a Comment