માતૃભાષા: અસ્તિત્વની બીજી ઓળખ !!
નાનો પણ મજાનો મહિનો એટલે ફેબ્રુઆરી! અમને એટલા માટે વધારે
ગમે કારણ કે આ મજા માણી શકાય તેવા મોટા બે પ્રસંગો આ મહિનામાં ઉજવીએ છીએ - 1. માતૃભાષા દિવસ 2. વિજ્ઞાન દિવસ. શૈક્ષણિક
સંસ્થાઓની વાત કરીએ તો આ બંને દિવસો ખૂબ મહત્વના છે, પરંતુ ખરેખર જો
બાળકોના જીવન અથવા તો દરેક વ્યક્તિના જીવનમાં સૌથી મહત્વનો દિવસ ગણવો હોય તો તે છે
માતૃભાષા દિવસ! શા માટે? એવો જો તમને પ્રશ્ન
થયો હોય તો આભાર માનજો તમારી માતૃભાષાનો! કે જેણે તમને આ પ્રશ્ન પૂછવાની વાચાને
શબ્દો આપ્યા! જેમ જેમ આગળ વાંચતા જઈશું, તેમ તેમ સમજતા
જઈશું.
વિચારો કે નાના તાજા જન્મેલા બાળકો ભૂખ લાગે અથવા તો કંઈક
દર્દ અનુભવે ત્યારે શા માટે ફક્ત રડે છે? કારણ કે તેનામાં હજુ
આપણે આપણી ભાષા અપલોડ કરી નથી! હા, આ શબ્દો એટલા માટે
વાપર્યા કે આપણે સૌ હવે ટેકનોલોજી જોડે એટલા બધા ઓતપ્રોત છીએ કે તેની ભાષા ઝડપથી
સમજીએ છીએ. એમાં ટેકનોલોજીનો વાંક નથી. જોકે આપણા સૌનો પણ નથી. કારણ કે સમજવાની
પ્રક્રિયા કરવી પડે એવા ટાસ્ક આપનાર સ્ત્રોત તરીકે મોટેભાગે હવે ટેકનોલોજી જ બચી
છે. એટલે સ્વાભાવિક છે કે તેમાં વપરાતી ભાષા બોલાય એટલે આપણી માનસિક પ્રક્રિયા
સતેજ બને!
આપણે વાત બાળકની કરતા હતા કે રડે છે શા માટે - તો ભાષાના
અભાવે! જેમ જેમ બાળક આસપાસની ભાષા તેના કાનમાં સંભળતી જાય છે તેને પોતાની લાગણીઓ
વ્યક્ત કરવા માટેની ભાષા મળતી જાય છે. દુનિયામાં આવ્યા પછી વ્યક્ત થવા માટે સૌથી
પહેલાં જરૂરી હોય તો તે છે - ભાષા! ફરી એકવાર આંખ બંધ કરીને યાદ કરો કે કેટલીકવાર
આપણી સામે એવી સ્થિતિનું નિર્માણ થતું હોય છે કે સામે વાળી વ્યક્તિ કોઈ સ્થિતિ -
સામગ્રી વિશે કંઈક પૂછતી હોય અને આપણે મૂંઝાઈ જતા હોઈએ કે શું બોલું? આ ક્ષણિક સ્થિતિનું સર્જન આપણી પાસે તે માટેના શબ્દો ન
હોવાને કારણે થતું હોય છે. અને આ શબ્દો એ જ ભાષા! તો પછી જે વ્યક્તિ પાસે પોતાની
ભાષા નથી, તે વ્યક્તિ વિશે વિચારીએ તો ખ્યાલ આવશે કે ભાષા એ આપણા સૌ
માટે હવા - પાણી - ખોરાક પછીની ચોથી મહત્વની જરૂરિયાત છે!
ભાષા પરથી આપણે આવીએ માતૃભાષા પર! સામાન્ય રીતે માતા દ્વારા
અપાયેલી ભાષા એટલે માતૃભાષા એવો અર્થ આપણે સૌ કરીએ છીએ! તેને થોડો વધુ વિસ્તારિયે
તો બાળકને જન્મથી જ તેના ઘરમાં - આસપાસના સમાજ - પર્યાવરણમાંથી સંભળાયેલી ભાષાને
માતૃભાષા તરીકે ગણી શકાય! એટલા માટે કે બાળક જે જે સાંભળતો જાય છે તે શબ્દો રૂપી
મણકા વડે ભાષા રૂપી માળા બનતી જાય છે. બાળક પ્રસ્તુત થવા માટે પણ એ જે સાંભળે છે
તેનો જ ઉપયોગ કરે છે. એટલે જ માતૃભાષા એ આપણી મા છે - એવું એટલા માટે જ કહેવાયું
છે - કારણ કે માતા આપણને જેટલી જલ્દીથી સમજી જાય છે, માતૃભાષા પણ આપણને
એટલા જ જલ્દીથી સ્થિતિને સમજાવે છે. આપણી માતૃભાષા જ આપણને અન્ય સામે વ્યક્ત થવા
અથવા આપણી લાગણીઓ-વિચારોને વ્યક્ત કરી આપણું અસ્તિત્વ સાબિત કરે છે. માટે જ આપણા
અસ્તિત્વની પ્રથમ સાબિતી જે રીતે આપણી માતા આપે છે, તે જ રીતે આપણા
અસ્તિત્વની બીજી સાબિતી આપણને આપણી માતૃભાષા આપે છે.
એટલે જ ફરી કહીએ કે આપણે સૌ વિશ્વ માતૃભાષા દિવસે
માતૃભાષાનું મહત્વ કરવા કરતા પણ આપણા અસ્તિત્વની સાબિતી આપતી આપણી બીજી માતાના
ગુણગાન ગાવાનો દિવસ છે.



No comments:
Post a Comment