School President Election- 2018 !
આપણા પ્રતિનિધિ,આપણી ફરજ !

કોઈ પણ દેશ પરફેક્ટ નથી...




આપણા પ્રતિનિધિ,આપણી ફરજ !

કોઈ પણ દેશ પરફેક્ટ નથી...
રંગ દે બસંતી ફિલ્મનો એ
સંવાદ આપણને સૌને યાદ જ છે.
“કોઈ ભી દેશ પરફેક્ટ નહી
હોતા ઉસે પરફેક્ટ બનાના પડતા હૈ!“ અને આપણું તો લક્ષ્ય છે “શ્રેષ્ઠ રાષ્ટ્રનું
નિર્માણ !” અહીં, શ્રેષ્ઠ એટલે
જ્યાં દરેકને પોતાનું જીવન જીવવા જેવું મજેદાર લાગે, પોતાના હક અને
ફરજ પ્રત્યે જાગૃતતા હોય અને પોતાની સ્વતંત્રતાને રક્ષીને બીજાની સ્વતંત્રતાને પૂર્ણ
આદર આપે. આમ, શાળા નામની નાનકડી ક્ષણછે અને તેનાથી ભારતવર્ષની
વાર્તા રચવાની છે.આ માટે છેલ્લા અગિયાર
વર્ષથી શાળાનું સંચાલન નાગરિક ઘડતર પ્રવૃતિના સભ્યો વડે થઇ રહ્યું છે, તેથી વિશેષ કોઈ જનરલ
સેક્રેટરી માટે ચૂંટણી કરવાની જરૂર નહોતી લાગતી. ગયા વર્ષે સતત રાષ્ટ્રપતિ ની ચૂંટણીનાં
સમાચાર સાંભળી વિદ્યાર્થીઓને તેનો અનુભવ પૂરો પાડવા પ્રથમ વખત બાળ પ્રમુખ અને ઉપ પ્રમુખની
ચૂંટણી યોજાઈ. તેમાં લક્ષ્યાંક એક તો તેઓ ચૂંટણી પ્રક્રિયા સમજે અને બીજો મતદાર
તરીકે તેમની પરિપકવતાના મૂળ આ ઉંમરથી જ જામે.
ગત વર્ષે સમજણ કરતાં
ઉત્સાહ વધુ હતો. (એવું હવે લાગે છે !)
પરિણામ આવ્યા પછી આખા
વર્ષ દરમિયાન તેમણે સંગઠિત થઇ જે રીતે
શાળાને લીડરશીપ પૂરી પાડી તેની અસર આ વખતના ઉમેદવારી કરનારા વિદ્યાર્થીઓ પર પાડી.
જેમ કે ગત વર્ષના પ્રમાણમાં ઉમેદવારની સંખ્યા ઘટી. તેમણે ચૂંટણી પૂર્વે જ જે જે સંગઠન
કરવાના હોય એ કરી લીધા. પોત પોતાના વર્તુળ નક્કી કર્યા અને પછી ફૉર્મ ભર્યા. સાથે
જ તેઓ શું કામ પ્રમુખ બનવા માંગે છે તે સમજણ પાકી કરી. ગત વર્ષે સેજલ અને રાહુલે
પૂરો પડેલો આદર્શ એમને હજુ યાદ છે.
અમે કે અત્યારસુધીના કોઈ સભ્યોએ ના ગણકાર્યા હોય
પ્રશ્નો જેવા કે, ગ્રીન હોલની કાળજી બરાબર નથી લેવાઈ રહી ! ઉપર જે તાડપત્રી
છે, તે બદલીને જાડી અને ફાટે
નહિ તેવી તાડપત્રી હોવી જોઈએ. અને વિશ્વાસ તો જુઓ, “હું પ્રમુખ બનું તો હું
એમ કરી શકું એમ છું !” અમને ના સુઝ્યા હોય તેવા ઉકેલ પણ. અત્યારથી જ નક્કી છે. “જો
પ્રમુખ બનું તો બે તાસની વચ્ચે શિક્ષકને રૂમ બદલાતા લાગતા સમયમાં જ દરેક ધોરણમાં
ત્રણ વિદ્યાર્થી જ ગૃહકાર્ય તપાસી લેશે. તો પ્લાસ્ટિક આવવા માંડ્યું છે છુટું
છુટું -એ ના ચાલે ! તેનો ઉકેલ લાવવાની વાત માંડે.
આવા મુદ્દાઓ સાથે તેમણે પ્રચાર કર્યો. ગામમાં
રોજ રોજ રેલી કાઢે. નવા નવા નારાઓ બનાવે. “હમારી નેતા કૈસી હો..... નેહલકુમારી
જૈસી હો.” જેવા ફિલ્મી નારા પણ ખરા. એકબીજાના ફળિયામાં જઈ વધુ મોટેથી પ્રચાર
કરવાના પ્રયાસ કર્યા. કેટલાક ઝઘડા પણ થયા. શાળા તરીકે એ લડાઈ પણ શીખવા – શીખવવાનો
આધાર હતી. અત્યારે લડે છે તો સમજાવી શક્યા કે આમ, કરવાથી તમારા મતમાં ફરક
નહિ પડે. કદાચ તમારા આવા સ્વભાવથી તમારી રેલી મોટી દેખાય પણ મતપેટીમાં તમે તળિયે ય
હોઈ શકો. ચૂંટણી લડવી એટલે પોતાની વાત એવી રીતે મૂકવી કે મતદારને તમારા પર ભરોસો
થાય. અને તે પછી છોડી દેવું જોઈએ મતદાર પર જ. આમ, આ વખતે માત્ર મતદાર ઘડતર
નહીં. નેતા તરીકે તમારે કેવા વલણો રાખવા જોઈએ અને કેવા કૌશલ્ય કેળવવા જોઈએ એ પર વધુ
ભાર રાખ્યો. આ વર્ષે પ્રચાર દરમિયાન ગામના મોટેરાઓ પણ આ ચૂંટણીમાં સક્રિય થયા. વાલીઓ
એ બાળકોને ભેગા કર્યા હોય એવા ય ઉદાહરણ મળ્યા. કેટલાકે રસપૂર્વક તેઓ શું કરી રહ્યા
છે એ સાંભળ્યું તો કેટલાકે આ શું નકામો ઘોંઘાટ માંડ્યો છે એમ ટપાર્યા. (એમાં અમને એવો વિચાર પણ આવ્યો કે આવતા વર્ષે શાળાના બાળ પ્રમુખ
માટે તમામ (ભણીને ગયેલા અને હાલના) વિદ્યાર્થીઓ મત આપશે. અને પ્રમુખ ચુંટાયા પછી
તરત જ આ પ્રસ્તાવ મુકવાનું નક્કી કર્યું છે.)
ચૂંટણીના દિવસે તમામ સ્ટાફ કામગીરી તેમણે જાતે
સંભાળી. તેમાંય કેટલાકે પોતાના તરફી વાતાવરણ બનાવવા પ્રયત્ન કર્યા તો સામે બીજાએ
વાંધો પણ ઉઠાવ્યો. ચૂંટણી અધિકારીએ તે અંગે નિર્ણય પણ લીધા. ધોરણ પહેલા અને બીજાના બાળકોને મત નહોતો આપવાનો
પણ તેઓ અમારા આગામી વર્ષોના મતદારો છે. તેમને ચૂંટણી બુથની મુલાકાત લેવડાવી મત
કેવી રીતે અપાય તે સમજાવ્યું.
હજુ સોમવારે મત ગણતરી છે, અને ગામ આખામાં એ ચર્ચા છે
કે કોણ જીતશે ? સાથે જ જાણે
ધારાસભ્યની ચૂંટણી હોય એમ કયા મત કઈ બાજુ ગયા હશે એવા અનુમાનો પણ થઇ રહ્યા છે.
કારણ ગમે તે હોય પણ આ વધુ એક રસ્તો છે ગામને શિક્ષિત કરવાનો.
આ વિદ્યાર્થીઓ જ તેમના આ આક્રમક પ્રચાર પછી જે
ખેલદિલી બતાવી હાર અને જીત બંને ભૂલી એક થઇ શાળા માટે નેતૃત્વ પૂરું પાડશે અને
એમના માતા પિતાને ગામ માટે એવું જ નેતૃત્વ પૂરું પાડવાનું બોલ્યા વગર શીખવશે.




No comments:
Post a Comment