બ્લ્યુ ડે - રેઇનબો નૉલેજ💙
કોઈપણ નવી બાબત જાણવા ઉત્સુકતા હોવી એ માનવસહજ સ્વભાવ છે. એવી જ રીતે નવી બાબતો શીખવાનું 'કહેવામાં આવે' ત્યારે દૂર ભાગવાનો પ્રયત્ન એ પણ સાહજિકતા જ છે. તમને થશે કે બંને વિધાનો તો વિરોધી છે તો પછી બંને સાચાં કેવી રીતે હોઈ શકે? જ્યારે અલગ અલગ દિશાએથી જોઈએ તો બંને સાચાં જ છે.
નવું જાણવું એ આપણા સૌનો સ્વભાવ છે, પરંતુ આપણ સૌને એ જ વસ્તુ, સ્થિતિ વિશે જાણવામાં - શીખવામાં રસ હોય છે જેમાં આપણને “રસ” હોય છે ! જ્યારે આપણને શીખવા માટેના વિષયોમાં ઓપ્શન મળતા હોય ત્યારે આપણે જે તે વિષયના આપણા ખૂટતા જ્ઞાન આધારે પસંદ નથી કરતા હોતા, પરંતુ આપણા રસિક વિષયને જ પસંદ કરતાં હોઈએ છીએ. આપણને ગમતા વિષયનું આપણું જ્ઞાન અન્ય વિષયોની તુલનામાં સૌથી વધારે હોય છે જ ! પરંતુ ખૂટતું ઉમેરવામાં પણ આપણે આપણી રસિકતાને નથી છોડી શકતાં.
શાળામાં બાળકોને જ્યારે જ્યારે કહેવામાં આવે કે ચાલો શીખીએ ત્યારે તરત જ તેઓ શીખવા પ્રત્યેથી પોતાનું વલણ બદલી લેતાં હોય છે. કોઈ કહે એ શીખવું એ આ દુનિયાનું સૌથી અઘરું કાર્ય છે! આપણા અને આપણા મગજ બંનેને અલગ અલગ રીતે જોઈએ તો આપણા કરતાં આપણું મગજ વધારે ચકોર હોય છે એટલે તેને કામે લગાડવા આપણે કેટલું જોર લગાડવું પડે તે તો તમે ફક્ત આંખો બંધ કરીને જ વિચારી શકો છો. આપણે લગાવેલા જોરની પીડા પણ આપણે અનુભવતાં હોઈએ છીએ એટલે જ તો ઘણીવાર કહીએ છીએ કે આ વાત સમજવામાં તો મારા મગજની નસો ખેંચાઇ ગઈ ! આવી પીડા કદાચ મોટી ઉંમરના આપણે નવું શીખવા માટેનો ઉત્સાહ કે કારકિર્દી બનાવવાની લાલચે સહન કરી લઈએ પણ ખરા ! પરંતુ બાળકો આ પીડા શા માટે સહન કરે એનું કોઈ કારણ આજદિન સુધી મળ્યું નથી.
આવી પીડા થાય તેવું કોઈ કામ બાળકો કરવા તૈયાર નથી હોતાં કેમકે ભણાવવું તો આપણે છે. તો શું કરી શકાય એવા પ્રશ્નોના જવાબમાંનો એક જવાબ છે 'બાળકોને જ્ઞાનનું એટલે કે તે જે વસ્તુ શીખવાનો તેને તેની રસિક પદ્ધતિએ પીરસી શકાય. વર્ગખંડમાં વિષયવસ્તુનો એવો મોહનથાળ પીરસીએ કે જેને ચાવવાની મજા પડતી હોય તે ખાઈ શકે અને ચાવવાની આળસવાળા એને પી શકે. આપણે સૌ જ્યાં સુધી તેમના ગમતા ફોર્મેટમાં તેને શીખતું કરવા માટેના પ્રયત્નો નહીં કરીશું, શીખવું એમને મન પીડાદાયક પ્રવૃત્તિ હોવાનું ઘર કરી જશે.
આવામાં જ્યારે બાળકોને ધોરણ ચારમાં અંગ્રેજીમાં રંગોને જાણવાની અને ઓળખવાની વાત આવી ત્યારે એ બાળકોએ તો જલ્દીથી જાણી જ લીધું જેમના માટે અંગ્રેજી રસિક હતું. બાકીના માટે શું કરવું એવા વિચારોએ શાળાને કલર્સ ડેનું આયોજન કરવા પ્રેર્યા. શાળામાં આવતીકાલે બ્લ્યુ ડે છે. એવી જાહેરાત થતાં જ એ બાળકો પણ પૂછવાની જરૂરિયાત ઊભી થઈ કે અલ્યા આ બ્લ્યુ એટલે !અમે જાણી ગયાં કે હા લ્યા, હવે આમનું શીખવાનું શરૂ થઈ ગયું.. પછી તો દોડવું હતું ને ઢાળ મળ્યાની જેમ બાકીના બાળકો માટે પણ ટાસ્ક આપી કે..
·
ગણજો કેટલા પ્રકારના બ્લ્યુ છે?
·
દુનિયામાં કેટલા કલર છે?
·
માણસની આંખ કેટલા રંગ ઓળખી શકે ?
વધારે અપેક્ષા તો અમને એ પણ હતી કે કેટલાક શેડ બ્લ્યુ કલરમાં ગણાય કે ન ગણાય તેનો બાળકો વચ્ચે વિવાદ થશે. પણ આ અપેક્ષા 'બ્લ્યુ ડે'માં ઠગારી નીવડી. હા, કદાચ આવનારા આગળના કલર્સ ડે માં એવા વિવાદ થશે એવી અમને આશા છે. કારણ કે બાળકો દરેક બાબતમાં વિવાદ અને ત્યારબાદ તેના માટે થયેલા સંવાદમાથી શીખે જ છે ! એ વિવાદની અપેક્ષા સાથે બ્લ્યુ ડે ને માણીએ ! > બ્લ્યુ ડે
No comments:
Post a Comment