September 19, 2021

ઘટનાઓ ભૂલી જઈએ છીએ !

ઘટનાઓ ભૂલી જઈએ છીએ !

કોઈ ચોક્કસ વ્યક્તિ, વસ્તુ, સ્થિતિ કે સ્થળથી આ શરૂ નથી થયું એમ પૂરું પણ નથી થવાનું. વર્ષોથી સમુદ્રને મળવા ઇચ્છતો  દરેક પર્વત નદીઓ રૂપી હાથ ફેલાવી મળતો રહે છે. એનું મળવાનું પૂરું નથી થતું. (અને કોણ જાણે ક્યારેય પૂરું થશે કે કેમ!) નદીઓના પટ સુકાઈ જાય એવું બને છેહવે તો સંબંધો કપાઈ જશે એવું પણ થાય છે. એવો ડર પણ લાગે છે કે હવે ફરી ક્યારેય એ દોર ફરી સંધાશે નહિ. એવી ભીતિ પણ વર્તાય કે હવે સંબંધોના દોરમાં ગાંઠ પડી જશે. આવું આવું થાય કારણકે  કોઈક વાર કોઈક ચોમાસે તરબોળ થઈ ગયેલા એ નદીઓના પટ જોઈ સ્નેહઘેલા  થઈ ગયેલા સૌનાં હૃદયમાં નદીનું "એ અને એ જ ચિત્ર" છપાયેલું રહી જાય છે. (જેમ નવા નદીસર એટલે ગ્રામોત્સવના દિવસે ઉમંગમાં આવેલું નવા નદીસર) અને એટલે એ નદીમાં આવતું સહેજ છીછરાપણું પણ ચિંતાનો વિષય બને છે.

પણ 😍🙏- “કુછ તો બાત હૈ હમ મે કે હસ્તી મીટતી નહીં હમારી ! ”

     વ્યક્તિગત રીતે કોઈકને કોઈક વડે થતી હેરાનગતિ, નુકસાની, મુશ્કેલી બધા ગામની જેમ અડકે પણ જેવી વાત ગામને - નવા નદીસરનેઅડકવાની થાય, ન જાણે ક્યાંથી ગામ આખામાં ચેતનના ફુવારા છૂટે છેભૂલો થાય, ક્ષતિઓ રહી જાય, ઈર્ષા - દ્વેષ છલકાઈ જાય, લાલચ આવી જાય, થાયમાણસો છીએ, આ બધું થવાનું જ; પરંતુ ગામ તરીકે સૌને એક તાંતણે જે બાંધે છે તે ગામ પોતે જ.

     આ વખતે પણ એવી છૂટક છૂટક ઘટનાથી શરૂ થયેલી ઘટમાળ શાળા સહિત સૌએ અવગણી. જે હોય એ - એવું થાય, એમાં શુંપરંતુ એમ કરતાં કરતાં વાત જ્યારે ગામની, ગામના ભવિષ્યની, ગામમાં ઊછરતાં બાળકોની  અને તેઓને શું શીખવવું છે - તેની આવી કે તરત જ સૌએ  ફરી પેલી સુકાઈ ગયેલી નદીમાં સૌના સંપ અને સ્નેહ વડે સિંચન કર્યું. ને આ વખતની ઘટના ભૂલી જઈશું? હા, એ જ તો કરતાં આવ્યાં છીએ; પરંતુ ગામ તરીકે એ ઘટનામાંથી શું શીખ્યાં - તે આ વખતે નહીં ભૂલી જઈએ. ત્રીજા-ચોથા ધોરણમાં ભણતાં નાનાં બાળકોથી લઈ વડીલો સુધી સૌએ ગામ માટે કરેલો એ ઉપવાસ સૌ આ જીવનમાં તો ક્યારેય નહીં ભૂલી શકીએ.

કોઈએય ભૂલવું પણ ન જોઈએ, અને તો જ યાદ રહેશે કે જ્યારે જ્યારે આપણે આપણી માળામાંથી છૂટાં પડીએ છીએ ત્યારે ત્યારે આપણે આપણને જ નહીં આપણી એ માળાને પણ નુકસાન પહોંચાડીએ છીએ. આપણે ન ભૂલવું જોઈએ કે ગામ એ આપણા એવા માતા-પિતા છે કે આપણે ગમે તેટલા નફ્ફટ થઈએ તો પણ તેઓ તેની મિલકતમાંથી આપણને બેદખલ નહીં કરે. થાય છે ને એવુંકેટલાક લોકો જુવાનીના જોશમાં કહેતા હોય છે - પોતાના જ મા-બાપને કે, "તમને ન ફાવતું હોય તો નીકળી જઈશ તમારા ઘરમાંથી. તમારી મિલકત પણ મારે જોઈતી નથી." પરંતુ ત્યારે તેઓ ભૂલી જાય છે કે તે ઘરમાંથીનીકળીને જિંદગી જીવવાની અને મિલકત નહીં મળે તો પણ જીવી જવાની શક્તિ જેને કહી રહ્યા છે એ તેમના મા બાપનેય આભારી છેએમ "આ ગામમાં શું રાખ્યું છે? અથવા અહીંયા જઈને કે ત્યાં જઈને  કમાઈ શકું છું." એવું કહેતી વખતે એ વાત આપણે ભૂલી જઈએ છીએ કે શક્તિ પણ આ ગામ વડે જ આપણામાં વિકસી છે.

એટલે આપણા સૌની વચ્ચે વહેતી આ સ્નેહની નદીને હંમેશા સહકારથી, સમજણથી છલકાતી રાખીએ. જાગૃત રહીએ કે એમાં કોઈ એવી પાળી ન બંધાઈ જાય કે જેનાથી એકમેક સુધી ખળખળ વહેતાં ઝરણાં અટકી જાય. હા, બસ ઘટનાઓ ભૂલતાં જઈએ;  ઘટનામાંથી જ શીખવાનું છે એ યાદ રાખીએ.



No comments: