સપ્ટેમ્બર 28, 2026

અંધારાનાં અરવિંદ

અંધારાનાં અરવિંદ

શાળામાં દરરોજ બાળકો આવે છે. આપણે તેમને જોઈએ છીએ, તેમની સાથે વાત કરીએ છીએ, તેમને ભણાવીએ છીએ, ક્યારેક ઠપકો આપીએ છીએ, ક્યારેક તેમની સાથે હસીએ છીએ. પરંતુ દરેક બાળક પોતાની સાથે એક આખી દુનિયા લઈને આવે છે, એ દુનિયા હંમેશા આપણને દેખાતી નથી. કોઈ બાળકના જીવનમાં માતા નથી. કોઈના જીવનમાં પિતા નથી. કોઈના જીવનમાં તો બંને નથી. કોઈ બાળક માટે રોજ શાળાએ આવવું પણ એટલું સરળ નથી. ઘરેથી નીકળ્યા પછી રસ્તામાં શું વિચાર આવે છે, એ આપણને ખબર નથી. ઘરે પાછા ગયા પછી તેને શું મળે છે, એ પણ ઘણી વાર ખબર નથી. છતાં સવાર પડે અને એ બાળક શાળાના દરવાજે આવીને ઊભું રહે છે.

કેટલાક બાળકોને જીવને તેમની ઉંમર કરતાં વહેલા મોટા બનાવી દીધા છે. તેઓ ટીનએજમાં છે, એટલે ઘણું બધું સમજી શકે છે. ઘરમાં શું થઈ રહ્યું છે, કોણ કેમ બોલે છે, પૈસાની અછત શું હોય છે, સંબંધોમાં તિરાડ શું હોય છે, અપમાન શું હોય છે, આ બધું તેઓ કદાચ આપણે વિચારીએ તેના કરતાં ઘણું વધારે સમજે છે. કોઈ બાળક એવું પણ છે જેના પિતાએ તેની માતા અને તેને જ ઘરમાંથી કાઢી મૂક્યા છે. એક બાળક માટે આ માત્ર ઘર બદલાવાની ઘટના નથી; એ તો સુરક્ષાની તેની આખી સમજ હલાવી નાખે એવી ઘટના છે. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે આ બધું પોતાના અંદર લઈને પણ એ બાળક શાળામાં આવે છે, મિત્રો બનાવે છે, રમે છે, હસે છે અને શીખે છે.

આપણે માનીએ છીએ કે આવી પરિસ્થિતિમાંથી પસાર થતો બાળક ડિસ્ટર્બ રહેશે. ભણવામાં ધ્યાન નહીં આપે. કદાચ શાંત રહેશે, કદાચ ગુસ્સે રહેશે, કદાચ વારંવાર ગેરહાજર રહેશે. આત્મવિશ્વાસ ઓછો હશે અને બીજા બાળકોમાં ભળી નહીં શકે. આ ધારણા ખોટી પણ નથી. આવી પરિસ્થિતિ બાળકના મન પર અસર કરે એ સ્વાભાવિક છે. પરંતુ બાળકની આખી વાર્તા એટલી જ નથી.

કારણ કે બાળક માત્ર પોતાની પરિસ્થિતિ નથી. તેમાં એક એવી શક્તિ પણ હોય છે જેને આપણે હંમેશા માપી શકતા નથી. કોઈક રીતે એ શક્તિ એક દિવસ બહાર આવવા લાગે છે. અને ઘણી વાર તો આપણને એ પણ ખબર પડતી નથી કે એ ક્યારે બહાર આવી.

આપણે  બે સ્થિતિ વચ્ચેનો તફાવત જોઈ શકીએ છીએ. એક સમયનું બાળક યાદ આવે છે અને આજનું બાળક સામે દેખાય છે. પહેલાં જે બાળક ખૂબ સંકોચાતું હતું, આજે નિર્ભયતાથી વાત કરે છે. પહેલાં જે બાળક એકલું બેસતું હતું, આજે એને મિત્રો છે. પહેલાં શાળામાં આવવું પણ ભાર લાગતું હતું, આજે એ રજાના દિવસે પણ શાળાની દરકાર કરે છે. પહેલાં પુસ્તક ખોલવું મુશ્કેલ લાગતું હતું, આજે નવી વાર્તા વાંચવાની ઉત્સુકતા છે. પહેલાં કોઈ જવાબ આપતાં પહેલાં વારંવાર આજુબાજુ જોતું હતું, આજે ભૂલ થાય તો પણ ફરી પ્રયત્ન કરે છે.

પણ આ બદલાવ કયા દિવસે આવ્યો? કઈ ક્ષણે આવ્યો? કયા શબ્દથી આવ્યો? કયા પ્રસંગે આવ્યો?

કદાચ આપણે કોઈ એક કારણ બતાવી જ ન શકીએ. કારણ કે માનવમનનું  પરિવર્તન ઘણી વાર કોઈ એક મોટી ઘટનાથી થતું નથી. તે તો નાની નાની ક્ષણોમાં થતું રહે છે. એક શિક્ષકે વિશ્વાસથી જોયેલું એક સ્મિત. કોઈ મિત્રએ પોતાના જૂથમાં ખેંચી લીધું હોય તે ક્ષણ. કોઈ નાની જવાબદારી સોંપાઈ હોય. પોતાની બનાવેલી વસ્તુને કોઈએ વખાણી હોય. રમતમાં જીત કરતાં પણ સાથે રમવાનો આનંદ મળ્યો હોય. વર્ગમાં પોતાની વાત કોઈએ ધ્યાનથી સાંભળી હોય. ભૂલ થઈ હોય છતાં અપમાન ન થયું હોય. કદાચ આવા અનેક અનુભવ બાળકની અંદર ક્યાંક જમા થતાં રહે છે. આપણને પ્રક્રિયા દેખાતી નથી. એક દિવસ પરિણામ દેખાય છે.



ટિપ્પણીઓ નથી: