May 01, 2018

રંગભર્યું રૂડું રૂપાળું મારું ગામડું ! [ ગ્રામોત્સવ-૨૦૧૮ ]



રંગભર્યું રૂડું રૂપાળું મારું ગામડું !


રંગભર્યું રૂડું રૂપાળું મારું ગામડું એ કવિતા ગવાતી ત્યારે સતત મનમાં એ રહ્યા કરતુ કે ક્યારે આ પંક્તિઓ નવા નદીસર વિષે... ગાઈ શકાશે ?
         રાજ્યના ખૂણે ખૂણેથી આવીને વસવાટ કરેલા લોકોમાં સંપ અને સુમેળ સામાન્ય ગામ જેવો ના હોય તે સ્વાભાવિક છે. અને એમાંય એકબીજા સાથે બેસીને કોઈક વાતમાં એકમત થવું એવું એક પણ લક્ષણ જોવા ન મળે ! દરેકને પોતપોતાના આગવા ચોકા શાળા ઘણા ડોકટર્સ કે ઇજનેર પેદા કરી શકે કે ના કરી શકે, એને સદાય ગૌરવ રહેશે કે એણે ગામની જિંદગીને સ્પર્શ કર્યો છે. પ્રેમનો સ્પર્શ ! છેલ્લા કેટલાક વર્ષોમાં ગામ અને શાળા એકરૂપ થવાની પ્રક્રિયા ઝડપી હતી પણ એમાં ય જેમ બ્રહ્માંડ ની રચના એક મોટા બેંગ સાથે થઇ, એમ ગામ શાળા વચ્ચેની એ આખરી પાતળી દીવાલ લેપટોપે કરેલ અપ એન્ડ ડાઉન ના પ્રસંગ સાથે તૂટી ગઈ ! “શાળા સમાજનું ઘડતર કરે છે !” એ વાક્ય અમે શાળાની દીવાલ પર નથી લખ્યું પણ જાણે એ જીવંત થઇ આ ગામ પર ફરી વળ્યું ! શાળામાં ભણતા બાળકો જાદુ કરી શકે છે અને એ જાદુ એટલે શિક્ષણ મેળવીને પોતે જ નહીં પોતાના માતા-પિતાનામાં પણ પરિવર્તન લાવી શકે છે અને પરિવર્તન ગામના સ્વભાવમાં ઝળકી શકે છે તેનું ઉદાહરણ આ વખતે અમને જોવા મળ્યું !

વાર્ષિક પરીક્ષા પ્રમાણમાં થોડી વહેલી લેવાય અને  ત્યારબાદ ઘણા વિદ્યાર્થીઓ તો પોત પોતાના ઘરે જશે (શાળામાં ભણેલી દીકરીઓ પરણીને ગમે ત્યાં જાય પણ એમના સંતાનોને ભણવા તો આ શાળામાં જ મુકે, એટલે બીજા બાળકો વેકેશનમાં મામાને ઘરે જાય ત્યાં નવા નદીસરમાં વેકેશનમાં પોતાના ઘરે જાય)  પણ કેટલાક એવા હશે જે દરરોજ ઉઠીને શાળાએ આવશે તેમને મજા પડે તેવું શું કરાવીએ? તેના જવાબરૂપે અમને અમારો અભ્યર્થના સમારોહ વધુ ભવ્ય કરવાનો વિચાર આવ્યો, આમેય છેલ્લા બે મહિનાથી કહ્યા કરતા હતા એકવાર પરીક્ષા પતી જાય પછી દરરોજ નાચીશું, ગાઈશું અને ફિલ્મો જોઈશું ! એ વાયદાઓને આધારે શાળામાં જેટલા પણ વિદ્યાર્થી આવે તેમને જુદાજુદા સાંસ્કૃતિક કાર્યક્રમોની પ્રેક્ટિસ કરાવવાનું નક્કી થયું. પ્રેક્ટિસ ના સમાચાર ગામ સુધી પહોંચ્યા અને ગામમાંથી સમાચાર વળતા આવ્યા “કાર્યક્રમ શાળામાં નહીં ગામમાં કરીએ તો ?”
પ્રસ્તાવ તો ઘણો ઉત્સાહ જનક હતો પણ એની સાથે ચિંતાનો પણ ખરો; આ બધું કાર્ય તેઓ કેવી રીતે પૂરું પાડશે? શાળામાં બધી જ સગવડો ઉપલબ્ધ છે પણ જો ગામની વચ્ચે એ કાર્યક્રમ કરવાનો થાય તો સ્ટેજ, બધાને બેસવા માટેની જગ્યા, સાઉન્ડ, લાઈટ ! આ બધુ અને એનાથી  સૌથી વધુ ચિંતાનો વિષય શાળામાં કાર્યક્રમ થાય તો બધા જગ્યાની અદબ જાળવે પણ ગામ વચ્ચે કાર્યક્રમ કરીએને કોઈ લડી પડ્યા તો વર્ષોથી સાંધતા આવ્યા એ તિરાડ ખુબ મોટી થઇ જાય !
એ બધાનો ઉત્સાહ જોઈ, એમનું દિલ દુભાવવાનું મન નહોતું જ ! આખરે અમે સૌ સાથે મળીને જીવતા જ શીખીએ છીએ... તો એકવાર આમ પણ કરી જોઈએ. એટલે ઠરાવ્યું કે હવે આ કાર્યક્રમમાં અમારી હિસ્સેદારી માત્ર ગામના સભ્ય જેટલી, બધા કહે એ મુજબ અમે ભાગીદાર....અમારા ભાગે આવ્યું શાળા વિષે, બાળકોના અનુભવો, શાળાના શિક્ષકો વિષે કહેવાનું અને કાર્યક્રમને ઈન્ટરનેટ પર લાઈવ કરવાનું.
        સૌએ રાત દિવસ મહેનત કરી સ્ટેજ બનાવવા, લાઈટ કરવામાં, મોટા સ્ક્રીન પર પ્રોજેક્શન કરવા... પહેલી મેં નો બપોરનો તડકો કોઈને ય આકારો ના લાગ્યો ! મંડપ અને સ્ટેજ પરના ઝગારા જોઈ એમ થયું કે આટલું સુંદર તો અમે ય નહોતું વિચાર્યું, તોય પૂછે હજુ કૈક ખૂટતું હોય તો લઇ આવીએ! સાઉન્ડ માટે નવરંગ બેન્ડનો પૂરેપૂરો સામાન અને ટીમ ઉતારી દીધી હતી ! youtube લાઈવ માટે જુદો, ફોટોગ્રાફી જુદી અને વિડીયો રેકોર્ડીંગ જુદું ! ટૂંકમાં ગામમાં હતા એ બધા સોર્સીસ અહિયાં ઉપલબ્ધ ! છતાં એક જ ધૂન હજુ સારું શું કરીએ ? ફટાકડા લઇ આવ્યા, પાણીના જગ કહેવાઈ ગયા ! ગામનો, ગામ માટેનો જ કાર્યક્રમ એટલે આયોજક ય ગામ અને મહેમાન ય ગામ ! છતાં કોક બહારથી આવે તો ? ખુરશીઓ ય મુકાઈ !
કાર્યક્રમ વિષે બોલવા માટેના શબ્દો નથી... બસ હજારેક માણસ ભેગું થયું ને સૌ એક જ વાતથી રોમાંચિત કે આજે આખું ગામ ભેળું છે ! કોઈ નાત જાતનો કે કુટુંબનો નહિ આ ગામનો તહેવાર છે ! પરિણામ ? પાણી માટે લવાયેલા જગમાંથી પાંચ જ વપરાયા ! એક જ મોદમાં આખું ગામ એક થઇ આ ઉત્સવમાં એકાકાર હતું.
પ્રસ્તુત થયેલા કાર્યકમો પણ મેઘધનુષી જેમાં હજુ શાળાના ચોપડે નામ નથી આવ્યું એવા ટાબરિયા થી લઇ શાળામાંથી ભણીને આગળ વધેલા યુવાનો ય ભાગ લીધો !

માણવો છે અમારો એ જલસો ? તો માણો નીચે ફોટોગ્રાફ્સ વડે અને તેની નીચે મુકેલ વિડીયોગ્રાફીની લીંક ધ્વારા ! 






































 



📹વિડીયો ગેલેરી 




















No comments: