September 30, 2021

લોકડાઉનની આડ લાડ અસરો !

લોકડાઉનની આડ લાડ અસરો ! 

લોકડાઉનમાં બાળકો સાથે શૈક્ષણિક કાર્ય માટે રૂબરૂ મળ્યા કરતાં વધારે સમય ટેકનોલોજીથી જોડાયા. ટેકનોલોજી વડે ખૂબ જ સમય આપ્યા પછી આ તો વધુ મહેનત બાદ પણ શિક્ષક તરીકે બાળકોસાથે રૂબરૂ થઈએ તો જ સંતોષ થાય એવું સતત અનુભવતા તેનું એક માત્ર કારણ એ જ કે આપણે સૌ શિક્ષકો છીએ. બાળકને ઓનલાઇન વહાલ કરવાથી માતાને જેવો અનુભવ અને સંતોષ થાય  એવો અનુભવ અને સંતોષ આપણા સૌનો હતો.તેમાં શિક્ષણની પ્રક્રિયાઓ પૂર્ણથતી, અને મોટાભાગે પરિણામ પણમળતું ખરું ! -  પરંતુ લાગણીઓ તો એવી જ અધૂરી અને અધૂરપ હોય એવી લાગણી. એને કારણે જ બાળકોને આપણે ભણાવી કે શીખી શક્યા નથી, અથવા તો બાળકો શીખવામાં પાછળ પડી ગયાનો, કે પછી તેઓના માટે પૂરો સમય નથી આપી શકતાનો અજંપો રહે. આ બધું થવાનું કારણ પણ આપણામાં રહેલો શિક્ષકનો જીવ હતો.

કોરોના કાળમાં રાહત થતાં હવે જ્યારે ધોરણ ૬ થી ૮ ની શાળાઓ શરૂ થઈ અને બાળકો રૂબરૂ મળ્યા ત્યારે આપણામાં જીવ આવ્યો હોય તેવું લાગ્યું.માતા પોતાના ખોવાઈ ગયેલા વહાલસોયાને મળતાં જ છાતીસરસો ચોંપી દેતી હોય છે. બાળકો જ્યારે પહેલા દિવસે શાળામાં આવ્યા ત્યારે આપણે સૌ એતેમના સ્વાગતમાં આવું કર્યું નહીં હોય પણ આવો જ આંનદ અને અહેસાસ તો એ જ થયો હશે.

લોકડાઉનમાં શાળાઓ બંધ છે – શિક્ષણ નહીં એવું સતત આપણે સૌ ખરેખર તો આપણી સાંત્વના માટે કહેતા હતા. કારણ ચિંતા હતી કે બાળકો નવું શીખેક્યારે, કોની પાસેથી ?શીખેલું ન ભૂલે તે માટે ધ્યાન કોણ અને કેવી રીતે રાખશે ? અથવા તોજો બાળકો શીખવાનું જ ભૂલી ગયા તો તો શાળાઓ ખૂલ્યા પછી પણ ચઢાણ કદાચ કપરા બનશે. અમારો પણ પ્રયત્ન એવો જ રહ્યો કે લોકડાઉન શીખવાનું ન ભૂલે. બીજું બધુ તો પહોંચી વળાશે.

શાળા ખૂલતાં જ  બાળકો સાથે રૂબરૂ વધુ સમય સુધી રહેવાનું થયું. એટલે વાતો પણ વધુ થઈ. બાળકો શેરીમાં કહેવાનું ભૂલી જતાં તે બધા જ પ્રસંગો શાળામાં શિક્ષકોને કહેવા લાગ્યા ત્યારે ઘણીબધી મજા આવી પણ નોંધ અમે એ વાતની લીધી કે બાળકોને ઘરે વધુ બોલવાની – વ્યક્ત થવાની તક મળી હોય. દરેક વાતને વર્ગખંડ સામે સમજપૂર્વક રજૂ કરતાં જોઈને આનંદ થતો. બાળકો શીખવાનું ભૂલી જશે એ ડર તો મટી જ ગયો. પરંતુ કેટલાંક બાળકો તો ક્યાંથી શીખવા મળશે તેવું શોધવાનું પણ શિખતાં થઈ ગયાં હતાં.

શાળામાં નિબંધ લેખન સ્પર્ધા અંગેના પત્ર જ્યારે બાળકોના હાથમાં આવ્યો ત્યારે, અરે ! આ તો અમે ઘરેથી જ લખી - કાલે લેતા આવશું આવા ડાયલોગ સાંભળવા મળ્યા ત્યારે એમણે સાબિત પણ કરી બતાવ્યું કે હા અમે શીખવાનું ભૂલ્યા નથી.  ક્યાંથી શીખીશું એ પણ જાણ્યું છે. ક્લસ્ટર કક્ષાએ  સંદીપ નો અને તેજલનો પ્રથમ નંબર આવ્યો ત્યારે તેમણે એ પણ સાબિત કરી બતાવ્યું કે હા, અમે જાણેલું, શીખેલું વ્યક્ત કરવાનું પણ વધુ સારી રીતે અપડેટ કર્યું છે. હવે ખોજ એ ચાલુ રાખવાની છે કે રમતગમત અને અન્ય સામૂહિક કૌશલ્યોમાં જેમની મહારત હતી એ બધાના કૌશલ્ય કરમાયા છે કે ખીલ્યા છે ? જે હજુ શાળા સુધી પાછા પહોંચ્યા નથી તે બાળકો માટે શાળા ક્યારે પોતાના હાથ ફેલાવી શકશે.. ?

નહીં ફાવે હવે શાળા ભવનમાં !

નહીં ફાવે હવે શાળા ભવનમાં ! 😒

ગામમાં જઈને ભણાવવાનું ચાલુ છે. શેરી શિક્ષણમાં પણ હવે શાળાઓ બંધ છે એવો અહેસાસ વાલીઓને ન થાય એ હદે શીખવાનોમાહોલ બની ગયો છે. ગામમાં શેરી શિક્ષણ માટે અલગ અલગ શેરીઓમાં શિક્ષણ કાર્ય શરૂ થતાં મોટાં શાળામાં અને નાના શેરીમાં એવી કહેવત બની ગઈ છે. શાળા માટે મોટો ફાયદો એ પણ છે કે શેરીમાં જતાં શિક્ષકોને કારણે ક્યારેક ક્યારેકઘરે રહેવાનું મન બનાવવાવાળાને પણ નિયમિત શાળાએ આવી જવું પડે છે. શેરી શિક્ષણમાં મોટો આનંદ રોજે રોજ ગામ ખૂંદવાનો પણ આવે છે.

ગામ ખૂંદતા ખૂંદતા કેટલીક એવી લાગણીઓ પણ સામે આવતી જાય છે કે ઘણીવાર એમ થાય કે અરે ! વાહ !

શેરી શિક્ષણ માટેના સ્થાન – સમય નિશ્ચિત છે. શરૂઆતમાં શેરી શિક્ષણ ફક્ત વોટ્સ એપ ગ્રુપ અને ઓનલાઇન ક્લાસ ધ્વારા શરૂ ચાલતું. ધીમે ધીમે ટેકનોલીજીના અભાવે છૂટી જતાં બાળકો માટે વાર પ્રમાણે જરૂરી રૂબરૂ માર્ગદર્શન અને તેમનું હોમવર્ક તપાસવા માટેનું આયોજન થયું. ફળિયામાં એક જગ્યાએ બાળકો ભેગા થાય અને તેઓનું હોમવર્ક તપાસવાનું શરૂ થયું. પરંતુ ધીમેધીમે અમને પણ ખબર ન પડી કે ક્યારે અમારો ઓટલા પરિષદો શેરી વર્ગખંડ બની ગઈ.

