February 18, 2024

પહેલાં માણસને મળીએ ..

પહેલાં માણસને મળીએ .. 

જ્યારે આપણે કોઈને મળીએ છીએ ત્યારે તેના અનુભવો જાણીને, તેના કાર્યો વિશે સમજીને, તેનું અવલોકન કરીને - એ અનુભવો અને અવલોકનો પર વિચાર કરીને જે શીખીએ છીએ; તે કેટલાંક પુસ્તકો કરતાં પણ વધુ મહત્ત્વનું હોય છે.

શાળા એવા પ્રયત્નો સતત કરતી રહી છે કે જ્યાં જે સમાજમાંથી બાળકો આવે છે તે સમાજ સાથેના તેના મૂળ જોડાયેલાં રહેશીખવું એ મજેદાર ઘટના છે અને  તે ઘટના તેઓ આ પુસ્તકો - સમયપત્રકો - પરીક્ષાઓ - કસોટીઓ વગેરેને કારણે મોનોટોનસ ન બની જાય. આવા પ્રયત્નોરૂપે જગામ શીખવે ગણિત”  “પ્રાણીઓનાં અવલોકન માટે ભરવાડના વાડામાં જવું”  “કાતરિયાઓની મુલાકાત”  “સુથારીકામ કરનાર માણસોની મુલાકાત” “ચણાતા મકાનની મુલાકાત”  “શાળામાં વિવિધ વ્યવસાયકારોનું માર્ગદર્શનજેવું થતું રહેતું હોય છે

આવામાં રાષ્ટ્રીય શિક્ષણનીતિમાં આવેલ બેગલેસ ડેઝ વિશેનો કોન્સેપ્ટ તો આપણી શાળા માટે દોડવું હતું અને ઢાળ મળ્યો !

ગામમાં જ ઊભા થયેલા જુદા જુદા વ્યવસાયો વિશેની માહિતી એકત્ર કરવાથી શરૂ કરવાનો વિચાર કર્યો. નાગરિક ઘડતરના લીડર્સઉપલીડર્સ સાથે ચર્ચા કરી અને એક માળખું તૈયાર કર્યું, કે સૌપ્રથમ આપણે આપણા ગામમાં કયા કયા પ્રકારના વ્યવસાયો થાય છે તેની એક યાદી બનાવીએ. એ વ્યવસાયો પૈકી આપણે કયા કયા વ્યવસાયો વિશે પહેલા તબક્કામાં જાણવા માંગીએ છીએ તેનું શોર્ટ લિસ્ટ કરીએએક એવું ફોર્મ બનાવીએ કે જેમાં પસંદ કરેલા વ્યવસાય, તે વ્યવસાય કરતાં વ્યક્તિઓ અને તેની મુલાકાત માટે કયું જૂથ જશે તે નક્કી કરીએ. એમાં શું શું કરવું જોઈએ તેની ચર્ચા શરૂ થતાં ફોર્મને થોડું જુદું બનાવવું પડ્યું કે તેમની મુલાકાત પૂર્વે તેમને જણાવવા માટે કોણ જશે ? - તે પણ નક્કી કરવું પડે કારણ કે સમય લીધા વગર જવાથી કદાચ એવું બને કે તેઓ ઘરે જ ન હોય! આપણને મળે નહીં તો એ દિવસનું આખું આયોજન ખોરવાઈ જાય !

ચાર વ્યવસાયો શોર્ટ લિસ્ટ કર્યા : ડીજે, ખેતી - પશુપાલન, દૂધની ભઠ્ઠી અને મંડપ ! આ બધાને મળવા જઈએ ત્યારે કેવા કેવા પ્રશ્નો આપણે પૂછી શકીએ તે પ્રશ્નોની એક યાદી તેઓ તૈયાર કરીને ગ્રુપમાં મળ્યાગ્રુપમાં તેમણે એ પ્રશ્નોને ગુણવત્તાના ક્રમમાં ગોઠવ્યા. જેમાંથી કેટલાક પ્રશ્નો શિક્ષક તરીકે આપણને પણ નવાઈ પમાડે તેવા હતા ! દાખલા તરીકે મંડપનું કામ કરતા વ્યક્તિને એવું પૂછવું કે, ‘અચાનક વરસાદ આવી જાય ત્યારે ઝડપથી મંડપને છોડી દેવા માટે અથવા તો મંડપને બચાવવા માટે તમારી પાસે શું ટેકનિક છે ?’ અથવા તોપહેલેથી પૈસા નક્કી કરી દીધા હોય એમ છતાં ઓછા પૈસા મળે તેવું ક્યારેય થાય છે ?’  ‘અને થાય છે ત્યારે તમે તે વાતને કેવી રીતે સંભાળી લો છો?’ આવા કેટલાક માનવીય પ્રશ્નો સાથે પ્રશ્નોની યાદી તૈયાર થઈ.

