બાળમેળો અને બાળ આયોજન ! 🔆
“શાળા બાળકો માટે જ છે.”
એવું જ્યારે બોલીએ છીએ ત્યારે “બાળકો પણ શાળા માટે છે.” આવું વગર
બોલ્યે સંભળાતું હોય છે. શાળા ચલાવવાનો
કાર્યભાર શાળા વ્યવસ્થાપન સમિતિ પર કે પછી શાળાના આચાર્ય અથવા તો શિક્ષકો કે પછી ગ્રામજનો પર હોય છે.એવું
આપણે સૌ માનીએ છીએ. અને છે
પણ ખરું ! પરંતુ ખરા અર્થમાં જો શાળાનો કાર્યભાર ચલાવાનું કાર્ય જેઓના ખભા ઉપર છે તે છે શાળાનાં બાળકો. વિચારો કે શાળામાં આયોજિત કાર્યક્રમમાંથી બાળકોની બાદબાકી કરવામાં આવે તો ? તો પછી
તરત બીજો પ્રશ્ન પૂછાય કે તે સ્થળને શાળા તરીકે ગણવી કે નહીં ? કેમ કે બાળકો માટે જ જે સંસ્થા
કાર્ય કરતી હોય તેમાં બાળકો દ્વારા મહત્ત્વની ભાગીદારી ન સ્થપાય તો
પછી પણ તે સંસ્થા બાળકો માટે કામ કરી રહી છે તે કહેવું શંકા ઉપજાવતું વિધાન છે.
સમયાંતરે શાળામાં વિવિધ કાર્યક્રમો આવતા હોય છે. ક્યારેક શાળાની
પ્રતિકૂળતા અથવા તો કહીએ કે અન્ય મહત્ત્વની કામગીરીનો પાછલો બાકી રહેલ બોજને કારણે ઘણીવાર શાળાઓ પર આવતા ઘણાં બધા કાર્યક્રમો કે સ્પર્ધાઓ વગેરે કાર્યની જગ્યાએ "કાર્યભાર" બનતો લાગતો હોય છે. અગાઉના આવેલા
ભારમાંથી બહાર નીકળવા મથતાં મથતાં નવો આવેલો ગમે તેટલો બાળપ્રેમી કાર્યક્રમનો પત્ર પણ ભાર અનુભવડાવતો લાગે છે. સાથે સાથે
દિવસે દિવસે વધતી ઉંમર કે જે આપણને બાળક મટાડી શિક્ષક, આચાર્ય બનાવી દેતી હોય છે, જે આપણને
આવા પત્રોને ભારરૂપી નજર આપવાનું કામ કરતી હોય છે. એમાં આપણો
વાંક નથી. એમાં આપણી
ઉંમરનો વાંક છે. હા,
ઉંમરનો ! યાદ કરો કે આપણે પુત્ર કે પુત્રી તરીકે જીવતાં હતાં ત્યારે આનંદમેળામાં જવાનું એ કામ કે
ભાર નહીં એન્જોયમેન્ટ હતું. અને હવે જ્યારે પિતા કે માતા બન્યાં, પહેલાંના કરતાં પણ શરીર વધુ સુદૃઢ બનવા છતાં આજે બાળકો આનંદમેળામાં જવાનું કહે તો પણ તે વિધાન આપણને ફરજરૂપી કામ કે કામભાર લાગતું હોય છે. એ આનંદ
હવે ભાર બન્યો એ આપણને પણ
ખબર નથી.
શાળામાં પણ આ જ સ્થિતિ
નિર્માણ પામતી હોય છે ત્યારે તે માનવસહજ સ્વભાવગત સ્થિતિના કાર્યભારમાંથી બહાર લાવવાનું કામ બાળકો જ કરી શકે
છે. બાળકોમાં દરેક
સમયે ઉત્સાહ એકસમાન હોય છે. શાળા અને
કેમ્પસની જેમ શાળામાં ઉજવાતા કાર્યક્રમો પણ બાળકો માટે જ છે તો
પછી તેનું આયોજનનો ભાર આપણે શા માટે લઈને ફરતાં હોઈએ છીએ ? નાગરિક ઘડતર
પ્રવૃત્તિ અંતર્ગત શાળા સંચાલન બાળકોને સોંપાયું [ કે જે ખરેખર એમનું જ હતું
! ] ત્યાર પછી ધીમેધીમે શાળા સંચાલનમાં મોટીભાગીદારી બાળકોની બની છે. એમના માટે
નવા આવતા કાર્યક્રમો નવા નવા તહેવારો જેટલો ઉમંગ દર્શાવે છે.
બાળકોને મજા કરાવતો બાળમેળો ઉજવણી માટેનો પત્ર જ્યાં ક્યાંક કાર્યભાર લાગતો .અહીં તો જાણે કે રાહ જોવાતી હોય તેવું લાગ્યું. પત્ર આવતાં જ શાળા પ્રમુખે
ગ્રુપ લીડરને સ્ટોર ફાળવ્યા અને ગ્રુપ લીડર પણ જાણે રાહ જોઈને બેઠાં હોય તેમ સભ્યો સાથે મળી શું શું જોઈશેની યાદીઓ શણગારવા લાગી પડયા ! પહેલાં તો પત્રની પ્રિન્ટ અમે પ્રમુખને હાથોહાથ સોંપતા અને પત્ર વિશે ચર્ચા થતી. હવે તો
પ્રિન્ટ પણ તેઓ જાતે જ કાઢી લે
છે.
આનંદ એ વાતનો છે
કે તેઓ એટલા આનંદ અને ઉત્સાહથી સુચારુ આયોજન કરે છે કે અમને તો ડર છે કે આ બધાં બાળકો
ભેગાં થઈ એક દિવસ એવો ન આવે કે
ઉજવણીમાંથી એમને જ બાકાત ન કરી દે !!
ચાલો, આવા જ એમના આયોજન
વડે બાળમેળાની ઉજવણી થઈ! અમે સૌ
સાથે મળી માણવાની મજા લીધી, ફોટોગ્રાફ્સ વડે તમે જોવાની મજા લઈ શકો છો.
> પંકચર , પાઇપલાઇન, લેપટોપ જાણો
> અનાજ વીણતા શાક સમારતાં , ચા બનાવો !
No comments:
Post a Comment