    શરૂઆતમાં તો જે દિવસે જ્યાં અનુકૂળ લાગે ત્યાં બાળકો સાથે બેસી જતાં. કોઈનું આંગણું ખાલી દેખાય તો ત્યાં કે પછી  કોઈનો વાડો દેખાય તો ત્યાં.. બાળકોને મળવાનો આનંદ હતો કે જે અમને શિક્ષણ કાર્ય માટે જરૂરી સુવિધાઓના અભાવનો ભાવ થવા દેતું નહીં. સાહેબ, અહીં પંખા નીચે આવોને, આપણું ઘર છે ને – ભારતનો આ આગ્રહ શેરી શિક્ષણને આંગણમાં ફેરવ્યાનો પહેલો પડાવ હતો. “આખા ફળિયાના બાળકો એમના આંગણમાં બેસે તેના કરતાં અહીં આપણું ઘર અને આંગણું ખાલી જ  શે, હું કાલે લીંપાવી દઉં તો છોકરાં ને ય ફાવશે ! – બીજા જ દિવસે ઈશ્વરે આ કરાવી દીધું. એટલે થોડાંક ત્યાં મળતાં થયાં. સાહેબ, માર એન શ્રીમંત ભરી તેડી જ્યા શ એટલે રૂમ એ ખાલી જ સ – જ્યાં ડંડી જ લટકતી હતી ત્યાં પંખો ક્યારે લગાવી દીધો એ તો ઈશ્વર (બંને અર્થમાં) જ જાણે ! મજાથી શીખવા શિખવવાનું ચાલુ હતું ત્યાં વરસાદ વિલનની જેમ શરૂ થયો. દફતર અને પોતાના ઢીંચણ સંકોરતા બાળકો જોઈને સામેના ઘરના ભગાભાઈ એ પોતાના આંગણમાં પડેલો સામાન અદ્રશ્ય કરી – ત્યાં ભીડ પડે એવું લાગ શ, તો આપણું આ ય ખાલી જ ર શ – થોડાંક અહીં બેહાડો તો પશી ભલ ન ધોધમાર તૂટી પડતો – આ લાગણીઓમાં ભગાભાઈનું આખું ઘર સામેલ હતું. પછી તો વિસ્તર્યું તો બાજુના ડાહ્યાભાઇના ઘરનું આંગણું પણ બાળકો માટે ઉપયોગમાં લેવાતું થયું.  જયદીપ શાળામાં આવી લાગણીઓ વ્યક્ત કરી ગયો. સામે રહેતા ભારતનો ફોન આવ્યો. ફળીએ ફળીએ સુવિધાઓ સિમિત પણ લાગણીઓ અપાર ! 

     ઘરનાં ચાર છોરા ભેગાં થાય તો ય માબાપ કંટાળોવાળા ડાયલોગ બોલતા હોય તેવામાં અમારું પણ ધ્યાન એ બાબત પર હતું જ કે લાગણીઓના આવેશમાં આંગણું આપી દીધું પણ પછી આખો દિવસના બાળકોના ધમધમાટથી લાગણીઓ વ્યક્ત કર્યાનો એમને પસ્તાવો ન થાય.

આવું ધ્યાન અમારું હતું ત્યાં એમનું ધ્યાન કઇંક અલગ જ હતું. એક દિવસ સવારે ગયા ત્યારે કડિયા કામ કરતાં ભગાભાઈનો આખો પરિવાર નાની દીવાલ ચણતો હતો. કારણ કે આગલા દિવસે વરસાદના કારણે ત્યાં બેસતાં કેટલાંક બાળકોના દફતર પલડી ગયા હતા. શિક્ષકે ડસ્ટર તૂટી ગયાનું કહી પ્રભાતભાઈ પાસે કાપડનોટુકડો માંગ્યો, તો દરજી કામ કરતા પ્રભાતભાઈએ ત્રણ જ મિનિટ [ હા, ખરેખર ત્રણ મિનિટ માં જ ] કાપડનું ડસ્ટર સાહેબને આપતાં બોલ્યા – આ સારું રહેશે ! ઈશ્વરના પપ્પા જેમને ચાલવામાં તકલીફ હોય ઘોડીનો ઉપયોગ કરી થોડું ચલાય છે એ થોડી થોડી વારે પૂછતાં રહે છે કે સાહેબ ખુરશી લો ને ? [ શાળા ભવનના વર્ગખંડોની જેમ શેરી ખંડોમાં પણ ખુરશીનો ઉપયોગ સૌએ ટાળ્યોછે.] શાળામાં ચા મુકાય તો સરખે ભાગ ખર્ચો વહેંચતા, અહીં દૂધ હોય તો ચા, અને ન હોય તો કાવો કોઈને કોઈ શિક્ષકને પીવડાવી જાય છે.

