February 21, 2024

માણસનો સૌથી મોટો જાદુ!

માણસનો સૌથી મોટો જાદુ!

        ભાષા મનુષ્ય વડે કરાયેલું સૌથી મોટું જાદુ છે. એના વડે મનુષ્યો સામૂહિક પ્રત્યાયનને એક નવી જ ક્ષિતિજ તરફ ખેંચી ગયા છે. જે જગતમાં છે જ નહિ તે બાબતોને તે એકબીજાના મગજમાં ભાષા વડે ઉત્પન્ન કરી શકે છેસામૂહિક કલ્પનાઓ કરી શકે છે. આવી સામૂહિક કલ્પનાઓને આધારે પોતાના અને અન્યોના જીવનમાં અવનવાં વિશ્વ ઉમેરી શકે છે.

માણસે જ્યારે પહેલી વખત પૈસો-સિક્કો કે કોઈ ધાતુના ટુકડાનો વિનિમય પ્રથામાં ઉપયોગ કર્યો હશે તેમાં અને આજે આર્થિક વ્યવહારોની જે સ્થિતિ છે તે બદલાવ ભાષાને કારણે છે. ભાષા વડે આપણે સૌએ આ પૈસાનું (આ પ્રકારના કાગળનું) મૂલ્ય સિદ્ધ કર્યું છેકુદરતી રીતે જે સાવ નકામું છે એને પણ આપણે સૌ ભાષાના ઉપયોગ વડે અત્યંત પ્રભાવશાળી બનાવી શકીએ  છીએ. એક મોટા સૈન્યના લાખો સૈનિકો કરતાં તેનો વડો વધુ શક્તિશાળી છે; કારણ કે આપણે ભાષાના ઉપયોગથી સામૂહિક કલ્પના કરી છે કે આ પ્રકારના હોદ્દા પર હોય તેના હુકમોનું પાલન કરવાનું છે, અને એ સામૂહિક કલ્પના ટકી રહે છે તે પણ ભાષાના જોરે.

આવી આપણી ભાષા માત્ર આવા કાર્યોમાં જ નહિ, આપણા અને જગત વિશેના ખ્યાલો રચવામાં પણ માધ્યમ બને છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ - 2020નો આ એક ફકરો જોઈએ.

    ભાષાઓ જ્ઞાનાત્મક, સામાજિક અને સાંસ્કૃતિક અનુભવના કેન્દ્રમાં છે. ભાષા અનેક સાદાં અને જટિલ કાર્યો કરે છે. તે વ્યક્તિઓને તેમના સ્વ અને વિશ્વને સમજવાની, વિશ્લેષણ કરવાની અને જોડાઈને જીવવાની ક્ષમતા આપે છે. તે જ્ઞાનસંપાદન તેમજ ઉત્પાદનમાં મધ્યસ્થી કરે છે. ભાષા અસરકારક સંદેશાવ્યવહારને સક્ષમ બનાવે છેજે સમાજ, સંસ્કૃતિ અને ઓળખની રચના અને કામગીરીનું અભિન્ન અંગ છે. આમ, ભાષાને લગતા મુદ્દા શિક્ષણના મૂળભૂત મુદ્દા છે અને ભાષા શીખવાની અસરો ભાષાના પરિઘની પણ બહાર છે. એનસીએફ (ફાઉન્ડેશનલથી સેકન્ડરી સુધીના તમામ તબક્કાઓમાં) ભાષા શીખવાને અત્યંત મહત્ત્વ આપે છે. તે એનઇપી-2020ના બહુભાષાવાદ પ્રત્યેની પ્રતિબદ્ધતા માટે માર્ગદર્શન આપે છે.     [એનઇપી-2020, 4.11-4.22]

અહીંયાં બે વાક્યો બરાબર ધ્યાનથી જોઈએ : પહેલુંભાષા માત્ર અન્યો સાથે પ્રત્યાયન કરવા જ નહિ, પણ પોતાના વિશેના અને જગત વિશેના ખ્યાલો માટે પણ જરૂરી છે. અને બીજું તેબહુભાષાવાદઆપણે છાપામાં છપાતી ભાષાને જ ભાષા ગણીએ તો એવા કેટલાય લોકો છૂટી જશે કે જેઓ તે ભાષામાં પોતાના વિચારો રજૂ કરી શકતા નથી. હા, સામૂહિક પ્રત્યાયનમાં કોઈ એક પ્રકારની સામાન્ય ભાષા હોય તે સગવડભર્યું છે પણ તેના કારણે બીજી કોઈ ભાષા ઊંચી કે નીચી ન જ હોય શકે. આપણું જગત જ બહુભાષીય છે. આપણે ત્યાં તો બાર ગાઉએ બોલી બદલાય જેવી કહેવત પણ છે. ત્યારે સૌ પરસ્પર એકબીજાની ભાષાઓની કદર કરે, એકબીજાની ભાષા શીખવાનો પ્રયત્ન કરે તેવા પ્રયત્ન જરૂરી બને છે.

આ માતૃભાષા દિવસે આવો જ એક પ્રયાસ થયો.

સવારની પ્રથમ સભામાં સૌએ પોતપોતાની ભાષામાં નાની નાની રજૂઆત કરી. દરેકના ચહેરા પર રજૂઆત પછી જાણે પોતાની માના પાલવને અડકીને આવ્યા હોય તેવો આનંદ વર્તાતો હતો.

બીજા સત્રમાં જુદા જુદા જૂથમાં બેસીને ભાષાના પ્રાયોગિક ઉપયોગો કરવાનું શીખ્યા. જેમ કે, આપણે એક વાતને જુદી જુદી રીતે કહેવી હોય તો શું કરીએ?; વાર્તા એવી કે જેમાં વાર્તા સાંભળનાર પણ એક પાત્ર હોય; કવિતા લખવાની હોય તો કયો મસાલો ભેગો કરવો પડે?; આપણા લોકગીત, લગ્નગીત, ભજનો અને કહેવતો, તો વળી હાલમાં ભૂંસાતા જતાં પણ હજુ વાપરવા સક્ષમ હોય તેવા શબ્દોની યાદીઅને બીજુંય ઘણું.

છેલ્લા સત્રમાં આજના દિવસે ક્યારે ક્યારે મજા પડી? ફરી આ પ્રકારે ઉજવણી કરીએ તો ત્યારે શું ધ્યાનમાં રાખીશું ? આજના દિવસ પછી ભાષા વિશેના તમારા ખ્યાલોમાં શું બદલાવ આવ્યો? – જેવા પ્રશ્નો વિશે રિફ્લેક્શન કર્યું. સઘળો આનંદ જોઈએ આ ફોટોઝ પર ક્લિક કરીને વીડિયોમાં








No comments: