શીખવવાનો સમય ઘટાડો, સમજવાનો સમય વધારો !
પોતાના વર્ગખંડનાં બધાં જ બાળકોને શીખવીએ એ બધું જ આવડી જાય
તે તમામ શિક્ષકોનું સપનું હોય છે. ફક્ત શિક્ષકો નહીં દરેક વાલીની પણ આવી જ ઈચ્છા
હોય છે કે મારા બાળકને પુસ્તકમાં સમાવેલું / શીખવવામાં આવે એ બધું જ આવડતું હોય.
માબાપ કે શિક્ષક જ નહીં – બાળક પોતે પણ એવું જ ઈચ્છતું હોય છે કે મને બધું જ આવડે.
સાહેબના દરેક પ્રશ્નનો જવાબ આપવા હું પણ આંગળી ઊંચી કરું. સાહેબ, હું બોલું.. સાહેબ હું
બોલું.. એવું કહેવાનું મન દરેક બાળકનું થતું હોય છે. શિક્ષક ઇચ્છિત છે, વિદ્યાર્થી ઉત્સાહિત
છે અને વાલી પ્રોત્સાહિત છે છતાં પણ વર્ગખંડમાં ઘણીવાર પરિણામ જોતાં શિક્ષક તરીકે
નિરાશા અનુભવાય એવું બને છે. પરિણામે બળાપા રૂપે બોલાઈ જવાતું હોય છે કે “હું તો ભણાવી ભણાવી
થાક્યો પણ બાળકોને આવડતું જ નથી”. આવું થવા પાછળ ઘણાં
પરિબળો ભાગ ભજવતાં હોય છે.
વર્ગખંડમાં આપણે શિક્ષક તરીકે ખૂબ જ મહેનત કરીએ છીએ.
બાળકોને જે તે વિષય વસ્તુ કે લર્નિંગ આઉટકમ માટે જરૂરી તમામ લર્નિંગ મટિરિયલ સાથે
સજ્જ થઈ વર્ગખંડમાં જઈને મંડી પડતાં હોઈએ છીએ. અહીં “મંડી પડતાં” શબ્દ થોડો ખટક્યો ને? – ખટકશે કારણ કે આપણે
શિક્ષક છીએ અને લાગણીઓ આપણા સ્વભાવમાં વણાઈ ગઈ છે. એટલે લાગણીશીલ તરીકે ખટક્યો કે
ખરાબ લાગ્યો હોય તો માફી માંગી ફરીથી કહું છું કે ‘ખરેખર આપણે
વર્ગખંડોમાં જઈને મંડી જ પડીએ છીએ. વિચારો કે આપણી કોઈ શૈક્ષણિક તાલીમમાં આપણે
બેઠાં છીએ. અને તજ્જ્ઞ તમને નવીન પદ્ધતિ કે વિષય પર નવું સમજાવી રહ્યા છે.
ઘણુંબધું મટિરિયલ સાથે ઘણુંબધું કહી જણાવી દેવાની લાલચમાં પૂરો તાસ તમને શીખવ્યા જ
કરે છે. – તો શું
બધાં જ બધું સમજી જાય છે? એક જ વારમાં જે સમજી ગયાં તેમને ફરીથી તે સાંભળવામાં રસ હોય
છે ? આખો તાસ
અથવા તો વધુમાં વધુ સમય ફક્ત તજ્જ્ઞ ફાળે ગયો અને તમે સાંભળ્યું તે સમજવાનું અને ન
સમજાયેલું ફરીથી પૂછવાની તક ન મળી તો તે તાલીમ તમને કેટલી ઉપયોગી બની કહેવાશે?
વર્ગખંડોમાં પણ ઘણીવાર આવું બનતું હોય છે. શીખવવાના નિર્દોષ
ઉત્સાહની સાથે આપણે કેટલીક બાબતો ભૂલી જતાં હોઈએ છીએ. જેમકે એક તાસ દરમિયાન
બાળકોને શીખવવાનો teaching time અને સમજવાનો સમય learning time આ બંનેનું બૅલેન્સ નથી
કરી શકતાં. બાળકો પક્ષે સમજવાનો સમય મોટાભાગના તાસમાં ગાયબ હોય છે. પરિણામે તાસના
અંતે શિક્ષક પક્ષે “ઘણું જ ભણાવ્યું” નો સંતોષ અને
વિદ્યાર્થી પક્ષે “ઘણું જ સાંભળ્યું” નો થાક હોય છે. જ્યારે
કસોટીમાં બાળકોને પૂછાય છે કે “શું શું સમજ્યા?”. અને પછી બાળકો સમજતા જ
નથી, ભૂલી
જાય છે, શીખતાં
જ નથી જેવા ડાયલોગવાળું પરિણામ આપણી સામે આવતું હોય છે. ત્યારે તાસનું રેકોર્ડીંગ
રિવાઈન્ડ કરી જોઈ લઈએ ત્યારે ખ્યાલ આવે કે આપણે વર્ગખંડમાં ગયાં હતાં ટીચર તરીકે
એટલે કે ટીચ કરનાર પણ આપણે લેક્ચરર તરીકેનો રોલ ભજવીને તાસ પૂરો કર્યો હોય છે. અને
આપણે જે ઉંમરનાં બાળકો સાથે કામ કરી રહ્યાં છીએ ત્યાં સાથીની (જે શીખવતી વખતે
શીખનારને નાનપ ન અનુભવવા દે) જરૂર છે; નહીં કે લેક્ચરરની !
શું કરવું એવો જો તમને પ્રશ્ન થતો હોય ? તો આવું કરી શકાય તેવો
અમારો અંદાજ છે..
ü શીખવી દેવાની લાલચ ટાળો.
ü તમે જે જણાવવાના છો તે
જાણવા માટેની બાળકોમાં ઉત્સુકતા ઊભી કરી તેમને છોડી દો.
ü જે તે વિષયવસ્તુ જાણવા
સમજવાનું લર્નિંગ મટિરિયલ વિદ્યાર્થીઓને હાથવગું હોય એવું બનાવો.
ü જૂથ બનાવી વ્યક્તિગત
પૂરક પ્રશ્નો પૂછી જાણતા રહો કે બાળક ક્યાં ક્યાં અટકે છે?
ü બાળક-બાળક વચ્ચે સંવાદ ઊભો
કરાવી પોતાનો રોલ ઘટાડો..
ü તાસના અંતે શું શું
શીખ્યા એ બાળકોને પૂછી તાસ સમેટો, જેથી તાસના અંતે બંને
પક્ષે ફરી યાદ કરી લેવાય કે આજે આપણે શું શીખ્યાં ? [ સાથે કાલે કેટલી અને
કેવી તૈયારીઓ સાથે આવવું પડશે તે પણ આઇડિયા આવે]
અપેક્ષા છે કે પરિણામ મળશે અને જો પરિણામ નહીં મળે તો
પ્રયત્ન કરતાં કરતાં સૌને પોતાના વર્ગખંડોની સ્થિતિ મુજબના નવા ઉકેલો ચોક્કસ મળશે.
એ ઉકેલો પણ અમારી સાથે શેર કરજો. કારણ કે શીખતાં રહેવું એ જ તો શિક્ષકનો ગુણ છે.
દિવાસળી વડે ખૂણા !!
No comments:
Post a Comment