પોતાનાં નાના બાળકોની બપોરે ઊંઘવાની જગ્યાઓ બદલવી પડી છે, કેટલાક ઘરમાં તેમની રોજની બપોરે સૂઈ જવાની ટેવોમાં ફેરફાર કરવો પડ્યો છે. તો ઈશ્વરને દિકરો આવ્યા સવા મહિનો થઈ ગયો હોય, હજુ તેની પત્નીને તેડી લાવ્યા નથી. કોઇકે પોતાના ઘરનું વાસ્તુ પૂજન પછી કરાવીશું એમ નક્કી કર્યું. આ પરિવારો કોઈપણ જાતના સ્વાર્થ વગર અસુવિધાઓ ભોગવી રહ્યા છે તે ફક્ત ને  શાળા અને બાળકો પ્રત્યેની લાગણીઓથી બંધાઈને જ ! 

બાળકોની ઉપર આ બધાના ઘરના પંખા 11 થી 5 ફર્યા જ કરે છે. સાથે મીટર પણ છતાં પૂછવાની હિંમત નથી થતી કે ઋણ કેવી રીતે ચૂકવીએ ! પૂછવું પણ કેવી રીતે – કાવો લઈને આવેલા ઈશ્વરની મમ્મીને શિક્ષકે કહ્યું – આવી ટેવ પાડશો તો પછી અમને શાળા ખૂલ્યા પછી પણ નિશાળમાં ફાવશે નહીં.

“તમાર બધાં વગર અમનએ ની ફાવ !” – કાવો રકાબીમાં પાડતાંપાડતાં___ બેન બોલ્યાં. આગળ શું કહેવું એ શબ્દો હજુ મે શોધી રહ્યા છીએ. 











September 19, 2021

ઘટનાઓ ભૂલી જઈએ છીએ !

ઘટનાઓ ભૂલી જઈએ છીએ !

કોઈ ચોક્કસ વ્યક્તિ, વસ્તુ, સ્થિતિ કે સ્થળથી આ શરૂ નથી થયું એમ પૂરું પણ નથી થવાનું. વર્ષોથી સમુદ્રને મળવા ઇચ્છતો  દરેક પર્વત નદીઓ રૂપી હાથ ફેલાવી મળતો રહે છે. એનું મળવાનું પૂરું નથી થતું. (અને કોણ જાણે ક્યારેય પૂરું થશે કે કેમ!) નદીઓના પટ સુકાઈ જાય એવું બને છેહવે તો સંબંધો કપાઈ જશે એવું પણ થાય છે. એવો ડર પણ લાગે છે કે હવે ફરી ક્યારેય એ દોર ફરી સંધાશે નહિ. એવી ભીતિ પણ વર્તાય કે હવે સંબંધોના દોરમાં ગાંઠ પડી જશે. આવું આવું થાય કારણકે  કોઈક વાર કોઈક ચોમાસે તરબોળ થઈ ગયેલા એ નદીઓના પટ જોઈ સ્નેહઘેલા  થઈ ગયેલા સૌનાં હૃદયમાં નદીનું "એ અને એ જ ચિત્ર" છપાયેલું રહી જાય છે. (જેમ નવા નદીસર એટલે ગ્રામોત્સવના દિવસે ઉમંગમાં આવેલું નવા નદીસર) અને એટલે એ નદીમાં આવતું સહેજ છીછરાપણું પણ ચિંતાનો વિષય બને છે.

પણ 😍🙏- “કુછ તો બાત હૈ હમ મે કે હસ્તી મીટતી નહીં હમારી ! ”

     વ્યક્તિગત રીતે કોઈકને કોઈક વડે થતી હેરાનગતિ, નુકસાની, મુશ્કેલી બધા ગામની જેમ અડકે પણ જેવી વાત ગામને - નવા નદીસરનેઅડકવાની થાય, ન જાણે ક્યાંથી ગામ આખામાં ચેતનના ફુવારા છૂટે છેભૂલો થાય, ક્ષતિઓ રહી જાય, ઈર્ષા - દ્વેષ છલકાઈ જાય, લાલચ આવી જાય, થાયમાણસો છીએ, આ બધું થવાનું જ; પરંતુ ગામ તરીકે સૌને એક તાંતણે જે બાંધે છે તે ગામ પોતે જ.

     આ વખતે પણ એવી છૂટક છૂટક ઘટનાથી શરૂ થયેલી ઘટમાળ શાળા સહિત સૌએ અવગણી. જે હોય એ - એવું થાય, એમાં શુંપરંતુ એમ કરતાં કરતાં વાત જ્યારે ગામની, ગામના ભવિષ્યની, ગામમાં ઊછરતાં બાળકોની  અને તેઓને શું શીખવવું છે - તેની આવી કે તરત જ સૌએ  ફરી પેલી સુકાઈ ગયેલી નદીમાં સૌના સંપ અને સ્નેહ વડે સિંચન કર્યું. ને આ વખતની ઘટના ભૂલી જઈશું? હા, એ જ તો કરતાં આવ્યાં છીએ; પરંતુ ગામ તરીકે એ ઘટનામાંથી શું શીખ્યાં - તે આ વખતે નહીં ભૂલી જઈએ. ત્રીજા-ચોથા ધોરણમાં ભણતાં નાનાં બાળકોથી લઈ વડીલો સુધી સૌએ ગામ માટે કરેલો એ ઉપવાસ સૌ આ જીવનમાં તો ક્યારેય નહીં ભૂલી શકીએ.

કોઈએય ભૂલવું પણ ન જોઈએ, અને તો જ યાદ રહેશે કે જ્યારે જ્યારે આપણે આપણી માળામાંથી છૂટાં પડીએ છીએ ત્યારે ત્યારે આપણે આપણને જ નહીં આપણી એ માળાને પણ નુકસાન પહોંચાડીએ છીએ. આપણે ન ભૂલવું જોઈએ કે ગામ એ આપણા એવા માતા-પિતા છે કે આપણે ગમે તેટલા નફ્ફટ થઈએ તો પણ તેઓ તેની મિલકતમાંથી આપણને બેદખલ નહીં કરે. થાય છે ને એવુંકેટલાક લોકો જુવાનીના જોશમાં કહેતા હોય છે - પોતાના જ મા-બાપને કે, "તમને ન ફાવતું હોય તો નીકળી જઈશ તમારા ઘરમાંથી. તમારી મિલકત પણ મારે જોઈતી નથી." પરંતુ ત્યારે તેઓ ભૂલી જાય છે કે તે ઘરમાંથીનીકળીને જિંદગી જીવવાની અને મિલકત નહીં મળે તો પણ જીવી જવાની શક્તિ જેને કહી રહ્યા છે એ તેમના મા બાપનેય આભારી છેએમ "આ ગામમાં શું રાખ્યું છે? અથવા અહીંયા જઈને કે ત્યાં જઈને  કમાઈ શકું છું." એવું કહેતી વખતે એ વાત આપણે ભૂલી જઈએ છીએ કે શક્તિ પણ આ ગામ વડે જ આપણામાં વિકસી છે.

એટલે આપણા સૌની વચ્ચે વહેતી આ સ્નેહની નદીને હંમેશા સહકારથી, સમજણથી છલકાતી રાખીએ. જાગૃત રહીએ કે એમાં કોઈ એવી પાળી ન બંધાઈ જાય કે જેનાથી એકમેક સુધી ખળખળ વહેતાં ઝરણાં અટકી જાય. હા, બસ ઘટનાઓ ભૂલતાં જઈએ;  ઘટનામાંથી જ શીખવાનું છે એ યાદ રાખીએ.