અમારાં ઝાકળ બિંદુઓ
બચેલી એ ભીનાશને આપણી આંખોમાં મૂકી,
લાગણીઓના
ઝાકળ બિંદુઓ સમયના સૂરજ સાથે જાય છે ઉડી !
શિક્ષકના વ્યવસાયમાં આ એક
એવી ક્ષણ હોય કે જ્યાં એ લાગણીના દંગલમાં સપડાઈ જાય – આઠ વર્ષ સુધી
જેમની સાથે રક્ત પણ એકરૂપ થઇ જાય તેવા બાળકોને હવે રોજ નહિ મળી શકીએ એમ કહેવાનું ! એક તરફ તેઓ આગળ
અભ્યાસ માટે જાય છે તેની ખુશી તો હવે રોજ રોજ તેમની આંખો અમને નહિ શોધતી હોય તેનું
દર્દ !
શાળાએ ગત વર્ષમાં
કેટલાક માઈલસ્ટોન પ્રાપ્ત કર્યા ! વિવિધ એવોર્ડ્સ અને સ્પર્ધાઓ જીતી ! શાળામાં પ્રથમ
વખત પ્રમુખની ચૂંટણી થઇ. શાળાના બગીચાને વધુ હરિયાળો અને આયોજનબદ્ધ કરાયો. જ્ઞાનકુંજ પ્રોજેક્ટ શરૂ થયો ! અને આ બધા
કાર્યોમાં જેઓની ભૂમિકા ચાવી રૂપ હતી એ સૌ હવે નવમાં ધોરણમાં ગયા !
સેજલ અને રાહુલ, શાળાના પ્રમુખ અને ઉપપ્રમુખ ! ચુપચાપ રહેતો એ
છોકરો કેટલી છુપી સ્કીલ્સ ધરાવે છે. સંગઠનનું દરેક કાર્ય એને સુપેરે પૂરું પાડ્યું. વચ્ચે અકળાઈ ગયો – “આ રાજીનામું લઇ
લો મારું, પણ આ બધા લાપરવાહ હોય ત્યાં મારાથી કામ નહિ થાય !” સેજલ વળી એનાથી ચબરાક – “પણ હું શું કરું ?” એ એનો તકિયા કલામ
! છતાં બેઝીઝક
કોઈપણ ને એના મોં પર ચોપડાવી જ દેવાનો એનો ગુણ !
વિજય અને મુન્નો, બંને અમારા પૈકી
કોઈના પણ ખભે હાથ મૂકી તમને ફરતા જોવા મળી શકે ! બીજી કોઈક
શાળામાં જઈ વર્ગમાં જાય તો છોકરાઓ સર આવ્યા કરીને ઉભા થઇ જાય ! વીરેન્દ્ર અને
રોહિત- રોજ નિશાળ
આવવાનું તો ખરું જ – પણ આનંદ એ વાતનો સૌથી વધુ લે કે સંધ્યા સભા કેવી રીતે બંક કરી શકાય ! કબડ્ડીમાં બલૂન થતો
રામચંદ્ર ! છૂપો રુસ્તમ રવિ... પોતાની શક્તિ અને મર્યાદા – એ ઓળખી ગયો છે ! મેહુલ, જાણે જીવતું
ગણિત ! છેક ચોથામાં હતો
અને મેથ્સ ઓલમ્પિયાડ જીતેલી ! અને એન.એમ.એમ.એસ ની પરીક્ષા
માં મેરીટમાં આવ્યો. મોડું ઉઠવું અને સવારની શાળા હોય ત્યારે પ્રાર્થના શરૂ થયા પછી જ શાળાએ આવવું
એ એની ઓળખ !
“જો મૈ બોલતા હૂં, વો મૈ કરતા હૂં; જો મૈ નહિ બોલતા
વો મૈ ડીલીટ કર દેતા હૂં !” નો ડાયલોગ મારતો અને મોતીના દાણા જેવા (હજુ એનાથી વધુ
સારી ઉપમા હોય તો એવા) અક્ષર સાથે પોતાની જીભ કાઢીને લખતો જયરાજ ! જે આપે એ ચીતરી
દે – અને તેમાં ના
થાકે ! ચિત્રમાં અત્યાર
સુધીનો શ્રેષ્ઠ દેખાવ કરનારો અંકિત ! – એનું નૃત્યનું પાસું ગ્રામોત્સવ વખત જ ખુલ્યું
! જ્યારે પ્રેકટીસ કરાવતા
ત્યારે સ્ટેપ્સ યાદ રાખે પણ રીધમ ના હોય, સતત લડવામાં આવે કે “અન્કીત્યા, સ્ટેજ પરથી નીચે
ઉતારી દઈશ...ભૂલી જા કે સ્ટેજ છે એ જ યાદ રાખ કે હું
એટલો ખુશ છું એટલે નાચું છું !” અને
જયારે સ્ટેજ પર પહોચ્યો ત્યારે જે ઝૂમ્યો છે (પહેલીવાર એવી લાગણી થઇ કે ક્યાંક અમારી નજર એને
ના લાગી જાય )
જેનામાં વર્ષના અંત સમયે
જેના દરેક કામમાં જવાબદારી લેવાનું વલણ વધ્યું અને પોતાની પરિપક્વતા ઝલકાવતો રાકેશ
! જેનું અડધું સત્ર
એના કુટુંબના વ્યવસાયથી હોમાઈ ગયું એવો સુનીલ ! પોતાની એક આંખથી
ઝઝૂમતો અને શક્ય તેટલું કાર્ય કરવા મથતો સીમિત. અને શાળાના ફૂલ
છોડને જેના પર વિશેષ પ્રેમ છે તેવો મનોજ ! બધા નંગ હતા નંગ ! 😊
જેના એ.પી.જે. અબ્દુલ કલામ
વિશેના પ્રથમ વક્તવ્યમાં ખુશીથી અમારી
આંખ ભીંજાઈ ગઈ હતી અને પછી તો એ એક પછી એક શ્રેષ્ઠ વક્તવ્યો આપતી જ ગઈ એવી મનીષા ! “જો ને સાહેબ !” થી એનું ખીજાવું સાંભળીએ
એટલે અમારું ખાવાનું પચે ! પુસ્તકાલયને જીવંત કરવા ખુબ મથી છે ! ફિલ્મી ગીતો
ગાવાના અને તેની દ્ધોન પર નવા શબ્દો જોડી કાવ્યો રચાવાનો શોખ જેમને પંચમહાલના
ટોચના ઉત્સવ પંચમહોત્સવ સુધી લઇ ગયો એવી કૃપાલી અને નિકિતા ! બંનેની નિખાલસતા
એટલી કે તેઓએ ક્યારેય શબ્દોને ફિલ્ટર નથી કર્યા...અને જે મનમાં
આવ્યું એ કહી જ દીધું.. પોતાની વાતને મુદ્દાસર લખવી એ એમનું આગવું લક્ષણ !
“જો જતા રહો, ચંદુ સાહેબ નહીંતર
આ આ ઢગલામાં ગોબી દે !” ની ધમકીથી જેની શાળા શરૂ થયેલી અને પછી રોજ શાળામાં આવ્યા
વગર જેને ચેન ના પડે એવી નિશા ! છેલ્લા ફળિયામાં રહેવું, ખેતીકામમાં પૂરી
હિસ્સેદારી રાખીને ય જેઓ આઠ ભણી એવી મનીષા અને મીનાક્ષી ! દોસ્તીમાં કાજલ
અને હીનાની જોડી ખાસ ! હિનાએ પોતાની શારીરિક સમસ્યાને અવગણીને જીંદગીને ઓળખી છે. બિન્દાસ કોઇપણ
કામમાં ભાગ લેવાનો જ અને સમસ્યા કોઈપણ હોય એની સામે આંસુ નહિ જ સારવા તે એનું
લક્ષણ ! તેની બાજુમાં જ
રહેતી અને તેને પહેલામાં દાખલ કરવા રીતસરની તેના પિતા પાસે ભિક્ષા માગી હતી એ
જાગૃતિ આઠ પાસ કરી જ દીધું !
ઘર ફેરવાઈને ખેતરના શેઢે, ગામથી બે
કિલોમીટર દૂર ગયું પણ એનું શાળા તરફ આવવું ના રોકાયું એવી પ્રેમિલા ! તો રોજ દોઢ
કિલોમીટર દૂરથી આવીને ય હાજરી અક્ષત રાખી એવી રેણુકા ! ભણવામાં કાચી હતી
એમ બધા માનતા પણ જે સમાજને જે રીતે ઓળખાતી થઇ ગઈ છે એવી નીરૂ, એનું સંભાળી લેશે
એવી તો થઇ જ ગઈ ! વર્ષો થાય આવા ચમત્કાર
કરતા અને અમારા હાથે થયેલો એક એવો ચમત્કાર એટલે અમારી ગર્વની મુસ્કાન સેજલ ! મૌન રહેવું અને
કોઈક પૂછે તો જ આંખો ઉંચી કરવી એવી ટેવ ! સામાન્ય રીતે નીચું જોઈ રહેતી એ છોકરીએ આખા
ગામનું મસ્તક ગર્વથી ઊંચું કર્યું એવી - ગોળાફેંકમાં રાજ્યસ્તરે પહોચેલી શિલ્પા ! સ્ફૂર્તિપુંજની
મુરત એવી અમારી “મેરે રશ્કે કમર....” એમ ગાઈને ખીજાવીએ કોઈક વળી રસ્લી ગુલ્લી...કહી ખીજાવીએ એવી
રશ્મિકા ! અમારા વડે લેવાતી પરીક્ષામાં પ્રથમ ક્રમાંકે નહોતી પાસ થતી પણ જીંદગીમાં સૌથી
વધુ ગુણ મેળવશે જ !
સૌ ચાલ્યા છે, જીવંત જીવન
જીવવાનો વાયદો કરી !
તમે અને અમે ભેગા મળી એવી
પ્રાર્થના કરીએ – “બસ એમના માર્ગનો રોમાંચ બનેલો રહે !”
No comments:
Post a Comment