    તેમણે આયોજન કર્યું કે આપણે ચાર જૂથમાં જઈશું. દરેક જૂથમાંથી કોઈક એક મુખ્ય પ્રશ્નકર્તા હશે - પાંચ થી છ વ્યક્તિઓ તેમના જવાબો નોંધતા હશે - જેથી કરીને જવાબ આપનાર વ્યક્તિને આપણે નોંધીએ ત્યાં સુધી અટકવું ન પડે. કોઈ એક વ્યક્તિ ફોટોગ્રાફી કરતી હશે તેમાંય શિક્ષકનો ફોન નહીં મળે અને તમારે ઘરેથી ફોન લાવવવાનો નથી - તમારે જાતે જ એ વ્યક્તિ પાસેથી તેમનો ફોન માંગવાનો તેમાં ફોટોગ્રાફી કરવાની અને તેમને કહેવાનું કે તેઓ એ ફોટોઝ  અમને મોકલી આપે ! અહીંયાં ઉદ્દેશ એવો હતો કે તેમને એ વાત બીજી વ્યક્તિને સમજાવવા માટે જે શબ્દો વાપરવા પડશે, જે ટેકનિક વાપરવી પડશે તે પણ શીખવાનું છે. આ સિવાય બીજી બે-ત્રણ વ્યક્તિ જુદા જુદા પ્રકારના પેન્સિલ સ્કેચ બનાવતી હશે અને ટીમમાંથી કેટલીક વ્યક્તિ એમની ભાષામાં આવતા જુદા શબ્દોની યાદી પણ બનાવતી હશેઆવું બધું આયોજન કર્યા પછી એકવાર ફરી તેઓ જૂથમાં બેઠા અને આખા આયોજનને અમે પણ ફરી ચકાસી લીધું અને ઊપડ્યા ગામની અંદર!

તેઓની પ્રશ્ન પૂછવાની રીત અને સામેવાળી વ્યક્તિ પાસેથી માહિતી જાણવા માટે પેટા પ્રશ્નો પૂછવાનું કૌશલ્ય નવાઈ પમાડે તેવાં હતાં. કેટલીક જગ્યાએ તેઓ ધારી માહિતી કઢાવી શક્યા નહીં અને તેમાં તેમને લાગ્યું કે આપણા આયોજનમાં આ થોડી મુશ્કેલી તો રહી જ ગઈ - પરંતુ એક કસરને પણ તેઓએ એવો જ વ્યવસાય કરનારા બીજા માણસોને મળીને પણ પૂરી કરીબધા જ ફોટોગ્રાફ્સ - વિડિયોઝ - ડ્રોઈંગ અને માહિતી લઈને શાળામાં પરત ફર્યાગ્રુપ ડિસ્કશન કરી તે માટેના અહેવાલ અને ડ્રોઈંગ બનાવ્યા સાથે જ તેઓએ તેના આધાર પર એક પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન તૈયાર કરવાનું પણ નક્કી કર્યું. તેમણે સમૂહમાં રજૂ કરેલા અહેવાલ વડે અમને સમજાય છે કે કેટલાય દિવસોની મહેનત પછી પણ અમે તેમને વ્યક્તિ- વ્યક્તિ વચ્ચે થતી વાતચીત એક વ્યક્તિ એક  વ્યવસાયને કેવી રીતે મૂલવે  છે તે ભાવ આપી શક્યા ન હોત. આ સિવાય તેમણે એ વ્યવસાયનો જે માનવીય અભિગમ કેપ્ચર કર્યો અને એ અમારા માટે બેગલેસ અને સ્માઈલફૂલ મોમેન્ટ્સ હતી.

માણો આ મોમેન્ટ્સ - મોટાભાગના ફોટોઝ અને વિડિયોઝ બાળકોએ જ કેપ્ચર કરેલા છે. – કિલક વડે માણો !






























No comments: