June 22, 2018

मिले सुर जो मेरा तुम्हारा !



मिले सुर जो मेरा तुम्हारा !
દેશની વિવિધતા એ દેશના પ્રાણ છે.  વિવિધતા સ્વીકારવી પડે“ એવું વિધાન સાંભળવા મળે ત્યારે એમાં છેલ્લે “પડે” શબ્દ ખટકવો જોઈએ. વિવિધતા સ્વીકારવાની એટલે શું ? વિવિધતા હોય જ ! વ્યક્તિ વ્યક્તિ વચ્ચે, અરે એક જ વ્યક્તિમાં જુદા જુદા સમયે જુદાપણું હોય છે. શાળાના બાળકોને પણ આ બાબત સમજાવી જોઈએ. આપણે મોટા ભાગે કોઈક વિશે સાંભળેલું છે, વાંચેલું છે, પહેલાં અનુભવેલું તેના આધાર પર જ તે વ્યક્તિ/સમૂહ ને મળતા હોઈએ છીએ. તે પૂર્વગ્રહને કારણે વ્યક્તિ-વ્યક્તિ અને સમૂહ-સમૂહ વચ્ચેના વિવિધ સૂર મધુરું સંગીતને બદલે વિસંવાદિતા નો બેસૂરો આલાપ છેડી દે છે !
 આપણા બાળકોને આ મધુર સૂરની કેળવણી મળતી રહે છે. એમને જુદા જુદા વિસ્તારના વ્યક્તિઓને મળવાની તક અવારનવાર શાળાની મુલાકાત માટે આવતાં મુલાકાતીઓ દ્વારા મળતી રહે છે. અત્યાર રીતે  શિક્ષણ ક્ષેત્રના અધિકારીશ્રીઓએ અને શિક્ષકોએ શાળાની મુલાકાતો લીધી છે. શિક્ષણક્ષેત્રો  સિવાયના સારંગ પાટીલજી [ મહારાષ્ટ્ર ] અને નરેન્દ્ર મીસ્ત્રીજી [વડોદરા ] જેવા જાગૃત નાગરિકોએ શાળાની મુલાકાત લીધી છે.
        નવાનદીસરના ગ્રામોત્સવ પછી અન્ય ગામને પણ શાળા-ગામ વિશે જાણવાની ઈચ્છા થાય એ સહજ છે. આ તબક્કામાં ગાંધીનગર જિલ્લાના રાજપુર (કે જે પોતે પ્રયોગાત્મક ગામ છે, વર્ષોથી ત્યાં પાર્થેશભાઈ અને બિંદુબા ગામ સાથે કામ કરી રહ્યા છે.) અન્ય ગ્રામજનો, શિક્ષકો, વિદ્યાર્થી પ્રતિનિધિઓએ મુલાકાત લીધી. એ જ દિવસે વડોદરા જિલ્લાના બારિયાના મુવાડા  ગામની શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્યો પણ જોડાયા. શાળા અંગે એક અનૌપચારિક વાતચીત પછી વર્ગખંડોમાં વિદ્યાર્થીઓને ખલેલ ન પહોંચે તેમ મુલાકાત લીધી.
        ગામની અંદર પણ ફર્યા ત્યાં જ્યાં જ્યાં ગયા ત્યાં ગામ લોકો સાથે શાળા, શિક્ષણ અને સામાજિક જીવન અંગેની ચર્ચા કરી. અમને સૌને એક વાત સમજાઈ કે “સૌની  સમસ્યાઓ અને સ્થિતિ સરખી જ છે, તેમાંથી નીકળવાના પ્રયત્નો જુદા-જુદા છે.  અને એ પ્રયત્નોની આપ-લે એ જ અમારું ભાથું બન્યું.
  શાળામાં પરત આવ્યા પછી, રાજપુરથી આવેલ બિંદુબા  અને તેમની ટીમ વડે શાળાના વિદ્યાર્થીઓને એક “વિજ્ઞાનના રમકડાં બનાવવાનો વર્કશોપ” યોજાયો. તેમાં બનાવેલ રમકડાં હવે નવાનદીસરનો એ જ હિસ્સો થઇ જ જવાનો.
પરસ્પર આભાર માનવાનું કોઈ જ કારણ નહોતું, પરંતુ વણબોલાયેલા શબ્દોથી અમે જાણે શાળા વડે રાષ્ટ્રનિર્માણનું “MOU” કરી લીધું.

No comments: