May 01, 2018

“હશે ત્યારે !” ને બદલે “થશે ક્યારે?”


  “હશે ત્યારે !” ને બદલે “થશે ક્યારે?” નું ચિંતન !

        મિત્રો, દ્વિતીય સત્ર પૂર્ણ થઇ ગયું છે, બાળકો પરીક્ષા આપી વેકશન માહોલમાં સમાઈ ગયા હશે અને આપ તેઓની જવાબવહી ચકાસણી પછી કેટલાક પ્રકારની ચિંતિત મુદ્રામાં હશો. એનું કારણ બાળકોની જવાબવહી એ આપણા સત્રની મહેનતનું પ્રતિબિંબ છે. જેમ સજવામાં ખુબ મહેનત કર્યા પછી પણ અરીસામાં આપણું રૂપ ન નિખરે ત્યારે જે હતાશા અનુભવીએ છીએ, તેવી જ હતાશા વર્ગખંડમાં ખુબ જ મહેનત કર્યા પછી પણ કેટલાંક બાળકોની જવાબવહી જોતાં  ઉભરી આવે છે. અને ત્યારે શિક્ષક તરીકેનો જીવ બબડે છે કે “મેં તો ઘણું શીખવ્યું પણ બાળકોને આવડતું જ નથી !” [ક્લિક કરો અને વિગતે વાંચો] – બળતરા સાચી પણ હોય છે – અંતે હારી થાકીને નિસાસો નાખીને આપણે કહી દઈએ છીએ – “હશે ત્યારે ... !” પરંતુ બાળકોના ચહેરાને સામે રાખી જો એક શિક્ષક તરીકે ચિંતન કરવાનું થાય ત્યારે એવાં બાળકો પ્રત્યે “ હશે ત્યારે.. ના ઠહેરાવ ને છોડી “થશે ક્યારે ?” ના ચિંતન તરફ આગળ વધીએ. આપણે અગાઉના અંકોમાં જેમ વાંચ્યું છે કે મહેનતનું પૂરું પરિણામ મળે તો જ મહેનત કહેવાય નહિ તો તે મજુરી છે. અને આપણી મહેનતનું પૂરું પરિણામ ન મળવાનું પહેલું અને છેલ્લું મોટું કારણ એ માત્રને માત્ર આયોજન વિનાની મહેનત ! આપણે મોટેભાગે બધાજ પ્લાનિંગ ફકતને ફક્ત મગજમાં લઈને ફરીએ છીએ જેમ કે ઘરે કોઈ પ્રસંગ હોય કે બહાર ફરવા જવાનું હોય ! આવી તમામ બાબતોમાં આપણું પ્લાનિંગ હોય છે પરંતુ મગજમાં – કાગળ પર નહિ ! અને પરિણામે જ ફલાણું ભૂલી જવાયું અથવા તો આ વસ્તુ ખૂટી – પેલી વસ્તુ વધી વગેરેની દોડાદોડી – અને છેલ્લે ફલાણાને લીધે રસોડું બગડ્યું – ઢીકણાને લીધે પાણીના જગ ખૂટ્યા – જેવા નિસાસા નાખી પ્રસંગને હોતી હૈ ચલતી હે વાળી કરી દઈએ છીએ. આવા ફકતને ફક્ત ઉપલક માનસિક આયોજનમાં ગમે તેટલો મસલ્સ પાવર સામેલ થાય તો પણ પ્રસંગના અંતે હેરાન થઇ ગયાનો ડાયલોગ સાંભળવા મળે જ છે !  જયારે એક જ બાબત એવી છે કે જેમાં લેખિત પ્લાનિંગને ખુબ જ મહત્વ આપીએ છીએ અને તે છે મકાન બનાવવામાં ! તેનાં ઘણાં કારણ છે જેમકે  – નાની નાની જગ્યાનો ઉપયોગ કરી સગવડતાઓ ભર્યું મકાન બને અને આપણને પણ દેખાય બન્યા પછી મારું ઘર આવું હશે – બનતાં સમયે પ્લાનમાં જોઈ ચેક કરી શકાય કે સાચી દિશામાં જ ચણાઈ રહ્યું છે કે નહિ અને – કાગળ પર લેખિત પ્લાનિંગ હોય તો આપણી મકાનની ભૂલ પણ જણાઈ આવે અને ત્રાહિત વ્યક્તિ કોઈ ફેરફાર પણ સૂચવી શકે ! અને છેલ્લે ઘર બનાવવા માટે આપણો બારીકાઇથી પ્લાનિંગ કરવા પાછળ એક ડાયલોગ એ પણ હોય છે કે – જીવનમાં ઘર એક વાર બનાવવાનું હોય છે એટલે પ્લાનીગ તો કરવું જ પડે ને ? એક્જેટલી, બાળકોના શિક્ષણ કાર્યનું પણ આવું જ છે આજે આપણા વડે તે જે શિક્ષણ મેળવવાનો છે તે ફરીથી કોઈની પાસેથી તેને ભવિષ્યમાં મળવાનું નથી ! અને જો આજનું શિક્ષણ તમે પ્લાનિંગ વગર જ પીરસી દેશો તો પ્લાનિંગ વિનાની ઈમારત જેવી ભવિષ્યની સ્થિતિ બાળકના શિક્ષણની થાય છે અને આપણને તો ત્યારે ખબર પડે છે જયારે જવાબવહી તરીકે આપણી પાસે આવે છે. માટે જ આંખો સામેનું લેખિત આયોજન અને મગજના અંદરનું માનસિક આયોજન ભલે લાગતું સરખું હશે, પરંતુ અસરકારકતા અને તેનાં પરિણામમાં જમીન આસમાન જેટલી ભિન્નતા હોય છે. માટે જ માનસિક આયોજનને  લેખિત આયોજનમાં ફેરવી દેશો તો મુશ્કેલીઓનું સાચું નિદાન તો થશે જ,  સચોટ ઉપચાર પણ મળશે ! આ માટેની આમારા તરફથી ૧૦૦% ગેરંટી સમજો !
😒😓😕😖😟😞😐😇😇😇😊

No comments: