September 05, 2025

કલા અને રમતગમત - સર્વાંગી વિકાસનો મંત્ર !

કલા અને રમતગમત - સર્વાંગી વિકાસનો મંત્ર ! 

પૂજ્ય બાપુ, ગિજુભાઈ અને નાનાભાઈ ભટ્ટ દ્રઢપણે માનતા હતા કે બાળકના સર્વાંગી વિકાસ માટે અભ્યાસક્રમમાં જેટલું મહત્વ સાક્ષરી વિષયોને અપાય છે, તેટલું જ પ્રાધાન્ય માટીકામ, કાગળકામ, ખેતીકામ, સફાઈ, રમત અને સંગીત જેવા વિષયોને પણ મળવું જોઈએ. તેઓ તો ત્યાં સુધી કહેતા કે જે શાળા કે કેળવણી મંડળ પાસે ઈતર પ્રવૃત્તિઓ માટે મેદાન ન હોય, તેમને મંજૂરી આપવી જ ન જોઈએ! સહ-અભ્યાસિક પ્રવૃત્તિઓથી બાળકનો શારીરિક વિકાસ થાય છે, શરીર તંદુરસ્ત રહે છે, અને માનસિક વિકાસ પણ સારી રીતે થાય છે.

આજે ભલે આપણે બાળકોને શાળાઓમાં વિવિધ રમતોની સ્પર્ધાઓમાં ભાગ ગુણોત્સવના ગ્રેડ માટે પરાણે લેવડાવીએ છીએ—પણ સારું થયું કે શિક્ષકો એ વાતે બાળકોને રમવા તો દે છે! અરે, વાલીઓ પણ!

  કેળવણીકારો, મનોચિકિત્સકો અને ડૉક્ટરો અનુભવે કહે છે: તંદુરસ્ત શરીરમાં જ તંદુરસ્ત મન વસે છે. કેળવવું એટલે શીખેલા કૌશલ્યોને આત્મસાત કરવા. બાળકોમાં રહેલી શક્તિને પારખીને શિક્ષક તરીકે આપણે તેને તકો આપવી જોઈએ અને પ્રોત્સાહિત કરવા જોઈએ.

આજે આપણે સોશિયલ માધ્યમો દ્વારા જોઈ રહ્યા છીએ કે ઘણા લોકો કલા, સંગીત અને ક્રાફ્ટને પૅશન તરીકે પ્રમોટ કરીને ઓળખ બનાવી રહ્યા છે અને આર્થિક રીતે કમાણી પણ કરી રહ્યા છે. અને રમતગમત? જો રમતમાં આગળ વધે તો હેલ્થ તો સારી રહેશે જ, પણ તેનું ભવિષ્ય પણ સારું બનાવી શકાય છે. ખેલ મહાકુંભ થકી પ્રતિભા ધરાવતા રમતવીરોને ઉત્તમ તક મળે છે:

      ગુજરાત સરકારના કુપોષણ નિર્મૂલન અભિયાનની બ્રાન્ડ એમ્બેસેડર સરીતા ગાયકવાડ તેનું ઉત્તમ ઉદાહરણ છે.

      ખેલમહાકુંભ દરમિયાન દોડની શરૂઆત કરીને નેશનલ અને વિશ્વફલક પર ઓલિમ્પિક ગેમ્સ રમી દેશને ગોલ્ડ મેડલ અપાવનાર ડાંગ જિલ્લાની દીકરીને ગુજરાત સરકારે ડીએસપી તરીકે નોકરી આપી છે. (આ બાબત ધોરણ ૪ના પર્યાવરણ અભ્યાસક્રમમાં પણ સમાવેશ કરવામાં આવ્યો છે.)

      એવા જ એક ખેલાડી, દાહોદ જિલ્લાના ખૂબ જ અંતરિયાળ વિસ્તારમાં આવેલા ધાનપુર તાલુકાના, જેને તેની પસંદગી મુજબ નેવી સોલ્જર તરીકે નોકરી આપી છે.

કહેવાનું તાત્પર્ય એટલું જ કે રમતમાં પણ ઉજ્જવળ ભવિષ્યની તક છે. હા, તે માટે બાળકે મહેનત કરવી પડે છે, રમતમાં નિયમિતતા, સાતત્ય, ધીરજ, નિષ્ઠા, ખેલદિલી અને જિજ્ઞાસા રાખવી જોઈએ.

શિક્ષક તરીકે આપણને તો ખબર છે જ કે રમતો દ્વારા બાળકમાં સહકારની ભાવના વિકસે છે, સંગઠન વડે સામાજિક વિકાસ થાય છે, એકબીજાને મદદ કરવી, એકાગ્રતા, ચપળતા, નિયમિતતા, અને સફળતા-નિષ્ફળતામાં સ્થિરતા જેવા ગુણાત્મક ફેરફાર થાય છે.

આવામાં, શિક્ષક તરીકે આપણી પાસે અન્ય કામગીરીના ગમે તેવડા મોટા ખડકલા હોય, પણ તેમના રમવાની અને કલાની તકો છીનવાઈ ન જાય તે માટે આપણે એક્સ્ટ્રા... હા, એક્સ્ટ્રા એફર્ટ લગાવવો જ પડે! શાળાના સત્રની શરૂઆતમાં જ કળા મહાકુંભની જાહેરાત થઈ. શાળાનો શિરસ્તો જ છે કે કોણ ક્યારે કેવી રીતે તૈયારી કરશે, એટલે શૈક્ષણિક સત્રની શરૂઆતમાં જ અન્ય બાબતોના દસકાઓ વચ્ચે ય બાળકોએ તૈયારી કરી જ લીધી. અને આપણા માટેનો સંતોષ એ કે તેઓ દર વર્ષે પોતાના સ્તરમાં ઊર્ધ્વ ગતિ પ્રાપ્ત કરી રહ્યા છે.

રીડિંગ રીલ્સ

v  સર્વાંગી વિકાસ: બાળકોના સર્વાંગી વિકાસ માટે માત્ર શૈક્ષણિક વિષયો જ નહીં, પરંતુ રમતગમત અને કલા જેવી પ્રવૃત્તિઓ પણ જરૂરી છે.

v  આ વાત ગિજુભાઈ અને નાનાભાઈ ભટ્ટના શિક્ષણના વિચારો સાથે મેળ ખાય છે, જેઓ માનતા હતા કે બાળકોનો શારીરિક અને માનસિક વિકાસ આવી પ્રવૃત્તિઓ દ્વારા થાય છે.

v  નિયમિતતા અને શિસ્ત: રમતગમત દ્વારા બાળકોમાં માત્ર શારીરિક કૌશલ્યો જ નહીં, પરંતુ ધીરજ, નિષ્ઠા અને ખેલદિલી જેવા ગુણો પણ વિકસે છે.

v  સરિતા ગાયકવાડ જેવા ખેલાડીઓના ઉદાહરણો દર્શાવે છે કે આ ગુણો ભવિષ્યમાં સફળતાની તકો પણ ઊભી કરી શકે છે.


વિડીયો માણો ! 






No comments: