September 12, 2025

તેણે શું કરવું જોઈએ ?

તેણે શું કરવું જોઈએ ?

20 વર્ષથી શાળાનું સમગ્ર સંચાલન કરતા આપણા આ બાળકો માટે સ્વશાસન દિન હવે સંચાલન કરવાનો મોકો તરીકે નવીન રહ્યો નથી, પરંતુ આ દિવસ તેઓને થોડા વધુ ફેશનેબલ કપડાં પહેરવા, સૂટ-પેન્ટ ઇન-શર્ટ કરવું, સાડી પહેરવી કે જરા વધુ ગ્લેમરસ થઈને શાળામાં આવવા જેવા બહાનાઓ પૂરા પાડે છે. સામાન્ય રીતે પાંચમી સપ્ટેમ્બરે જ્યારે શિક્ષક દિન હોય છે, ત્યારે સ્વશાસન દિન ઉજવાય તેવી એક પરંપરા બંધાઈ ગઈ છે. આ વર્ષે પાંચમી સપ્ટેમ્બરે રજા હતી, તેથી ચોથી સપ્ટેમ્બરે સ્વશાસન દિન ઉજવવાનો પત્ર મળ્યો.

પત્ર મળતાની સાથે જ શાળાના ઉપપ્રમુખ નિર્જલાનું રિએક્શન એટલું જ હતું કે આપણે ચોથીએ ન ઉજવી શકીએ કારણ કે હવે જોઈએ તે પ્રમાણે ઉજવણી કરવાની હોય તો આપણી પાસે માત્ર ત્રણેક જ દિવસ રહે છે અને એટલામાં અમારા બધાથી તેનું આયોજન થઈ શકશે નહીં. તેથી તેણે ઔપચારિક રીતે ગ્રુપના લીડરો વગેરે સાથે ચર્ચા કરી અને સ્વશાસન દિન માટે બારમી સપ્ટેમ્બરનો દિવસ પસંદ કર્યો. તેમાં એનું લોજીક જોઈને લાગ્યું કે તેઓને હવે શીખવા જેવી બાબતોની કાળજી લેતા આવડી ગઈ છે. તેણે વિચાર કર્યો કે જો શુક્રવારે આપણે સ્વશાસન દિન ઉજવીએ તો શનિવારે બેગલેસ ડે હોય ત્યારે તેના વિશેના અહેવાલ લખવા, પોતાના અનુભવ વ્યક્ત કરવા જેવા આયોજનો થઈ શકે.

આટલું નક્કી થયા પછી તેણે જે રીતે શાળાની પ્રિન્સિપાલ બનીને સમગ્ર દિવસ માટેના આયોજનો કર્યા છે તે તેની આવડત જ નહીં, પરંતુ શાળાની રોજ-બ-રોજની કાર્યરીતિનું પણ પ્રતિબિંબ હતી. કેટલા શિક્ષકોની જરૂર પડશે, કયા તાસ ક્યારે અને કેવી રીતે ફેરવવામાં આવશે અને "સ્વશાસન દિન છે એટલે આજે તો કશું શીખવાનું થયું નથી" એવી કોઈ જ ભાવના કોઈના મનમાં ઊભી ન થાય અને બરાબર જે શીખવાનું આયોજન હોય તે બરાબર શીખવાય તે માટે થઈને તેણે લેખિત આયોજનો તૈયાર કર્યા. જેમકે દરેક તાસ માટે બેસ્ટ ટીચર્સ હશે અને જરૂરી નથી કે મોટા છોકરાઓ કે છોકરીઓ જ નાના ધોરણમાં ભણાવવા જાય. ધોરણ પાંચ કે છનો વિદ્યાર્થી પણ ધોરણ આઠમાં તાસ લઈ શકે, માત્ર તેની રસરુચિ અને આવડત હોવી જોઈએ.

આ પ્રકારે તેણે આયોજન કરી બપોરે 2 વાગ્યે મધ્યાહન ભોજન પૂરું થાય પછી રિસેસ દરમિયાન જ એક મીટિંગ લીધી. એ મીટિંગ વખતે તેનો સૂચનાઓ આપવા માટેનો જે ટોન હતો તે કદાચ એક સારી લીડરશીપ કોને કહેવાય તે શીખવા જેવું હતું. એ રેકોર્ડિંગ બરાબર થઈ શક્યું હોત અને અમે તમારી સાથે શેર કરી શક્યા હોત. તેણે તેની વાતમાં “તમારે કયા ધોરણમાં કયો વિષય લેવો, તેના હાલના વિષય શિક્ષક કોણ છે, અત્યારે કયા ટોપિક ચાલી રહ્યા છે, એ ટોપિક અને બાકી રહેલા દિવસો મુજબ જોવા જઈએ તો શુક્રવારે તમારે તેમાંથી કયા ટોપિક વિશે ચર્ચા કરવાની થશે, તે ચર્ચા તમે કઈ અધ્યયન નિષ્પત્તિને ધ્યાનમાં રાખીને કરશો, કેવા કેવા પ્રકારના ટીચિંગ લર્નિંગ મટિરિયલનો ઉપયોગ કરી શકશો, ક્લાસ નેવિગેટરનો ઉપયોગ કેવી રીતે કરશો” જેવી બાબતો અને એની સાથે “આપણું શીખવાનું કેમ મહત્વનું છે” એ બધી જ ચર્ચાઓ કરી.

ફરી 12મી સપ્ટેમ્બરના દિવસે પણ તેણે એક મોટી સામુહિક બેઠક લીધી અને લીડરશીપનું બીજું પાસું બતાવ્યું કે “હું બધા જ ધોરણમાં ફરીશ અને જોઈશ કે કોણ પોતે કરેલા આયોજન મુજબ કામ કરી રહ્યું નથી અને ક્લાસ નેવિગેટર બરાબર કરી રહ્યું નથી. તો એ તમામ બાબતો કે જેવું તમે નક્કી કર્યું છે તે પ્રકારે કાર્ય થાય તેવું કરજો અને મારી જ્યાં જરૂર પડે ત્યાં મને જણાવજો.”

અમે સૌ શિક્ષકો તો આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો આપણા કામમાં કેવી રીતે ઉપયોગ કરી શકાય તે માટેની અલગ જ મીટિંગ લઈને બેઠા હતા. ફોટોગ્રાફ્સ, વિડિયોઝ વગેરેનું કામ એક બીજી તરફ ચાલી રહ્યું હતું. તેમના બધાના ફીડબેક સાંભળ્યા પછી અમને પણ ખૂબ મજા પડી. એક નિર્જલાનો ફીડબેક હતો, “અરરર ટાંટિયા ફરી ગયા. ભાષાભવનથી જ્ઞાનભવન અને જ્ઞાનભવનથી ભાષાભવન ફરી ફરીને એવું થયું કે આના કરતાં એકાદ ધોરણમાં એકાદ વિષય લઈ લેવો વધુ સારો.” પરંતુ આ વિડિયો જોઈને તમે સૌ કહો કે તેને એકાદ ધોરણમાં બેસીને એકાદ વિષય લઈ લેવો સારો કહેવાય કે આ પ્રકારની લીડરશીપનું ઉદાહરણ પૂરું પાડવું એ વધુ સારું કહેવાય? > વિડીયો

રીડિંગ રીલ્સ :

v નેતૃત્વના ગુણ : આયોજન અને દૂરંદેશી: તેણે સ્વશાસન દિનની ઉજવણી માટે માત્ર એક દિવસને બદલે આયોજન માટે પૂરતો સમય લીધો. તેણે ઉજવણી પછીના દિવસનું પણ આયોજન કર્યું જેથી અહેવાલ અને અનુભવો વ્યક્ત કરી શકાય.

v વ્યવસ્થાપન અને ટીમવર્ક: તેણે એકલે હાથે બધું કરવાને બદલે ગ્રુપ લીડર્સ અને સચિવો સાથે બેઠક યોજી, તેમને જવાબદારીઓ સોંપી અને સૌને સાથે રાખીને કામ કર્યું.

v સચોટતા અને સ્પષ્ટતા: તેણે માત્ર કામ પૂરું કરાવી દેવાને બદલે  દરેક તાસ માટે વિષય, અધ્યયન નિષ્પત્તિ અને ટીચિંગ-લર્નિંગ મટીરીયલ જેવી બાબતોનું લેખિત આયોજન તૈયાર કર્યું.

v માર્ગદર્શન અને નિરીક્ષણ: તેણે આયોજનની સાથે સાથે જરૂર પડ્યે મદદ અને માર્ગદર્શન આપવાની ખાતરી આપી. તેણે નિરીક્ષણ પણ કર્યું જેથી કાર્ય નક્કી કરેલા માપદંડ મુજબ થાય.






No comments: